પોલીસ કે લીએ ‘ટમેટા રત્ન’ એવોર્ડ બનતા હૈ!
વ્યંગ – ભરત વૈષ્ણવ
‘લાપશીના આંધણ મૂકો.’ મેં ઘરે પહોંચીને હરખાતા અવાજે રાધારાણીને મેં હાર્દિક અનુરોધ કર્યો. ઘરે કે બહાર રાધારાણીને ઓર્ડર આપવાની મારી હિંમત નથી એવું જાહેરમાં ખાનગી પદ્ધતિએ સ્વીકારું છું. આ જ કારણથી હું તો ચાની કિટલીએ બે કટિંગ ચાનો ઓર્ડર પણ આપી શકતો નથી.
‘લાપશીનું આંધણ?’
રાધારાણીએ સવાલ સામે સવાલ પૂછ્યો માનો કે ઇંટકા જવાબ પથ્થરસે..
‘આનંદના પ્રસંગે લાપશીના જ આંધણ હોય ને ગાંડી! પિત્ઝા અગર પાસ્તાના આંધણ થોડા મુકાય? ખુશીના પ્રસંગે ગરમ પાણીના આંધણ પણ સારા ન લાગે. ઠંડા પાણીના આંધણ તો મુકી ન શકાય.’ અમે ટાઢા કલેજે રાધારાણીને શાબ્દિક ચાબખા માર્યા.
રાજુ રદીનો મેળ પડી ગયો? છોકરી શું ભણેલી છે. છોકરી રૂપાળી છે સામાવાળા પૈસાદાર છે કે તમારી માફક કડકાબાલૂસ?’ રાધાપાણીએ સ્ત્રીસહજ પૃચ્છાનો દાબડો ખોલ્યો.
રાજુનો મેળ પડ્યો નથી મેં દૂરદર્શનના સમાચાર વાચકની જેમ સ્વરમાં આરોહ-અવરોહ લાવ્યા સિવાય સમાચાર આપ્યા.
‘તો પછી, લાપશી શા માટે. ‘બખડજંતર’ ચેનલે તમને ચેનલ હેડનું પ્રમોશન આપ્યું. સેલરીમાં રાઇઝ આપ્યો?’ રાધારાણીએ શક્યતાનું દોહન કર્યું.
‘વો દિન કહા ંકે ગિરધરલાલ કે હાથ મેં પ્રમોશન ઓર્ડર.? ના, એવું પણ નથી.’ મે શક્યતાને મૂળથી ખારીજ કરી.
ભાઇસાબ, હવે મારી પદુડી ન કાઢો. જે કાંઇ વાત હોય તે સાફ સાફ કહો. વાતમાં મોણ ન નાખો નો બકવાસ. સીધી વાત.’ રાધારાણી આકરા પાણીએ થયાં.
રાધારાણી, ટમેટાએ કેટલી મોટી દડમજલ કાપી છે. વીસ રૂપિયે કિલોથી ભાવ વધારાનો અશ્ર્વમેધ કે ટમેટાસૂય (જૂના જમાનાના રાજસૂય જેવો યજ્ઞ!) નીકળેલો. બાળ વાર્તાની રાજકુમારીની ટમેટાંના ભાવો જેમ દિવસે વધે નહીં તેટલા રાતે વધે. ભાવને પગ ન હોવા છતાં ઘોડાના પગને એડી મારે એટલે ઘોડો દોડે તેમ ચારસો પચાસ કિલોમીટરની ચાઇનીઝ બુલેટ ટ્રેનની ઝડપે ટમેટા દોડવા લાગ્યા છે નબળા ગણાતા ટમેટા ચોગ્ગા છગ્ગા લગાવીને સેન્ચુરી મારી છે ટમેટાએ ડિઝલ, પેટ્રોલ, ડુંગળી, આદુંને ચિત કરીને આજે એક સો એંસી-બસોએ પહોંચ્યા. ઉત્તરાખંડના ગંગોત્રીમાં ચટમેટા પ્રતિ કિલો રૂપિયા અઢીસો લેખે વેચાય છે. નિષ્ણાતો તો સપ્ટેમ્બર સુધી ટમેટાંના ભાવ વધીને પાંચસો-હજાર થશે તેની શક્યતા દર્શાવી રહ્યા છે. પાકિસ્તાનમાં ટમેટાંના ભાવ વધ્યા ત્યારે આપણે ખુશ થતા હતા. પાકિસ્તાનમાં અવસરમાં આફતને નોતરું આપવાની ક્ષમતા છે, તેમ ગાઇ વગાડીને કહેતા હતા. હવે આપણે ત્યા ટમેટાંના ભાવ વધ્યા. એ આફતને અવસરમાં પરિવર્તિત થયેલ છે તેમ માનવાનું? મેં રાધારાણીને ભીડાવી.
‘ગિરધરલાલ, ટમેટાંના ભાવ વધતા ગરીબ-મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઇ ગયું છે.’ સરકારની જેમ ટમેટાંના વધતા જતા ભાવ પર ચાંપતી નજર રાખતા રાધારાણીએ કહ્યું.
