દમદાર દુબઈમાં જંગ જોરદાર

સ્પોર્ટ્સ મૅન – અજય મોતીવાલા
ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતી કાલે બપોરે થશે ચૅમ્પિયન્સ ટ્રોફીનો `બ્લૉકબસ્ટર શૉ’: આ હાઇ-વૉલ્ટેજ મુકાબલામાં બન્ને દેશના અગિયાર-અગિયાર ખેલાડીઓ વચ્ચે ખેલાશે ખેલ ખરાખરીનો! 19 દિવસની ચૅમ્પિયન્સ ટ્રોફીનો ક્રિકેટોત્સવ 19મી ફેબ્રુઆરીએ શરૂ થઈ ચૂક્યો છે, પણ આ ઉત્સવનો સૌથી મહત્ત્વનો દિવસ આવતી કાલે છે એ વાત સાથે એકેએક ક્રિકેટપ્રેમી સહમત થશે. દુબઈમાં રવિવાર, 23મી ફેબ્રુઆરીએ બપોરે 2.00 વાગ્યે ભારત-પાકિસ્તાન મૅચ માટે ટૉસ ઉછાળાશે એટલે કે આ સપરમા ક્રિકેટ-અવસરના આરંભનો શંખ ફૂંકાયેલો કહેવાશે. ત્યાર પછી તરત જ ટૂંકી વિધિના રૂપમાં બન્ને દેશના 11-11 ખેલાડીઓના નામની જાહેરાત કરાશે, કૅપ્ટનોના ઇન્ટરવ્યૂ થશે, કૉમેન્ટેટર્સ આ હાઈ-વૉલ્ટેજ મુકાબલા પહેલાંના અવલોકન અને વિચારો રજૂ કરશે, ઘરમાં, સોસાયટીમાં, હોટેલમાં કે કામકાજના સ્થળે ટીવી સામે ગોઠવાઈ ગયેલા લોકો એકમેક સમક્ષ પોતાનાં મંતવ્યો આપશે, મુખ્ય કાર્યક્રમ (એટલે કે મૅચ)ના આરંભ પહેલાં પિચ પર પણ ઘણી ચર્ચા થશે, બન્ને ટીમના ખેલાડીઓ દુબઈના મેદાન પર હળવી પ્રૅક્ટિસ કરતા જોવા મળશે, થોડી જાહેરખબરો પણ પ્રસારિત કરાશે, બન્ને અમ્પાયર તેમ જ બૅટિંગ ટીમના બે ઓપનર તેમ જ ફીલ્ડિંગ ટીમના ખેલાડીઓ મેદાન પર ઊતરશે અને પછી 2.30 વાગ્યાના ટકોરે પહેલો બૉલ ફેંકવામાં આવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની કોઈ પણ મૅચમાં રસાકસી થાય કે ન થાય એ પછીની વાત છે, પરંતુ તેમની મૅચ પહેલાંનો માહોલ અભૂતપૂર્વ હોય જ છે. ક્રિકેટજગતમાં આ બે કટ્ટર હરીફ સિવાય બીજી કોઈ બે ટીમ એવી નથી કે જેમની વચ્ચેની મૅચમાં કરોડોની સંખ્યામાં લોકો રસ લેતા હોય, અબજો રૂપિયાના બિઝનેસ થતા હોય અને કંઈ કેટલીયે અટકળો થતી હોય. ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો કોઈ પણ ટૂર્નામેન્ટની ફાઇનલ કરતાં પણ વધુ ચર્ચાસ્પદ હોય છે એમાં કોઈ શંકા નથી.
છેલ્લાં દોઢ વર્ષની વાત કરીએ તો 2023માં 14મી ઑક્ટોબરે અમદાવાદમાં વન-ડેના વર્લ્ડ કપમાં રમાયેલી મૅચનો દિવસ શનિવાર હતો જેમાં ભારતે 117 બૉલ બાકી રાખીને સાત વિકેટે વિજય મેળવ્યો હતો. એમાં રોહિત શર્મા (86 રન) અને શ્રેયસ ઐયરે (અણનમ 53) 192 રનના લક્ષ્યાંકને મામૂલી બનાવી નાખ્યો હતો. ત્યાર બાદ 2024માં નવમી જૂને ન્યૂ યૉર્કમાં બન્ને કટ્ટર દેશ વચ્ચે રમાયેલી મૅચનો દિવસ રવિવાર હતો જેમાં ભારતે જસપ્રીત બુમરાહના ત્રણ વિકેટના તરખાટ સાથે પાકિસ્તાનને 120 રનનો મામૂલી ટાર્ગેટ નહોતો મેળવવા દીધો અને છ રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો.
