પ્રાઉડ ઓફ યુ માય બચ્ચા…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
ગુજરાતી સાહિત્યમાં અનેક જગ્યાએ દીકરીને યાયાવર પંખી સાથે સરખાવાઈ છે. યાયાવર હોવું એટલે શું? ગુજરાતી શબ્દ યાયાવર માટે અંગ્રેજી શબ્દ છે માઈગ્રેટરી મતલબ કે સ્થળાંતર કરનાર અથવા એક જગ્યાથી બીજી જગ્યા જનાર વ્યક્તિ અથવા જીવને યાયાવર કહેવાય. તમને થશે કે આજે આ યાયાવર કેમ યાદ આવ્યા મને ? કારણ કે આજે તારીખ ૧૪મી ઓકટોબર ૨૦૨૩ના રોજ વિશ્ર્વ યાયાવર પક્ષી દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. આમ જુઓ તો બાળપણમાં શિયાળામાં હવામાં અંગ્રેજી ટ આકારમાં ઉડતા પંખીઓ આપણે જોયા છે. બરોબર છે, હું કુંજની જ વાત કરું છું. સૌ જાણે છે કે કુંજ ચડતા શિયાળે છેક સાયબીરિયાના કાતિલ શિયાળાથી બચવા માટે ભારતના સહન થઈ શકે એવા વાતાવરણમાં ભારત સુધીનો પ્રવાસ કરે છે.
આ મુદ્દે લખવા માટે મને ગુજરાતનો એક શાંત અને સૌમ્ય પર્યાવરણ વિજ્ઞાની યાદ આવી ગયો. નામ છે એનું હરીન્દ્ર બારિયા, હરીન્દ્રભાઈનો નાનો પરિચય મેળવી લઈએ. તેઓ પ્રકૃતિપ્રેમી છે, અને વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, દેહરાદૂન ખાતે હાલ પી.એચ.ડી. કરી રહ્યા છે. તેમનો વિષય છે માઈગ્રેશન બિહેવિયર ઓફ કોમન ક્રેન એટલે કે કુંજના સ્થળાંતર દરમિયાનની વર્તણૂક. અનેક પક્ષીઓ મોટેભાગે જે કારણોસર સ્થળાંતર કરે રહ્યાં છે તેમના સ્થળાંતરની સમગ્ર પ્રક્રિયાનો અભ્યાસ અને તેનાં તારણો. તેમણે નોંધ્યું છે કે સાયબીરિયાથી ભારત આવતા કુંજ મોટે ભાગે રણ વિસ્તારો પરથી ઊડીને ભારત સુધી પહોંચે છે. હરીન્દ્રભાઈ તેમના સ્થળાંતરના પ્રવાસના આ રણવિસ્તારના રૂટ અંગે માને છે કે કુંજે ભારત આવતા દરમિયાન લગભગ ૪૫૦૦ કિલોમીટરનો હવાઈ પ્રવાસ કરવો પડે છે. સમગ્ર રણ વિસ્તારમાં ગરમીને લીધે હવા ઉપર તરફ વહેતી હોવાથી કુંજભાઈને આટલા લાંબા પ્રવાસ માટે ઊડવાનું ઓછું અને ગરમ હવાના પ્રવાહો પર તરવાનું એટલે કે ગ્લાઈડ કરવાનું વધુ અનુકૂળ પડે છે. છે ને નાની પરંતુ મજાની વાત ? પરંતુ હરીન્દ્રભાઈની વ્યક્તિગત વાતો માત્ર એમના પરિચય પૂરતી જ સીમિત રાખવાની છે. આજે આપણે વાતો કરીશું પક્ષીઓના સ્થળાંતરની થોડી અવનવી અને અજાણી વાતો.
આજથી થોડી સદીઓ પહેલા શિયાળામાં પક્ષીઓ ગાયબ થઈ જતાં ત્યારે તેના વિષે કેવી અજાયબ વાતો વિદ્વાન માણસો કરતાં એ મજા પડે એવી વાતો છે.
