વીક એન્ડ

સમત્વમાં જ મારું અસ્તિત્વ .

દરેક પરિસ્થિતિમાં સમાન હોવાની વાત તો સરસ છે પણ તે સંભવી કઈ રીતે શકે – તે હકીકત કઈ રીતે, તે કઠિન છે. અહં બ્રહ્માસ્મિ બોલી દેવું સહેલું છે પણ તે સ્થિતિને પ્રાપ્ત કરવી એવી સરળ નથી. તેવી જ રીતે સમત્વની આ સ્થિતિ પ્રાપ્ત કરવી સરળ નથી.

જ્યારે હેતુ સ્પષ્ટ હોય, સાધનો પ્રાપ્ય હોય, માર્ગ પણ સ્પષ્ટ દેખાતો હોય તો આપણે માત્ર ચાલવાનું હોય છે. જો આપણે ચાલવા જ ન માગીએ તો ગમે તેટલી બાબતો અનુકૂળ હોય તો પણ અંતિમ મુકામે પહોંચી ન શકાય.

ભગવાને પગ ચાલવા માટે આપ્યા છે – ચાલવું જોઈએ. તેવી જ રીતે ભગવાને વિવેક-બુદ્ધિ હેતુસર આપી છે. આ વિવેક-બુદ્ધિથી નિત્ય-અનિત્યનો ભેદ સમજવાનો છે. આ ભેદ સમજ્યા પછી જીવનનો હેતુ સ્પષ્ટ થાય.

આ જીવન માત્ર કર્મોના સારા-ખોટા ભોગવટા માટે નથી, તેની પાછળનો ઉદ્દેશ આ ભોગવટાના ચક્રમાંથી બહાર નીકળવાનો પણ છે. પણ આ ઉદ્દેશ્ય ત્યારે જ પરખાય જ્યારે ગુરુકૃપાથી જે નિત્ય છે, જે શાશ્ર્વત છે, જે સર્જનનું કારણ છે તેના પ્રત્યે
દ્રષ્ટિ પડે. હેતુ સ્પષ્ટ થયા પછી આગળની પ્રેરણા અંત:કરણમાં આપમેળે જ સ્ફુરિત થાય.

પછી પ્રશ્ર્ન સાધનોનો આવે. ગંભીરતા પૂર્વક તટસ્થતાથી જો સંસારની વિવિધ પરિસ્થિતિઓને મુલવવામાં આવે તો જણાશે કે બંધન કરનારી પરિસ્થિતિ અને બંધનથી મુક્ત કરનારી પરિસ્થિતિ બંને અહીં યથાર્થતામાં હાજર છે. જો આગળ વધવું હોય તો અહીં રસ્તો પણ દેખાશે અને આગળ ન વધવું હોય તો જ્યાં છીએ ત્યાંની જ પરિસ્થિતિ અતિપ્રિય લાગવા માંડશે. સાધનોની બાબતે પણ આમ જ છે.

કામ-ક્રોધ-મોહ-માયા જેવા અ-ઉપકરણો ચારે તરફ પથરાયેલા છે તો સાથે સાથે દાન-ધર્મ-શ્રદ્ધા-ગુરુકૃપા જેવા સુ-ઉપકરણો પણ ચારે તરફ જોવા મળશે. બધા જ પ્રકારનાં સાધનો આપણી પરંપરાએ ઉજાગર કરી
દીધા છે.

પોતાની રુચિ પ્રમાણે જે તે સાધનને પસંદ કરી રુચિ પ્રમાણેના માર્ગે આગળ વધવાનું છે. રસ્તો પણ છે અને સાધનો પણ છે. જે તે યોગ્ય સાધનનો સહારો લઈ શાસ્ત્રોકત અને ગુરુ સૂચિત માર્ગે આગળ વધવાનું છે. રસ્તામાં અડચણ આવે તો તે દૂર કરવાનાં
સાધનો પણ સૂચવાયેલાં જ છે. સામે રાજમાર્ગ છે અને રાજરથ છે, માત્ર તેમાં બેસીને શ્રીકૃષ્ણ-ગુરુના હાથમાં લગામ આપી
દેવાની છે.

પછી તો પ્રવાસમાં – રસ્તામાં સામે મળતી લોભામણી બાબતો અસર કરતી નથી. પછી તો બધી જ બાબતો એક સમાન અર્થહીન લાગે છે. પછી નથી કંઈ પામવાની ઈચ્છા કે કંઈ મેળવવાની લાલસા. પછી નથી નિવૃત્તિ માટે લગાવ કે નથી પ્રવૃત્ત રહેવાનો અહંકાર. પછી નથી ગરમીની ચિંતા કે નથી શીતળતાનો અહેસાસ.