હવે આવતી કાલે ફરી એક વાર રવિવાર છે, ભારત-પાકિસ્તાન વચ્ચે કાંટે કી ટક્કર થવાની છે એટલે જોઈએ હવે `સુપર સન્ડે’ છેવટે કોણ ઉજવશે. ભારત તો ગુરુવારે બાંગ્લાદેશ સામેની પ્રથમ લીગ મૅચ જીતી ગયું હતું, પણ પાકિસ્તાને 19મી ફેબ્રુઆરીના પ્રારંભિક દિવસે ન્યૂ ઝીલૅન્ડ સામે પરાજય જોયો હોવાથી હવે આવતી કાલે ભારત સામેની હાર આ મુખ્ય યજમાન દેશ અને ડિફેન્ડિંગ ચૅમ્પિયનને સ્પર્ધાની લગભગ બહાર કરી દેશે. આવતી કાલે દુબઈનું સ્ટેડિયમ (અંદાજે 25,000 સીટની વ્યવસ્થાને પગલે) ખીચોખીચ ભરાયેલું જોવા મળશે. જોકે કરોડો લોકો પોતપોતાના ઘરમાં, પોતાના વિસ્તારના જાહેર સ્થળે કે કામકાજના સ્થળે ટીવી સામે ગોઠવાઈ જશે.
આજે અહીં ભારત-પાકિસ્તાન વચ્ચેના ભૂતકાળના મુકાબલાઓમાં બની ગયેલી એવી કેટલીક ઘટનાઓ પર નજર કરીશું જેની ચર્ચા દાયકાઓથી થઈ રહી છે. આશા રાખીએ કે આવતી કાલની મૅચમાં પણ એવી કોઈ ઘટના બને કે જેને ક્રિકેટલવર્સ દાયકાઓ સુધી યાદ રાખે અને ક્રિકેટના ગ્રંથોમાં એનો ઉલ્લેખ અચૂક થાય.
વેન્કટેશ પ્રસાદમાં બદલે કી આગ 1996ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમનું સુકાન ઓપનર આમિર સોહેલના હાથમાં હતું. બેન્ગલૂરુની ક્વૉર્ટર ફાઇનલમાં પાકિસ્તાનને 289 રનનો લક્ષ્યાંક અપાવવા તે કટિબદ્ધ હતો. એક તબક્કે તેણે વેન્કટેશ પ્રસાદના બૉલમાં બાઉન્ડરી ફટકારીને તેને બતાવી આપ્યું હોવાનો ઇશારો કર્યો હતો. સામાન્ય રીતે ફાસ્ટ બોલરમાં જોવા મળતી આક્રમકતા જાવાગલ શ્રીનાથની જેમ વેન્કટેશ પ્રસાદમાં પણ ભાગ્યે જ જોવા મળતી હતી, પરંતુ આ મૅચ પાકિસ્તાન સામેની હતી એટલે વેન્કટેશે સોહેલ સામે વેર વાળવાનું તાબડતોબ નક્કી કરી લીધું હતું. સઈદ અનવર અને સોહેલ 10 ઓવરમાં 84 રન ખડકી દીધા હતા એટલે ભારત માટે થોડું ટેન્શન તો હતું જ. જોકે સોહેલે પેલી ફોર ફટકારી એ પછીના જ બૉલમાં વેન્કટેશે તેને ક્લીન બોલ્ડ કરીને બદલો લઈ લીધો હતો.
ગંભીર-આફ્રિદીની ટકકર
2007ની સાલમાં ભારતીય ઓપનર (હવે હેડ-કોચ છે) ગૌતમ ગંભીરે પાકિસ્તાનના ઑલરાઉન્ડર શાહિદ આફ્રિદીના એક બૉલમાં જોરદાર ફટકો લગાવીને બૉલ બાઉન્ડરી લાઇનની બહાર મોકલી દીધો હતો. બન્ને હરીફ ખેલાડી તામસી મગજના છે એટલે તેમની વચ્ચે શાબ્દિક પ્રહાર થાય એ સ્વાભાવિક છે. આ મૅચની ઘટનામાં ગંભીરે ફોર ફટકારી ત્યાર પછી તેની અને આફ્રિદી વચ્ચે બોલાચાલી થઈ હતી અને બન્ને જણ મારામારી સુધી આવી ગયા હતા. બન્નેમાંથી એક પણ ખેલાડી શાંત પડવા તૈયાર નહોતો અને ગંભીર એક રન દોડી રહ્યો હતો ત્યારે તે અને આફ્રિદી એકમેક સાથે ટકરાયા હતા. ત્યાર પછી પણ બન્ને વચ્ચે શાબ્દિક આપ-લે થઈ હતી અને એમાં અપશબ્દો પણ બોલાયા હતા. છેવટે અમ્પાયરે વચ્ચે પડીને તેમને શાંત પાડ્યા હતા. જોકે વાત ત્યારે જ નહોતી અટકી ગઈ. બન્ને દિગ્ગજો નિવૃત્તિ પછી હજી પણ `સામસામે’ આવી જાય છે. જોકે આ સામાસામી શારીરિક રીતે નહીં, પણ સોશિયલ મીડિયામાં હોય છે જેમાં તેઓ એકમેકને ઉતારી પાડવાની અને ખોટા સાબિત કરવાની એક પણ તક નથી છોડતા.