શિયાળામાં દેખાતા બંધ થઈ જતાં પક્ષીઓ બાબતે મહાન ફિલોસોફર એરિસ્ટોટલ કહેતા હતા કે સમર રેડસ્ટાર્ટ નામનું પંખી શિયાળામાં પોતાનું રૂપ બદલીને રોબિન નામનું પંખી બની જાય છે !. આવી અજાયબ માન્યતાઓ સદીઓ સુધી લોકોમાં પ્રચલિત રહી. કારણ એ હતું કે રેડસ્ટાર્ટ નામનું પંખી શિયાળામાં ગ્રીસ છોડીને આફ્રિકાના સહારાના રણ પ્રદેશમાં જતું રહેતું હતું, અને રોબિન નામનું પંખી શિયાળામાં પોતાના વતનમાંથી બચ્ચા જણવા ગ્રીસ આવતું હતું. હવે તમે જ કહો એરિસ્ટોટલની થિયરીને કોણ પડકારવાનું હોય ?
આવી જ એક ઉક્તિ મહાન કવિ હોમરના ઇલિયાડમાં મળી આવે છે. હોમરે ઈલિયાડમાં વર્ણવ્યું છે કે ઉત્તર યુરોપના માર્શલેન્ડમાં ઈંડા મૂકતાં કોમન ક્રેન નામના પંખીઓ હકીકતે તો પૃથ્વીના છેડે વસતા વહેંતીયાઑ સામે યુદ્ધ કરવા માટે જાય છે ! તો પછી પક્ષીના સ્થળાંતર બાબતે પ્રચલિત આવી રમૂજી વાયકાઓના લીધે આધુનિક વિજ્ઞાન સાચી હકીકત કેવી રીતે જાણી લાવ્યું હશે ? પક્ષીઓ શિયાળામાં કાદવમાં છુપાઈ જઈને શીતનિંદ્રામાં જાય છે જેવી અનેક વાતોનું ખંડના થવા પાછળની કહાની પણ
રસપ્રદ છે.
સન ૧૮૨૨માં જર્મનીના કલુત્ઝ નામના એક ગામમાં એક બગલો મળી આવ્યો. આ બગલાની ડોકમાં એક તીર આરપાર નીકળેલું હતું. આ બગલાની ડોકમાં ફસાયેલા તીરનો અભ્યાસ કરતાં અભ્યાસુઓને માલૂમ પડ્યું કે અરે આ તીર તો આફ્રિકાના આદિવાસીઓ વાપરે એ છે ! આ ઘટનાએ પક્ષીશાસ્ત્રીઓને વિચારતા કરી મૂક્યા. પક્ષીઓ પાણીમાં, કાદવામાં છુપાતા નથી કે નથી સ્વરૂપાંતર કરીને બીજી જાતિનું પક્ષી બનતા, પરંતુ બગલાવાળી ઘટના એ સૌ પ્રથમ ઘટના હતી જેના આધારે પક્ષીઓ શિયાળે બીજા દેશોમાં સ્થળાંતરિત થાય છે તે મુદ્દે પક્ષીવિજ્ઞાનીઓ વિચારતા થયા હતા.
દેશમાં એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે આપણે જેમ હાઈ-વેનો ઉપયોગ કરીએ છીએ તેમ કાતિલ શિયાળાથી બચવા પક્ષીઓ જે હવાઈ માર્ગ રેગ્યુલરલી વાપરે છે તે માર્ગને ફ્લાય-વે તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર અમેરિકામાં કુલ મળીને આવા ચાર ફ્લાય-વે છે અને યુરેશિયા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાને જોડતા આવા છ ફ્લાય-વે નોંધાયા છે. પૃથ્વીના ઉત્તરીય વિસ્તારના પક્ષીઓ ભારત આવવા માટે સેન્ટ્રલ એશિયન ફ્લાય-વેનો ઉપયોગ કરે છે. ભારતમાં જોવા મળતી પક્ષીઓની જાતિઓમાંની આશરે ૪૦% જાતિઓ યાયાવર પક્ષીઓ છે જે જુદા જુદા દેશોમાંથી આવીને મર્યાદિત સમય માટે વસેલા હોય છે.
