વીક એન્ડ

એ મૌત, તુ એક કવિતા હૈ…

નિત્શે-ગુલઝારથી માંડીને કેવિન બ્રિગ્સની રોચક ફિલોસોફી

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

તાજેતરમાં જ્ઞાનપીઠ ‘એવોર્ડ’થી પુરસ્કૃત ગુલઝારે ફિલ્મ ‘આનંદ’ માં લખ્યું છે :
‘એ મૌત, તુ એક કવિતા હૈ!’

જો મૃત્યુ જેવું કશું ન હોત તો અનેક સર્જકો, ફિલસૂફો અમર થવાને બદલે કદાચ ભૂખે મરી ગયા હોત! જોક્સ અપાર્ટ, મૃત્યુ એક એવો વિષય છે, જેના વિષે જાણવું બધાને ગમે છે. જીવન અને મૃત્યુની પોતપોતાની ફિલોસોફી છે. મહાન જર્મન ચિંતક ફ્રેડરિક નિત્શેએ એક વાર જાહેર કરેલું, God is Dead! અર્થાત, ખુદ ઈશ્ર્વર મરી ચૂક્યો છે! નિત્શેનો ઈશારો કદાચ યુરોપિયન સમાજની છિન્ન-ભિન્ન થઇ રહેલી મોરાલિટી-નૈતિકતા તરફ હતો, પણ નિત્શેના મૃત્યુ બાદ એના જ વિધાનની પેરોડી કરીને કહેવાયું કે Nietzsche is Dead!ખેર, મોટા ગજાના વિચારકો ઘણીવાર સામાન્ય જનતાને પચતા નથી.

એટલે આપણે ય એ વિશેની ચિંતા પડતી મૂકીએ.

વાત અહીં મૃત્યુ વિષે છે…

ગુલઝારને મોત એક કવિતા સમાન લાગી, જ્યારે નિત્શેને મૃત્યુ બહુ વાસ્તવિક – બહુ અનિવાર્ય બાબત લાગે છે.

શૂન્યવાદી (nihilist)ં ગણાતા નિત્શેની માન્યતા હતી કે તમે મનુષ્ય પાસેથી એનું જીવન છીનવી શકો, પણ એનું મૃત્યુ કોઈ કાળે ન છીનવી શકો! કોઈકને યોગ્ય સમયે મોતથી વંચિત રાખવો, એના જેવી ક્રૂરતા બીજી કોઈ નથી! નિત્શે મૃત્યુના પ્રેમમાં હતા? કે ડિપ્રેશન સહિતની પોતાની બીમારીઓને કારણે જીવનને ધિક્કારતા થઇ ગયેલા? નિત્શેએ પોતાના પુસ્તક ઝવીત Spoke Zarathustra: A Book for All and None dp„ Die at right time ની વાત કરી છે.

વાત તદ્દન ખરી છે. યોગ્ય સમયે જીવી
લેવું અને યોગ્ય સમયે મરી જવું- વિદાય લેવી – આ બંને બાબત તમને સુખી અથવા દુ:ખી કરી શકે છે.

જીવન જીવી લેવા માટે ચોક્કસ સમયગાળો હોય છે અને મરી જવા માટે પણ નિયત સમય પસંદ થવો જરૂરી છે. મોતને કવિતા ગણનારા ગુલઝાર મૃત્યુના સમય વિષે કહે છે :

‘डूबती नब्जों में जब दर्द को नींद आने लगे
जर्दे सा चेहरा लिये जब चांद उफक तक पहुँचे दिन अभी पानी में हो, रात किनारे के करीब ना अंघेरा ना उजाला हो, ना अभी रात ना दिन जिस्म जब खत्म हो और रुह को जब सांस आऐ मुझसे एक कविता का वादा है मिलेगी मुझको.’

ખુદ નિત્શે પણ જીવનમાં સારું એવું દુ:ખ પામ્યા. મૃત્યુના એકાદ દાયકા પહેલાં મેન્ટલ બ્રેકડાઉનનો એવો તબક્કો આવ્યો કે જાહેર સડક પર એમણે તોફાન મચાવી દીધું!

એક અંદાજ મુજબ નિત્શેનો આઈક્યુ ૧૭૦ થી ૧૯૦ જેટલો – એટલે કે ન્યૂટન જેટલો જ ગણાય છે. એટલા મોટા ગજાના વિચારકની આવી દશા? જીવન સાવ આવા તબક્કે પહોંચી જાય એના કરતાં વહેલું મરી જવું સારું નહીં ? આ પ્રશ્ર્નનો જવાબ કંઈ
પણ હોઈ શકે છે. જો તમે કેવિન બ્રિગ્સને પૂછશો તો એનો ઉત્તર કદાચ નકારમાં હશે.

કેવિન બ્રિગ્સ કોઈ મહાન વિચારક નહીં,પણ સામાન્ય નોકરિયાત હતો, જે હવે નિવૃત્ત જીવન ગાળે છે. કેવિન બ્રિગ્સ ૧૯૮૧માં યુનાઈટેડ સ્ટેટ્સની આર્મીમાં જોડાયો. એ પછી ૧૯૯૦માં કેલિફોર્નિયન હાઈ-પેટ્રોલ એકેડમીની પરીક્ષા પાસ કરી અને પેટ્રોલિંગ ઓફિસર તરીકેની નોકરી મળી. ડ્યૂટીનું સ્થળ હતું વિખ્યાત ગોલ્ડન ગેટ બ્રિજ.

