વીક એન્ડ

પ્રાગૈતિહાસિક સાપ, વાસુકી અને વિવાદ…

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

હમણાં ચૂંટણીના સમાચારોની વચ્ચે ચેનલ સર્ફિંગ કરતા એક ટીવી ચેનલ પર ન્યૂઝનો એન્કર ઉત્સાહ અને ઝનૂનપૂર્વક બોલી રહ્યો હતો કે અબ મિલ ગયે સબૂત કી વાસુકી નાગ કોઈ મીથ નહીં હૈ, ભારતીયો કી કલ્પના માત્ર નહીં હૈ… ગુજરાત કે કચ્છ મેં મિલે વિશાલકાય વાસુકી નાગ કે અવશેષ ! ઓ તારી… વાસુકીના અવશેષ ? જેવા તેવા અને લાંબું ન વિચારનારાઓ તો માની પણ લે… વિધિસર પત્રકારત્વ ભણ્યા બાદ મને સમજાવા લાગ્યું કે કોઈ પણ પત્રકાર સામાન્ય વાતને પણ એક રોચક સ્ટોરીનું સ્વરૂપ ખૂબ જ સરસ રીતે આપી શકે. અને અધૂરામાં પૂરું, સોશ્યલ મીડિયા પર ચૂંટણીના સંદર્ભે પક્ષો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. અમુક લોકો કહેતા હતાં કે વાસુકીનું નામ આપીને ફલણો પક્ષ વોટ પડાવવા માગે છે અને બીજો પક્ષ તેની સામે એવી જ રીતે વિરોધમાં કોમેન્ટ્સ કરી રહ્યા હતા.

મીડિયામાં ચાલી રહેલો વાસુકી નાગના અવશેષ મળવાનો મુદ્દો આમ તો રસપ્રદ છે, અને બીજો મુદ્દો એ છે કે કોઈ પણ વાતને ઉપરછલ્લી રીતે રજૂ કરતું મીડિયા અને તેના પર સહેજ પણ વિચાર કર્યા વગર રીકટ કરનારા આપણે કેમ સાવ ઉપલક રીતે જ વર્તીએ છીએ ? કે પછી કોઈ વાતના ઊંડાણમાં
જવામાં આપણને જાજો રસ નથી? તો ચાલો આજે આપણે ગુજરાતનાં કચ્છ જિલ્લાના પાનંધ્રો ખાતે મળી આવેલા મહાકાય સર્પ અંગે થોડી વૈજ્ઞાનિક માહિતીને એકદમ સામાન્ય ભાષામાં સમજીએ. થયું છે એવું કે પાનંધ્રો ખાતે લિગ્નાઈટ(કોલસા)ની ખાણના ખોદકામમાં વિશાળ પ્રાણીના હાડકાના અવશેષો મળી આવ્યા છે.

આ મસમોટા હાડકાઓને જોઈને પુરાતત્ત્વ વિભાગને જાણ કરવામાં આવી અને આવા અવશેષોના સંશોધનમાં માહિર એવી આઈ.આઈ.ટી. (રૂરકી)ની ટીમે તેના પર ઊંડાણથી સંશોધન કર્યું. ગયા મહિને એટલે કે એપ્રિલ ૨૦૨૪ માં જ આ શોધ દુનિયા સામે મૂકવામાં આવી છે કે વિશ્ર્વમાં ઘણા દેશોમાં મળી આવેલા પ્રિ-હિસ્ટોરિક મહાકાય સર્પોના નમૂનાઓમાં ગુજરાતમાં મળી આવેલા સાપના અવશેષો કદમાં સૌથી મહાકાય છે. અગાઉ આ સર્પ જેટલા કદના સાપના અવશેષો મળ્યા નથી.

હવે તેનો થોડો ઈતિહાસ જોઈ લઈએ… આપણે સારી રીતે જાણીએ છીએ કે અખાતના દેશો, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને સમગ્ર એશિયા પૂર્વે એકબીજા સાથે જોડાયેલા હતા. કરોડો વર્ષો પૂર્વે કાળક્રમે ધરતી પર જે ઊથલપાથલ થઈ તેમાં આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયા ખંડ જુદા પડ્યા. અને માત્ર આ જ કારણે ઘણાં પ્રાણી, પક્ષીઓ આ બંને ખંડોમાં એકસરખા જોવા મળે છે.

આ તો વાત થઈ આજની, તો હજારો લાખો વર્ષો પૂર્વે
જે જીવો નાશ પામી ગયા તેમના અવશેષોમાં પણ જ્યારે એકસમાનતા જોવા મળે ત્યારે આ વાત સાબિત થાય છે. પાનંધ્રો ખાતેથી મળેલા મહાકાય સર્પના આ અવશેષોમાં
સર્પના એક નમૂનાની કરોડરજ્જુના લગભગ ૨૭ નમૂના મળી આવ્યા છે.

