એકની મૂર્ખામી… બાકીનાની મોજ
વિદેશના એરપોર્ટ પર ઊતરીને સૌથી પહેલાં કરન્સી રેટ જરૂર જાણી લો તો અમારા જેવા આંચકા ન લાગે..!
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
જે શ્રીક્રષ્ન મિલનભાઈ, ફોરેન પ્રોગ્રામ કરો છો? ‘જાન્યુઆરીમાં ઈચ્છા છે’.
અચાનક લસણ ૫ રૂપિયે કિલો થઇ ગયું હોય એવો આનંદ થયો. સામેવાળાનો વિચાર ફરે એ પહેલાં હા પાડી દીધી. પુરસ્કારની રકમ ૩ લાખ નક્કી થઇ ગઇ. એના મોઢે બોલ્યા હતા એટલે મેં પણ ઓછું કરવાની જીદ ન કરી. પાછા મને કહ્યું પણ ખરું કે બીજો એક શો હું તમને ગોઠવી આપીશ, જેના તમે પાંચ લાખ લઈ શકશો. એટલે પહેલે જ ધડાકે ત્રણ લાખની વાતને વધાવી લીધી. આ એક શો ત્રણ લાખમાં થાય પછી બીજા બે- ત્રણ શો હું કરી શકું તેમ હતો એટલે મનમાં આનંદ થયો કે ચાલો, આ પંદર દિવસની ટુરમાં આપણે ૧૫ થી ૧૮ લાખ કમાઈને આવીશું.
ચુનિયો જનમજનમનો લેણિયાત મારી બાજુમાં જ ઊભો હતો.એણે આખી વાત સાંભળી એટલે મને કહે, ‘જો એક શોના ત્રણ લાખ મળતા હોય તો કોઈ મેનેજર તમે સાથે લઇ જાવ.ભલે મેનેજર બેગ ઉપાડે પણ કહેવાય મેનેજર. તમારો પણ વટ પડી જાય’.
મને પણ થયું કે આપણી સાથે કોઈ વ્યક્તિ મેનેજર તરીકે આવતી હોય અને તે ડીલ કરે તો સાહેબ હોવાની ફીલ આપણને પણ આવે. તરત જ ચુનિયાએ ફોન આંચકી લીધો. મને થયું કે અત્યારથી આનું આવું વર્તન છે તો ત્યાં જઈને શું કરશે?
મેં પૂછયું : ‘શું કામ ફોન લીધો’? તો મને એ કહે : ‘તમારે ફોન રિસિવ નહીં કરવાનો..એ મેનેજર કરે. અત્યારથી જ મને ફોરેન ટુરમાં હોઉં તેવી ફીલ આવવા દો..’.
૧૫ થી ૧૮ લાખના સપનામાં ઘરના તમામ સભ્ય બેસીને તેને ક્યાં ખર્ચ કરવા તેની મથામણમાં પડ્યા. છોકરાએ નવું બાઈક માગ્યું તો પત્ની કહે: આપણી કાર નાની પડે છે… આમ તો એનું શરીર જોતાં એની વાત સાચી હતી એટલે નવી મોટી કારનું બજેટ પણ ફાળવ્યું.
ચુનિયાએ કહ્યું કે બે લાખ રૂપિયાની જોગવાઈ તો મારા માટે પણ કરો …ભલે ઉછીના પણ આપો એટલે ઘરનું ફર્નિચર બદલી નાખું..
આપણને થયું કે હાથી તોળાતા હોય ત્યારે સસલા ભલે ધડામાં જાય. થોડા રૂપિયા ડૉલરમાં પરિવર્તિત કરીને આપણે તૈયારી શરૂ કરી. સામાન પેક થવા માંડ્યો બેગ ઉપર તો છોકરા એ ઠેકડા માર્યા ત્યારે બંધ થઈ. જવાનો દિવસ નજીક આવ્યો એટલે ચુનિયાએ ગામ આખાને મેસેજ કર્યા : ‘હું પરદેશ જાઉ છું મિલનભાઈ ને લઈને…’ મારે જેટલા શુભેચ્છા સંદેશ ન આવ્યા તેનાથી વધારે ચુનિયાને ભલામણો આવી.ચુનિયા એ બધાને પ્રોમિસ કર્યું કે નેક્સ્ટ ટાઈમ તમને લઈ જઈશ. એરપોર્ટ પર ઇમિગ્રેશનમાં પણ ચુનિયો બધે આગળ રહ્યો. શાંતિથી જ્યાં વિઝા મળે ત્યાં પણ મગજમારી કરી મોડું કરાવ્યું. છેલ્લે દોડતા દોડતા પ્લેનમાં બેઠા…
મગજમાં હજી બીજા ત્રણ- ચાર લાખ ક્યાં ગોઠવવા તેની મથામણ ચાલતી હતી. બેંકનો ભરોસો નથી કોઈ માલયા-મોદી આપણું કરી જાય તેના કરતાં આપણે આપણું કરી નાખવું એવા વિચાર સાથે બાકીના ત્રણ -ચાર લાખ ક્યાં સેટ કરવા તે વિચારતા વિચારતા પ્લેનમાં બેઠા.
ચુનિયાએ ફ્લાઈટના પાઈલોટને ઓફર કરી કે તમે ભલે સાત- આઠ કલાકમાં પહોંચાડવાની વાત કરો, પરંતુ તમને એવું લાગે કે નિરાંતે જવું છે-ઘરે પહોંચવાની ઉતાવળ ન હોય ને કોઇ વઢે તેમ ના હોય તો તો થોડુક વધારે ચક્કર મરાવજો…. અને થાકી જાઓ તો કહેજો હું ચલાવી લઈશ….!
