વીક એન્ડ

મિલને કો તુઝસે દિલ તો મેરા બેકરાર હૈતૂ આ કે મિલ ન મિલ, યહ તેરા અખ્તયાર હૈ

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

ઉર્દૂ શાયરીનો જન્મ દક્ષિણ (દખ્ખણ) ભારતમાં થયો. તેમ તેનો ઉછેર, પોષણ, ઉચિત-અનુકૂળ વાતાવરણ અને સાહિત્યિક માન્યતા- આ બધું તેને દખ્ખણના નગરોમાં મળ્યું. ઉર્દૂ ભાષાને તેના પ્રથમ શાયર ‘વલી’ ગુજરાતી પણ ઔરંગાબાદમાંથી મળ્યા. તો ઇબ્રાહીમ આદિલ, શાહ મુહમ્મદઅલી કુતુબશાહ, સુલતાન મુહમ્મદ કુતુબશાહ, સુલતાન અબ્દુલ્લા કુતુબશાહ, અને અબ્દુલહસન તાનાશાહ જેવા બીજાપુર અને ગોલકોન્ડા (હૈદરાબાદ)ના રાજા-મહારાજાઓએ ઉર્દૂ શાયરીના વિકાસમાં ફાળો આપ્યો. ઉર્દૂ શાયરી એક રીતે નસીબવંતી રહી કે ઉત્તર ભારતના લખનૌમાં કેટલાંક નવાબો તેમ તેઓની શાયિરા બેગમો ઉર્દૂ શાયરીની મોહબ્બતમાં તરબતર બન્યા હતા. લખનૌના નવાબ શાયરોમાં વઝીર અલીખાન, સઆદત અલીખાન, નાઝીઉદ્દીન હૈદર, નસીરુદ્દીન હૈદર, મુહમ્મદઅલી શાહ, અમજદઅલી શાહ અને વાજિદઅલી શાહનો સમાવેશ થાય છે. ઇ. સ. ૧૭૭૨થી લઇને ઇ. સ. ૧૮૫૬ સુધી આ નવાબોએ લખનૌ પર એકચક્રી શાસન તો કર્યું તેમ જ ઉર્દૂ શાયરીની સાથે સંગીત અને નૃત્ય જેવી કળાઓને પ્રોત્સાહન આપ્યું હતું.

લખનૌના નવાબી શાયરોમાં આસફ-ઉદ-હૌલા, ‘આસફ’નું નામ વિશેષ જાણીતું છે. તેમનો શાસનકાળ ઇ.સ. ૧૭૭૨થી ૧૭૯૭ સુધીનો ગણાય છે. લખનૌના નવાબ મોગલ સલ્તનત વતી અવધ પ્રાન્તના શાસક (ગવર્નર-સૂબેદાર) અને મોગલ બાદશાહના નાયબ તરીકે ઓળખાતા હતા. તે સમયે અવધની રાજધાની ફૈઝાબાદ હતી. અવધના શાસક નવાબ શુજા-ઉદ-દૌલાના પુત્ર નવાબ ‘આસફે’ માત્ર ૨૭ વર્ષની વયે શાસનની ધુરા સંભાળી હતી. તેમણે ફૈઝાબાદથી બદલીને લખનૌને અવધનું પાટનગર બનાવ્યું હતું.

‘આસફ’ કલાપારખુ, ગુણજ્ઞ અને મોટા દાનવીર હતા. તેમની કલાપ્રિયતા અને સહૃદયતાની ખુશ્બુ ચોતરફ ફેલાઇ ગઇ હતી. તેથી હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી કવિઓ, ગાયકો, સંગીતકારો લખનૌમાં એકઠા થવા માંડયા હતા. ‘આસફ’ને બેનમૂન ઇમારતો ઊભી કરવાનો એવો શોખ હતો કે તેઓ દરરોજ એક ઇમારતનો પાયો નાખતા હતા. તેમના જીવનકાળમાં હિન્દુસ્તાની સંગીતનો એટલો બધો વિકાસ થયો કે લખનૌ શહેર સંગીતકારો માટેનું અગત્યનું રંગસ્થળ બની ગયું હતું.

