ફ્રેંચ ફ્રાય્ઝનું મૂળ વતન કયું… જાણો છો?
આપણે એને `અમેરિકન' ગણીએ છીએ, પણ બેલ્જિયમ અને ફ્રાંસ પાસે જુદો જ ઇતિહાસ છે.

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
ફાસ્ટફૂડ ચેનના કોઈ પણ શહેરમાં આવેલા આઉટલેટ પર જઈને જોશો તો લગભગ દરેક ટેબલ પર એક ખાદ્ય પદાર્થ જરૂર દેખાશે. એ છે: બટાકાની તળેલી કાતરી જેના પર થોડો મરીમસાલો ભભરાવ્યો હોય. પેટ ભરવા આવેલી ગમે એ ઉંમરની વ્યક્તિ આ એક વાનગી તો ખાશે જ, એય કોલેસ્ટેરોલ કે ડીપ ફ્રાય્ડ ઇન ઑઈલ જેવા ડરામણા શબ્દોની લગીર પરવા કર્યા વિના! આપણે આ અત્યંત લોકપ્રિય વાનગીને ફ્રેંચ ફ્રાય' નામે ઓળખીએ છીએ. ઘણા એને માત્ર ફ્રાય્ઝ કે પોટેટો ચિપ્સ પણ કહે છે. જો તબિયતની ચિંતા બાજુએ મૂકીએ તો ફાસ્ટફૂડ ચેન્સ પાસે ફ્રેંચ ફ્રાય જેવો મસ્ત ટાઈમપાસ નાસ્તો બીજો એક્કેય નથી અને ફ્રેંચ ફ્રાયની
તારીખ-તવારીખ’ એટલે કે ઇતિહાસ તપાસીએ તો એ ખુદ ફ્રેંચ ફ્રાય કરતાં વધુ ચટાકેદાર વધુ ક્રિસ્પી છે!
ફ્રેંચ ફ્રાય્ઝ ભારતીય યુવા વર્ગનું માનીતું ફાસ્ટફૂડ છે. આમ જોવા જાવ તો અમેરિક્નસ પણ ફ્રેંચ ફ્રાય્ઝ પાછળ ગાંડા છે. ઈ.સ. 2023ના આંકડા મુજબ વિશ્વભરમાં વર્ષે 16.60 અબજ યુએસ ડૉલર્સની ફ્રેંચ ફ્રાય્ઝ ખવાઈ જાય છે! જે રીતે ફાસ્ટફૂડ માટેની ઘેલછા અને ફાસ્ટ ફૂડ ચેન્સમાં વૃદ્ધિ થઈ રહી છે એ જોતાં 2032 સુધીમાં આ આંકડો 26.56 અબજ યુએસ ડૉલર્સને આંબી જશે. અમેરિકન ફાસ્ટ ફૂડ ચેન્સને પ્રતાપે આપણે એને અમેરિકન વાનગી ધારી લઈએ છીએ, પણ એવું નથી. આ વાનગી મૂળે બીજા દેશોમાંથી `વગર વિઝાએ’ અમેરિકામાં ઘૂસી આવી છે. એટલું જ નહિ, વર્ષે દહાડે એવરેજ અમેરિક્નસના સેંકડો ડૉલર આ એક જ વાનગી ઓહિયા કરી જાય છે. એની લોકપ્રિયતા એવી ચરમસીમાએ છે કે સાક્ષાત ટ્રમ્પ સરકાર પણ એને હાથે-પગે બેડીઓ બાંધીને દેશનિકાલ આપી શકે એમ નથી! આ વાનગીના નામ પરથી મોટા ભાગના લોકો ધારણા બાંધી લે છે કે આ ફ્રાંસની વાનગી છે. એવુંય નથી. બેલ્જિયમવાળા તો કહે છે કે બટાકાની તળેલી કાતરી સાથે ફ્રાંસવાળા બદમાશોને કશું લાગતુંવળગતું નથી! એક મિનિટ, આમાં બેલ્જિયમવાળા ક્યાંથી આવ્યા? મામલો જરા પેચીદો છે.
વાતની શરૂઆત જ બેલ્જિયમથી કરીએ. સદીઓથી અહીંની મ્યુઝ નદીના કાંઠે વસતી ગ્રામ્ય પ્રજા માટે ખોરાકનો મુખ્ય હિસ્સો એટલે માછલી. મ્યુઝનાં પાણીમાં રહેતી માછલીઓ તળીને ખાવામાં આ પ્રજાને ભારે રસ, પણ દર વર્ષે કાતિલ શિયાળો બેસી જાય પછી મોટી તકલીફ, કેમ કે નદીનું બધું પાણી બરફમાં ફેરવાઈ જાય પછી માછલી પકડવાની પ્રવૃત્તિ સદંતર બંધ થઈ જાય. લોકોને ભૂખ તો શિયાળામાંય લાગે ને! એવામાં ટેસ્ટી માછલી ન મળે તો બીજું ખાવું શું? સ્થાનિક પ્રજાએ આનો એક ઉપાય શોધી કાઢેલો. શિયાળામાં માછલીની અવેજીમાં એ લોકો બટાકાની કાતરી પાડીને તળીને ખાતા. એ બધાને બહુ ભાવી એટલે વગર શિયાળે પણ બટાકાની સ્વાદિષ્ટ કાતરીઓ ખવાતી રહી. લગભગ સત્તરમી સદીથી બટાકાની તળેલી કાતરીઓ પણ મ્યુઝ નદીના પ્રદેશોમાં વસતા બેલ્જિયમવાસીઓ માટે ખોરાકનો એક અનિવાર્ય હિસ્સો બની ગઈ.