ક્રિકેટપ્રેમીએ `આલૂ’ કહેતાં જ ઇન્ઝમામનો પિત્તો ગયો ભારતીય રાજકારણમાં એક જ `આલૂ’ છે અને એ છે લાલુપ્રસાદ. થોડાં વર્ષો પહેલાં `જબ તક રહેગા સમોસે મેં આલૂ તબ તક રહેગા બિહાર મેં લાલુ’ આ સ્લોગન (સોશિયલ મીડિયા નહોતું છતાં) દેશભરમાં ખૂબ વાઇરલ થયું હતું. જોકે ક્રિકેટમાં `આલૂ’ શબ્દનો ઉલ્લેખ થાય ત્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકવાળી ઘટના અચૂક યાદ આવી જાય. ઇન્ઝી આમ તો શાંત સ્વભાવનો, પણ 1997ની મૅચ વખતે એ જાડિયો ક્રિકેટર ચર્ચાસ્પદ થઈ ગયો હતો. કૅનેડાના ટૉરન્ટો શહેરના સ્ટેડિયમમાં બેઠેલા એક ભારત-તરફી પ્રેક્ષકે ઇન્ઝીને વારંવાર `આલૂ’ કહીને બોલાવ્યો એટલે તેનો પિત્તો ગયો હતો. ઇન્ઝી બાઉન્ડરી લાઇન પાસે ફીલ્ડિંગમાં હતો અને તેને વારંવાર `આલૂ’ કહીને બોલાવાયો એટલે તેણે ડે્રસિંગ-રૂમમાંથી બૅટ મગાવ્યું હતું અને એ લઈને પેલા પ્રેક્ષક પાસે સ્ટૅન્ડમાં પહોંચી ગયો હતો. સલામતી રક્ષકે તેને રોક્યો હતો અને પછીથી ઇન્ઝમામને મૅચ રેફરીએ ક્રિકેટપ્રેમી સાથે આ પ્રકારનું આક્રમક ગેરવર્તન કરવા બદલ જોરદાર ઠપકો આપ્યો હતો.
મિયાંદાદનો `કાંગારું કૂદકો’
કાંગારું નામનું પ્રાણી ઑસ્ટે્રલિયાની શાન છે, પણ 1992ના વર્લ્ડ કપમાં સિડની ખાતે પાકિસ્તાનના પીઢ ખેલાડી જાવેદ મિયાંદાદે આડકતરી રીતે એની મજાક ઉડાવતી ઍક્શન કરી હતી. સ્ટમ્પ્સની પાછળથી વધુ પડતી અપીલ કરી રહેલા તેમ જ મિયાંદાદની એકાગ્રતા તોડવાનો પ્રયત્ન કરી રહેલા ભારતના વિકેટકીપર કિરણ મોરે સામે જઈને મિયાંદાદે પહેલાં તો તેને કંઈક કહ્યું હતું અને ત્યાર બાદ એક ચીકી રન દોડ્યા બાદ તેણે મોરે સામે ઊભા રહ્યા પછી તેની હાંસી ઉડાવવાના હેતુસર કાંગારુંની જેમ ઊંચો કૂદકો માર્યો હતો. કૉમેન્ટેટર્સ અને ક્રિકેટપ્રેમીઓએ આ ઘટનાને હળવાશથી લીધી હતી અને ખૂબ હસ્યા હતા, પરંતુ ભારતીય કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને મિયાંદાદનો આ અટકચાળો જરાય નહોતો ગમ્યો અને મિયાંદાદ સામે ખુન્નસથી જોવા લાગ્યો હતો.
શોએબ વિરુદ્ધ હરભજન
પાકિસ્તાનનો ફાસ્ટેસ્ટ બોલર શોએબ અખ્તર ક્યારેય કોઈ ઝઘડામાં પાછીપાની નથી કરતો, પણ 2010ની એશિયા કપની મૅચમાં તેની સામે છેલ્લું અટ્ટહાસ્ય ભારતીય ઑફ-સ્પિનર હરભજન સિંહનું જ હતું. વાત એવી છે કે પૂંછડિયા ભજ્જીને શોએબે ફેંકેલો બૉલ ડૉટ-બૉલ બન્યો હતો. ભારતીય ટીમ લક્ષ્યાંક ચેઝ કરી રહી હતી અને ભજ્જી એ બૉલમાં રન બનાવવામાં નિષ્ફળ જતાં ફુલાઈ ગયેલા શોએબે તેની સામે સ્લેજિંગનાં કેટલાંક શસ્ત્રો અજમાવ્યાં હતાં. જોકે હરભજન છોડે ખરો! ભારતને જિતાડવાનો હરભજનમાં વધુ જોશ આવ્યો હતો અને તેણે ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરની નિર્ણાયક ઓવરમાં છગ્ગો ફટકારીને શોએબને અને અન્ય પાકિસ્તાનીઓને તાકાત બતાવી દીધી હતી. એ વિજય અપાવતાં જ હરભજને શોએબની સામે જઈને જોશ-ઝનૂન સાથે જીત સેલિબ્રેટ કરી હતી. તાજેતરમાં શોએબ અને હરભજને ટીવી પર ચૅમ્પિયન્સ ટ્રોફી માટેના એક પ્રમોશનલ વીડિયોમાં 15 વર્ષ જૂની એ ક્ષણો ફરી તાજી કરી હતી.