વીક એન્ડ

નામ મેં ક્યાં રખ્ખા હૈ? ગુલાબ તો ગુલાબ હી હોતા હૈ…

વિશ્ર્વમાં બિગ કેટ્સ તરીકે ઓળખાતા શિકારી જીવોની ગણીગાંઠી જાતો છે. સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, પુમા, જગુઆર અને માઉન્ટેઈન લાયન. આ સિવાય વિશ્ર્વમાં બિગ કેટ કહી શકાય એવી જાતિ લગભગ નથી

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

રોમિયો અને જુલિયટનો આ પ્રસિદ્ધ ડાયલોગ એટલો તો વપરાઈ વપરાઈને ઘસાઈ ગયો છે કે તેનો સાચો અર્થ અને તેની અનુભૂતિ જ ક્ષીણ થઈ ગઈ છે. વ્હોટ્સ ઈન અ નેઇમ… ગુલાબને ગમે તે નામે બોલાવો પણ તેની સુગંધ તો એની એ જ રહેવાની ને? હા ભાઈ હા… આ બધી હોશિયારી શેક્સપિયારનાં રોમેન્ટિક નાટકોમાં અને બંબૈયા ફિલ્મી સ્ટોરીઝમાં સારું લાગે. મેં એકવાર પિતાજીને એમના નામથી બોલાવવાની જૂર્રત કરેલી… બાકીની સ્ટોરી તો આપ સૌ સમજી જ ગયા હશો…

ગુલાબ અને નામ અને બાપાનો માર ખાવાની વાત… આપણી કોલમના વિષયને અને આ બધી વાતુને શું લેવા દેવા? પરંતુ પ્રકૃતિની બાબતે આપણે એટલું ધ્યાન આપતા નથી જેટલું ધ્યાન આપણે પગાર વધારા, શેરબજારના નફા-નુકસાન પર આપી છીએ. વચ્ચે જોરશોરથી વાતો ચાલેલી કે નરેન્દ્ર મોદીએ નમીબિયાથી ચારપાંચ ચિત્તા ભારતમાં મંગાવ્યા, અને તેને મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કના સંરક્ષિત વાતાવરણમાં છુટ્ટા મૂક્યા. આ બાબતે પણ બહુ બબાલો પણ થઈ. તો ચાલો ચિત્તાને ભારતમાં લાવવા પાછળનો થોડો ઈતિહાસ જોઈએ. વિશ્ર્વમાં બિગ કેટ્સ તરીકે ઓળખાતા શિકારી જીવોની ગણીગાંઠી જાતો છે. સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, પુમા, જગુઆર અને માઉન્ટેઈન લાયન. આ સિવાય વિશ્ર્વમાં બિગ કેટ કહી શકાય એવી જાતિ લગભગ નથી. હવે આ બિગ કેટ્સમાંના સિંહ, વાઘ, ચિત્તા અને દીપડા આફ્રિકાથી લઈને મધ્ય એશિયા, દક્ષિણ એશિયામાં અસ્તિત્વ ધરાવતા હતાં. બાકી રહ્યા પુમા, જગુઆર અને માઉન્ટેઈન લાયન, તો આ ત્રણેય જીવો કેનેડા, અમેરિકા અને દક્ષિણ અમેરિકાના નિવાસી છે.

સિંહ, વાઘ, ચિત્તા અને દીપડા ભારતનાં ઘણાં જંગલોમાં વસતાં હતાં, ભારતના રાજા-બાદશાહો પોતાની મર્દાનગી દેખાડવા માટે સિંહો અને ચિત્તાઓની મૃગયા એટલે કે શિકાર કરતા હતા, પરંતુ એનું પ્રમાણ ખૂબ ઓછું હતું અને એ સમયે આ પ્રાણીઓની સંખ્યા પણ ખૂબ મોટી હતી, પરંતુ અંગ્રેજોના ભારત પ્રવેશ બાદ અંગ્રેજોને સારું લગાડવા માટે એમના માટે સ્પેશ્યલ શિકારના કાર્યક્રમો યોજાતા અને અસંખ્ય સિંહ, ચિતા અને વાઘના શિકાર થયા. આ અવિચારી હત્યાકાંડના લીધે સિંહ અને વાઘની જાતિ પર નાશનું જોખમ ઊભું થયેલું. સન ૧૯૫૨ માં ભારતનાં જંગલોમાં વસતા છેલ્લા ચિત્તાનો શિકાર કરવામાં આવ્યો ત્યારથી ભારતમાં ચિતા નામશેષ બની ગયાં. આ જ રીતે જો ચાલ્યું હોત તો સિંહો અને વાઘ પણ નામશેષ થવાના આરે જ હતા. પરંતુ સદ્દનસીબે છેલ્લા વીસેક સિંહ બચ્યા ત્યારે જૂનાગઢના નવાબની આંખો ખૂલી અને તેમને સંરક્ષણ આપવામાં આવ્યું.