કુંજથી શરૂ થયેલી વાત ફરી એકવાર તાજી કરીએ. સદીઓથી કુંજની કુલ મળીને ત્રણ જાતિઓ શિયાળે ભારત આવતી (૧) કોમન ક્રેન, (૨) ડેમોઈસેલ ક્રેન અને (૩) સાયબીરિયન ક્રેન, પરંતુ આમાંની સાયબીરિયન ક્રેન છેલ્લે ૨૦૦૨માં ભારતમાં જોવા મળેલા અને ત્યાર બાદથી તેમણે ભારત આવવાનું છોડી દીધું છે. આની પાછળનું રહસ્ય એ છે કે તેમના માર્ગમાં આવતા અફઘાનિસ્તાનમાં તેમનો મોટેપાયે શિકાર થયો હતો અને તેના લીધે તેમણે આવવાનું બંધ કર્યું અથવા નાશ પામ્યા.
ભારતમાંથી વિદેશ જતાં પક્ષીઓ પણ છે. બાર હેડેડ ગુઝ એટલે કે હંસની એક જાત એવરેસ્ટ ઉપરથી ઉડીને છેક તિબેટમાં આવેલા નેસ્ટિંગ ગ્રાઉન્ડ
સુધી પહોંચે છે. તેઓ ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઊડીને પ્રવાસ કરે છે ત્યારે હવાની ઝડપ પ્રતિ કલાક ૩૦૦ કિમીની હોય છે, ત્યાં ઑક્સિજન પણ ખૂબ ઓછું હોય છે, પરંતુ આ હંસલાઓએ પોતાના શરીરને તેના માટે પણ તૈયાર કરી લીધા છે.
ઉત્તર ચીન અને મંગોલિયાના અમૂર પ્રાંતનું બાજ શિયાળે આખું ચીન, મ્યાનમાર, ભારત પસાર કરીને એક ઉડાને આખો અરબ સમુદ્ર પસાર કરીને સોમાલિયા થઈને દક્ષિણ આફ્રિકા પહોંચે છે. આ આખી ઉડાન દરમિયાન આ અમૂર બાજ ભારતમાં એવા સમયે ઉતારો કરે ભવવય જ્યારે ઊધઈની સંખ્યા ખૂબ વિપુલ માત્રામાં હોય છે. અને તેઓ આ ઊધઈની મિજબાની ઉડાવીને પેટની આગ ઠારે છે અને પુષ્કળ માત્રામાં પ્રોટીન દ્વારા ઊર્જા એકત્રિત કરી લે છે.
અંતે વિશ્ર્વની સૌથી લાંબી સ્થળાંતરની ઉડાન વિષે જાણી લઈએ. એક બાર-ટેઈલ્ડ ગોડવીટ નામનું પક્ષી આલાસ્કાથી ઉડાન ભરે છે અને ક્યાંય પણ રોકાયા વગર સળંગ ૧૧ દિવસમાં ૮,૪૨૫ માઈલની ઉડાન કરીને ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયા ખાતે પહોંચેલું અને પક્ષીઓના લોન્ગેસ્ટ નોન-સ્ટોપ માઈગ્રેશનનો રેકોર્ડ બનાવેલો.
અંતે એટલું કહીશ કે પોતાના બાળકને વિદેશ ભણવા મોકલતા માનવને ફેસબુક પર પ્રાઉડ ઓફ યુ, માય બચ્ચા… એવું સ્ટેટસ મૂકવાનો અધિકાર છે ખરો?