પંખી જગતના હોદ્દાધારીઓ…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
માનવને હોદ્દાઓનું બહુ વળગણ હોય છે. ફેસબુક પર લોકોના પ્રોફાઈલનો અભ્યાસ કરીએ તો જોવા મળશે કે યેનકેન પ્રકારે પોતાનું વજૂદ સ્થાપિત કરવા માટે અનેક પ્રકારના હોદ્દા લખેલા હોય છે. આ હોદ્દા વાંચીને કાચાપોચા તો પ્રભાવમાં જ આવી જાય છે, પરંતુ હકીકતે તો તમે જીવનમાં શું કરો છો, કેવી રીતે કરો છો એના આધારે સમાજે તમને આપેલો હોદ્દો જ સાર્થક ગણાય. ખેર, આ મુદ્દો કોઈને સારા-ખરાબ ચિતરવા કરતાં માનવને પ્રાણી જગતને પોતાની સૂઝસમજણ મુજબ એનાયત કરેલા હોદ્દાની મહત્તા સ્થાપિત કરવાનો છે.
માનવ દ્વારા પ્રાણીઓની ખાસિયત મુજબ એનાયત કરવામાં આવેલા હોદ્દા પર આજે થોડા વિશિષ્ટ પંખીઓની વાત કરવાની છે. સિંહને આપણે જંગલનો રાજા બનાવી દીધો છે, એ રીતે આપણે જુદા જુદા પ્રાણી-પંખીઓને તેમની જીવનશૈલીની વિશેષતાઓને લક્ષ્યમાં રાખીને એમને હોદ્દા આપ્યા છે. તમને સૌને યાદ હશે કે આપણે જ્યારે પ્રાથમિક શાળામાં પર્યાવરણના પાઠ ભણતા ત્યારે સૌથી ઊડીને આંખે વળગે તેવો હોદ્દો ભણવામાં આવતો… ખાલી જગ્યા એ પંખી જગતનું સફાઈ કામદાર છે… યાદ આવ્યું ? મોસ્ટલી સૌને યાદ આવી જ ગયું હશે. હા, એનું નામ છે ગીધ. મને યાદ છે કે હું નાનો હતો ત્યારે રેલવે સ્ટેશનની પાછળ એક ગધેડો મરી ગયેલો. એના મર્યાને હજુ માંડ અરધો કલાક પણ નહોતો થયો એટલામાં જ ત્યાંનાં ઘેઘૂર વડલા, પીપળ અને લીમડાની ટોચની ડાળીઓ પર અનેક વિશાળકાય પક્ષીઓ આવી બેઠા. મારા શોખનો વિષય હોવાથી ઘરમાંથી ડૉ. સલીમ અલીનું ‘ધ બુક ઓફ ઈન્ડિયન બર્ડ્સ’ કાઢીને એમાંથી એ પંખીને શોધી કાઢેલું. એને ઓળખી કાઢ્યાનો હરખ અને આવા દુર્લભ પંખીના ગામમાં આગમન થવાની વધાઈ આપવા હું ઉત્સાહભેર આખી શેરીમાં દોડાદોડ કરીને બધે કહી આવેલો કે ગીધડા આઈવા છે, હાલો જોવા, ગીધડા આઈવા છે, હાલો જોવા…’ પણ હું મરેલા ગધેડા પાસે પાછો આવ્યો ત્યારે મારી પાછળ એક પણ વ્યક્તિ નહોતી આવી ગીધડા જોવા!
ગીધની વસતી એ વર્ષોમાં અઢળક હતી. જે વિસ્તારોમાં ડુંગરાળ વિસ્તાર હોય ત્યાં ગીધ અચૂક જોવા મળતા. હવામાં એક બે કિલોમીટર ઊંચે ઊડતા ગીધની આંખો એટલી સતેજ હોય છે કે એટલે ઊંચેથી એ જમીન પર પડેલા ઉંદરના મૃતદેહને પણ જોઈ લે છે! ઑ તેરી, સાચે? હા દોસ્તો, હજારો ફૂટ હવામાંથી એ સાવ નાના એવા મૃત પ્રાણીને જોઈને જમીન પર ઊતરી આવે છે. કારણ એક કે ગીધનો નવ્વાણું ટકા ખોરાક મૃત પ્રાણીઓ જ છે. અમે નાના હતા ત્યારે માનતા કે મરેલા ગધેડાને જો શ્ર્વાન ખાય તો હડકાયા થાય! હકીકત જે હોય એ, પરંતુ મૃતદેહો જો એમને એમ પડી રહે તો અનેક પ્રકારના રોગચાળા ફેલાવાની સંભાવના રહેલી હોય છે. આપણાં ગીધભાઈ આ મૃતદેહોને પોતાની વાનગી માનીને આરોગી જતાં હોવાથી તેને આપણે હોદ્દો આપ્યો છે પ્રકૃતિના સફાઈ કામદારનો. મજાની વાત એ છે કે મોટાભાગના ગીધની જાતિઓના લાંબા ગળા અને માથા પર વાળ હોતા નથી. કારણ? કારણ એ કે મૃતદેહોના પેટ ફાડીને છેક અંદર સુધી માથું નાખીને ખાવાનું હોવાથી ગીધના ગળા અને માથા પર વાળ હોતા નથી.