માંડ સમજાવી મેં એને સીટ પર બેસાડ્યો.. ઘરેથી લાવેલા થેપલા અને છુંદો જેવા એણે ટિફિનમાંથી બહાર કાઢ્યા કે આખા પ્લેનમાં અથાણાની સુગંધ પ્રસરી ગઇ. કોઈપણ ને દીધા વગર એ પહેલેથી છેલ્લે સુધી હાથમાં થેપલા-છૂંદો લઈ એ ચક્કર મારીને પરત બેસી ગયો.
મેં પૂછયું : કેમ અમસ્તા ચક્કર કેમ મારે છે? તો એ મને કહે: આપણે થેપલા- છૂંદો દઈ ન શકીએ, પરંતુ તેની સુગંધ તો દઈ શકીએ કે નહીં?! ત્રણ દિવસના થેપલા અને છુંદો એક સાથે ખાઈને નસકોરા બોલાવતો એ પોઢી ગયો.
આજુબાજુવાળા ચાર-પાંચ જણાએ મને કહ્યું : ‘આ ભાઈને જગાડો…’ મેં પૂછ્યું : કેમ કંઈ કામ છે? મને જવાબ મળ્યો : ના, અમારે સૂવું છે….!
ચુનિયાના નાકે ચપટી મારી તો એણે એટલા મોટેથી એવા અવાજ કર્યા કે કોકપિટમાંથી પાઈલોટ દોડતો આવ્યો : ‘આ ભાઈના અવાજ બંધ કરો.. મને એમ કે એન્જિનમાં અવાજ આવે છે.’
‘હું ૧૦ મિનિટથી મથું છું કે ક્યાં ફોલ્ટ છે પછી ખબર પડી કે આ ભાઈના ઘોરવાનો અવાજ ત્યાં સુધી આવે છે….’
એરપોર્ટ પર લેન્ડ થવાની સૂચના આવી ત્યાં સુધીનો માંડ માંડ સમય પસાર કર્યો. હજુ તો સૂચનાઓ અપાતી હતી કે ત્યાં પોતાનો બાંધેલો પટ્ટો છોડીને ઊભા થઇ સામાન કાઢવા માંડ્યો. મને કહે :
‘ભીડ થઈ જાય ને આપણે મોડા ઊતરવાનું થાય તેના કરતાં હું સામાન દરવાજા પાસે મૂકતો આવું….! ’ એની સૌરાષ્ટ્ર મેલની ટેવ હજુ ગઈ ન હતી. એરપોર્ટ પર ઊતરતા જ મને કહે : ‘ચાલો, ચા- પાણી પી લઈએ’ અમે એક સ્ટોલ પર ગયા ત્યાં ગુજરાતી ભાષા ચાલે નહીં છતાં એણે ચાલુ કર્યું કે ‘ચા કેવી જોઈએ છે…’ છેવટે જાતે બનાવવા લાગી ગયો. પાણીની બોટલ અને ચા પાણી પતાવ્યા પછી મેં બિલ પૂછ્યું તો પહેલો એટેક આવ્યો. મને કહે કે ૨૦ હજાર આપો. એક જ મિનિટમાં પરિસ્થિતિ પામી ગયો. ૭ હજારની ચા અને ૧૩ હજારનું પાણી….! મારો શો ૩ લાખનો ને હું દસ-બાર વાર ચા પાણી પીવું એટલે મારા શોની ફી ખતમ….! મેં જમવાના ભાવ પણ પૂછી લીધા ત્યારે ખરેખર જોરદાર આઘાત લાગ્યો. ભાંગીતૂટી એક ગુજરાતી થાળીના ૧૫ હજારા હતા. ચુનિયાની સાથે ગણતરી મુકું તો રહેવા- જમવા- ખાવા -પીવાના રોજના એક લાખ ! આજ સુધીમાં ગુજરાતીમાં ‘ધ્રાસકો’ શબ્દ માત્ર શબ્દકોશમાં વાંચેલો, પણ એ કેમ પડે તે પહેલીવાર અનુભવ્યું.
તરત જ અમારો મિત્ર સમીર યાદ આવ્યો. આયોજક પાસેથી માંગીને ફોન લીધો ને મદદનો પોકાર પાડ્યો.
ભલું થાજો કુમાર પંડ્યાનું અને સમીરના સંબંધીનું કે બધી વ્યવસ્થા થઇ ગઈ.કુમારને બે -ત્રણ દિવસ તો વાંધો ન આવ્યો, પણ ચુનિયાની રોજની નવી ફર્માઇશને કારણે અમારી રિટર્ન ટિકિટ જોવા જરૂર માંગી.
અહીં સીલિંગ ચાલે છે. એક રૂપિયાના ૩૨ સીલિંગ.હવે નિરાંતે બેસીને અમારા ખર્ચ અને આવકનો હિસાબ કરજો. ક્યાંય પણ જાવ તો બીજી કોઈ તપાસ કરો કે ન કરો, પણ કરન્સી રેટ આગોતરા જાણી લેવા સારા એવું બ્રહ્મજ્ઞાન થયું…
વધુ આવતા શનિવારે હો…
વિચાર વાયુ:
મૂર્ખતાની ચરમસીમાએ ઉત્તમ હાસ્ય જન્મે જે બીજાને આનંદ આપે અને મૂર્ખ બનનારને દુ:ખ- જ્ઞાન સાથે નિજાનંદ