દેખાવમાં રમણીય લાગતો ગોલ્ડન ગેટ બ્રિજ પ્રવાસીઓને આકર્ષે છે સાથે જ આત્મહત્યા કરનારાઓને પણ આકર્ષે છે. ગોલ્ડન ગેટ બ્રિજની આપઘાત અંગેની ખ્યાતિ એટલી બધી ફેલાયેલી છે કે દૂર દૂરથી લોકો માત્ર આપઘાત કરવા માટે ગોલ્ડન બ્રિજ સુધી લાંબા થતા! સાચા-ખોટાની પાકી ખબર નથી, પણ એક કિસ્સો બહુ જાણીતો છે.

કહે છે કે ૧૯૭૦માં એક માણસ એક ચિઠ્ઠી લખીને ગુમ થઇ ગયો. ચિઠ્ઠીમાં લખેલું : જો માર્ગમાં મને કોઈ એક અજાણ્યો માણસ પણ કારણ વિના સ્માઈલ આપશે તો હું પાછો ફરીશ અન્યથા ગોલ્ડન ગેટ બ્રિજ પરથી પડતું મૂકીશ!

મોટીવેશનલ સ્પીકર્સ હંમેશા પોતાના વક્તવ્યમાં આ કિસ્સો ટાંકીને પૂછે છે, જો એ માણસ તમને મળ્યો હોત, તો તમે અકારણ સ્મિત રેલાવીને એનો આપઘાત અટકાવવામાં નિમિત્ત બન્યા હોત?! બીજાની ખબર નથી, પણ જો એવી કોઈ વ્યક્તિ કેવિન બ્રિગ્સને મળે તો જ જરૂર પાછી ફરે.

એવું કહે છે કે કેવિને પોતાના કાર્યકાળ દરમિયાન ઓછામાં ઓછા ૨૦૦ માણસોને આપઘાત કરતા અટકાવ્યા છે! ૨૦૦ જિંદગી બચાવીને કેવિને કેટલાય પરિવારોને બચાવી લીધા હશે?! જ્યારે બ્રિગ્સભાઈને લાગે કે કોઈક વખાનું માર્યું જણ બ્રિજ પરથી પડતું મૂકવા આવી પહોંચ્યું ત્યારે એ પેલી વ્યક્તિ પાસે પહોંચી જઈને સામાન્ય વાતચીત શરૂ કરે….

આવતી કાલે તમારો શું પ્લાન છે? જેવાં વાહિયાત સવાલ પણ પૂછી નાખે!

ભલા માણસ, જે મરવા આવ્યો હોય, એનો આવતી કાલનો પ્લાન શું હોઈ શકે? પણ બ્રિગ્સ એવું બધું મગજ દોડાવ્યા વિના બસ, સંવાદ શરૂ કરે! પેલાના જીવન વિષે પૂછે, સાંજનો કે આવતીકાલનો શું પ્લાન છે એ તો પૂછે જ…પણ ઘણાની સાથે તો આવતીકાલે શું-શું કરી શકાય, એના આયોજન અંગે રીતસરની ચર્ચા માંડે! કદાચ આપઘાત કરવા આવેલી વ્યક્તિ આનાથી પરેશાન થઈને કેવિન બ્રિગ્સને કશુંક આડું-અવળું બોલી ય જતી હશે! પણ બ્રિગ્સને એ બધાની કશી પરવા નહિ! એ તો બસ સાવ ફાલતુ-અર્થ વગરની લાગે
એવી ચર્ચાઓ ચાલુ રાખે, સંવાદનો તંતુ તૂટવા ન દે!

માત્ર વાર્તાલાપ દ્વારા આ ભાઈએ પોતાના કાર્યકાળ દરમિયાન ૨૦૦ થી વધુ લોકોને ગોલ્ડન ગેટ બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરતા અટકાવ્યા છે! લેખમાં દેખાતી તસ્વીર ૨૦૦૫ની છે, જ્યારે બ્રિગ્સે કેવિન બર્થિયા નામક વ્યક્તિ સાથે પૂરી ૬૦ મિનિટ સુધી વાતો કર્યે રાખી હતી. એ પછી બર્થિયા બચી ગયો… લગ્ન કર્યા અને પિતા પણ બન્યો. પછી તો બ્રિગ્સ અને બર્થિયા અચ્છા દોસ્ત બની ગયા. (બીજી તસ્વીર)

બ્રિગ્સને લોકો ગાર્ડિયન ઓફ ધ ગોલ્ડન ગેટ’ના ઉપનામથી ઓળખે છે. હાલમાં નિવૃત્ત જીવન ગાળી રહેલા બ્રિગ્સભાઈ આજે ય આત્મહત્યા નિવારણ માટે કાર્ય કરી રહ્યા છે.

હવે મુદ્દાની વાત. એક તરફ મહાન વિચારક નિત્શેની વાતે ય સાચી છે કે જીવન યોગ્ય સમયે પૂરું થઇ જવું જોઈએ. બીજી તરફ કેવિન બ્રિગ્સ જેવા સામાન્ય માણસો ય છે, જે મોતના મુખમાં ભૂસકો મારી રહેલા લોકોને જીવનપથ તરફ પાછા વાળે છે….

કોને અનુસરવું?
સ્પષ્ટ જવાબ આપવો અશક્ય છે. દરેકે પોતાનો જવાબ જાતે શોધવો પડે છે.

ગુલઝારની ફિલ્મ ‘આનંદ’માં મૃત્યુ તરફ તેજ ગતિએ ધસી જતી જિંદગીને છેલ્લા શ્ર્વાસ સુધી માણી લેવાની વાત છે.
…અને ગુલઝાર કહે છે :
‘ એ મૌત, તુ એક કવિતા હૈ!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button