હવે વાત કરીએ પ્રકૃતિના જમાદાર હોદ્દાધારી પક્ષીની. જે લોકો પક્ષી નિરીક્ષણ સાથે કોઈ પણ તબક્કે સંકળાયેલા હશે એમને ખબર પડી જ ગઈ હશે કે આપુન કિસ પંખીડેકી બાત કર રહા હૈ… હા એનું ગુજ્જુ નામ છે ‘કાળિયો કોશી’ અને યવન નામ છે ‘બ્લેક ડ્રોન્ગો’. રેલવેમાં મુસાફરી કરતી વખતે, ગામડામાં ખેતર તરફ જતી કેડી પરના ઇલેક્ટ્રિક વાયરો પર જોવા મળી જતું આ પંખી એકદમ કાળું હોય છે, પણ કાળા તો કાગડા અને કોયલ પણ હોય, પરંતુ આપણો કાળિયો તેની એકદમ સુડોળ દેહયષ્ટિ અને બે ભાગમાં ફંટાયેલી પૂંછડીથી ઓળખાઈ જશે. કાળિયા કોશી વિશે આપણાં જાણીતા નિબંધકાર શ્રી મહેન્દ્રસિંહ પરમાર લખે છે કાળિયો કોશી જાણે ચૈતન્યનો ફુવારો. છે ને મજાનો નજરિયો? હા, પણ એના કાળા હોવાને અને એના જમાદાર હોવાને શું લેવાદેવા? કાળિયા કોશીનો મુખ્ય ખોરાક છે હવામાં ઊડતા દૃશ્ય-અદૃશ્ય જીવાત. હવે તમે કલ્પના કરો કે હવામાં ઊડતી જીવાતને પકડીને ઓહિયા કરવા માટે ઊડવાની કેટલી જબરી ક્ષમતા જોઈએ. આપણો કાળિયો હવામાં ગુલાંટ મારવા, પલટી મારવામાં એટલો માહિર હોય છે કે જેની કલ્પના પણ ન કરી શકાય. એની આ ક્ષમતાને કારણે કાળિયો કોશી શિકારી પક્ષીઓ સામે ટંટો કરતાં ગભરાતો નથી. અરે ઊલટાનું કાળિયા કોશીને જોઈ જાય તો શિકારી પક્ષીઓ પણ નવ-દો-ગ્યારહ થઈ જાય. જાણકારોના કહેવાય મુજબ કાળિયો કોશી જ્યાં માળો બનાવે ત્યાં બીજા ગભરુ પંખીડા આંખો બંધ કરીને પોતાનો બસેરો બનાવે, કારણ કે કાળિયા કોશીનો જ્યાં વાસ હોય ત્યાં મજાલ છે કે સમળા ફરકે?
પોતાની અનોખી ખાસિયતના કારણે કસાઈનું ઉપનામ પામેલું એક પક્ષી છે લટોરો. ગુજરાતમાં ઠેરઠેર જોવા મળતા આ પક્ષીને જોઉ ત્યારે મને અમિતાભની હિટ ફિલ્મ જંજીરમાં યારી હૈ ઈમાન મેરા, યાર મેરી જિંદગી કવ્વાલી ગાતો આંખે મેશ આંજેલો પ્રાણ યાદ આવી જાય. એમ કેમ? કારણ કે આપણાં લટોરાભાઈને જુઓ તો તેની આંખ પર એક કાળો પટ્ટો એવી રીતે હોય કે આપણને લાગે કે લટોરાને એની માએ આંખે મેશ આંજી છે! પણ આંખે મેશ આંજેલી હોવાને અને તેના કસાઈ હોવાને શું લેવા દેવા? કશું જ નહીં. લટોરો એટલે કે ઈન્ડિયન શ્રાઇકની ખોરાકને લગતી જ એક આદત તેને કસાઈ બનાવે છે. અન્ય પક્ષીઓની માફક આપણો કસાઈ ભૂખ લાગે મૃગયા કરવા નીકળતો નથી, પરંતુ ભૂખ હોય કે ના હોય, તે નજરે ચડે એ શિકારનો શિકાર કરી નાખે છે. પેટ ભરાય એટલું ખાઈ લે અને વધે તે અથવા ભૂખ ન હોય છતાં મારેલા ગરોળી, ઉંદર અને બીજા કોઈ પણ શિકારને તે બાવળના કાંટા પર પરોવી દે છે, અને ભૂખ લાગે ત્યારે શિકાર કરવાને બદલે શૂળીએ ચડાવી રાખેલા પોતાના શિકારને ખાઈ લે છે. તોય કસાઈ? હા, કારણ કે તે પોતાના શિકારને પકડીને મારવાના બદલે બાવળના કાંટામાં જીવતું જ પરોવી દે છે! તો કસાઈ જ થયાને આપણાં લટોરાભાઈ?
આમ આ ત્રણેય ઉદાહરણ એવા પક્ષીઓના છે જેઓને પોતાની ખોરાકની વિશેષ આદતો પરથી પોતે પોતાના ફેસબુક કે વોટ્સેપ સ્ટેટસ નથી બનાવ્યા, પરંતુ માનવે યથાયોગ્ય હોદ્દો આપ્યો છે…!