વીક એન્ડ

આજકાલ જે જબરું પોપ્યુલર બની રહ્યું છે એ `પોડકાસ્ટ’ શું છે?

કોરોના-કાળમાં ઘરબંધી' ભોગવી રહેલા લોકોમાં જેમ એફ.એમ. રેડિયો લોકપ્રિય બન્યો એની સાથે ભુલાઈ ગયેલાપોડકાસ્ટ'નોય રોમાંચક પુનર્જન્મ થયો

ક્લોઝ અપ – ભરત ઘેલાણી

સેંકડો સદીઓ પહેલાંના માનવી પાસે મનમાં અસ્તવ્યસ્ત વિચારો હતા, પણ એને વ્યકત કરવા માટે શબ્દો નહોતા- બોલવાની ભાષા નહોતી. ક્રમશ: પોતાની વાત સામેવાળા સુધી પહોંચાડવા માટે એની પાસે પ્રથમ આકૃતિરૂપે ચિતરામણની ભાષા આવી. એ દરમિયાન આદિમાનવ પોતાની વાત જાતભાતના અવાજ અને હાવભાવ દ્વારા વ્યકત કરતો થયો. આગળ જતાં આકૃતિમાંથી લિપિ બની, ત્યાર બાદ શબ્દો ગોઠવાતા ગયા અને વ્યવસ્થિત ભાષા બનતી ગઈ. એ પછી તો માણસ જ એક એવું પ્રાણી હતું, જે એકમેક સાથે બોલતાં-લખતાં થયું. સદીઓ વીતતી ગઈ. પછી તો કાળક્રમે આજે માનવી વચ્ચે અનેકવિધ સાધન દ્વારા માહિતીની આપ-લે કેવી ત્વરિત કક્ષાએ પહોંચી ગયું છે એ આપણે જાણીએ છીએ. સંદેશાવ્યવહારનાં અનેક સાધનો, જેમ કે તાર-ટપાલ-ટેલિફોનથી લઈને ઈમેલ-સેલફોન- કમ્પ્યુટર-ઈન્ટરનેટ-સેટેલાઈટ ઇત્યાદિ છે.. એ દરેકની જેટલી ખૂબી છે એટલી ખામી-મર્યાદા પણ છે. આ બધાં વચ્ચે, રેડિયોનું બ્રોડકાસ્ટિંગ અને ટીવીનું ટેલિકાસ્ટિંગની સાથે આજકાલ `પોડકાસ્ટિંગ’ જેવો થોડો અજાણ્યો-અપરિચિત લાગતો શબ્દ પણ આપણી રોજિંદી ભાષામાં બહુ ઝડપથી ઉમેરાઈ ગયો છે.

એક સમય એવો હતો જ્યારે કોઈ જાણીતી વ્યક્તિ કે ફિલ્મ-સ્પોર્ટસ સેલિબ્રિટી પોતાની અનુક્રમે સૌ પહેલાં ટીવી અખબાર અને પછી રેડિયો કે વેબ સાઈટસ પર ઈન્ટરવ્યૂ આપવો પસંદ કરતી. હવે સિનારિયો પલટાયો છે. એ લોકો હવે આજની પેઢીમાં જાણીતી વેબસાઈટસ અને સોશિયલ મીડિયામાં પણ પોતાના વિચારો વ્યકત કરવા લાગ્યા છે. અત્યારે એમણે કશું કહેવું હોય તો પ્રેસવાળાને કહેતાં પહેલાં સોશિયલ મીડિયાની નેટવર્કિંગ સાઈટસ ડ' (અગાઉટ્વિટર’) અને ઈન્સ્ટાગ્રામ' પર પોતાનાં વાત-વિચાર વહેતાં કરે છે. હવે એમની સમકક્ષપોડકાસ્ટ’ પણ આવી ગયું છે! આજે અમિતાભ બચ્ચન વિરાટ કોહલી કે મહેન્દ્ર સિંહ ધોની જેવા મહારથી પણ લોકો સુધી ઝડપથી પહોંચી જવા `પોડકાસ્ટ’નું માધ્યમ અપનાવતા થઈ ગયા છે તો આવા જ એક બહુ જાણીતા એક યૂટ્યૂબર – પોસ્ટકાસ્ટર રણવીર અલાહાબાદિયાએ એના એક અશ્લીલ બીભત્સ શો દ્વારા તાજેતરમાં દેશભરમાં વિવાદનો વંટોળ જગાડ્યો છે.. -તો શું છે આ પોડકાસ્ટ? આ પોડકાસ્ટ વિશે જાણવા-સમજવા માટે આપણે વેબકાસ્ટિંગ (કે સ્ટ્રીમિંગ) વિશે અલપઝલપ જાણવું જરૂરી છે. કોઈ પણ ઘટનાની વીડિયો તથા ઑડિયોનું ઈન્ટરનેટના માધ્યમથી જીવંત (દૃશ્ય-શ્રાવ્ય) પ્રસારણ થાય એને આપણે `વેબકાસ્ટિંગ’ કહીએ છીએ.

