મોગાન – કેનેરી આઇલૅન્ડ્સનું લિટલ વેનિસ…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
ટેમ્પરરી ઘરોની મજા એ છે કે ત્યાં બે-ત્રણ દિવસમાં એવી રીતે ચીજો ફેલાઈ જાય અને આદતો બંધાઈ જાય કે ત્યાં લાંબા સમયથી રહેતાં હોઈએ એવું લાગવા માંડે. દસેક દિવસના એપાર્ટમેન્ટ સાથે હવે એવો ઘરોબો થઈ ગયેલો કે એક તરફ જઈશું તો એક ભવ્ય વૃક્ષ આવશે, બીજી તરફ રેસ્ટોરાં અને શોપ્સવાળો ઓપન એર મોલ આવશે, ઢાળ ઊતરીને જઈશું તો બીચ આવશે, એ જ ઢાળની ઊંધી બાજુ વધુ એક મોલ આવશે. જ્યાં પણ જઈશું ત્યાં ગાડીઓ પાર્ક હશે અને એક સરખી બોડી લેન્ગવેજ સાથે દુનિયાભરનાં ટૂરિસ્ટ આવતાં દેખાશે. આ વિસ્તાર એટલો ટૂરિસ્ટી હતો કે ત્યાં ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારાં અને ટૂરિસ્ટ સિવાય બીજા કોઈ પ્રકારનાં સ્થાનિક લોકો દેખાતાં જ ન હતાં. એવામાં અમે મોલમાં એક ગુજરાતીની જ્વેલરી શોપ, એક સિંધીનું રેસ્ટોરાં, એક જર્મનનું પબ પણ જોઈ આવેલાં. કેનેરી ટાપુ પર ઘર ખરીદીને રહેવા માંડેલાં લોકો પણ સ્થાનિક તો નહોતાં જ લાગતાં. ત્યાં એટલું રિલેક્સ થઈ જવાતું હતું કે ત્યાં કામ કરનારાં લોકો પણ જરાય સ્ટે્રસમાં હોય તેવો અણસાર નહોતો આવતો.
ટાપુ એવો ગોળ હતો કે કોઈ પણ દિશાની પરિક્રમા કરીને એપાર્ટમેન્ટ પર પાછાં આવી જવાતું હતું. છતાંય અમે દરરોજ જે દિશામાં જતાં હતાં તે જ દિશાથી પાછાં પણ આવતાં. એ માસપાલોમાસ અને લા પાલ્માની દિશાને બદલે એક દિવસ અમે ઊંધી દિશામાં જવાનું નક્કી કરીને નીકળ્યાં. એ બાજુ પણ એ જ બીચ અને રિસોર્ટ ટાઉન હતાં. વધુ આગળ જતાં એક આખો પેચ આવતો હતો જ્યાં માત્ર જંગલ અને લાવાના પહાડો હતા. તેની પાછળ સીધું લા પાલ્મા આવતું. અમે તો આખો ટાપુ ચીરીને વસતી વચ્ચે થઈને લા પાલ્મા ગયેલાં. હવે હાઇક કરવાનો તો કોઈ પ્લાન ન હતો, બાકી અહીંથી લોકો દિવસોની હાઇક કે સાઇકલ ટ્રિપ પ્લાન કરીને એક ગામથી બીજા ગામ પણ જતાં. વગડો અને નિર્જન વિસ્તાર શરૂ થાય તે પહેલાં એક ભરચક ગામ હોવાની વાત હતી. તે ગામનું નામ જોઈને પહેલાં તો ગુજરાતી નામ મગન જ મગજમાં આવતું હતું. મોગાન નામે આ ગામ અત્યાર સુધીમાં ગ્રાન કનેરિયા જ નહીં બાકીના બધા કનેરી ટાપુઓ કરતાં સૌથી અલગ હતું.
મોગાનમાં પાર્કિંગથી પ્રોમોનાડ પહોંચવામાં તો તેના ઘણા ચહેરા જોવા મળી ગયા હતા. ત્યાં કોમન બેઝમેન્ટ પાર્કિંગથી બહાર નીકળતાં થોડાં રેસ્ટોરાં, ઘરો, દુકાનો વટાવતાં દરિયો આવ્યો તો ખરો પણ ત્યાંનું યોટ પાર્કિંગ દરિયાને પણ ઝાંખું પાડી દે તેવું નીકળ્યું. એક તરફ હિસ્ટોરિકલ ડિસ્ટ્રિક્ટના રંગો, બીજી તરફ પાર્ક થયેલી યોટ્સ, પછી ત્યાં કેનાલ્સ જોવા મળી ગઈ. ત્યારે સમજાયું કે આ ગામ ત્યાંનું લિટલ વેનિસ શા માટે કહેવાય છે. મજાની વાત એ છે કે કેનાલને કારણે પડતા પાર્ટ્સનો દરેક પાર્ટ અનોખો હતો. મોગાનનું મરિના જ્યાં પણ જુઓ ત્યાંનું દૃશ્ય કોઈ પોસ્ટકાર્ટ જેવું જ લાગતું હતું. હવે મરિનાને મગજ પર કંડારવા માટે ત્યાંના એક કાફે પર બેસીને બધી તરફ બસ જોયા કરવાનું હતું. ત્યાં મરિનાના દરિયા તરફના ખૂણે એક અત્યંત અટે્રક્ટિવ ઇમારત હતી. ત્યાં આમ તો અમે આર્ક પાસે ફોટો પડાવવા ઊભાં રહી ગયાં, પણ નજીકથી જોવા મળ્યું કે તે પોલીસ સ્ટેશન હતું. એ કદાચ દુનિયાનું સૌથી સુંદર પોલીસ સ્ટેશન હોય તોય નવાઈ નહીં.