એકવાર રાજરથ ઉપર સવાર થયા પછી અને માત્ર હેતુને સિદ્ધ કરવા માટેનું લક્ષ્ય રાખ્યા પછી કોઈપણ વસ્તુ વિચલિત કરી શકતી નથી. પછી તો અમૃત અને મૃત્યુ પણ એક સમાન થઈ જાય છે – અને તેમાં પણ અમૃત જીવાડી શકતું નથી કે મૃત્યુ મારી શકતું નથી. સમત્વનો આવો ભાવ પામવો એવો અઘરો નથી – માત્ર નિર્વિકલ્પ ઈચ્છા શક્તિની જરૂર છે. કોઈ કહી શકે કે આ જ અઘરું છે. અને તેથી જ એમ કહેવાઈ ગયું છે કે સૌથી પહેલા નિત્ય અને અનિત્યનો વિવેક પરખવો જરૂરી છે.

માત્ર તે માર્ગ ઉપર ચાલવાની શરૂઆત કરવાની છે. અનેક જન્મોના સંસ્કારને કારણે ઘણી બધી બાબતો સરળ બને છે અને કેટલીક બાબતો મુશ્કેલ બની જાય છે. પ્રશ્ર્ન આ અનેક જન્મોને કારણે સંસાર સાથે ઊભા થયેલા અતિ લગાવનો છે. જ્યાં સુધી આપણને
રસ રહે ત્યાં સુધી પરિસ્થિતિથી વિમુખ થવું મુશ્કેલ છે. જ્યાં રાગ-દ્વેષ અપાર માત્રામાં હાજર હોય ત્યાં સમત્વની ભાવના અસંભવ જ રહે.
કોઈપણ બાબતમાં સંપૂર્ણ નિષ્ઠાથી ઉત્તમ પ્રકારનો પુરુષાર્થ કરી પૂરેપૂરી સમજણ સાથે કોઈપણ પ્રકારની છેતરામણ વિના જો સંમેલિત થઈએ તો તે બાબત ક્યારેય અસંભવ થતી નથી. આ સત્ય જેટલું દુન્યવી બાબતોને લાગુ પડે છે તેટલું જ આધ્યાત્મિક બાબતોને પણ લાગુ પડે છે.
સંપૂર્ણતામાં જો કોઈ ક્રિકેટ શીખવા પ્રયત્ન કરે તો તે તેમાં મહારત હાસિલ કરી શકે. એવું જ સમત્વની સ્થિતિ પામવાની
બાબતે કહી શકાય – જો વ્યક્તિ સંપૂર્ણતામાં તે માટે પ્રયત્ન કરે તો તે બાબત મુશ્કેલ
નથી જ.

આની માટે આપણું અંત:કરણ જે તે બાબતે ખાતરીબંધ હોવું જોઈએ. ‘સમત્વ શક્ય છે’ એ બાબત વિષે શંકા ન હોવી જોઈએ. આવું સમત્વ પ્રાપ્ત કરી શકાય છે તે બાબતે પણ ખાતરી હોવી જોઈએ. પોતે તે સ્થિતિને પ્રાપ્ત કરી શકશે તેવો વિશ્ર્વાસ હોવો જોઈએ. આ બધું એટલું મુશ્કેલ નથી – અને જો મુશ્કેલી ઊભી થશે તો ઈશ્ર્વરી કૃપાથી તે દૂર થઈ જશે તેવી શ્રદ્ધા હોવી જોઈએ. આ બધાનો સમય થતા સદા મે ‘સમત્વં’ સ્થાપિત
થતું જાય.

આ બધા માટે પણ અંત:કરણમાં એવી સમજ ઊભી થવી જોઈએ કે આ જીવનનો આશય ‘સમત્વ’ સ્થાપવાનો છે – નહીં કે જુદી જુદી વિવિધતામાં, જુદા જુદા કારણે, જુદા જુદા પ્રકારે રચ્યાપચ્યા રહેવાનો. વિવિધતા છે જ નહીં, બધું જ સમાન છે, બધામાં ‘તે’ પરમનું જ પ્રતિબિંબ છે.

કારણો પણ ભિન્ન ભિન્ન હોવા શક્ય નથી કારણ કે સંસારને – બ્રહ્માંડને સંચાલિત કરતું કારણ તો એક જ છે. વિવિધ રીતે સંમેલિત થવું પણ શક્ય નથી કારણ કે જ્યાં વિવિધતા જ ન હોય અને તમે શાશ્ર્વત એક સત્ય
સ્વરૂપ હોય તો એ પ્રકારની ભિન્નતા
પણ ક્યાંથી સંભવી શકે. અંતે તો તે સમત્વ’ને જ સમજવાનું છે અને તે સ્થિતિમાં જ પહોંચવાનું છે. – હેમંત વાળા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button