બીજી તરફ, પોડકાસ્ટ એટલે ડિજિટલ ઑડિયો (ધ્વનિ), જેને આપણે માત્ર સાંભળી શકીએ. મોટા ભાગે આવાં પોસ્ટકાસ્ટ એક પછી એક વારાફરતી સાંભળી શકીએ એ રીતે શ્રેણીબંધ અગાઉથી રેકોર્ડ કરવામાં આવ્યાં હોય છે. સામાન્ય રીતે પોડકાસ્ટ એક જ વ્યક્તિ રજૂ કરે છે. આમ છતાં ક્યારેક બે વ્યક્તિ-હોસ્ટ અને ગૅસ્ટ પણ હોઈ શકે, જેને શ્રોતાઓ લેપટોપ-ડેસ્કટોપ કે મોબાઈલ પર કે વેબસાઈટ દ્વારા સાંભળી શકે છે. કેટલીય વસ્તુની શોધખોળ વર્ષો પહેલાં જાહેરમાં આવી હોય,પરંતુ એક યા બીજાં કારણસર એનાં સીમિત ઉપયોગને લીધે લોકો એને વીસરી જાય છે.. અને પછી અચાનક શ્રોતા સામે ફરી આવે ને લોકપ્રિય બની જાય. પોડકાસ્ટ સાથે પણ કંઈક આવું જ થયું હતું , પરંતુ એપલ' કંપનીના અદ્યતન મ્યુઝિક પ્લેયરઆઈપોડ’ના આગમન સાથે ઑડિયો જગતનો સમગ્ર સિનારિયો પલટાઈ ગયો. એના સમાંતરે ડિજિટલ ધ્વનિ પ્રસારણને `પોડકાસ્ટ’ના નામે નવું જીવન અને નવી દિશા મળી.

(બાય ધ વે, પોડ'નો એક ડિક્ષનેરી અર્થ છે:માલ ભરવાનું સાધન-પાત્ર!) ધારો કે તમારા ટીવી સ્ક્રીન પર એક દૃશ્ય ચાલી રહ્યું છે, જેને જોવા-સાંભળવા તમારે એકધારા એક જગ્યાએ બેસીને આંખ-કાન સતર્ક રાખવા પડે. જો આવું જ કંઈ માત્ર તમારે સાંભળવાનું હોય તો તમે કિચનમાં કે અન્ય કોઈ જગ્યાએ બીજાં કામ કરતાં કરતાં પણ સાંભળી શકો. કોઈ લખાણના શબ્દો કરતાં પણ બોલાયેલા શબ્દ-અવાજ વધુ શક્તિશાળી પુરવાર થાય છે અને આ વાતનો બખૂબી ઉપયોગ કરીને પોતાનાં ઉત્પાદન ગ્રાહકો સુધી સરળતા-સચોટતાથી પહોંચાડી શકાય છે. આ સુવિધાને લીધે ઈ-કોમર્સની દુનિયામાં આજે પોડકાસ્ટનું મહત્ત્વ ઝડપથી વધી રહ્યું છે.આમ તો પોડકાસ્ટ એટલે સ્વર-ધ્વનિનું પ્રસારણ 1980ના દાયકામાં શરૂ થયું ત્યારે એ ઑડિયો બ્લોગિંગ' તરીકે જાણીતું હતું. પાછળથી એક અમેરિકન પત્રકાર બેન હેમર્સલીએ આવા પ્રસારણનેપોડકાસ્ટિંગ’ તરીકે ઓળખાવ્યું પછી એ નામથી જાણીતું થયું. હવે તો વીડિયો ક્લિપ્સ પણ એમાં ઉમેરીને વીડિયો પોડકાસ્ટ તૈયાર કરવાનો ટે્રન્ડ શરૂ થઈ ગયો છે.

આજ આપણે ત્યાં ભારતમાં પોડકાસ્ટનો કેવોક સિનારિયો છે? અગાઉ આપણે ત્યાં રડ્યુંખડ્યું પોડકાસ્ટિંગ થતું, પરંતુ કોવિડ-કાળની કટોકટી વખતે જેમ ઘઝઝની માર્કેટ ખૂલી ગઈ એવું જ પોડકાસ્ટ માટે થયું. શરૂઆતમાં લોકોએ કુતૂહલવશ ટાઈમપાસ મનોરંજન તરીકે પોડકાસ્ટને આવકાર્યું. એ પછી તો લોકોને એમાં જબરો રસ પડ્યો કે આજે દર મહિને પોડકાસ્ટને 58 મિલિયન (5 કરોડ 80 લાખ) લોકો સાંભળતા થઈ ગયા છે! પોડકાસ્ટના શ્રોતાની શ્રેણીમાં આજે આપણે અમેરિકા-ચીન પછી ત્રીજે નંબરે છીએ, જે આગામી આંક આપણે ત્યાં આવતા વર્ષે 2025માં 120 મિલિયન (12 કરોડ)સુધી પહોંચી જાય તો આશ્ચર્ય નહીં!

