ન પૈસાનો પાવર, ન રૂપિયાનો રૂઆબ ભારતમાં આજેય છે બાર્ટર સિસ્ટમનું ચલણ
કવર સ્ટોરી -મનીષા પી. શાહ
અહીં જરાય ‘ના બાપ બડા ન મૈયા, ધ હોલ થીંગ ઇઝ ધેટ કે ભૈયા સબ સે બડા રૂપૈયા’ કામનું નથી. અહીં પૈસો બોલતો નથી, એની બોબડી સાવ બંધ છે. અહીં નથી કેશ ચાલતી કે નથી ક્રેડિટ દોડતી. ભારતમાં થોડાં સ્થળ, ગામ જે કે જયાં નથી પૈસાનો પાવર કે નથી રૂપિયાનો રૂઆબ. તો બધુ ચાલે છે કેમ?
શરૂઆત હિમાલયથી કરીએ. આ ટાઢાબોળ પર્વત દેવની કંદરામાં આવેલાં ઘણાં નાનાં, સાવ ટચૂકડા, ગામોમાં આખું વર્ષ બરફ છવાયેલો રહે છે. અહીં સ્થાનિક રહેવાસીઓ ચોક્કસ રિવાજો અને પરંપરા નિભાવવામાં માને છે. આશ્ર્ચર્યચક્તિ બાબત એ છે કે અહીં હજી પ્રાચીન ‘બાર્ટર સિસ્ટમ’ ચલણમાં છે. બાર્ટર સિસ્ટમ એટલે એકસચેન્જ ઑફ ગુડસ. ફોર ગુડસ સરળ ભાષામાં ચીજોને બદલે ચીજની આપ-લે. સોદામાં રોકડાને સ્થાન જ નહીં. તમે ઘઉં પકાવો છો તો ઘઉં આપીને જે જોઇતું હોય ત્યાં પહોંચીને એ વસ્તુ લઇ લો. માનવામાં નથી આવતું ને?
હિમાચલ પ્રદેશની સ્પિતી ખીણમાં કિબ્બર (Kibber) નામનું નાનકડું ગામ. પૃથ્વી પર સૌથી ઊંચાઇએ માનવ વસવાટનું સ્થળ. દરિયાની સપાટીથી ૪,૨૭૦ મીટરની ઊંચાઇએ આવેલા કિબ્બરમાં ૭૭ ઘર અને ૩૬૬ માનવનો વસવાટ, જેમાં ૧૮૭ પુરુષો, ૧૭૦ સ્ત્રી. આ આંકડા ૨૦૧૧ સેન્સસના છે.
કિબ્બરની અન્ય વિશિષ્ટતા એના ઘર, મકાનો છે. ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાને લીધે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સામગ્રીમાંથી ઘર બંધાય છે. આવું જ વેપાર-ધંધાનું છે. બહારથી કંઇ મગાવવું કે મોકલવું આસાન નથી. આમ છતાં કિબ્બરવાસીઓ સૌથી નજીકના સ્થળે પોતાના ઉત્પાદન લઇને પહોંચી જાય. સૌથી નજીકનું સ્થળ છે. લદાખનું લેહ. અહીં પહોંચવામાં ત્રણ દિવસ લાગે.
પોતાના ઘોડા, યાક સહિતનાં પ્રાણીઓ પર માલ લાદીને તેઓ લેહ પહોંચે… અહીં પોતાના માલના બદલામાં જોઇતી ચીજ-વસ્તુ મેળવી લે. આ રોકડ હિન આદાન-પ્રદાન એટલે બાર્ટર સિસ્ટમ વરસોથી તેમનો જીવનનિર્વાહ ચલાવે છે.