‘આસફ’ પોતે શાયર હોવાથી તેઓ શાયરોનો ખુલ્લા દિલથી આદર-સત્કાર કરતા અને સૌને માન-અકરામથી નવાજતા હતા. તેમના વખતમાં ‘સૌદા’,‘મીર તકી મીર’ અને ‘સોઝ’જેવા ઊંચા દરજજાના નામાંક્તિ શાયરો તેમના દરબાર સુધી ખેંચાઇને આવ્યા હતા. (‘આસફ’નો અર્થ થાય લાયક વજીર કે મંત્રી) ‘આસફ’ તેમની રચનાઓ ‘સોઝ’ પાસે મઠારાવતા હતા.‘આસફ’નો ૫૭૦ પાનાં ધરાવતો ઉર્દૂ કાવ્યગ્રંથ પ્રકાશિત થયો હતો. તેમાં તેમની ગઝલો, હઝલો, તઝમીન, હિજો, મસનવી (આખ્યાન પદ્યવાર્તાને મળતું સ્વરૂપ) પ્રકારનાં કાવ્યો ગ્રંથસ્થ કરાયેલ છે.

શાયર ‘આસફે’ લખેલી ‘હિજો’ શું ચીજ છે તે જાણવું રસપ્રદ થશે. કોઇ વ્યક્તિને ઉતારી પાડવા માટે તેની ટીકા નિન્દા કરવા માટે ખાસ લખાયેલી પદ્ય રચનાને ‘હિજો’ તરીકે ઓળખવામાં આવે છે. લખનૌના શાયરોની અંદરો-અંદરની ગળાકાપ સ્પર્ધા, ખિન્નતા, વેર, દુશ્મનીને લીધે ‘હિજો’ જેવા કાવ્ય-પ્રકારનો જન્મ થયેલો મનાય છે. તે અરસામાં જીવન-નિર્વાહ માટેની સુવિધા મેળવવી અઘરી થઇ પડતા નવરા પડેલા શાયરો એકબીજા પર આ રીતે કાદવ ફેેંકતા હતા. ‘ઇન્શા’ અને ‘મુસહફી’ જેવા શાયરોએ લખેલી ‘હિજો’ પ્રખ્યાત કુખ્યાત છે. કેવળ સ્વાર્થ ખાતર અને આત્મસન્માનને નેવે મૂકીને રચાતી આ પ્રકારની કૃતિનો વિકાસ ન જ થાય તે સ્વભાવિક છે. ‘મીર તકી મીરે’ પોતાના પર લખેલી અને ‘મુસહફી’ એ પોતાના ઘરના માંકડ પર લખેલી ‘હિજો’ હાસ્યરસથી
ભરપૂર છે.

‘આસફ’ના કુટુંબ-કબીલામાં તેમના પહેલાં કોઇ શાયરનો જન્મ થયો નહોતો. તેમના વંશ-વારસમાં પ્રથમ શાયર તરીકે જન્મવાનું માન તેમના ફાળે જાય છે. આ પછી તેમની પેઢીમાં જન્મેલા કેટલાક શાયરોએ યશાશક્તિ પ્રદાન કર્યું છે. લખનવી રંગ અને શૈલી ધરાવતા કેટલાક નવાબી શે’રનું હવે રસપાન કરીએ.

ઇસ અદા સે મુઝે સલામ કિયા
એક હી આન મેં ગુલામ કિયા
તેમણે (સજનીએ) મને એવા હાવભાવથી નમસ્કાર કર્યા કે (કેવળ) એક જ ક્ષણમાં હું તેમનો ગુલામ બની બેઠો.
દર્દે દિલ હૈ તો યાર કે બાઇસ,
ગમ હૈ તો ઇસ નિગાહ કે બાઇસ.