જોકે, લોચો વીસમી સદીમાં પડ્યો. સદીની શરૂઆતમાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. જર્મન સેનાની ચુંગાલમાંથી બેલ્જિયમને બચાવવા માટે અમેરિકન સેનાએ અહીં ધામાં નાખ્યાં. અમેરિકન સૈનિકોની આ ટુકડીઓનું પેટ ભરવા માટે પણ ફૂડ સપ્લાય તો જોઈએ જ. આવા સંજોગોમાં સૈનિકો આસપાસના વિસ્તારોમાં મળતી સ્થાનિક આઈટેમ્સને જ ભોજનમાં સમાવી લેતા હોય છે. એ હિસાબે અમેરિકન સૈનિકોએ પણ બટાકાની કાતરી આરોગવાનું શરૂ કર્યું. સ્વાદિષ્ટ કાતરી એમની દાઢે બરાબરની વળગી, પણ આ વાનગીને નામ શું આપવું? બેલ્જિયમના જે હિસ્સામાં અમેરિકન સૈનિકોની છાવણી હતા, ત્યાં ફ્રેંચ ભાષા બોલનારા લોકોની વસતિ મોટા પ્રમાણમાં. આ લોકોય વળી બટાકાની કાતરી ખાતા એટલે પેલા સૈનિકોએ ઝાઝી માથાકૂટમાં પડ્યા વિના બટાકાની કાતરીને ફ્રેંચ લોકોનો ખોરાક ગણી લીધો અને નામ આપ્યું `ફ્રેંચ ફ્રાય્ઝ’.
યુદ્ધ પૂરું થયા બાદ અમેરિકન સૈનિકો ઘરભેગા થઈ ગયા, પણ બેલ્જિયમમાં ખાધેલી પેલી વાનગીનો સ્વાદ એ અમેરિકા લઈ ગયા એમણે અમેરિકામાં પણ ફ્રેંચ ફ્રાય્ઝ બનાવીને ખાવા માંડી. બસ, પછી તો અમેરિકામાંય આ જ નામ ચાલ્યું. ફ્રેંચ ફ્રાય્ઝ વિશેનો બીજો એક મત જરા જુદો અને વધુ ઑથેન્ટિક છે. ઠેઠ ઈ.સ. 1802માં તત્કાલીન અમેરિકન પ્રમુખ થોમસ જેફરસનના ભાણામાં બટાકાની તળેલી કાતરી પીરસવામાં આવી. પોટેટો ચીપ્સ કરતાં એની ઓળખને જુદી પાડી શકાય એટલા માટે એને ફ્રેંચ ફ્રાય્ઝ' કે
સ્કીની ફ્રાય્ઝ’ નામે બોલાવવાનું શરૂ થયું. એ પછી 1856માં આ શબ્દ પ્રથમ વાર છાપાને પાને ચડ્યો. એલિઝા વોરન નામનાં લેખિકા સ્ત્રીના રસના વિષયો ઉપર લખતાં, જેમાં કિચનની વાતો થતી. મિસિસ વોરને પોતાના એક લેખમાં `ફ્રેંચ ફ્રાય્ઝ’ શબ્દ વાપર્યો. આમ અમેરિકન સૈનિકો લાવ્યા, એ પહેલાંની ફ્રેંચ ફ્રાય્ઝ અમેરિકામાં આવી ગઈ હતી.
ત્રીજો મત વળી એથીય જૂનો છે. ઠેઠ 1629માં ચિલીના એક દસ્તાવેજી લેખમાંથી `ફ્રાય્ડ પોટેટો ચીપ્સ’ જેવી વાનગીનો ઉલ્લેખ મળી આવે છે. માપુચે તરીકે ઓળખાતી સ્થાનિક મૂળનિવાસી પ્રજાએ ચિલી દેશના ફ્રાન્સિસ્કો નામના સિપાહીને એક યુદ્ધમાં બંદીવાન તરીકે પકડ્યો. સંજોગવશાત્ ફ્રાન્સિસ્કો યુદ્ધના નિષ્ણાત હોવાની સાથે લેખક પણ હતો. સાતેક મહિના સુધી બંદીવાન રહેવું પડ્યું એ દરમિયાન ફ્રાન્સિસ્કોએ માપુચે પ્રજા વિશે અનેક માહિતી ભેગી કરી. આ માહિતીઓની વિગતવાર યાદીમાં તળેલા બટાકાની વાનગીનો પણ ઉલ્લેખ હતો.
મેકડોનાલ્ડ' જેવી ફૂડચેનને પ્રતાપે ફ્રેંચ ફ્રાય્ઝ નામની વાનગીને આપણે ભલે અમેરિકન સમજતા હોઈએ, પણ સ્વાભાવિક છે કે બેલ્જિયમવાસીઓને આનાથી પારાવાર દુ:ખ થતાં એમણે ફ્રેંચ ફ્રાય્ઝને
બેલ્જિયમ ફ્રાય્ઝ’ ઘોષિત કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું, પણ લોકજીભે ચડી ગયેલું નામ એમ થોડું ભૂંસાય? બીજી તરફ, બેલ્જિયમના ફૂડ હિસ્ટોરિયન પિઅરી લેકલર્ક તો સોઈ ઝાટકીને જાહેર કરે છે કે પોટેટો ફ્રાય્ઝ મૂળે ફ્રાન્સની જ વાનગી છે, બોલો!