આપણે ત્યાં પોડકાસ્ટિંગનું ભવિષ્ય વ્યવસાયી દૃષ્ટિએ પણ ઊજળું છે, કારણ કે આપણી પ્રજા પહેલેથી જ રેડિયોની ચાહક રહી છે. હા, વચ્ચે ટેલિવિઝનના આગમનથી શહેરોમાં રેડિયો કામચલાઉ રેઢો પડયો, પણ દૂર દૂરનાં ગામોમાં- અંતરિયાળ વિસ્તારોમાં ટીવીનાં ફૂટપ્રિન્ટસ નબળાં પડતાં હતાં એટલે ગ્રામ્યપ્રજાનો રેડિયોપ્રેમ અકબંધ રહ્યો. આની સાથે સમય જતાં બીજી તરફ, ઋખ (ફ્રીકવેન્સી મોડ્યુલેશન) રેડિયો સ્ટેશનો દ્વારા આગવી રીતે રજૂ થતા મનોરંજનના પ્રોગ્રામ્સે આજની યુવા પેઢીને વધુ આકર્ષ્યા અને શહેરોમાં રેડિયોનું પુનરાગમન થયું. એને પગલે યુવા પેઢીમાં પણ પોડકાસ્ટિંગનો પણ દૌર શરૂ થઈ ગયો.

આજે પોડકાસ્ટની દુનિયામાં અમુક શ્રેણી, જેમ કે સામાજિક – સાંસ્કૃતિક – વ્યવસાય – વેપાર – આરોગ્ય – આધ્યાત્મિક હાસ્ય – ગુનાખોરી તેમ જ રાજકરણ જેવા વિષયોને નજરમાં રાખીને પોડકાસ્ટ તૈયાર કરવામાં આવે છે. આજના તરુણ-યુવાનો કેરિયર તેમ જ આરોગ્ય વિશે વધુ સજાગ છે. મનના ઉચાટને આધ્યાત્મિક રીતે કેમ શાંત પાડવો ઇત્યાદિનું માર્ગદર્શન આપે એવાં સકારાત્મક પોડકાસ્ટ આ પેઢીને વધુ પસંદ છે. સહેજે છે કે આવા યુવાનો સુધી પોતાની પ્રોડ્ક્ટ્સ – બ્રાન્ડસ પહોંચાડવા ઉત્સુક મોટી કંપનીઓ લોકપ્રિય પોડકાસ્ટને જાહેરખબરો દ્વારા ટેકો આપવા લાગી છે. આર્થિક નિષ્ણાતોના કહેવા અનુસાર 2025ના આખર સુધીમાં આપણી મ્યુઝિક ઑડિયો-પોડકાસ્ટની માર્કેટ આશરે 62 કરોડ રૂપિયાના આંકને આંબી જાય તો નવાઈ ન પામવી!

આમ આજે દિન-પ્રિતિદિન પોપ્યુલર બની રહેલા પોડકાસ્ટની પહોંચ કેટલી? વેલ, છેલ્લાંમાં છેલ્લા આંકડા પર નજર ફેરવીએ તો અમેરિકાની કુલ વસતિના 49% લોકો (25થી 44 વર્ષ)માં પોડકાસ્ટ બહુ પોપ્યુલર છે. ત્યાં 155 મિલિયનથી વધુ અમેરિકન પ્રજા દર અઠવાડિયે એક વાર તો પોડકાસ્ટ સાંભળે છે. આજે એકલા અમેરિકામાં 8 લાખથી વધુ પોડકાસ્ટ ઍપ સક્રિય છે, જેના દ્વારા અત્યાર સુધીમાં 35 મિલિયન પોડકાસ્ટ એપિસોડ પ્રસારિત થયા છે. આવા એપિસોડ ક્યો વર્ગ કયાં સાંભળે છે? વેલ, 49% લોકો ઘેર બેસીને સાંભળે છે 22% શ્રોતા કાર ડ્રાઈવ કરી વખતે સાંભળે છે તો 11% ઑફિસમાં અને 8% જિમમાં કસરત કરતી વખતે પોડકાસ્ટ માણે છે. આ બધી આંકડાબાજી ધ્યાનમાં રાખીને અનુભવી સમાજશાસ્ત્રીઓ અને નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ કહે છે કે આગામી વર્ષોમાં પણ પોડકાસ્ટનું સામ્રાજ્ય હજુ વધુ ને વધુ પ્રસરતું જશે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button