હૃદયમાં વેદનાનું કારણ મિત્ર છે અને દર્દ છે તો તેનું કારણ પેલી સુંદરી હસીના છે. (બન્નેથી કયાં છૂટી શકાય છે!)
ચશ્મે આશિક મેં યારો ખ્વાબ કહાં?
દિલે આશિક મેં અબ્રોતાબ કહાં ?
હવે પ્રેમીની આંખમાં સ્વપ્નાઓ કયાં છે? તેમ પ્રેમીના હૃદયમાં (પહેલાના જમાનામાં હતી તેવી) ધીરજ અને સહનશક્તિ કયાં છે?
બડા ચરચા બઢેગા ઇસ કા ‘આસફ’
હર ઇક બેદર્દ કો તૂ મત-સુના દર્દ.

તું લાગણી વિનાના અને નિર્દયને તારી વ્યથા શા માટે સંભળાવે છે.?

તું જો આવું વર્તન કર્યા કરીશ તો તારા વિશેની ચર્ચા (અફવા)માં સતત વધારો થતો જશે. (માટે તું વ્હેલાસર ચેતી જા).
મિલને કા તુઝ સે દિલ તો મેરા બેકરાર હૈ,

તૂ આ કે મિલ ન મિલ, યહ તેરા અખ્તયાર હૈ.

તને (સજનીને) મળવા માટે મારું હૃદય વ્યાકુળ તો છે જ, પરંતુ તું મને મળવા આવ કે ન આવ. તો એ તારા અધિકારની વાત છે. (આ માટે હું તને ફરજ પાડતો નથી.)
કાસિદ! તૂ લિયે જાતા હૈ પૈગામ હમારા,
પર, ડરતે હુવે લીજિયો વાં નામ હમારા.

ઓ પત્રવાહક! તું મારો સંદેશો લઇને (મારી પ્રિયાને ત્યાં) જાય છે તો ખરો. પણ ત્યાં તું સ્હેજ ડર (અને સંકોચ) સાથે મારું નામ આપજે. (કદાચ તેનાથી તારો બચાવ થઇ જશે.) તે અરસામાં પ્રેમ-સંદેશાની આપ-લે માટે કાસિદની ભૂમિકા મહત્ત્વની ગણાતી તેનો સંકેત અત્રે મળે છે. વળી કયારેક તો આ કાસિદ જ વચ્ચે પડી આશિક અને પ્રતિસ્પર્ધી બની જતો.
યહ સારી શોખિયાં હૈ, સુન લો યારો સામને હોકર,
કરે ગર બાત કોઇ ઇસ સિતમગર સે તો હમ જાને.

તેમનું નટખટપણું તેમની સામે જઇને સાંભળી (જોઇ) લ્યો. એ સિતમગર (અત્યાચારી)ની પ્રત્યક્ષ જઇ કોઇ વાત કરે તો અમને કંઇક ખબર પડે.
ફરહાદ થા યા મજનૂં ફિર અચ્છા ઝમાના થા,
અબ લુત્ફ નહીં ‘આસફ’કુછ ઉલ્ફતે-ખૂબાં મેં.

ફરહાદે તેની પ્રિયતમા શીરીંને મેળવવા રાજાની આજ્ઞા પ્રમાણે આખો પહાડ ખોદી નાખ્યો ને મોતને ભેટયો. તો મજનૂંએ લૈલાની શોધમાં ભટકીને તેનો પ્રાણ ન્યોછાવર કરી નાખ્યો. આમ, આ મહાન પ્રેમીઓનો સંદર્ભ ટાંકી શાયર લખે છે કે ફરહાદ-મજનૂં જે સમયમાં થઇ ગયા તે સમય શ્રેષ્ઠ હતો. હવે તો હસીનાઓ-સુંદરીઓના પ્રેમમાં પડવાથી જરા આનંદ પણ મળતો નથી.
કિસ્સયે ફરહાદો-મજનૂં રાત દિન પઢતે થે હમ,
સો તો વહ માઝી પડા, અબ અપના અફસાના હુઆ.

