રફતા રફતા ખત્મ કર દૂંગા અંધેરોં કા વુજૂદ, હર કદમ પર રોશની કી બાત કરતા જાઉંગા.
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
હો ગઇ શહર સે રુખસત આંધી,
ફિર ઘરૌંદો કો સજા લો યારો
*
ઝિન્દગી કી હસીન રાહોં મેં
બારહા મુઝકો તેરી યાદ આઇ.
મેરે બિછડે હુવે હસીં સાથી
રાસ આઇ ન મુઝ કો તન્હાઇ.
*
દોસ્તો, કિતના ખુશનસીબ હૂં મૈં
મેરે સીને મેં જખ્મ પલતે હૈ.
કૌન કેહતા હૈ મેં અકેલા હૂં
ગમ મેરે સાથ સાથ ચલતે હૈ.
-અઝીઝ કાદરી
લોકપ્રિય શાયરો સાથે જુદાં જુદાં નગરો – મહાનગરોમાં મુશાયરા ગજવનાર અઝીઝ કાદરીની ગઝલોમાં સાચુકલા શાયરની ઓળખ પામી શકાય છે. આ શાયરનું પૂરું નામ અબ્દુલઅઝીઝ અહમદમિયાં કાદરી છે. ૨૬ ઑક્ટોબર ૧૯૩૨ના રોજ વડોદરામાં જન્મેલા આ શાયરના દાદા કાસમમિયાં ગાયકવાડી રાજ્યમાં ફારસી ભાષાના શિક્ષણ અધિકારી હતા. તેમ જ કવિ હતા. પિતા પાસેથી શાયરીની વિરાસત મેળવનાર આ શાયરે ૧૮ વર્ષની વયે ગઝલો લખવાનો આરંભ કર્યો હતો. તેમને ગઝલની શિક્ષા-દીક્ષા આપનાર ગુરુમાં ‘અસર’ સાલેરી અને ‘દર્દ’ બઠોદવીનો સમાવેશ થાય છે. મેટ્રિક પાસ આ શાયર, પાંચ દાયકા સુધી પત્રકારત્વ અને મજૂર ચળવળ સાથે સંકળાયેલા રહ્યા હતા. શ્રમિકો અને શોષિતોના પડખે ઊભા રહીને તેમણે હંમેશાં ઇન્સાન અને ઇન્સાનિયતના પ્રહરી તરીકે કામ કર્યું હતું.
તેમના ઉર્દૂ ગઝલસંગ્રહ ‘સફર’ને ગુજરાતની ઉર્દૂ સાહિત્ય અકદામી તરફથી પ્રથમ પારિતોષિક અપાયું હતું. તેમનું ગૌરવ પુરસ્કાર દ્વારા પણ સન્માન કરાયું હતું. આઇનએ સદાકત, ચિરાગે અકીદત, સદાએ ગમ તેમનાં અન્ય પુસ્તકો છે.
તેમનો ગુજરાતી ગઝલ સંગ્રહ ‘કેડી’ ૧૯૮૪માં અને ‘તરસ’ ૧૯૯૭માં પ્રકાશિત થયેલ છે. ઉપવન, સરદાર સરોવર બંધાશે અને આહ કરબલા નામનાં તેમનાં પુસ્તકો પણ સારી રીતે પોંખાયા છે.
યાદ અને ફરિયાદ, આનંદ અને વિષાદ, શબનમ અને ચિનગારી, કલ્પના અને હકીકત, સ્મિત અને આંસુનો સંગમ-સમન્વય ધરાવતી તથા જીવનના વિશાળ પટ પર વિહરની તેમની શાયરીનો હવે રસાસ્વાદ કરીએ ૮૬ વર્ષની મજલ કાપી ચૂકેલા આ શાયરને ઉમ્રે-દરાઝ માટે શુભેચ્છા પાઠવીએ.
- એ જવાની કિતની ભટકી હૈ ગમોં કી ધૂપ મેં,
આઇના તો દેખ, તેરા રંગ કૈસા હો ગયા!
એ યુવાની! તું વેદના-વ્યથાના તડકામાં રખડીને કેવી થઇ ગઇ છે! તું અરીસા સામે ઊભી રહેશે તો ખબર પડશે કે તારો રંગ કેવો બદલાઇ ગયો છે! - મુંહ છુપાકર કિસ લિયે તન્હાઇ મેં બૈઠા રહૂં!
મૈં કોઇ કૈદી નહીં હૂં કૈદ સે ભાગા હુવા.
હું આવી રીતે મારું મોઢું સંતાડીને એકાન્તમાં શા માટે બેસી રહું. હું કારાવાસમાંથી ભાગી છૂટેલો કોઇ કેદી નથી કે આવું કરું! - તુમ મુઝે ભૂલ ગયે હો કહીં ઐસા તો નહીં,
ગૈર કી યાદ કો સીને સે લગાયા તો નહીં.
