વીક એન્ડ

શરદ જોશી સ્પીકિંગ: ન મળેલી ઉધારીની ઉપાધિ

સંજય છેલ

બહુ બૂરી ખબર છે. ના.. ના.. કોઇ મરી નથી ગયું. ઉધારી મળવાની -શક્યતા મરી ગઇ.. ના.. ના મારી નહીં, દેશની.. કારણ કે હમણાં જ સાંભળ્યું કે વિકાસના નામે ભારતને વર્લ્ડ બેન્કમાંથી જે લોન મળવાની હતી એ મળવાની શક્યતા હવે ઓછી છે. આવા સમાચાર નાણાકીય વિભાગને ધ્રુજાવી નાખે છે.

મંત્રીઓને ચિંતા થવા માંડે છે, સરકારી ઓફિસર પોતાને દોષિત માનવા લાગે છે. બધાંને ચિંતા એ વાતની થાય છે કે સાલી, આપણી ઉધાર કે લોન માગવાની ઇંડિયન સ્ટાઇલમાં કોઈ કમી રહી ગઈ કે શું? ને એમ હોય તો તો એ પછી ઉધારી માગવાની પદ્ધતિમાં આપણે શું ફેરફાર કે સુધારો કરવો જોઈએ, જેથી એક દેશ તરીકે આપણે પાકિસ્તાન જેવા ‘સફળ ભિખારી’ નહીં,પણ સારા ઉધાર માગવાવાળા તો સાબિત થઈએ!

નાણાં મંત્રાલયમાં તો ચિંતા હતી જ, પરંતુ હું નિશ્ર્ચિંત હતો. ફરક એટલો હતો કે હું મારા દિલમાં ખુશ હતો. ખુશ શા માટે હતો એની મને ખબર નથી. શું છે કે મારી લાઇફમાં હું વિકાસશીલ દેશનો અડધો વિકાસ પામેલો નાગરિક છું.

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ: છાપરા પર વાગતું વાયોલિન…

મને ચિંતા હોવી જોઈએ કે મારો સંપૂર્ણ વિકાસ થાય અને એના માટે મને પૂરતી લોન અને નાણાકીય સહાય મળે, પણ કદાચ મારી હાલત એક એવા જુવાન ને બેકાર દીકરા જેવી થઈ ગઈ છે, જે વર્ષો સુધી બાપનો અને પછી સસરાનો માલ ખાધા પછી હવે પોતાની રીતે પગભર થઇને કમાવાનું વિચારી રહ્યો છે! જો કે અઘરું છે, પગભર થવા પગ ઊપડતા નથી, ઉધારી કે લોન માટે વારેવારે ઓટોમેટિક આપોઆપ હાથ જ લંબાયા કરે છે!

આમ છતાંયે હું તો ખુશ છું કે દેશને લોન નહીં મળે. માન્યું કે આપણી થોડા વધુ ભૂખ્યા અને હેરાન થવાની ચિંતા ઊભી થઈ છે અને સાથે સાથે આપણી ચતુર કે બુદ્ધિશાળી બનવાની શક્યતા પણ વધી છે! ના સમજ્યા? સમજાવું..

શું છે કે અગાઉ આપણો દેશ મફતનો માલ ખાઈને ફાંદ વધારવામાં વ્યસ્ત હતો. હવે સમય આવી ગયો છે કે હવે આપણા દેશે કસરત કરવાનું શરૂ કરી દેવું જોઈએ ને ચરબી ઘટાડવી જોઈએ. વળી આપણે
કોઈ બીજી દુનિયાનો કે બીજા ગ્રહનો દેશ નથી.

હકીકતમાં આપણી પોતાની એક અલગ જ દુનિયા છે. ગરીબ દેશોની સરખામણીએ આપણે ઘણાં સમૃદ્ધ છીએ, પણ સમૃદ્ધ દેશોમાં આપણે પાછાં ગરીબ છીએ. અમીર દેશોની યાદીમાં આપણું નામ ભલે આગળ ન હોય, પણ હા, અર્ધ વિકસિત દેશોની યાદીમાં આપણું નામ આગળ છેને? તો પછી? મોજ કરોને.

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ: કૉમ્પ્રોમાઇઝની કળા: લગ્નથી લડાઈઓ સુધી….

આપણે લોન માગીને અમીર બની રહ્યા છીએ ને આજે આપણે આપણી જાતને અમીર માનવા
પર શરમ અનુભવીએ છીએ, કારણ કે આપણને ખબર છે કે એકવાર જો આપણે માલદાર ગણાઈ જઈશું તો ઉધાર લેવાનું અને લોન માગવાનું કાયમ માટે બંધ!

આપણાં મોટાં-મોટાં બાંધકામો વર્લ્ડ બેંકની મદદથી એટલે કે ઉધારીથી ચાલી રહ્યા છે, આપણાં સરકારી ઉદ્યોગો ને કારખાનાઓ વિદેશી સરકારોના સહયોગથી ખુલી રહ્યા છે, નાણાંની વહેંચણી કરવા સિવાય આપણે બીજો ખર્ચ ક્યાં કરીએ છીએ? આપણી પાસે રસ્તાઓનું સમારકામ અને ગટરોની સફાઈ માટે પૂરતા પૈસા નથી. આપણી બધી કમાણી તો જમીન ખરીદવામાં, એને મોંઘી બનાવવામાં, એના પર ઈમારતો બાંધવામાં અને મોજ મસ્તી ને જલસાની ચીજ-વસ્તુઓ ખરીદવામાં વપરાય જાય છે.

ગઈ કાલે હું આખો દિવસ ભારતીય નાણાં વિભાગની નજરે જરાયે કામનો કે સારો નહોતો. જો કે હું આજે ય નથી. ભારતને લોન ન મળી એવા સમાચાર સાંભળીને અડધા વિકસેલા અને અડધું વિકાસશીલ એવી મારી ભારતીય પર્સનાલિટી પ્રસન્ન થઈ ગઇ.

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ: છે પણ ને નથી પણ છતાંય છે તો ખરાં!

સોરી, પણ મને લાગે છે કે બીજાના પૈસાથી આપણો ઘણો વિકાસ ઓલરેડી થઈ ચૂક્યો છે. હવે થોડો વિકાસ આપણે પોતે પણ કરવો રહ્યો. આર્થિક જગતમાં પણ કંઈક દેખાડી દેવાનો સમય આવી ગયો છે.

અત્યાર સુધી અમેરિકન ડૉલર અને રશયિન રૂબલને આપણાં ખિસ્સાઓ ભરવાની ઘણી તક આપી. શું છે કે હવે ભારતીય રૂપિયાને પણ તક મળવી જોઈએ, જેનું વિદેશમાં ડૉલર સામે સાવ ધોવાણ કે અવમૂલ્યન શરૂ થઈ ગયું છે.

આજે ભારતની માલદાર વિકસિત દેશો સાથેની મિત્રતા નિ:સ્વાર્થ પણ હોઈ શકેને? જરૂરી નથી કે એમાં કોઇ સ્વાર્થ જ હોય! ઉધારી મળે કે ના મળે-દેશ કા કોલર ઊંચા રહે હમારા..!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button