વીક એન્ડ

આ તે જળપરી કે જળપરો?

નિસર્ગનો નિનાદ- ધર્મેન્દ્ર ત્રિવેદી

હમણાં જ એક ડિઝનીનું નવું મૂવી જોયું ધ લિટલ મર્મેઈડ. કહેવાય છે કે આ પૃથ્વી પર વિચરણ કરતા તમામ જીવોની ઉત્પત્તિ સમુદ્રમાંથી જ થઈ છે. છેલ્લે ઘણા સમય પહેલા આપણે નિસર્ગના નિનાદમાં સમુદ્રમાં ડૂબકી મારેલી અને પછી પાછા ધરતી પર આવી ગયેલા. તો ગઈ કાલે ફિલ્મમાં નાજુકડી નમણી અને મનમોહક જલપરીને જોઈને મને થયું ચાલો ફરી એકાદી નાનકડી ડૂબકી દરિયામાં મારી લઈએ.

દરિયાની ભીમકાય માછલીઓની વાત આવે તો તમને કંઈ કંઈ માછલીઓ યાદ આવશે ? સૌ પ્રથમ વ્હેલ માછલી જે હકીકતે માછલી છે જ નહીં, બીજી યાદ આવશે શાર્ક, પછી યાદ આવશે માન્ટા રે, પરંતુ દરિયામાં અનેક અજબ-ગજબના જીવો વસે છે, જેનાથી આપણે લગભગ સાવ અજાણ છીએ. ગુજરાતના દરિયાકાંઠે સુવાવડે આવતી વ્હેલશાર્ક એ આ દુનિયાની સૌથી વિશાળ કદની માછલી ગણાય છે. ભલે એટલી વિશાળ નહીં, પરંતુ આપણી કલ્પના બહારની એક વિશાળકાય માછલી સમુદ્રમાં વસે છે. આજે આપણે તેને અને તેની અજાયબ વાતો જાણીશું. સૌરાષ્ટ્રમાં મહાકાય જીવો માટે એક વિશિષ્ટ શબ્દ વપરાય છે. વિશાળકાય વ્યક્તિને કાઠિયાવાડીઓ હડિમદસ્તા જેવો કે જેવી છે એવું કહે. તો આજની આપણી હડિમદસ્તા જેવી માછલી છે ઓસન સનફિશ. તેને લોકો મોલા-મોલા નામે પણ ઓળખે છે.