આ અવશેષોના કદ પરથી પેલીયન્ટોલોજીસ્ટોનું અનુમાન છે કે આ સર્પની ઓછામાં ઓછી લંબાઈ અગિયાર મીટર અને મહત્તમ લંબાઈ પંદર મીટર જેટલી હશે. હવે કલ્પના કરો કે આ સાપ જ્યારે જીવતો હશે ત્યારે તેની લંબાઈ મહત્તમ આશરે પચાસેક ફૂટ જેટલી હશે. વૈજ્ઞાનિકો કોઈ નાશ પામેલી પ્રાણીની જાતિનું સંશોધન કરે તેને તે જાતિનું નામ પાડવાનો અધિકાર હોય છે. તેથી રૂરકીના સંશોધકોએ ભારતીય સંસ્કૃતિમાં શિવજીના ગાળામાં શોભતા વાસુકી નાગનું નામ પસંદ કરીને આ સાપને વાસુકી ઇન્ડિકસ નામ આપી દીધું છે, પરંતુ આપણે આ સમાચારની બિહાઈન્ડ ધ સીન સ્ટોરીની વાત જાણતા જ નથી એટલે આપણે એવું માની બેઠા છીએ કે સાચુકલા વાસુકી નાગના અવશેષો મળી આવ્યા.

વાસુકી નામ આપવા પાછળ માત્ર શિવજી અને તેમના ઘરેણાં જેવા વાસુકી નાગનું ધાર્મિક મહત્ત્વ ઊભું કરવાનો આશય નથી. એ સિવાય એક બીજો મુદ્દો છે જેના લીધે પાનંધ્રોમાં મળેલા આ અવશેષોનું નામ વાસુકી પાડ્યું. શિવજીના ગળામાં ઘરેણું બનવા સિવાય વાસુકી નાગને આપણે એક બીજી વાર્તાને લીધે પણ ઓળખીએ છીએ.

દેવો અને દાનવો વચ્ચેના સંઘર્ષના સમયે સમુદ્રમંથન થયું હતું અને પર્વતથી સમુદ્રને વલોવવા માટે જરૂરી મહાકાય દોરડાના સ્થાને કહેવાય છે કે વાસુકી નાગનો ઉપયોગ કરવામાં આવેલો. આ કિવદંતી મુજબ કલ્પના કરીએ તો પર્વતને વલોણું બનાવીને ફેરવી શકાય એવા સાપના કદની કલ્પના કરો જરા… આમ આપણા પુરાણોમાં જે કલ્પના છે કે સાપ પણ મહાકાય હતા, તેને પ્રતીકાત્મક રીતે જોડીને આ સાપને વાસુકી ઇન્ડિકસ નામ આપવામાં આવેલું.

વાસુકી તો જાણે સમજ્યા, પણ આ ઇન્ડિકસ શું છે એવો પ્રશ્ર્ન જરૂર થાય. તો ચાલો એ સમજીએ.

પ્રાણીઓની જાતિઓ જે તે વિસ્તાર પૂરતી જ સીમિત હોય અને અન્ય કોઈ જગ્યાએ એ જાતિ વસતી ન હોય તો એ પ્રાણી જે તે વિસ્તારનું ‘ઇન્ડીજિનસ’ છે એવું કહેવાય છે. હવે પાનંધ્રો ખાતે જે સાપ મળ્યો તે સાપનું કુળ ‘મદત્સોઈડ’ છે. આફ્રિકા અને અન્ય જગ્યાઓ પર મળી આવેલા આવા અન્ય મહાકાય કુળમાંનું એક છે ટાઈટન બોઆ એટલે કે મહાકાય અજગર, પરંતુ આજદિન સુધી મળી આવેલા આવા ભીમકાય સર્પોના વિવિધ કુળોમાં મદત્સોઈડ કુળનો આપણો વાસુકી કદાચ સૌથી મોટા કદનો છે.

મદત્સોઈડ કુળના સર્પોના અનેક અવશેષો ભારતમાં મળી આવ્યા છે, પરંતુ તેમાં પાનંધ્રો ખાતેથી મળેલા નમૂનાનું કદ સૌથી વિશાળ છે. વૈજ્ઞાનિકોના મતે વાસુકી ઇન્ડિકસ આજની ભારતભૂમિ પર મધ્ય ઈઓસીન કાળમાં આશરે ૪૭૦ લાખ વર્ષો પૂર્વે વસતા હતા.

આપણે જરા કલ્પના કરીએ કે લગભગ પચાસ ફૂટનો સાપ એટલે કેટલો લાંબો અને વિશાળ હશે. અનુમાન લગાવો કે તમે જંગલમાં જઈ રહ્યા છો અને સામેથી એકાએક કોઈ મોટી લક્ઝરી બસ જેટલો લાંબો સાપ સામે આવી જાય તો ? અંતે બીજી એક વાત પણ સમજી લઈએ કે પાનંધ્રોનો વાસુકિ ઇન્ડિકસ એ અજગર જેવું પ્રાણી છે, જ્યારે શિવજીના ગાળામાં શોભતો વાસુકી એ નાગ એટલે કે કોબ્રા જાતિનો સાપ છે. આમ વાસુકી નામ આપવાનો વિચાર કોઈ પક્ષનો નહોતો, પરંતુ પુરાણોની કિવદંતીના સાપને માન આપવા માટે આ મસમોટા સાપને વાસુકી નામ આપવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button