વીક એન્ડ

મતદાનના દાવપેચ ઓબામાથી માંડીને ‘અબકી બાર…’ સુધી!

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

ખબર છે કે આ વખતની ચૂંટણીઓ દરમિયાન એક રાજકીય પક્ષે લોકોને વચન આપેલું કે ચૂંટણી પૂરી થતા જ એમને અમુકતમુક રકમ મળી જશે. થયું એવું કે ચૂંટણી પતી પછી ઠેર ઠેર લોકો એ પક્ષના કાર્યાલય પર રૂપિયા ઉઘરાવવા પહોંચી ગયા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હતી! ટેલિવિઝનમાં ન્યૂઝ ચેનલ્સ પર તમે આ દ્રશ્યો જોયાં હશે.

આવું કશુંક થાય ત્યારે ઘણા લોકો યુરોપ-અમેરિકાની લોકશાહી સાથે આપણી સરખામણી કરે છે. આપણી પ્રજાનો એક ભોળોભટાક વર્ગ માને છે કે અમેરિકા લોકશાહીનું બહુ મોટું સમર્થક છે. લોકશાહી મૂલ્યોનું જતન કરવામાં અમેરિકાને કોઈ ન પહોંચે. અમુક હદ સુધી આ વાત તમને ગરમ શીરાની જેમ ગળે ઊતરી જાય એટલી સાચી લાગશે, પણ જરા ખોતરીને તપાસો તો ખ્યાલ આવે કે ઘણી બધી બાબતમાં અમેરિકન તંત્ર છદ્મવેશી છે. અભ્યાસુઓ માને છે કે દુનિયાની અનેક રાજકીય-સામાજિક-આર્થિક સમસ્યાઓમાં ‘અંકલ સામ’નો સીધો કે આડકતરો હાથ હોય છે. ખેર, બીજી બધી સમસ્યાઓને તડકે મૂકીને માત્ર ચૂંટણી અને લોકશાહી પૂરતી વાત કરીએ તો આપણા ભોળિયા ભાઈઓનો એક વર્ગ માને છે કે ભારતની ચૂંટણી પ્રથામાં જ ગપગોળા ગબડાવવાનો રિવાજ છે, બાકી ધોળી ચામડીના દેશો તો બધા દૂધે ધોયેલા જ હોય! હકીકત કંઈક બીજી જ છે.ત્યાંનાં તથ્યો તો કંઈક જુદું જ કહે છે. જેમ આપણા રાજકારણીઓ પ્રજાની લાગણીઓ સાથે રમવામાં એક્સપર્ટ છે એમ અમેરિકન રાજકારણીઓ પણ ભ્રમ ઊભો કરવામાં અને લાગણીઓ સાથે રમવામાં જરાય પાછા પડે એમ નથી. ત્યાંના રાજકારણીઓ પણ પ્રજાનું મન જીતી લેવા માટે અનેક હાથકંડાઓ અજમાવતા રહે છે. અહીં એક સ્પષ્ટતા જરૂરી છે. રાજકારણીઓ હંમેશાં આદર્શને વરેલા જ હોય એ જરૂરી નથી. બલકે લાંબા ગાળે આવો – સાદ્યાંત આદર્શોને વરેલો રાજકારણી પોતે જ દેશ અને સામાજિક તંત્ર માટે મોટો અવરોધ બની જાય એમ પણ બને! રાજકારણીનો હેતુ સારો હોય અને હૃદયમાં માનવતા બચેલી હોય એટલું પૂરતું છે. (આ વિષે વિગતે ચર્ચા ફરી ક્યારેક) આજે અહીં માત્ર મતદાન માટેની રાજકીય પક્ષોની સ્ટ્રેટેજી અને એની સાથે સંકળાયેલ સાયકોલોજીની વાત કરીએ.