કિબ્બર પાસે તો વિકલ્પ નથી પણ પુડીચેરી (હા. હા. પોંડીચેરી) ૧૫-૨૦ મિનિટમાં પહોંચી શકાય એવા ઓરોવિલે (Auroville) માં રોકડવિહિન અર્થતંત્ર છે. અહીં તો વિવિધ દેશના સંસ્કૃતિના અને માન્યતા ધરાવતા લોકો સાથે સંપથી રહે છે. આ સ્થળની અન્ય વિશિષ્ટતા એ છે કે અહીં બધાના પગાર સરખા છે. પછી એ કોઇ કલાકૃતિ બનાવે કે ધ્યાનમાં બેસી જાય. અહીં રોકડ લેવડ-દેવડ થતી જ નથી. બહુ જરૂર પડે તો કાર્ડ સ્વીકારવામાં આવે છે. ઓરોવિલે વિવિધ પ્રોજેક્ટમાં કેશલેસ રહેવાનો પડકાર સફળતાપૂર્વક ઝીલતું રહ્યું છે. અહીંના ફ્રી સ્ટોરમાં બધુ આસાનીથી ચાલે છે.
અલબત્ત, ઓરોવિલેની વ્યવસ્થા ઘણાને ગળે ઊતરતી નથી અને એની ટીકા કરનારાઓ પણ છે ખરા.કિબ્બર અને ઓરોવિલેથી એકદમ અલગ કેસ છે ખુલિયા ગામનો. પૂર્વ ઓરિસામાં આવેલા આ આંતરિયાળ ગામમાં નોટબંધીને પગલે બાર્ટર સિસ્ટમનું પુનરાગમન થયું હતું. રૂ. ૧૦૦૦ અને ૫૦૦ની નોટ અચાનક અસ્પૃશ્ય બની ગયા બાદ મુશ્કેલી ઊભી થઇ. સાપ્તાહિક બજારમાં જાતજાતની ઓફર થવા માંડી. અડધા કિલો મધના બદલામાં એક કિલો બટેટા, કોબી અને ટમેટા લઇ જાઓ. વાજબી ધંધો હતો આ. એ સમયે ત્યાં મધ રૂ. ૧૭૦માં કિલો મળતું હતું.
સત્તાધીશો જૂની નોટ સ્વીકારવા અને નવી આપવાની વ્યવસ્થા કરે ત્યાં સુધી ઘરવાળાના ખાવા-પીવાની જરૂરિયાતનું શું? આ લાચારીએ નવી શોધ કરાવી પણ સદીઓ જૂની કેશલેસ પ્રથા ભણી લઇ ગઇ. એ વખતે ચોખાનો મબલખ પાક થયો હતો. એટલે અદલાબદલીમાં એનો વધુને વધુ ઉપયોગ થયો. ચોખાને બદલે ટમેટાં, બટેટા, તેલ, મીઠું વગેરે. આ રીતે જ ચોખા પકવનારા અને વેચનારા પોતાના પરિવારની શાકભાજી, દૂધ, તેલ અને અન્ય જરૂરિયાત પૂરી કરી શકે એમ હતા.
ખુલિયા ઉપરાંત ઓરિસાના અયાતપુરમાં પણ આવું જ થયું હતું. અમુક બજારમાં તો સાડી અને લુંઘી આપીને બદલામાં ડિપોઝિટ પેટે સોનાના ઘરેણા રખાયા હતા. આ બધાથી કટોકટીના દિવસો સુખરૂપ પસાર થઇ ગયા.
બાર્ટર સિસ્ટમ અર્થાત્ રોકડવિહિન વેપાર વ્યવસ્થાનો આજે અમલ થાય તો કેવી-કેવી મુશ્કેલી ઊભી થાય? નેતાલોગ, સરકારી બાબુઓને ખુશ કેમ કરવા? અને ઇલેકટોરલ બોન્ડ, શેર કે ડિબેન્ચર્સનું શું કરવું? ઘણી રસપ્રદ કલ્પના થઇ શકે તો એક બદી પણ નાબૂદ થઇ શકે? કે પછી રોકડને બદલે લાંચરૂપે સોના, ચાંદી, હીરા, મોતી આવી જાય.