હવે વાત કરીએ નામની રામાયણની. ગુજરાતમાં સિંહ, દીપડા જોવા મળે છે અને ગુજરાત બહાર દીપડાની સાથે સાથે વાઘ પણ જોવા મળે છે. ચિત્તા તો ભારતમાંથી નાશ પામ્યા છે, પરંતુ તમે જો કોઈને પણ ચિત્તાનો ફોટો દેખાડો તો કહેશે કે આતો ચિત્તો છે, પછી એ જ વ્યક્તિને દીપડાનો ફોટો દેખાડશો તો પણ એ જ વ્યક્તિ કહેશે કે આ પણ ચિત્તો જ છે! તો આવી ઘોર અજ્ઞાનની સ્થિતિમાં મને લાગે છે કે ચિત્તા અને દીપડા વચ્ચે રહેલો ભેદ સમજાવો જોઈએ. આમ જુઓ તો આ બંને પ્રાણીઓ બિલાડી કુળના જ છે, મતલબ મામા-માસીના ભાઈ બહેનો જ છે, પરંતુ પેટા જાતિ બંનેની અલગ છે. તેમના શરીર, વાણી,
વર્તન અને સ્વભાવની દૃષ્ટિએ બંનેમાં
મોટા તફાવતો છે.

ચિત્તો શરીરે પાતળો અને ઊંચો હોય છે, જ્યારે દીપડો ભરાવદાર નીચા શરીર વાળો અને તેનો બાંધો પણ મજબૂત હોય છે… મતલબ કે દીપડો ખાતા પીતા ઘરનો હોય એવું લાગે ! ચિત્તાની પૂંછડી હોડીના હલેસા જેવી થોડી ચપટી હોય છે જ્યારે દીપડાની પૂંછડી નળાકાર જાડી હોય છે. ચિત્તાના સવાના એટલે કે મુખ્યત્વે ઘાંસિયા મેદાનોમાં વસતા હોવાથી તેનું શરીર સોનેરી ઘાસ જેવા રંગનું હોય છે અને આખા શરીર પર નાના નાના કાળા ટપકાં હોય છે, જ્યારે દીપડો ઘટ્ટ જંગલોનો રહેવાસી હોવાથી તેનું શરીર ડાર્ક રંગના મોટા ધાબાઓથી છવાયેલું હોય છે જેથી તે છુપાઈ શકે. ચિત્તાની સૌથી મોટી ઓળખ તેના ચહેરા પર બંને આંખોથી લઈને મોં સુધી પરફેક્ટ કાળી રેખા હોય છે જેને ટીયર લાઈન કહે છે, આ ટીયર લાઈન દીપડામાં જોવા મળતી નથી. તમામ બિગ કેટ્સના શિકાર કરવાના નહોર પંજાની અંદર છુપાઈ શકે છે અને જરૂર પડે જ બહાર કાઢે છે, પરંતુ ચિત્તાના નહોર બહાર જ રહે છે અને તેના લીધે જ ચિત્તાને ઝડપથી દોડવામાં સહાય મળે છે. હવે વાત
કરીએ બંનેની ઝડપની. ચિત્તો આ વિશ્ર્વનું સૌથી ઝડપી શિકારી પ્રાણી છે.

ચિત્તો કલાકે ૧૦૦ થી લઈને ૧૧૦ કિલોમીટરની મહત્તમ ઝડપે દોડી શકે છે, પરંતુ આટલી ઝડપ તે માત્ર શિકાર કરતી વખતે થોડો સમય જ પ્રાપ્ત કરે છે અને પછી નિષ્ફળ જાય તો ઊભો રહી જાય છે. જ્યારે દીપડાની મહત્તમ ઝડપ ૫૦ થી ૬૦ કિલોમીટરની હોય છે. ચિત્તો શિકારની પાછળ પડીને શિકાર કરે છે જ્યારે દીપડો લપાઈ છુપાઈને શિકાર નજીક પહોંચીને અથવા તો લપાઈને શિકાર નજીક આવે તેની રાહ જોઈને એકાએક હુમલો કરીને શિકાર કરે છે. બંનેની દિનચર્યા પણ અલગ છે. ચિત્તો દિવસ દરમિયાન સક્રિય બને છે અને શિકાર કરે છે, જ્યારે દીપડો રખડું યુવાનોની માફક રાત્રે સક્રિય બનીને ઇલું ઇલું અને શિકાર પણ કરે છે. દીપડાની એક મજાની આવડત છે.

બે ભાંડુમાંનો જે જબરો હોય એ નબળા ભાઈનો ભાગ ખાઈ જાય, તે જ રીતે ચિત્તો શરીરે એટલો નબળો હોય છે કે ચિત્તાનો શિકાર સિંહો અને દીપડા પડાવી લે છે ! અને એવું જ સિંહો દીપડા જોડે પણ કરતાં હોવાથી દીપડાઓએ એક લુચ્ચાઈ શીખી
લીધી છે. દીપડા શિકાર કર્યા બાદ પોતાના શિકારને લઈને વૃક્ષની ઊંચી ડાળી પર ચડી જાય છે અને બે ત્રણ દિવસ ભોજન સમારંભ ત્યાં જ રાખે છે. આમ રોઝને બીજા કોઈ પણ નામે બોલાવીએ તો પણ તેની સુગંધ એવીને એવી જ રહેશે, પરંતુ દીપડાને ચિત્તો કહીને બોલાવવો એ પોતાની જાતને લગ્ન પહેલાના કાલિદાસ સાબિત કરવા જેવું થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button