ન્યૂનતમ નાટકીયતા: લટકતી કાચની કેબિન
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
સ્થાપત્યની આ એક મજાની રમત છે. યુદ્ધ ગ્રસ્ત યુક્રેનની રાજધાની કીવના એક સ્થપતિ યાશુકા ડિઝાઇન દ્વારા નિર્ધારિત થયેલી આ રચના જેટલી રસપ્રદ લાગે છે તેના કરતાં વધારે નાટકીય છે. અહીં, જાણે કાચની એક વિશાળ પેટીને એક દીવાલના સહારે દરિયા કિનારે આવેલા ખડકની ધાર ઉપર હવામાં ગોઠવી આવાસ નિર્ધારિત કરી દેવાયું છે.
ચારે દિશામાં ૩૬૦ ડિગ્રીનું દ્રશ્ય મળે. ક્યાંય બંંધિયારપણું ન અનુભવાય. હવામાં તરતા હોવાનો અહેસાસ થાય. આજુબાજુની કુદરતી પરિસ્થિતિને માણવા માટે કોઈ બાધા ન હોય. દરિયાના પ્રત્યેક હલનચલનને તમે લગભગ પૂર્ણતાથી માણી શકો. પાણીના વિશાળ દરિયા સાથે ખડક દ્વારા ઊભો થતો વિરોધાભાસ બંનેની વિશેષ બાબતોને વધુ નિખારે. જાણે ઉપર આકાશ (છત) અને નીચે ધરતી (ફરસ) માત્ર હોય એવી અનુભૂતિ થાય. બધી તરફ ખુલ્લાપણાનો અહેસાસ થતો હોવાથી બારી ખોલવાની કોઈ સંભાવના કે જરૂરિયાત ન હોય. ઘરમાં બેઠા બેઠા પણ બહાર બેસવાની પ્રતીતિ થતી હોય – આવી આગવી તથા નાટકીય અનુભૂતિ માટે આ મકાનનો ઉલ્લેખ જરૂરી છે.
સ્થાપત્યમાં અગ્રતા ક્રમનું મહત્ત્વ સમજવા માટે આવા મકાનનો અભ્યાસ થવો જોઈએ. પોતાના આવાસ પાસેથી કઈ કઈ અપેક્ષાઓ છે અને કઈ કઈ અપેક્ષાઓ સાથે બાંધછોડ કરવામાં આવે છે, તે સમજવું બહુ જરૂરી છે. નિર્માણને અસર કરતા પરિબળો જ્યારે સંખ્યામાં વધુ હોય ત્યારે કયા પરિબળને મહત્ત્વ આપવું તે સમજી લેવું પડે. અહીં દ્રશ્યની સામે ગોપનીયતા સાથે થોડીઘણી બાંધછોડ તો કરવી પડે. અહીં વાતાવરણ કે આબોહવાના અનિચ્છનીય પરિબળો સામે રક્ષણ મેળવવા ઊર્જાની વધુ ખપત કરવા તૈયારી રાખવી પડે. આવાસની રચનામાં માનવીય સંવેદનાઓ માટે જે વિવિધતા જરૂરી છે તેનો ભોગ આપવો પડે. દરેક સ્થાને રહેલું લગભગ એકધારાપણું માન્ય રાખવું પડે. જીવનના વિવિધ રંગોને એક જ સ્થાને ઉગ્રતાથી માણવાની સંભાવનાની ક્ષીણતા ચલાવી લેવી પડે. બધી જ બાબતો એક સાથે ન મળી શકે એ વાતનો સ્વીકાર થાય તે પણ જરૂરી છે.
બધી જ વસ્તુ સામટી ન મળી શકે. એક બાબત તરફ ધ્યાન કેન્દ્રિત કરતા અન્ય બાબત તરફ ધ્યાન-ઉપેક્ષા થઈ જ જતી હોય છે. લગ્ન પ્રસંગે વર-ક્ધયાના પહેરવેશ જેવી આ રચના છે. અગવડતા તો પડે પણ તેની પણ એક મજા છે. જિંદગીમાં ચોક્કસ પ્રકારની ઉત્સવીતિયતા લાવવા માટે થોડીક તકલીફો તો ચલાવી લેવી પડે. શેની અદમ્ય ઈચ્છા છે અને તેની સામે કેવા પ્રકારનો ભોગ આપવાની તૈયારી છે, તે બહુ સ્પષ્ટ હોવું જોઈએ. એમ જણાય છે કે બંધિયાર વિચારધારાથી સંપૂર્ણપણે મુક્તિની ખવના હોય ત્યારે આવી રચના સંભવી શકે. જે મળી રહ્યું છે તેની સામે તકલીફો માન્ય છે.