ભારતમાં બરાક ઓબામાની છાપ એક વિશ્ર્વસનીય રાજકારણી તરીકેની છે. ૨૦૧૨માં જ્યારે ઓબામા બીજી વખત પ્રમુખ તરીકે ચૂંટાવા માટે ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે એમણે પણ નિષ્ણાતોની એક વિશેષ ટીમ કામે લગાડેલી. . આ નિષ્ણાતો કંઈ ચૂંટણીના વર્તારા પારખનારા સેફોલોજીસ્ટ્સ નહોતા, બલકે વર્તણૂકશાી હતા. ..! આ ટીમને Consortium Of Behavioral Scientists – COBS તરીકે ઓળખવામાં આવતી. આ ટીમનો મુખ્ય ઉદ્દેશ મતદારોનાં વિવિધ જૂથોને આકર્ષવા માટે નવી નવી મનોવૈજ્ઞાનિક તરકીબો વિચારવાનો હતો.

ટૂંકમાં, રાજકારણમાં ચૂંટણીઓ જીતવા માટે તમે મનોવિજ્ઞાનનો સહારો લો, કે કંઈક અંશે થોડો ભ્રમ ફેલાવો, એ સહ્ય ગણાય. એ વિના લોકોના આવડા મોટા સમૂહને મતદાન માટેની પ્રેરણા આપવી અશક્ય છે.

તાજેતરનો જ દાખલો લો. આ વખતે ભાજપને ઓછી સીટ મળી એમાં ઘણા લોકો અબ કી બાર, ૪૦૦ પાર વાળા ઓવર કોન્ફિડન્ટ સૂત્રને જવાબદાર ઠેરવે છે, પણ મનોવિજ્ઞાનના નિષ્ણાતો શું કહે છે?
હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ટોડ રોજર્સ પોલિટિકલ રિસર્ચ એનાલિસ્ટ રહી ચૂક્યા છે. છેક ૨૦૧૨માં લખેલા એક આર્ટિકલમાં રોજર્સ જણાવે છે કે વોટર્સને કયા સમયગાળા દરમિયાન કઈ રીતે એપ્રોચ કરવામાં આવે તો મતદાનની ટકાવારી વધી શકે! આ આખી વાતને તમે મનોવૈજ્ઞાનિક બાબત (અથવા રમત) ગણી શકો. યુરોપ અમેરિકામાં રાજકીય પક્ષો આ પ્રકારના રિસર્ચ ઉપર ભારે મદાર રાખે છે, અને એ મુજબ પોતાની પ્રચાર પ્રક્રિયા ડિઝાઈન કરે છે. રોજર્સના કહેવા મુજબ ૨૦૦૬ ના સેનેટ ઇલેક્શન્સ વખતે રાજકીય પક્ષોએ પોતાના વોટર્સને મતદાન માટેની પ્રેરણા આપતા મેસેજીસમાં ધરખમ વધારો કરેલો. એ માટે વિશેષ બજેટસ પણ ફાળવવામાં આવેલા. એક સમયે લોકોને મતદાન માટે જાગૃત કરવાના હેતુસર ફોન કોલ્સનો આશરો લેવામાં આવતો. પણ આ ફોન કોલ્સ મોટે ભાગે પૈસાનો વેડફાટ જ સાબિત થતા, કેમકે કોઈક વ્યક્તિ કોલ કરીને મત આપવા વિનંતી કરે, એનાથી લોકો જરાય પ્રભાવિત નહોતા થતા. પણ પછી પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ્સની સલાહ મુજબ રાજકીય પક્ષોએ સ્ટ્રેટેજી બદલી. રોજર્સ ૨૦૦૮ના પેન્સીલવેનિયાના પ્રેસિડેન્સી માટેના પ્રાઈમરી ઇલેક્શન્સને ઉદાહરણ તરીકે ટાંકે છે, જેમાં બરાક ઓબામાએ હિલેરી ક્લિન્ટનને પછાડેલા. એ વખતે બંને ઉમેદવારોની પ્રચાર પદ્ધતિ વચ્ચેનો ફરક ઊડીને આંખે વળગે એવો હતો. એક પક્ષ પરંપરાગત રીતે પ્રચાર કરતો હતો, જ્યારે બીજા (એટલે કે ઓબામાના) પક્ષે તો લોકો સમક્ષ આખી ‘વોટિંગ સ્ટ્રેટેજી’ મૂકી. જેમકે મતદાનના દિવસે તમે કેટલા વાગ્યે મતદાન કરવા જશો, નોકરી પહેલાં કે નોકરી પરથી પરવારીને મતદાન કરશો, મતદાન માટે મિત્રો સાથે જશો કે એકલા… વગેરે જેવી બાબતની ચર્ચા જગાડવામાં આવી.

