આકાશનો ટુકડો
ટૂંકી વાર્તા -રાજેશ અંતાણી
(ગતાંકથી ચાલુ)
ત્યાં હાંફતા હાંફતા દવેસાહેબ દોડી આવ્યા – ‘અરે! અરે! માનસી બેટા, આ તો આપણા નવા ભાડૂત છે શુકલસાહેબ…’ માનસી પાસે પહોંચીને દવેસાહેબ કહ્યું: ‘સોરી… શુક્લસાહેબ, તમે આવો… આવો… અંદર આવો…’
‘ભાડૂત?’ કોણ ભાડૂત? પપ્પા, મેં તમને કેટલીય વાર કહ્યું છે કે આપણે રૂમ ભાડે આપવાની નથી છતાં તમે માનસી ઉશ્કેરાઈને ઊંચા અવાજે બોલવા લાગી.
દવેસાહેબ માનસીને સમજાવીને અંદર લઈ ગયા. ગુસ્સાથી છંછેડાયેલી માનસી, ઉશ્કેરાટમાં સતત બોલતી હતી.
હર્ષને આ અચાનક આવી પડેલી પરિસ્થિતિ ન સમજાઈ. એ ધીમે પગલે પગથિયાં ચડવા લાગ્યો. મનમાં ગમગીની પથરાઈ ગઈ. દવેસાહેબે અગાઉ ક્યારેય માનસી વિશે વાત કરી નથી. માનસી એમની પુત્રી – એ પણ આ મનોવિક્ષિપ્ત સ્થિતિમાં – રૂમ ખોલીને હર્ષ પલંગ પર બેસી રહ્યો. પોર્ટફોલિયોમાં લઈ આવેલી ફાઈલો ખોલીને બેસી ગયો. કામમાં ઘણો સમય વીતી ગયો હશે – ત્યાં-
‘શુક્લસાહેબ….!!’
‘અરે! દવેસાહેબ… આવો – આવો-’
‘તમને કામમાં ડિસ્ટર્બ તો નથી કર્યાને?’
‘ના… ના… આવોને-’
નજીક પડેલી ખુરશી ખેંચીને દવેસાહેબ, હર્ષની સામે બેસી ગયા.
‘હું ક્ષમા માગવા આવ્યો છું – શુકલસાહેબ, મારી પુત્રી માનસી વતી-’
‘કંઈ વાંધો નહીં દવેસાહેબ, તમે ચિંતા ન કરો. હું તમારો આ રૂમ છોડી જવાનો નથી.’ હર્ષે વાતને હળવી કરતાં કહ્યું.
દવેસાહેબ કૃત્રિમ હસવાનો ભાવ ચહેરા ઉપર લઈ આવ્યા – પછી સૂનમૂન થઈને ઊભા થયા.
ફરી ખુરશીમાં બેસી ગયા. કંઈક કહેવા માગતા હોય એમ શબ્દો શોધતા એમના હોઠ કંપવા લાગ્યા.
‘શુક્લસાહેબ…’
‘જી?’
‘મારે તમને એક વાત કરવી છે – માનસી વિશે-’
‘હા-હા-કહોને-’
‘આટલા – ઘણા સમયથી તમે અહીં રહો છો – થોડી સાથે રહેવાથી થયેલી આત્મીયતાથી હું મારી જાતને તમને એ વાત કહેતાં રોકી શકતો નથી – તમે સમજી પણ શકશો-’ દવેસાહેબે કહ્યું.
‘કહોને-કોઈ સંકોચ રાખ્યા વિના વાત કરો-’
દવેસાહેબે ઊંડો શ્ર્વાસ લીધો. રૂમની દીવાલોને તાકીને એ ધીમા અવાજે બોલવા લાગ્યા: ‘તમારા પહેલાં, અહીં આ રૂમમાં રહેવા કચ્છથી જ વિદ્યાર્થી આવ્યો હતો. એ માંડવીથી, અહીં ઈન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા આવેલો. એ મારા ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં એક ભાઈની ઓળખાણથી આવેલો. એનું નામ મૌલેશ જોશી હતું. એ અહીં ચાર વર્ષ રહ્યો. ત્યારે માનસી અહીંની કૉલેજમાં આર્ટસમાં ભણતી હતી. માનસી અને મૌલેશ વચ્ચે સંબંધ બંધાયો. બન્ને પરસ્પર ઘણાં નજીક આવી ગયા હતાં. એ વેકેશનમાં માંડવી જતો. એક વાર અમે બધાં પણ એની સાથે માંડવી ગયેલાં. મૌલેશનો પરિવાર પણ સરસ અને સંસ્કારી હતો. મેં મૌલેશના પિતાશ્રી પાસે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો- પણ-’
‘શું થયું? એમણે તમારો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં?’
‘એમણે એવું કહ્યું કે મૌલેશ અભ્યાસ પૂરો કરી લે અને સ્થિર થઈ જાય પછી નક્કી કરીએ. સમય જતાં એનો અભ્યાસ પૂરો થતાં એ પાછો ચાલ્યો ગયો. શરૂઆતમાં એની સાથે અમારો સંપર્ક રહ્યો પછી અચાનક એણે અમારી સાથે સંપર્ક તોડી નાખ્યો. એ વરસો દરમિયાન માનસીએ એમ.એ. ઈકોનોમિક્સ સાથે પાસ કરી લીધું હતું. પણ એ વાણી -વર્તનથી બદલાતી જતી હતી. માનસીની આ દશા જોઈને હું ફરી વાર માંડવી જઈ આવ્યો. ત્યારે ખબર મળ્યા કે મૌલેશ દુબઈ ગયો છે અને એણે દુબઈમાં લગ્ન કરી લીધાં છે.’
