વીક એન્ડ

સાલું બૈરાઓનો કંઈ વાંક જ નહીં?

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

હમણાં એક લગ્નમાં જવાનું થયું. ચાર દિવસ પછી મને ખબર પડી કે ઘરે આવનારી નવોદિત વહુ છોકરા પર જુલમ ગુજારે છે.મેં આવનારી દીકરીને પ્રશ્ર્ન પૂછ્યો કે આવું શું કામ કરે છે? કંઈક કારણ તો હશે ને? બહુ પૂછ્યા પછી ખબર પડી કે ‘લગ્નના માંડવે આવતા પહેલા મિત્રો સાથે ‘ડોન’ પિક્ચરના ગીત પર એ નાચતો હતો. મને કહે એ ડોન છે તો હું કંઈ કમ નથી અને કારણ વગર મને પણ ડખો કરવામાં રસ પણ નથી’.

હમણાં એક જગ્યાએ બહેનોના કાર્યક્રમમાં ‘મેં એમને સારું લગાડવા બહેનો પર અત્યાચાર વધ્યા છે…’ એટલું વાક્ય પૂરું કર્યું ત્યાં તો વિરોધ પક્ષનો નેતા ટેબલ કુદીને શાસક પક્ષના નેતાનો કાઠલો પકડી લે એમ મારા પર ચુનિયો ધસ્યો : ‘મિલન ત્રિવેદી, ખોટું ખોટું ચડી નહીં બેસવાનું ક્યારેક ભાઈઓની વાત પણ ધ્યાનમાં લેવાય …આવો ક્યારેક અચાનક મારે ઘરે’.
-અને એક સાંજે અચાનક જાણ કર્યા વગર ચુનિયાના ઘરે ઊપડ્યો પણ ચાર ઘર છેટે ભાભીનો અવાજ સંભળાતો હતો, ચુનિયાની જાટકણી ચાલુ હતી.
ભાભી મને જોઈ વિપક્ષના સબળ નેતાને પોતાના પક્ષમા જોડવા પ્રલોભન રૂપી વખાણ કરતા બોલ્યા, ‘સમજાવો…. તમારા
મિત્રને અને તમારા જેવા સક્ષમ, સંસ્કારી, કામઢા બનાવો.’ મેં
ચુનિયા સામું જોયું એ જિંદગી હારી ગયો હોય તેમ મોઢું કરી મને જોતો હતો.

મેં ભાભીને છૂટથી બોલવા દીધાં. હવે એ બન્ને બોકિસંગ રિંગમાં ઊતરી જ ગયા હતા પણ એક પહેલેથી હરેલો અને બીજી ગોલ્ડ મેડાલિસ્ટ મુક્કાબાજ.
‘મિલનભાઈ, એક પણ કામમાં ધ્યાન નથી આપતા પૂછો
આજે ઘઉં દળાવવા ગયા હતા? ભગવાન જાણે કઈ ઘંટીએ
ગયા હશે’,
‘અરે દરવખત જ્યાં જઉં છું ત્યાં જ ગયો હતો’.

‘તો ઘઉંનો ગાળો નહીં હોય ધ્યાન રાખવું જોઈએ ને’.
‘ઘઉંનો ગાળો જ હતો’.
‘તો મુકીને આડાઅવળા ભટકવા નીકળી ગયા હશો’.
‘અરે, ત્યાં જ ઊભો હતો ક્યાંય ભટકવા નહતો ગયો’.
‘મોબાઈલ લઈને ગયા હોય એટલે એમાં જ ધ્યાન રાખ્યું હોય તો જ આવું થાય’.
‘મોબાઈલમાં પણ ધ્યાન ન હતુ’.
‘બૈરાવ હારે પંચાત કરતા હશો અને ઘંટીવાળાએ લોટ બદલી લીધો હશે બાકી આવું ન થાય’.
મને પણ હવે ચુનિયાનો દોષ દેખાતો હતો પણ આખી વાતમાં શું થયુ એ જાણવું જરૂરી બની ગયું એટલે ભાભીને પૂછ્યુ કે ‘એકચ્યુલી થયું છે શું? આટલા ગુસ્સાનું કારણ શું?’ તો મને
કહે :
‘આ દળાવવામાં ધ્યાન ન રાખ્યું એમાં આજે મારી બે રોટલી બળી ગઈ’.