પરિણામે ઓબામાના મતદારોએ વોટિંગ માટે બમણો ઉત્સાહ દાખવ્યો. સીધું પરિણામ એ આવ્યું કે ઓબામા તરફી મતદાન વધુ થયું.

અહીં બીજો મહત્ત્વનો મુદ્દો પણ છે. એક સમય હતો જ્યારે ઓછા મતદાનનો ડર બતાવીને લોકોને મતદાન મથક તરફ ધકેલી શકાતા હતા. પણ સમય અને પ્રચારનાં માધ્યમો બદલાયાં એ પછી આ ચિત્ર સમૂળગું બદલાઈ ગયું. રોજર્સ કહે છે કે આજના સમયમાં તોતિંગ મતદાન અંગે જોરશોરથી પ્રચાર કરવામાં આવે, અને કોઈ રાજકીય પક્ષની બમ્પર સફળતા અંગે હવા જમાવવામાં આવે, તો મતદાનની ટકાવારી આપોઆપ વધે છે. જ્યારે આખો પ્રવાહ કોઈ એક જ દિશા તરફ વહેતો હોય ત્યારે કિનારે બેઠેલા મતદારોમાં પણ પોતે રહી ગયા હોવાની લાગણી પેદા થયા છે, અને એ પણ પછી વહેતા પ્રવાહની સાથે મતદાન કરવા પ્રેરાતા હોવાનું નિષ્ણાતો માને છે. અંગ્રેજીમાં આ પ્રકારની મનોસ્થિતિ માટે FOMO – Fear of Missing Out જેવો શબ્દ પણ વાપરવામાં આવે છે. ફોમોની ભાવના દરેક વ્યક્તિ સાથે અને જીવનની દરેક વાત સાથે સંકળાયેલી હોઈ શકે છે. પણ ચૂંટણીઓ દરમિયાન લોકોની ફોમોવાળી ભાવનાનો ઉપયોગ કરીને બમ્પર મતદાન કરાવી શકાય છે.

જાહેરાતોનું તો આખું માર્કેટ જ ફોમો પર આધારિત છે એવું કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય. હવે પ્રશ્ર્ન એ છે કે ૪૦૦ પાર…ની આટલી જબરદસ્ત હવા બનાવવામાં આવી હોવા છતાં ભારતીય જનતા પક્ષને ધારી સફળતા કેમ ન મળી? ઘણા માને છે કે આ વખતની સ્ટ્રેટેજી ‘ફોમો’નો ઉપયોગ કરવાથી ક્યાંય આગળ વધીને ઓવર કોન્ફિડન્સના લેવલ સુધી પહોંચી ગયેલી. ખુદ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ પણ તાજેતરમાં આ સ્વીકાર્યું. અને આમેય, સ્ટ્રેટેજી એક હથિયાર હોઈ શકે, આખું શાગાર નહિ. રાજકારણમાં સફળતા મેળવવા માટે તમારે એકથી વધારે શાો વાપરવાં જ પડે.

જો કે આ લેખનો મૂળ મુદ્દો પોલિટિકલ સ્ટ્રેટેજી અને પબ્લિક સાયકોલોજી પૂરતો સીમિત છે. જ્યાં સુધી ચૂંટણીઓ લડાતી રહેશે ત્યાં સુધી પોલિટિકલ રિસર્ચસ જાતજાતની સ્ટ્રેટેજીસ લાવતા રહેશે. અને આપણે એના આવાં પિષ્ટપેષણનો આનંદ ઉઠાવતા રહીશું. બાકી રાજકીય પક્ષો ગમે તે સ્ટ્રેટેજી અપનાવે, પણ જીત્યા પછી થોડું ઘણું જનતાનું કામ કરતા રહે તો ગંગા નાહ્યા!…!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button