વીક એન્ડ

તૈયાર આવાસ હોવાં જરૂરી

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

એમ જણાય છે કે હવે તો બધું જ S-M-L-XL શ્રેણીમાં મળવા માંડશે. નાનું જોઈએ તો એસ લઈ લો, મધ્યમ કક્ષા માટે એમ યોગ્ય ગણાશે, મોટી જરૂરિયાત હોય તો એલ ની પસંદગી કરો અને તેનાથી પણ આગળ ઈચ્છા હોય તો કે જરૂરિયાત હોય તો એક્સેલમાં જાવ.

એક સમય હતો જ્યારે દરજી જે તે વ્યક્તિના માપ પ્રમાણે કપડાં સીવતો. હવે બ્રાન્ડેડ કપડા ચાર-પાંચ માપમાં જ મળે, અને તેમાંથી જ પસંદગી કરવાની હોય. ખાવાના પડીકા પણ તૈયાર જ હોય, કાં તો ૨૫૦ ગ્રામના પેકેટમાં મળે કાં તો ૫૦૦ ગ્રામના પેકેટમાં. તમારી જરૂરિયાત જો ૧૭૫ ગ્રામની હોય તો પણ તમારે ૨૫૦ ગ્રામ તો ખરીદવું જ પડે. એક સમયે મીઠાઈ તમારી જરૂરિયાત પ્રમાણેની માત્રામાં મળી શકે, પરંતુ ચોકલેટ તો ઉત્પાદક જ નક્કી કરે કે તમારે કેટલી ખાવી જોઈએ. બધી જ વસ્તુઓ હવે અકબંધ પેકેટમાં મળે, જેમાં તમારી જરૂરિયાત કરતાં વધારે પણ હોઈ શકે અને ઓછું પણ. જ્યારે વ્યક્તિ તૈયાર આવાસ ખરીદવા જાય ત્યારે પણ આમ જ થતું હોય છે.

મોબાઈલમાં ફેસિલિટી પહેલેથી જ નિર્ધારિત થઈ જાય. તમારે શું જોઈએ છે તે પૂછવામાં ન આવે. જે છે તે આ જ છે પ્રકારની દાદાગીરી સાથે વેચાણ કરવામાં આવે. મોબાઇલમાં ઘણી સગવડતા તો એવી હોય છે કે જે અમુક લોકોને ક્યારેય જોઈતી ના હોય, છતાં પણ લેવી પડે, અને તે માટે ચુકવણી પણ કરવી પડે. તૈયાર આવાસમાં પણ ક્યાંક આમ જ થતું લાગે છે. આમ તો વાત વ્યાજબી છે છતાં પણ ક્યાંક વચગાળાનો રસ્તો તો જરૂરી છે જ. આવાસ એ મોબાઇલ નથી.

સ્ટાન્ડર્ડાઇઝેશન અર્થાત માનકીકરણ કે ધોરણ-સ્થાપન જરૂરી છે. તેના ફાયદા પણ છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે જે સંભાવના જાગી તેનાથી ગુણવત્તાવાળું ઉત્પાદન વધારે જથ્થામાં કરી શકાય તે માટે માનકીકરણ જરૂરી બન્યું. ફેક્ટરીમાં દરેકની જરૂરિયાત મુજબ અલગ અલગ પ્રકારનું ઉત્પાદન ન થઈ શકે. જથ્થાબંધ ઉત્પાદનની સંભાવના હોય તો જ ઉદ્યોગ ટકી શકે. બજારમાં અમુક વસ્તુઓ જે ઓછી કિંમતે મળી રહે છે તે ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતાને કારણે. પણ અહીં પ્રશ્ર્ન એ પૂછી શકાય કે સ્થાપત્યની કઈ બાબતો ઔદ્યોગિકરણમાં આવે અને કઈ બાબતો કળાના ક્ષેત્રમાં હોય તે ઇચ્છનીય ગણાય.

બારી-બારણા જેવી સામગ્રીનું માનકીકરણ થાય તે ઇચ્છનીય છે. રાચરચીલું પણ સમાન માપવાળું હોઈ શકે. પણ આવાસના તલ દર્શનમાં જો એકધારાપણું આવે તો વ્યક્તિ કે કુટુંબની ઓળખ ક્યાંક લુપ્ત થવાની શરૂઆત થાય. અહીં પણ માનકીકરણ ઈચ્છનીય છે, પણ તેમાં માત્ર S-M-L-XL ન હોવું જોઈએ. અહીં એ થી ઝેડ સુધી અને તેની આગળ પણ વિકલ્પ મળવા જોઈએ.

