વીક એન્ડ

મારી ક્ષમાપનામાં પ્રભુ! હું તમને પ્રેમ કરું છું,પ્રભુ! તમે મને પ્રેમ કરો છો?

પર્યુષણ વ્યાખ્યાન માળા

નમ્રવાણી -રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

પર્યુષણ મહાપર્વના પંચમ દિવસે, પરમાત્માનો જય-જયકાર કરતાં કરતાં, આપણા હૃદયમાં પરમાત્માની પ્રતિષ્ઠા કરી, પરમાત્મા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવાનો અવસર, જૈન દર્શન શ્રેષ્ઠ સિદ્ધાંત, Equality અર્થાત્ સમાનતા! હું અને મારા પરમાત્મા એક દિવસ સમાન બની જશું, બંને વચ્ચે કોઈ ભેદ નહીં રહે અને અમે બંને સખાની જેમ સાથે રહીશું.
દરેક આત્માના પરમાત્મા બનવાના બીજ સમાયેલાં છે, જરૂર છે માત્ર પરમાત્મા જેવો આત્મશુદ્ધિનો પુરુષાર્થ કરવાની!
ભગવાન મહાવીરે સમ્યક્ત્વ પ્રાપ્તિના ૨૭ ભવમાંથી ૨૫મા ભવે, નંદનમુનિના ભવમાં તીર્થંકર નામ ગોત્રકર્મ બાંધ્યું હતું. એ ભવમાં નિશ્ર્ચિત થઈ ગયું હતું કે હવે પછીના ત્રીજા ભવમાં તેઓ પરમાત્મા બનશે.


બની શકે છે, તમારી આસપાસમાં, તમારા જ પરિવારમાં કોઈ ભાવિના ભગવાન હોય, જે ત્રીજા કે પાંચમા ભવમાં પરમાત્મા બનવાના હોય. જો તમને એવી પ્રાજ્ઞદૃષ્ટિ મળી જાય અને ખબર પડી જાય કે મારાં સાસુ કે મારા નણંદ ત્રીજા ભવે પરમાત્મા બનવાનાં છે, પછી તમે એમને પજવીને અશાતના કરો કે એમની પૂજા કરો?


માટે જ, આપણી આસપાસના દરેક આત્માઓને ભાવિના ભગવાનના રૂપમાં જોવા.
જગત તારણહાર પ્રભુ અવની પર પધાર્યા અને આપણે કેટલાં પાપ-દોષોથી બચી ગયાં, કેટલાં અવગુણોથી બચી ગયાં? જો મને પરમાત્મા ન મળ્યા હોત તો???
આ ભવમાં પરમાત્માના સિદ્ધાંતો, પરમાત્માની વાણીનું શ્રવણ કરવાનો યોગ અને પ્રભુપુત્ર એવા ગુરુ મળવા એનાથી મોટું પરમ સૌભાગ્ય એક પણ ન હોય, કેમ કે, જે મારા પરમ પુણ્યનું નિમિત્ત છે, જે મારા પાપોના ક્ષયનું પરમ નિમિત્ત છે એવું એક માત્ર પાત્ર પરમાત્માનું પાત્ર છે. પરમાત્માનું પાત્ર જેમના જીવનમાં આવી જાય એમનું આત્મકલ્યાણ અવશ્ય થઈ જાય.
હોઠ ઉપર સ્મરણરૂપે પરમાત્મા આવે છે, આંખો સામે પ્રતિમા રૂપે આવે છે, પણ શું હૃદયમાં પરમાત્મા આવ્યા છે?
માનો કે, તમારો વહાલો દીકરો Canada ભણવા ગયો છે, તો એ દિવસ કેટલીવાર યાદ આવે? એ મારાથી અત્યારે કેટલો દૂર છે, મારે એને મળવા જવું છે, આવા વિચારો કેટલીવાર આવે? પણ ક્યારેય એવો વિચાર આવે કે મારા પરમાત્મા મોક્ષમાં છે, મારે એમને મળવા જવું છે?


યાદ રાખજો, જે દિવસે પ્રભુ પ્રત્યે પ્રેમ થઈ જાય, જે દિવસે પ્રભુ હૃદયનું પાત્ર બની જાય અને જે દિવસે પ્રભુ વિના ગમે નહીં, પ્રભુ વિના રૂચે નહીં, પ્રભુ વિના ચેન ન પડે, એવી અનન્ય અનુભૂતિ થવા લાગે ત્યારે સમજજો તમે પરમાત્માને પાત્ર બનવા લાગ્યા છો.
એકવાર પરમાત્માને કહો, પ્રભુ! હું તમને પ્રેમ કરું છું, શું તમે મને પ્રેમ કરો છો?
પરમાત્મા શું કહેશે? હા કહેશે કે ના કહેશે?
માટે જ, આજે પ્રભુના ગુણગ્રામ કરતાં – કરતાં, પ્રભુ ભક્તિ કરતાં કરતાં, પ્રભુ જન્મોત્સવ ઉજવતાં ઉજવતાં પ્રભુને કહેવાનું છે, પ્રભુ! તને પાત્રવાન બનવા માટે, તારા જેવા બનવા માટે, પ્રભુ! આજથી હું તને પ્રેમ કરવાની શરૂઆત કરું છું. પ્રભુ! જેમ જેમ તને પ્રેમ કરતો જઈશ, જેમ જેમ તારા પ્રત્યે મારો પ્રેમ વધતો જશે, તેમ તેમ પ્રભુ! હું તારું પાત્ર બનતો જઈશ, મારી પાત્રતાનો વિકાસ થતો જશે, પછી પ્રભુ! તારે કહેવું પડશે, ‘હા, વત્સ! હું પણ તને પ્રેમ કરું છું. તું, મારા લાયક બની ગયો છે એટલે I Like You!’
જેમણે જેમણે પરમાત્માને પ્રેમ કર્યો છે, એમની એમની પાત્રતાનો વિકાસ થયો છે અને જેમની જેમની પાત્રતાનો વિકાસ થયો છે, તેમને તેમને પરમાત્માએ પ્રેમ કર્યો છે.