તમે મને વિસરી ગયા હો તેવું તો નથી ને! કોઇ બીજા-પરાયાની યાદોને તમોએ તમારી છાતી સરસા ચાંપ્યા તો નથીને! - તિરનગી ઇસ કી બુઝાનેવાલા કોઇ ભી નહીં.
સામને પનઘટ કે બૈઠા હૈ, મગર પ્યાસા હૈ વહ.
તેની તરસ છીપાવવાવાળું કોઇ પણ નથી. તે જ્યાં બેઠો છે તેની સામે જ પનઘટ છે. છતાં તે તો હજુ તરસ્યો જ છે. - સાદગી ઇતની ભી અચ્છી નહીં, નાદાં ન બનો,
પ્યાર કો પ્યાર, અદાવત કો અદાવત સમજો.
તમારી આટલી બધી સાદગી સારી બાબત નથી. તમે આટલા ભોળા ન થાવ, પ્રમને પ્રેમ સમજો અને શત્રુતાને શત્રુ સમજો (તેમાં જ તમારું શાણપણ છે) - ફરિશ્તોં જેસા બન કે ક્યા કરુંગા?
અઝીઝ ઇન્સાન બનના ચાહતા હૂં.
હું દૂત-કાસદ બનીને શું કરીશ-મારા મિત્ર હું તો માનવ બનવા માગું છું. આમ, માણસમાત્ર ફરિશ્તા કરતા પણ ઊંચો-મોટો છે તે વાત પર શાયરે કેવો ભાર મૂક્યો છે! - દિલ કે ટુકડોં કો કહાં જોડ સકા હૈ કોઇ,
આઇના ટૂપ હુવા લોગ બના ભી દેતે.
તૂટેલા-ફૂટેલા અરીસાને તો લોકો ફરીથી સાંધી-જોડી દેતા હોય છે. પરંતુ હ્રદયના ટુકડાઓને કોઇ ક્યારેય જોડી શક્યું છે ખરું? - મૌમ કા ઘર હૈ મેરા, નીંદ સે ચૌક ઉઠતા હૂં,
ખ્વાબ મેં જબ ભી મેરે સામે આતે હૈં ચરાગ.
મારું ઘર મીણનું છે. મને સ્વપ્નામાં કોઇ દીપક દેખાય છે ત્યારે હું ઊંઘમાંથી સફાળો જાગી જાઉં છું. મને એવી શંકા જાય છે કે આ મારા મીણ ઘરમાં ક્યાંક આગ તો નહીં લાગી જાય ને! - રાહે હ્યાત સખ્ત અગર હૈ તો ક્યા હુવા!
ઝિન્દા દિલોં કી તરહ કરુંગા સફર તમામ.
જીવતરનો માર્ગ કઠણ છે તો શું થયું? મને તેની જરા પણ પરવા નથી. હું તો પ્રસન્ન ચિત્તે-સાવધ રહીને મારી જીવનયાત્રા અચૂક પૂર્ણ કરીશ. - વહી બેબસી, વહી બેકસી, વહી ઇઝતેરાબ હૈ આજ ભી,
વહ જો આગ તૂને લગાઇ થી મેરી ઝિન્દગી મેં બુઝી નહીં.
મારા જીવનમાં તમે જે આગ લગાડી હતી તે હજુ એમ ને એમ જ છે. તે આગ હજુ બુઝાઇ નથી માટે તો હું આજે પણ લાચાર, વિવશ, વ્યગ્ર તેમ વ્યાકુળ છું. - દોસ્તોં જિસ્મ કો જખ્મોને બનાયા હૈ હસીં,
ઐસા લગતા હૈ કિ શાખોં પે સમર આયે હૈ.
ઓ મારા મિત્રો! આ જખ્મોએ મારા શરીરને વધુ સુંદર બનાવી દીધું છે. કોઇ વૃક્ષની ડાળીઓ પર ફળ આવ્યાં હોય તેવું લાગી રહ્યું છે. - જીને દો અજનબી કી તરહ મુઝકો શહર મેં,
લોગો કો દોસ્તો, મેરે ઘર કા પતા ન દો.
આ નગરમાં મને કોઇ અજાણ્યા માણસની જેમ રહેવા દો. ઓ મિત્રો! લોકોને મારા ઘરનું સરનામું ન આપવાની તમને સૌને વિનંતી છે. - મિટ્ટી કા ઘર હૈ મેરા, મેરે ઘર કો ઢા ન દો,
જલતે હુવે મહલ મેં મુઝે આસરા ન દો.
મારું ઘર માટીનું બનેલું છે. તેને આમ તોડી ન પાડો. આ (વિશ્ર્વના) બળતા મહેલમાં મને આસરો આપવાની જરૂર નથી. - ઘર બના લે કિસી બહતે હુવે ઝરને કે કરીબ,
મૈં તો સૂખા હુવા દરિયા હૂં, મેરે પાસ ન આ.