કોઈકને આવી રચના દીવાદાંડીની યાદ અપાવી દે તો કોઈકને માછલી ઘર યાદ આવે. કોઈકને આમાં વ્યક્તિની પારદર્શિતા દેખાય તો
કોઈક એમ પણ માને કે વ્યક્તિ
દેખાડો કરવા પ્રયત્ન કરે છે. આ એક સાદી-ભૌમિતિક રચના છે જ્યાં માળખાગત નિર્ધારણ અને સંરચનાગત બાબતોમાં કંઈક જટિલતા વર્તાય છે. દ્રઢતાથી સાદગી અને સ્પષ્ટતા પામવા માટે જે તકનીકી બાબતોને ઉચ્ચ સ્થાને લઈ જવાની જરૂર પડે, તે અહીં દેખાય છે.
૨૭૦ ડિગ્રી હોલીડે હોમ તરીકે ઓળખાતી આ ૪૮ ચોમી ક્ષેત્રફળવાળી કેબિનમાં લિવિંગ રૂમ, રસોડું, બેડરૂમ તથા બાથરૂમ; એક સાથે એક જ સ્થાનની અંદર નિર્ધારિત કરાયા છે. અહીં સંરચનાકીય તથા માળખાગત બાબતોને વચ્ચેના એક થાંભલામાં સમાવી લેવાઇ છે. ગોપનીયતા માટે દરેક બારીની આગળ ચોક્કસ પ્રકારના પડદા ગોઠવાયા છે. આવા આવાસની અંદર ન્યૂનતમ રાચરચીલાની વ્યવસ્થા હોવી જોઈએ. અહીં આ રાચરચીલું ઓછી ઊંચાઇવાળું તથા હલકા રંગનું છે. આનાથી આવાસના આંતરિક ક્ષેત્રમાં કોઈ દ્રશ્ય ખલેલ ઊભી નથી થતી. આવા આવાસમાં કશું પણ વધારાનું કે બીનજરૂરી રાખી ન શકાય. મુક્તતાની અનુભૂતિ માટે ફરસ શક્ય હોય એટલી ખુલ્લી મળવી જોઈએ. દીવાલો પર તો કોઈ પણ વસ્તુ જડવાની સંભાવના જ નથી. છત માત્ર કૃત્રિમ પ્રકાશ વ્યવસ્થા માટે વપરાઈ છે.
આ પ્રકારની રચના ભારત માટે ઇચ્છનીય છે કે નહીં તે પ્રશ્ર્ન ન થવો જોઈએ. પોતાના આગવા વિચારને દ્રઢતાથી રજૂ કરવાનો વિશ્ર્વાસ જરૂરી છે. નવા તેમજ વિદ્રોહક વિચારના અનુસરણ માટે ચોક્કસ પ્રકારની તકનીકી સમજ પણ જરૂરી છે. માત્ર કલાત્મકતાનો ભાવ રાખી આવી રચના ન થઈ શકે. અહીં ઔદ્યોગિક સૌંદર્ય છે, માળખાકીય મજબૂતાઈ છે, ભાવનાત્મક સંબંધ સ્થપાય તેવો દેખાવ છે અને સાંજોગિક ઉપયોગિતાનો સમાવેશ પણ થયો છે. એમ નથી કે અહીં સ્થાપત્યની કોઈ ચોક્કસ બાબતને નજરઅંદાજ કરવામાં આવી છે. અહીં દરેક બાબતને સાંજોગિક પરિપ્રેક્ષ્યમાં મૂલવી તે પ્રમાણે આયોજન કરાયું છે. પ્રશ્ર્ન આ વિચારધારાનો છે – આ રચનાકીય પરિણામનો નહીં. દુનિયાના દરેક દેશમાં આવી વિચારધારા ઇચ્છનીય છે – અને તેથી ભારતમાં પણ. અહીં પણ લોકોને જિંદગી કરતાં વિશાળ પટલ પર પોતાનો આવાસ બનાવવાની સ્વતંત્રતા અને સંભાવના હોવી જોઈએ. સંજોગો જુદા હોઈ શકે, સામગ્રીમાં પણ ભિન્નતા સ્વાભાવિક છે; પણ સપનું જોવામાં મર્યાદા માન્ય નથી. જે સપના જોવામાં આવે તેને સંજોગો અને સાધન પ્રમાણે હકીકતમાં તબદિલ કરવાની ક્ષમતા સ્થાપત્યમાં હોવી જોઈએ.
ક્યારેક પરંપરાગત રૂઢિથી બહાર નીકળતાની સાથે નવી ક્ષિતિજો વિકસવા માંડે. ચોક્કસ પ્રકારના પ્રયોગોને કારણે સ્થાપત્યના ક્ષેત્રમાં સંભાવનાઓ વધતી જાય. જીવન પ્રત્યેનો ઉત્સાહ પણ કેટલાક સંજોગોમાં વધતો જોવા મળી શકે. આમ પણ આવાસ વ્યક્તિની ક્ષમતા અને સંભાવનાઓના પ્રતિબિંબ
સમાન છે. આ મકાન પ્રમાણેની વિચારધારા માટે પ્રબળ પ્રયત્નો થવા જોઈએ. ભારતમાં પણ ક્યાંક આવું થઈ રહ્યું હશે.