ચંદનબાળા એક રાજકુંવરી અને ક્ષત્રિય ક્ધયા હતી. એમણે જે દિવસે પરમાત્મા મહાવીરને નિહાળ્યા, તે દિવસથી પરમાત્મા એના હૃદયનું પાત્ર બની ગયા, તે દિવસથી મનમાં એક જ ભાવ, મહાવીર સિવાય બીજું કોઈ મારું નહીં! દિન પ્રતિદિન એનો પરમાત્મા પ્રત્યેનો નિ:સ્વાર્થ પ્રેમ વધતો જ ગયો. એના જીવનમાં એને અનેક કષ્ટો, વેદના, પીડા આવી, પણ પરમાત્મા પ્રત્યેનો એનો પ્રેમ, એની તાકાત અને વિશ્ર્વાસ બનતાં ગયાં, એનો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો અને જેમ જેમ એનો પ્રેમ વધતો ગયો તેમ તેમ તેની પાત્રતાનો વિકાસ થવા લાગ્યો. એ પરમાત્માને પાત્રવાન બનવા લાગી અને માટે જ, એક દિવસ પરમાત્મા સ્વયં સામે ચાલીને એના દ્વારે આવ્યા, ‘હે આત્મન્! હું તને તારવા આવી ગયો છું!’


વિચાર કરો, First Step કોણે ઉપાડવાનું હોય? પરમાત્માએ કે આપણે?
માટે જ, આજથી First Step ઉપાડવાનું છે, પ્રભુને પ્રેમ કરવાનું… પ્રભુને હૃદયપાત્ર બનાવવાનું અને પ્રભુને પાત્રવાન બનવાનું!
સંસારમાં તો કેટલાંય પાત્રોને પ્રેમ કર્યો, કેટલાંયને હૃદયમાં સ્થાન આપ્યું પણ દરેક વખતે એ પ્રેમ શૅરબજારના graphની જેમ વધ-ઘટ થયા કરતો, ક્યારેક તો એ પ્રેમ, દ્વેષમાં પણ convert થયો હશે.
આજે એકવાર પ્રભુને કહી દો, પ્રભુ! હવે મારે આ વધ-ઘટ થવાવાળા પ્રેમમાંથી, જે ખરેખર તો પ્રેમ નહીં પણ રાગ છે, એમાંથી બહાર નીકળીને, માત્ર તને પ્રેમ કરવો છે, જેમાં કોઈ વધ-ઘટ નથી, જેમાં કોઈ terms & conditions નથી, પ્રભુ! તને પ્રેમ કરીને, તારા પાત્રવાન બનવું છે.
તમારી આસપાસમાં કોઈ ભાવિના મા ત્રિશલા હશે તો કોઈ વર્ધમાન હશે, પણ તમે તેને ઓળખી શકતા નથી. ક્યારેક માતા પણ પોતાના સંતાનની ક્ષમતાને ઓળખી શકતી નથી. તો ક્યારેક શિષ્ય પણ પોતાના ગુરુના સામર્થ્યને ઓળખી શકતા નથી.


માટે જ, અમારી તમને પ્રેરણા છે, આજથી પ્રભુને પ્રેમ કરવાની શરૂઆત સાથે પ્રભુ પાસે માગવાનું છે કે, પ્રભુ! મારી પાસે કોઈને ઓળખવાની દૃષ્ટિ નથી એટલે પ્રભુ! તું મને જ્યારે મળે ત્યારે હું તને ઓળખી શકું એવું જ્ઞાન આપી દે, હું તને ઓળખી શકું એવું દૃષ્ટિનું દાન આપી દે, એવું એક વરદાન આપી દે!
જો એવી દૃષ્ટિનું દાન મળી જાય તો આસપાસમાં જે ભાવિના ભગવાન બનવાના હોય એમને સહજતાથી તમે ઓળખી શકો અને પારખી પણ શકો ને!!


માતા ત્રિશલા અને પરમાત્મા મહાવીર પણ આપણા જેવા જ મનુષ્ય હતાં ને!
સામાન્યમાંથી અસામાન્ય બનવું, એ જ પરમાત્માનો માર્ગ છે. જેમને સામાન્યમાંથી અસામાન્ય બનતા આવડે, એ જ મહાવીર કહેવાય.
પરમાત્માને પ્રેમ કરી, સામાન્ય માનવીમાંથી અસામાન્ય એવા પરમાત્મા બનવાનો પુરુષાર્થ કરવો એ જ આ પ્રભુ જન્મોત્સવની પાવન પળ છે.
પ્રભુને એવો પ્રેમ કરીએ કે, પ્રભુને પણ આપણને પ્રેમ કરવાનું મન થઈ જાય અને ચંદનબાળાની જેમ સામેથી આપણા દ્વારે આવીને કહે, હે આત્મન્! હું તને તારવા આવ્યો છું. —-
કરો પ્રભુને પ્રાર્થના:
પ્રભુને પ્રેમ કરવાના આ પાવર અવસરે, પ્રભુને પ્રાર્થના કરો,
હે પ્રભુ! મારી આસપાસ કોઈ પરમાત્માનું પાત્ર હોય તો હું એને ઓળખી શકું, એવી દૃષ્ટિનું વરદાન આપી દો!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…