મને સરકાર યાદ આવી ગઈ. ચુનિયાના ખભ્ભા પર મેં હાથ મુક્યો અને જણ સમજી ગયો કે હું બધું સમજી ગયો છું.

મારે અઠવાડિયામાં એકવાર તો ક્યાંક ને ક્યાંક સમાધાન માટે જવાનું જ હોય છે.

જીતુ જુગાડની વાઇફને હમણા ઠેસ વાગી અને અંગૂઠા પર થોડું વાગ્યું હતું ગઈકાલે ખબર કાઢવા આવવા માટેની કીટી પાર્ટીમાં જજ તરીકે જવાનું થયેલું. જીગુભાભીએ બહેનપણીઓ વચ્ચે જીત્યાને ઠેસનો કારણકર્તા ઠેરવ્યો.

જીગુભાભીએ સમોસું ખાતા ખાતા ભૂખી નજરે નિહાળતા જીત્યાનો ઉધડો લીધો કે ‘તમે રિક્ષામાં આવવાનું કીધું તેમાં મને ઠેસ વાગી. તમે મને ગાડીમાં લેવા આવ્યા હોત તો હું ઘરના દરવાજા પાસેથી બેઠી હોત રિક્ષા માટે હું ખાસ્સું પચાસ મીટર ચાલી અને પથ્થર સાથે અંગૂઠો ભટકાયો’.
મારે સમોસા અને કોલ્ડ્રિંક પીવું હતું એટલે જીતુને જાટકવો પડ્યો.

છોકરી ટીકી ટીકી ને જોતી હોય અને બાપ કમાઈનો
બંટી ક્યાંક બાઈક સામટો નાળામાં ખાબક્યો હોય પછી
છોકરીનો વાંક કાઢે કે એને કારણે ટાંટિયો ત્રણ ભાગમાં
વહેંચાઈ ગયો, એ વ્યાજબી છે? કોડા તારા ડોળા શું કામ છોકરી ફરતાં છુટ્ટા મુક્યા? બોય ફ્રેન્ડ સાથે ફરતાં ફરતાં બાપુજી જોઇ
જાય તો બાપુજી ખોટા ટાઈમે ફરવા નીકળ્યા એમ થોડું
કહેવાય? મોબાઈલમાં ગોસીપ કરતાં દાળ ઉકળી ઉકળીને ચોસલા પડે એવી થઈ જાય, ક્યાંક બળીને ચોંટી જાય તો તમને વાસ આવે કે નહીં?
ના ન આવે, કારણ કે મનિયાએ રાત્રે આઇસક્રીમ ખવડાવ્યો અને તેને કારણે શરદી થઈ અને સુગંધ, વાસ માટે નાક બંધ થઇ ગયેલું એટલે મનિયો જવાબદાર.

ફુલ્લ પી ગયા પછી ઉલ્ટી કરી ગયા હોય પણ વાંક ભાઈબંધ દોસ્તારોનો, સવારે એની ઘરવાળી બધાને ફોન કરી કરીને શ્રાપ આપે કે તમે મારા માસૂમ પતિને બગાડ્યો છે.
આપણે કેમ કહેવું કે તારો વર જૂનો પિયક્કડ છે. અને અમારા છોકરાવને પણ ઘોડિયામાં જ ચમચી ચમચી પીતા કરી દીધા છે.

જૂની કહેવત છે કે ‘નાચનારી નાચ તો કે આંગણું વાંકું છે’ નાચતા ન આવડે એટલે આંગણનો વાંક?

વિચારવાયુ
પત્ની(પ્રેમથી): સાંભળ્યું આજે જમવાની શું ઈચ્છા છે?
પતિ(રોમેન્ટિક થઈને): શું ઓપ્શન છે?
પત્ની: બે ઓપ્શન છે. ‘હા’ અથવા ‘ના’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button