આ માછલી આપણે કલ્પના ન કરી શકીએ એવા કદ અને આકારની છે. આપણે જાણીએ છીએ કે દરિયાની તમામ માછલીઓનું શરીર મોટેભાગે ગોળાકાર અને લાંબું હોય છે જેથી તેઓ પાણીમાં સહેલાઈથી તરી શકે, પરંતુ આ ઓસન સનફિશ અથવા તો મોલાનું શરીર ચપટા આકારનું હોય છે અને શરીરની બંને બાજુ તરવા માટેની પાંખોના બદલે એક પાંખ ઉપર અને બીજી પાંખ શરીરની નીચેની બાજુ હોય છે. સૌથી આશ્ર્ચર્યજનક શારીરિક તફાવત હોય તો તે એ છે કે અન્ય માછલીઓની જેમ તેને લાંબી પૂંછડી હોતી નથી, પરંતુ એકદમ બુઠ્ઠી હોય છે. મતલબ કે એક રીતે જોઈએ તો એ એક મોટી ગોળ થાળી જેવા આકારનું શરીર ધરાવે છે. આ માછલી મોટે ભાગે દરિયાના પાણીમાં ૧૬૦ થી લઈને ૬૫૦ ફૂટની ઊંડાઈ પર જ રહે છે, અને ભોજન માટે લગભગ ૨૬૦૦ ફૂટ જેટલી ઊંડાઈ સુધી ડૂબકી મારે છે. હવે થાય એવું કે આ માછલી દરિયાની એટલી ઊંડાઈમાં જઈને આવે એટલે ઠંડા પાણીના કારણે તેનું શરી ઠંડું પડી જાય છે. તેથી ભોજન બાદ તે દરિયાની સપાટી પર આવીને સૂર્યપ્રકાશમાં ગરમી મેળવવા આડે પડખે તરતી જોવા મળી જાય છે.
આપણા મોલાબેન ચપટા આકારના હોવાથી તેની ઊભી લંબાઈ આશરે ૧૪ ફૂટ અને આડી લંબાઈ ૧૦ ફૂટ જેટલી હોય છે, એટલે કે તેની બાજુમાં ઉપરાઉપરી છ ફૂટના બે લોકોને ઊભા રાખો તો પણ બે ફૂટ મોટી છે અને તેની આડી લંબાઈ છ ફૂટના દોઢ માણસ કરતાં પણ થોડી વધુ ! તેનું વજન લગભગ ૨૨૬૦ કિલોગ્રામ એટલે કે આશરે અઢી ટન જેટલું હોય છે. મતલબ કે સનફિશનું વજન આપણી એક એસ.યુ.વી. કાર જેટલું હોય છે. તેથી જ આ માછલી દરિયામાં વસતી હાડકાવાળી માછલીઓમાં સૌથી વિશાળકાય માછલી ગણાય છે. જર્મન માછીમારો તેને પોતાની ભાષામાં સ્વીમેન્ડર કોપ્ફ કહીને બોલાવે છે જેનો મતલબ થાય છે ‘તરતુ માથું’ એટલે કે એવી માછલી છે જેને માથા સિવાયનું શરીર નથી. ઈતિહાસમાં નોંધાયેલું છે કે ૧૭મી સદીમાં જાપાનમાં
મોલા માછલી ટેક્સ ભરવા માટે માન્ય હતી ! જાપાનીઝ માછીમારો રૂપિયાને બદલે સરકારને મોલા માછલી આપીને પોતાનો ટેક્સ ભરતા !
હકીકતે આ માછલી જન્મે ત્યારે તેને પૂંછડી તો હોય છે, પરંતુ જનિનીક કારણોસર તેના શરીરનો વિકાસ થાય છે, પરંતુ પૂંછડી શરીરના વિકાસની સાથે સાથે જહાજના સુકાન જેવો આકાર ધારણ કરીને દિશા બદલવાની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સન ફિશની એક સમસ્યા એ છે કે તેની ત્વચાની નબળાઈ હોય કે બીજી અન્ય સમસ્યાના લીધે, તેના પર દરિયાઈ પરજીવીઓ મોટી માત્રામાં વસવાટ કરે છે. આ પરજીવીઓથી છુટકારો મેળવવા માટે સનફિશ જ્યારે પાણીની સપાટી પર આડી પડીને તડકો ખાતી હોય, ત્યારે સમુદ્રી પક્ષીઓ અને બીજી નાની માછલીઓ તેના સફાઈ કામદાર બનીને તેના શરીર પરના પરજીવીઓને ખાઈ જાય છે. ઘણી વાર આ હડિમદસ્તા જેવી માછલી તેના પર ચીપકેલા પરજીવીઓથી પરેશાન થઈને પાણીમાંથી દસેક ફૂટ જેટલી ઊંચી છલાંગ પણ લગાવે છે. વિજ્ઞાનિકોના અભ્યાસ પરથી જાણવા મળે છે કે હૂંફાળા અને ગરમ દરિયામાં જોવા મળતી આ માછલીની આશરે ૫૪ જેટલી જાતિ-પ્રજાતિઓ છે.

જેલીફિશ, અન્ય નાની માછલીઓ, મોટી માત્રામાં ઝુપ્લેન્કટન અને દરિયાઈ શેવાળ એ આપણા મોલાબેનના ભાવતા ભોજન છે. હવે જે અંતિમ મુદ્દો આવી રહ્યો છે એ સાંભળીને સૌની આંખો કપાળે ચડી જવાની એ નક્કી વાત છે. આ માછલી પ્રજનન બાદ લગભગ ત્રીસેક કરોડ (૩૦૦,૦૦૦,૦૦૦) ઈંડા મૂકે છે ! કરોડધારી કોઈ પણ પ્રાણીમાં ઈંડા મૂકવાની આ સૌથી મોટી સંખ્યા છે. આ માછલી કેમ આટલા ઈંડા મૂકે એ પણ એક પ્રશ્ર્ન છે ને ? આ માછલી એકાકી જીવન વ્યતીત કરતી હોય છે અને તેનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે. છતાં મોલાને પ્રજનન માટે સાથીદાર મળવાની સંભાવનાઓ જૂજ હોય છે, તેથી તેમને જ્યારે પણ પ્રજનન કરવાની તક મળે ત્યારે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મોલા કરોડોની સંખ્યામાં ઈંડા મુકે છે. માણસ માટે સહેજ પણ હાનિકારક ન હોવા છતાં માણસની પ્રવૃત્તિઓના લીધે આ જીવ જોખમના આરે આવીને ઊભો છે. આડેધડ માછીમારી, દરિયામાં ફેંકી દેવાતી નકામી જાળ, અને પ્લાસ્ટિકને જેલીફિશ માનીને ખાઈ જતી મોલા ખતરાના આરે આવેલી જાતી જાહેર કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