એક વ્યવસ્થિત અભ્યાસની જરૂર છે. જુદા જુદા પ્રાંતમાં, જુદા જુદા શહેરમાં, જુદી જુદી આવકવાળા કુટુંબો માટે, જુદા જુદા બજેટના, જુદી જુદી જરૂરિયાત પ્રમાણે, અલગ અલગ શૈલીમાં કેવા કેવા આવાસ બનાવી શકાય. આ શક્યતાનું એક સંકલન થવું જોઈએ. કોઈ કુટુંબ તૈયાર આવાસ લેવા જાય ત્યારે કેટલી કેટલી સંભાવના છે તેની તેને ખબર હોવી જોઈએ અને તે પ્રમાણે એણે માગ સ્થાપિત કરવી જોઈએ. સ્થાપત્ય પોતાની રચનામાં આ બધી સંભાવનાઓને સમાવી લેવી જોઈએ. કાર્ય કઠિન છે. કાર્ય મોટું છે. પણ કરવું જરૂરી છે.

આવાસમાં વ્યક્તિની ઓળખ સચવાઈ જવી જોઈએ. આવાસમાં વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રતિબિંબિત થવું જોઈએ. આવાસમાં વ્યક્તિની લાગણીઓને યોગ્ય પ્રતિભાવ મળવો જોઈએ. આવાસમાં એક પ્રકારની મુક્તતાની અનુભૂતિ હોવી જોઈએ અને આ મુક્તતાની માત્રા જે તે વ્યક્તિની ઈચ્છા અનુસાર હોવી જોઈએ. આવાસમાં એક વિશેષ પ્રકારની સ્વતંત્રતાની સંભાવના પણ હોવી જોઈએ. જેવું છે તેવું સ્વીકારવાને બદલે તેમાં ક્યાંક વ્યક્તિગતતા ઉમેરવાની છૂટ પણ હોવી જોઈએ. અહીં સંબંધ વિકાસવા જોઈએ અને કુટુંબના માળખાને યોગ્ય ન્યાય મળવો જોઈએ. આ બધી વસ્તુ તૈયાર મળતા પંખાની જેમ એકધારી ન હોઈ શકે.

ખરેખર કામ મોટું છે, પણ જો ભવિષ્યની પેઢીને આવાસની સાથે જોડવી હશે તો આ કરવું પડશે. માનવી સૌથી વધુ આરામ આવાસમાં અનુભવી શકે છે. પોતાના આવાસમાં તેને હાશની અનુભૂતિ થાય તે જરૂરી છે. જો માનવીની ભાવનાત્મક જરૂરિયાતો સંતોષાય તો તેની કાર્યક્ષમતા વધે અને એની પસંદગી યોગ્ય હોવાની સંભાવના પણ વધી જાય. સમાજના દરેક વ્યક્તિ માટે જો આમ થાય તો આખો સમાજ યોગ્ય દિશામાં પ્રગતિ કરી શકે.

વ્યક્તિ સચવાઈ જાય તો સમાજ સચવાઈ જાય. વ્યક્તિ ખુશ તો સમાજ ખુશ. વ્યક્તિની લાગણીઓને ન્યાય મળે તો સમાજ પણ લાગણીને સાચવી શકે. વ્યક્તિનું આવાસ લાગણીસભર હોવું જોઈએ. સાંપ્રત સમયમાં જ્યારે – ખાસ કરીને શહેરી વિસ્તારમાં – વ્યક્તિ પોતાનું આવાસ પોતાની જાતે બનાવવા સમર્થ નથી હોતો, ત્યારે તૈયાર આવાસના વ્યવસાયમાં જોડાયેલા દરેક વ્યવસાયિકે વધુ સંવેદનશીલ બનવાની જરૂર છે. અત્યારની પરિસ્થિતિ જોતા એમ લાગે છે કે તૈયાર આવાસની પસંદગીમાં જે બાબતો ધ્યાનમાં રખાય છે તેમાં જીવનની સંભવિત ગુણવત્તાને એટલું મહત્ત્વ નથી મળતું. આવાસની પસંદગી ક્યાંક જબરજસ્તી સમાન બની રહે છે.

અહીં માત્ર ૧-બીએચકે કે ૨-બીએચકે ની વાત નથી થતી. પ્રકાશ-હવાની વ્યવસ્થા પણ સુલજાવી શકાય. અહીં માનવીય સંબંધો અને માનવીય અનુભૂતિની વાત થાય છે. વિકલ્પ મળવા જોઈએ. દરેક વિકલ્પોમાં સંભાવના હોવી જોઈએ. દરેક વિકલ્પ જીવનની ગુણવત્તા સુધારી શકે તે પ્રમાણેના હોવા જોઈએ. તૈયાર આવાસની રચનાના કેન્દ્રમાં માત્ર અને માત્ર આર્થિક નફો ન હોવો જોઈએ, કોઈક પોતાના જીવનને યોગ્ય રીતે માણી અને ખીલવી શકે તેવી સંભાવના ઊભી થવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button