હજી 1980 સુધી તો મોગાન માત્ર એક ફિશિંગ વિલેજ હતું. અહીંનાં ઘરોમાં માત્ર માછીમારોની કોમ્યુનિટી જ રહેતી. હજી પણ મોગાનના મરિનાથી બહાર નીકળતાં ત્યાં ખરાં સ્થાનિક લોકો અને તેમનાં ઘરો જોવા મળી જતાં હતાં. મરિના પરનાં ઘરો તો સફેદ હતાં પણ તેમને રંગીન આઉટલાઇન આપવામાં આવેલી, તેના કારણે અહીંનું આર્કિટેક્ચર પણ ખાસ લાગતું હતું. આમ જોવા જાઓ તો તેમાં કોઈ ખાસ કરામત ન હતી. ખાલી રંગીન આઉટલાઇનમાં જ એવું લાગવા માંડેલું કે આવું વિલેજ લેન્ડસ્કેપ ક્યાંય નથી દેખાયું. તેમાંય જે ઘરો લોકલ્સનાં હતાં તેમણે તો ઘરનાં એન્ટ્રન્સ પર ફૂલોનાં આર્ક પણ બનાવ્યાં છે.
મોગાનનાં રંગો, કેનાલ્સ, ફૂલો, બોટ્સ વચ્ચે અહીં સ્પેનિશ અને આફ્રિકન ક્વિઝિન તો મળતું જ હતું, ત્યાં સુવિનિયર્સ પણ જરા અલગ લાગતાં હતાં. અહીં નાસ્તો કરવા બેઠા ત્યારે અહીંની મોહો ચટણી વધુ ગાર્લિકી અને વધુ તીખી લાગી. મસાલેદાર હોવા છતાંય ત્યાંની વાનગીઓ ભારતીય ફૂડ કરતાં સાવ અલગ લાગતી હતી. સ્વાભાવિક છે ત્યાંથી હજી વધુ મસાલા ખરીદ્યા. અહીંનાં તડકામાં સૂકવેલાં ઓરેગાનો અને બેઝિલ ઉપરાંત પાયેયાનો મિક્સ મસાલો જોઈને જ એટલો મજાનો લાગતો હતો કે માત્ર કૂકિગ માટે નહીં, ડેકોરેશન માટે પણ લેવા જેવો લાગતો હતો. એટલું પૂરતું ન હોય તેમ અહીં એક પીળી સબમરીન પારદર્શક તળિયા સાથે બોટિગ કરવા લઈ જાય છે. તેની લાઈન એટલી લાંબી હતી કે અમે એ પ્લાન માંડી વાળ્યો.
વળતાં પાર્કિંગ તરફ એક બેકરી અને ચોકોલાટરી પર એક ઉંમરલાયક બહેન એક મોટા તાવડા પર ડ્રાયફ્રૂટ અને નટ્સ રોસ્ટ કરતાં કરતાં બૂમો પાડીને બધાંને બોલાવતાં હતાં. હવે ત્યાં તો જવું જ પડે. અંદર ગયાં અને જોયું તો મોટું ટેસ્ટિગ બૂફે લાગેલું હતું. સ્વિટ બ્રેડ, અલગ અલગ પ્રકારની ટાપુની જાણીતી ટોફી, નટ્સની ચોકલેટ્સ, પેસ્ટ્રીઝની પ્લેટ્સ પરથી લોકો ચાખવા માટે ખોબો ભરીને ગપચાવી જતાં હતાં અને દુકાનમાં લટાર મારીને ફરી નવી ચીજો ચાખવા આવી જતાં હતાં. અમે પણ ઘણું ચાખ્યું અને જે પણ ભાવ્યું તે પેક કરાવ્યું. એમાં ને એમાં જર્મની પાછાં આવીને મિત્રોને આપવાની ગ્ૂાડીબેગ્સ પણ લેવાઈ ગઈ. ખાસ કરીને તેના કારણે ગ્રાન કનેરિયાની સ્થાનિક ચોકલેટો વિષે જાણવા મળી ગયું.
મોગાનમાં હજી ઘણો વધુ સમય વિતાવી શકાયો હોત. લા પાલ્માની જેમ અહીં પણ એ જ વિચાર આવ્યો કે નેક્સ્ટ ટાઇમ અહીં આવીએ તો મોગાનમાં રહી શકાય. મોગાનમાં હજી શું કરી શક્યાં હોત તેનું લિસ્ટ એટલું લાંબું હતું કે હજી આ જ ટ્રિપમાં અહીં પાછાં આવવાનો પ્લાન બની ગયેલો.