વીક એન્ડ

મુળજી, તારા લગન નહીં થાય

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

ચારે બાજુ ઇલેક્શનનો માહોલ છે અને સારા સારા પ્રશ્ર્નોને ગોટે ચડાવી એક જ હાકલા પડકારા સંભળાય છે. કોને ટિકિટ મળી, કોણ કપાયો ,કોણ કયા પક્ષમાંથી કયા પક્ષમાં ગયું, ફલાણાને શું કામ ટિકિટ મળી ફલાણો શું કામ કપાયો… વિગેરે વિગેરે.

પહેલાના વખતમાં સમયે સમયે ન્યૂઝ આવતા અને હવે ન્યૂઝની જગ્યા વ્યૂઝ એ લીધી છે. અમે શું માનીએ છીએ એ તમારી ઉપર હથોડાની જેમ ફટકારે અને આપણે અબુધ પ્રાણીની જેમ ‘આ બેલ મુજે માર’ જેવી દશામાં અર્ધ કોમાં અવસ્થામાં ટીવી સામું બેસી રહીએ છીએ.

શેરીમાં બૈરાઓ પાણી માટે બાજતા જોયા છે હવે બૈરાઓ સમજી ગયા છે વેચાતું પાણી લઈ લેજે પણ બાજતા નથી તેની જગ્યાએ ટીવીમાં રમખાણ મચાવે છે. ભાઈઓ અને બાઈઓ ખાલી હાથમાં તલવાર નથી લેતા બાકી શાક માર્કેટમાં શાક વેચતા કાછિયાની જેમ સામસામા ઘુરકીયા કરતા હોય છે.

અમારી શેરીમાં દલાભાઈ રહે છે તેને ચાર દીકરા સૌથી નાનો મુળજી. પ્લેટફોર્મ પર ભજીયા વેચવાથી માંડી અને ચૂંટણીના પ્રચારમાં નારાબાજી કરવાના એક્સપર્ટ તરીકે તેને કામ કરી લીધું છે તેની આ કાર્યકુશળતા જોઈ અને કોઈએ કહ્યું કે તમે એસી રૂમમાં બેસી અને કાર્ય કરવા માટે સર્જાયા છો. બસ મુળજીના મગજમાં આ કેસેટ ચડી ગઈ.

અંબાણી, અદાણીથી લઈને એ.ટી.એમ. સુઘી બાયોડેટા મોકલી દીધાં. પણ ક્યાંય દેકારો કરનારની જરૂર ન હતી. કંટાળીને ફરી ચા દેવાની શરૂઆત કરી. નસીબ જોર કરતા હશે તો એક લોકલ ન્યૂઝ ચેનલવાળા ની ઓફિસે ચા દેવા ગયો અને ત્યાં બહાર કોઈની સાથે ઝઘડી પડ્યો. ઝઘડવાની તીવ્રતા જોઈ અને અવાજની કર્કશતા માપી ન્યૂઝ ચેનલવાળાએ નોકરીની ઓફર કરી દીધી.

એસી સ્ટુડિયો જોઈ અને મુળજીએ હા પણ પાડી દીધી. નાનામાં નાના ન્યૂઝમાં ચામડાતોડ દેકારો કરી, સાદામાં સાદા ન્યૂઝ ને મરચું મીઠું નાખી આદર્શ ભેળ કરી અને રજૂ કરતો. બે મહિનામાં તો લોકો ન્યૂઝ માટે નહીં પણ ન્યૂઝ વાંચતો જોવા માટે ન્યૂઝ જોવા લાગ્યા. સવારથી ન્યૂઝ વાંચવાનું શરૂ કરે અને રાત્રે તો ઘંટીના પડ વચ્ચે અનાજ દળાતું હોય ને જે
અવાજ આવે તેવો અવાજ થઈ ગયો હોય છતાં બરાડા પાડવાનું બંધ ન કરે.

દલાને કોઈએ કહ્યું કે હવે છોકરો ડાળે વળગી ગયો છે તો તેના માટે છોકરી ગોતવાનું શરૂ કરો. તમે નહીં માનો મુળજીની ખ્યાતિ ઘરે ઘરે એવી હતી કે જેને જોવા જાય એ ઘરે એવી રાડો પાડી પાડીને વાતો કરે, જતા જતા એવા મુદ્દાઓ મૂકતો જાય કે ઘરમાં એકબીજા ઉપર દેકારા ચાલુ થઈ જાય. બે-ચાર કુવારી ક્ધયાઓએ આજીવન લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી.