ખળખળ વ્હેતાં ઝરણાંની પાસે તું તારું ઘર બનાવી લે. તું મારી પાસે ન આવજે. કારણ કે હું તો સૂકાઇ ગયેલી નદી છું. - તુમ તો ઇક તાઝા ફસાના હો, તુમ્હારી ધૂમ હૈ;
મૈં પુરાની દાસ્તાં હૂં, કૌન સુનતા હૈ મુઝે.
તમે તો એક તાજી કથા છો. તમારું નામ ચારેકોર ચર્ચાઇ રહ્યું છે. જ્યારે હું તો જૂનીપુરાણી વાર્તા છું. મને કોણ સાંભળે છે? - કોઇ સાથી, ન કોઇ દોસ્ત, ન કોઇ હમદર્દ;
અજનબી બનકે તેરે શહર મેં ભટકા અકસર.
ન કોઇ સાથીદાર, ન કોઇ મિત્ર, ન તો મારા દુ:ખનો કોઇ ભાગીદાર છે. હું તારા નગરમાં અજાણ્યો માણસ થઇને આમતેમ રખડયા કરું છું. - ઝબાનેં કાટકર સચ બોલનેવાલોં કી મહેફિલ મેં,
ખુશી સે ઝૂમ ઉઠા કાતિલ કિ અબ સચ કૌન બોલેગા!
સાચું બોલનારાઓની મહેફિલ (સભા)માં પેલા કાતિલે બધાની જીભ તો કાપી નાખી છે. કાતિલ પૂછે છે કે હવે સાચું કોણ-કેવી રીતે બોલશે? - કહાં કી મય, કહાં કા જામ-ઓ-સાગર,
મૈં અપના ખૂન પી કર જી રહા હૂં.
તમે સુરા, પ્યાલા અને પાત્રની વાત કેમ કરી રહ્યા છો? આરે ભાઇ, હું તો મારું પોતાનું લોહી પીને જીવી રહ્યો છું. - આજ તક નિકલા ન કોઇ હમનવાઇ કે લિયે,
ઇસ ઘની બસ્તી મેં રહકર મૈં અકેલા હો ગયા.
વિચારોની સમાનતા ધરાવતો કોઇ એક જણ પણ મને ક્યારેય મળ્યો નહીં. હું ચિક્કાર વસ્તીમાં રહીને પણ સાવ એકલપટ્ટો થઇ ગયો! - વક્ત કહતે હૈં મુઝે કામ હૈ ચલના મેરા,
મેં તેરી નબ્ઝ નહીં હૂં કિ ઠહર જાઉંગા.
સમય કહે છે કે મારું કામ તો સતત ચાલવાનું છે. હું કાંઇ તારી નાડી નથી કે હું ક્યાંક અટકી જઇશ. - મુઝે સાહિલ કી હસરત હી નહીં હૈં,
મૈં તૂફાનો મેં જીના ચાહતા હૂં.
મને કિનારાની કોઇ લાલસા-અભિલાષા નથી. હું તો તુફાનોની વચ્ચે જીવી લેવા માગું છું. - રફતા રફતા ખત્મ કર દૂંગા અંધેરોં કા વુજૂદ,
હર કદમ પર રોશની કી બાત કરતા જાઉંગા.
હું અંધકારના અસ્તિત્વને ધીમે ધીમે ખતમ કરી નાખીશ. હું તો ડગલેને પગલે ઉજાસની વાતો કરતા કરતા આગળ વધતો રહીશ. - ખુદ કો સૂરજ સમઝના ખતા થી મેરી,
અબ ઉજાલોં સે મહરુમ હૂં દોસ્તો.
હું મને પોતાને સૂર્ય સમજતો હતો તે મારી ભૂલ હતી. માટે તો ઓ મારા મિત્રો, હવે હું ઉજાસ-પ્રકાશથી અળગો થઇ ગયો છું. - હો ગઇ શહર સે રુખસત આંધી,
ફિર ઘરોંદો કો સજા લો યારો.
હિંસાની આંધીએ નગરમાંથી વિદાય લઇ લીધી છે. હવે તેનાથી ગભરાવવાની જરૂર નથી ઓ સાથીદારો, હવે તમારા ઊજડી ગયેલા ઘરને ફરીથી સજાવી-શણગારી લો. - કત્રે કત્રે સે જહાં રિન્દ હો મેહરૂમ ‘અઝીઝ’,
ઐસે મયખાને કો સબ આગ લગા દી જાએ.
જ્વાં શરાબી સુરાના એક એક ટીપા માટે વંચિત હોય (વલખા મારતો હોય) તેવા સુરાલયને આગ લગાડી દેવાની શાયરે હિમાયત કરી છે.