‘પછી-?’
‘આ વાત મેં અહીં આવીને માનસીને કરી. માનસીને આ વખતનો સખત આઘાત લાગ્યો. માનસિક સ્વસ્થતા ગુમાવવા લાગી. છેવટે અમારા મેન્ટલ હોમમાં દાખલ કરવી પડી. એ આઘાતમાંથી તો સંપૂર્ણ બહાર આવી નથી પણ ઘણી જ નોર્મલ બની ગઈ છે. એ હમણાં જ તમે ભુજ ગયા એ દિવસોમાં અહીં પાછી ફરી છે. એટલે એણે આજે આક્રમક બનીને તમારી સાથે આવું વર્તન કરેલું.’ દવે સાહેબની આંખોની કિનાર ચમકવા લાગી. ચહેરા પર વેદના ફરી વળી.
‘દવે સાહેબ, સ્વસ્થ થઈ જાવ. માનસીની આક્રમકતાને કારણે મને થોડો ખ્યાલ આવી ગયો હતો. તમે કોઈ સંકોચ ન રાખશો.’ હર્ષના અવાજમાં ભીનાશ આવી ગઈ.
દવેસાહેબ ઊભા થઈને ચાલવા લાગ્યા.
બીજે દિવસે સવારે હર્ષ ઓફિસ જવા નીકળ્યો.
પગથિયાં ઊતરતા સરગવાના વૃક્ષ નીચે જોયું તો – માનસી ત્યાં ઊભી હતી.
માનસી હર્ષની નજીક આવી.
‘ગુડ મોર્નિંગ સર…’
‘મોર્નિંગ…’
‘સર…! ગઈ કાલે તમારી સાથે મેં જે વર્તન કરેલું એ માટે તમારી માફી માગું છું-’
‘તારી માફી મેં સ્વીકારી બસ? દવેસાહેબને મને તારા વિશે વિગતે વાત કરી. તારી નજીક આવીને, એક વ્યક્તિ તારાથી દૂર ચાલી ગઈ એય કોઈપણ પ્રકારની સ્પષ્ટતા વિના. તને એનો આઘાત, તું સંવેદનશીલ હોવાને કારણે લાગે એ સ્વાભાવિક છે. તારે એ આખીય ઘટના દુ:સ્વપ્નની જેમ ભૂલી જવી પડશે. વહે છે એ જીવન છે – બંધિયાર બની જાય એને આપણે જીવન કહી શકીશું?’ હર્ષે કહ્યું.
માનસી સ્થિરિ આંખોથી હર્ષને જોઈ રહી.
સમય જતાં ધીરે ધીરે માનસીના વર્તનમાં ફેરફાર થવા લાગ્યા. એણે એમ.ફિલ. કર્યું પછી વિઝિટિંગ લેક્ચરર તરીકે કૉલેજમાં જોડાઈ. થોડા સમય પછી એ કાયમી થવાની હતી. હર્ષ સાથે માનસીની મૈત્રી – વયનું અંતર હોવા છતાં થઈ ગઈ. હર્ષ મશ્કરીમાં માનસીને ઘણીવાર કહેતો- ‘હું અહીં કામચલાઉ છું – અચાનક બદલીને ક્યાંક દૂર ચાલ્યો જઈશ – ત્યારે તને ફરીથી આઘાત નહીં લાગે ને?
પણ એ દિવસ પણ આવી ગયો. આજે સવારે હર્ષ ઓફિસ ગયો ત્યારે એનો ઓર્ડર આવી ગયો. એ સાંજે દવેસાહેબને મળવા ગયો. ઓર્ડર હાથમાં મૂક્યો – દવેસાહેબ હર્ષને જોઈ રહ્યા.
‘શુક્લસાહેબ જશો…?’
‘બસ, જવું પડશે. ત્રણ વર્ષ તમારી સાથે રહ્યો – હવે મારે ઘેર, મારા વતનમાં.’
દવેસાહેબ અને શોભનાબહેન ભાવુક બનતાં હતાં.
હર્ષે આજુબાજુ જોયું. માનસી ત્યાં ન હતી. એ રૂમ પર ગયો અને ત્યારે ધીમી ધારે વરસાદ પડવો શરૂ થયો.
હર્ષ સવારે જવા માટે ઊતર્યો. રૂમ બંધ કરીને નીચે આવ્યો. દવેભાઈ અને શોભનાબહેન સ્થિર થઈને ઊભાં રહી ગયાં.
‘ચાલો, દવેસાહેબ, રજા લઉં?’
દવેભાઈ અને શોભનાબહેન કંઈ બોલી ન શક્યાં.
હર્ષે જોયું સરગવાના વૃક્ષ નીચે માનસી ઊભી હતી. હર્ષ માનસીની નજીક ગયો – ‘બસ, જવું જ છે?’ માનસીએ હર્ષને પૂછયું.-
એ માનસીને કશું કહેવા જતો હતો ત્યાં માનસીની આંખો છલકાઈ ઊઠી. માનસી ત્યાંથી દૂર ખસી ગઈ.
એ મેઈન ગેટની બહાર નીકળ્યો.
આકાશ તરફ જોયું.
રોકાઈ ગયેલા વરસાદ પછી, છુટ્ટા પડતાં વાદળો વચ્ચે આકાશનો ટુકડો દેખાયો.