મુળજીની આધિકારા સ્ટાઈલ એટલી ફેમસ થઈ ગઈ કે કોરોનામાં જેમ વાઇરસનો ચેપ ફેલાઈ તેમ તેની સ્ટાઇલ
ફેલાઈ ગઈ.

એટલે જ અત્યારે સૌથી વધારે મજા આવતી હોય તો આપણી ન્યૂઝ ચેનલોની,અચાનક એટલા બધા ઉત્સાહમાં આવી ગયા છે કે એક ને એક વાક્ય ૨૦ વાર બોલે દેખિએ દેખિએ યુક્રેનને દાવા કિયા હૈ કિ રશિયા કી ૬૦૦ ટેન્ક તબાહ કી યુક્રેનને,યુક્રેનને દાવા કિયા હૈ.આપ દેખ રહે હૈ કે આજ યુક્રેનને યે દાવા ક્યા હૈ કિ ૬૦૧ ટેન્ક તબાહ કી,પુતિનચંદ્ર આ સમાચાર સાંભળી અને તેના રક્ષા મંત્રીને પૂછ્યું પણ ખરું કે ‘આપણી પાસે આટલી બધી ટેન્ક હતી ખરી? કયા ગેરેજમાં રાખી હતી?મને જાણ પણ ન કરી?આ જો વધારે એક ઊડી.આ તો ઠીક છે હું ભારતીય સમાચાર જોવ છું નહીં તો તમે તો મને અંધારામાં જ રાખો.’ “પલ પલ કી ખબર,આજ કી એક બડી ખબર, સીધા યુદ્ધ ભુમિ સે હમારે સંવાદદાતા મુળજી ને કી રશિયન સૈનિક સે બાત, પૂછા ક્યોં કર રહે હો હમલા જવાબ મે રશિયન સૈનિકને બતાયા ‘નહીં છોડેંગે ઉન લોગો કો જો વિદેશ સે હમારે ખિલાફ સહાયતા લે રહે હૈ’.

એકાદ મિસાઈલ આ મુળજી અને સ્ટુડિયો પર દાગવાનું મન થાય. મુળજીને અંગ્રેજીમાં કોલેજ પૂરી કરી ત્યાં સુધીમાં ટોટલ ૩૫ માર્ક્સ નથી આવ્યા અને રશિયન ભાષામાં મુળજી એ સૈનિક સાથે વાત પણ કરી લીધી.અને સ્ટુડિયોમાં બેઠેલી હરખપદૂડી તેને આપણને ગોખાવવાનું હોય તેમ પાંચ પાંચ વાર બોલી શું સાબિત કરવા માંગે છે તે ખબર નથી પડતી. યુક્રેનના વડા પ્રધાને તો કહ્યું પણ ખરું કે જો હું આ ભારતીય ન્યૂઝ જોવામાં બીઝી ન થઈ ગયો હોત તો સાચી માહિતી મને મળી હોત. પૂતીનલાલને પણ યુદ્ધ આટલું લાંબુ ચલાવવું ન હતું પરંતુ ભારતીય ન્યૂઝ ચેનલોને હાલ કોઈ કામ ન હોય એટલું ફૂટેજ આપ્યું કે બંનેને મોજ પડી ગઈ.અને આ યુદ્ધ લાંબુ ચાલે છે. સાવ કામ વગરના પુરુષો ઘરે આખો દિવસ ટીવી પર યુદ્ધના સમાચાર જોતા હોય તેની પત્નીઓની પણ હવે કમાન છટકી ગઈ છે.

પહેલા શાંતિથી રિમોટ કંટ્રોલ માગતી હતી હવે મોઢામોઢ કહે છે કે ‘આમાં તમારા કોઈ કાકા બાપાના દીકરા દીકરી છે? તમે કોઈને ઓળખતા નથી તો ગામની પંચાત મૂકી અને અમને કોઈ સારા કાર્યક્રમો જોવા દયો.’લોકોના મગજની પાળ પીટવામાં આ ચેનલોએ કંઈ બાકી નથી રાખ્યું.

આજકાલ મુળજી શૅરબજારના ઇન્ડેક્સની જેમ ઉપર જતો જાય છે. પ્રાઈમ ટાઇમ શો કરે છે. પણ મોદીને જીવનસંગિની, અર્ધાંગિની મળતી નથી.

વિચારવાયુ
ટીવીમાં ન્યૂઝ જોવાનું બંધ કરીએ તો રામરાજ્ય આવે કે નહીં?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button