‘ટમેટાંના વધેલા ભાવોએ ઘણાં સમીકરણો બદલી નાખ્યાં છે. થોડાં વરસ પહેલાં નેતાના પ્રવચન કે ફટિચર શાયરની બકવાસ ગઝલ પઠન સમયે ભાવની પરવા કર્યા વિના ટમેટાં ઇંડાં ફેંકવામાં દિવ્યાનંદ પ્રાપ્ત થતો હતો. બસો રૂપિયે કિલો ભાવના ટમેટાં ખાવામાં જીવ ચાલતો ન હોય તો ટમેટાં ફેંકતા કેમ જીવ ચાલે?’ રાધરાણીએ ટમેટાયન શરૂ કર્યું.
‘હાસ્તો, અમે ટમેટાંને બદલે ગ્રેવી, પ્યુરી, કેચઅપ વાપરીએ છીએ. સાપ ગયાને લિસોટા રહ્યા તેવી કહેવત છે. હવે ટમેટા ગયા અને શાકમાં સેવ રહી. મેકડોનાલ્ડઝે બર્ગરમાં ટમેટાંનો વપરાશ બંધ કર્યો! હવે તો ટમેટા વેચતો લારીવાળો ટમેટાંના ભાવ મફતમાં ય કહેતો નથી. ભાવ કહેવાના પચ્ચીસ રૂપિયા ચાર્જ કરે છે.’
‘મંત્રી, વીઆઇપી કે સેલિબ્રિટીની સલામતી અને સુરક્ષા માટે બાઉન્સર હાયર કરવામાં આવે છે. મોંઘા ભાવના ટમેટાની રક્ષા માટે વારાણસીના વેપારીએ બે બાઉન્સર રાખેલા..’ મેં રાધારાણીને માહિતી પૂરી પાડી.
‘ગિરધરલાલ, એક નેતાને પંચોતેર વરસ પૂરા થયાં.નેતાના ચમચાઓએ નેતાજીની તુલા કરવાનું વિચાર્યું. નેતા માત્ર બસો કિલો વજન ધરાવતા હતા. નેતાજીની નમકતુલા કરે તો એક કિલો મીઠા લેખે ત્રણ હજારમાં કામ પતે.! સાકરતુલા કરે તો દસ હજારમાં કામ પતે!. નેતાજીએ ટમેટાતુલાની રઢ પકડી!. એક કિલોના ત્રણસોના ભાવે રૂપિયા સાઠ હજાર થાય. એટલે નેતાજીના ચમચાઓએ તુલાનો કાર્યક્રમ કેન્સલ કર્યો ટમેટાંના વધતા ભાવ સામે વિરોધ કરવા એક વિપક્ષે પચાસ રૂપિયે કિલો ટમેટા વેચ્યા. સરકારે લોકોને રાહત આપવા કાછિયા બની ટમેટા નેવું અને પછી એંસી રૂપિયે કિલોના ભાવે વેંચ્યા.’ રાધારાણીએ ટમેટાસાઇકલોપિડીયા ખુલ્લો મુકયો.
રાધારાણી, રોબિનહૂડની માફક ચૌર્ય કલાના માધ્યમથી શોષણનિહીન સમાજના નિર્માણ માટે મહદઅંશે રાત્રિના સમયે ચોરીરત મહાનુભાવોએ ચોરી માટે સોના-ચાંદા પર પ્રથમ પસંદગી ઉતારવાની બદલે ભાવબબૂલા ટમેટા પર ઉતારી. બેંગલૂરમાં ભરબપોરે ફિલ્મી સ્ટાઇલમાં અઢી ટન એટલે અઢી હજાર કિલો ટમેટાની લૂંટફાટ થઇ છે, જેનો હાલના ભાવે બજારકિંમત રૂપિયા ૫૦,૦૦,૦૦૦ એટલે કે અર્ધો કરોડ થવા જાય છે.આરોપી ખાદિમ ટામેટાં ભરેલી બોલેરોની ચોરી કરી તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં એણે બેસીને પ્લાનિંગ કર્યું અને ચેન્નાઈના માર્કેટમાં ટામેટાં વેચ્યા. પછી પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે!
‘બેંગ્લૂરુના ટમેટા ચોરને મુદ્દામાલ વિના પકડી પાડીને પોલીસે એમની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા દેખાડી છે. ભારત ટમેટાંના ભાવ વધ્યા પછી એકાદ ‘ટમેટા રત્ન’ એવોર્ડ પોલીસને એનાયત કરવો જોઈએ કે નહીં?’ મેં રાધારાણીને પૂછયું. અને મારા આશ્ર્ચર્ય વચ્ચે જરાય આનાકાની કર્યા વગર રાધારાણીએ માથું હકારમાં ધુણાવી હા કહ્યું. એ જોઈને હું ગદગદ્ થઈ ગયો.