રાત-દિન યહ સોચ રહતા હૈ મેરે દિલ કે તઇ,
એ ખુદા! યાંસે વહ જાકર કિસ કા હમખાના હુઆ?

ફરહાદ-મજનૂંના કિસ્સાઓ તો અમે રાત-દિવસ વાંચતા હતા, પણ આ બધી તો જૂની વાત થઇ ગઇ. હવે આવું બધું તો અમારી કહાણીમાં વાંચવા મળે છે. હવે રાત દિવસ મારું પોતાનું હૃદય એમ જ વિચારે છે કે એ ખુદા! અમે અહીંથી પરવારી ત્યાં સુધી તો ગયા. પણ ત્યાં જઇને અમે કોના મહેમાન થયા તેની અમને ખબર પડતી નથી. ઉપરોક્ત બંને શેર તેના નિરાળા આલેખનની સાથે કાવ્યતત્ત્વને લીધે જુદા તરી આવે છે.

કોઇ બાત તો હમારી ભી માન, અબ ખુદા સે ડર,
કબ તક દિયા કરેગા હમેં, તૂ જવાબ તલ્ખ.

ફિરતા હૂં કોહો-દશત મેં, રોતા હૂં ઝાર ઝાર,
તુઝ બિન હુવા હૈ ઘર મુઝે ખાના ખરાબ તલ્ખ.

પ્રિયતમાને સંબોધીને શાયર કહે છે કે હવે તો તું મારી વાત માન અને ખુદાની બીક રાખ. તું મને આ રીતે કયાં સુધી કડવા જવાબો આપતી રહીશ? હું પર્વત અને જંગલમાં આમતેમ ભટકી રહ્યો છું અને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડતો રહ્યો છું. તારા વગર મારું ઘર પણ હવે રહેવા લાયક રહ્યું નથી.

કલ તલક હોતી થી કુછ નબ્ઝ મેં ગરમી મહસૂસ,
આજ તો નબ્ઝ હી હોતી નહીં અપની મહસૂસ.

ગઇ કાલ સુધી તો નાડમાં કંઇક ગરમી જણાતી હતી. આજે તો નાડી છે કે નહીં તેનો અનુભવ જ થતો નથી. યુવાની અને ઘડપણ -બે વચ્ચેનો તફાવત શાયરે સરસ રીતે અહીં વ્યક્ત કર્યો છે.
સભૂ સે બોલતા હૈ, પર મુઝી સે
નહીં કુછ બોલતા, કયા જાને કયા હૈ?

તું (સનમ) બધા સાથે વાતચીત કર્યા કરે છે પણ મારી સાથે તો તું કશું બોલતી નથી. (કોણ જાણે તારા આ પ્રકારના વર્તનમાં કયું રહસ્ય છુપાઇને પડયું છે.)
‘દેખતે હૈ’ રદીફ (અનુપ્રાસ) પર લખાયેલી તેમની એક ગઝલનું હવે રસદર્શન કરીશું.

જહાં તગ ઉસ કી અલમ દેખતે હૈં,
વહાં અપના સર હમ કલમ દેખતે હૈં,
હું જયાં તેમની પીડાની તલવાર જોઉં છું ત્યાં મને મારું માથું જાણે કપાઇ ગયું હોય તેવો ભાસ થાય છે.

જો જલવા સનમ તુઝમેં હમ દેખતે હૈ,
ખુદા કી ખુદાઇ મેં કમ દેખતે હૈ.

ઓ પ્રિયતમા! તારામાં જે તેજની આભા મને દેખાય છે તે ખુદાએ બનાવેલી દુનિયામાં મને ઓછી માત્રામાં વરતાય છે.

ગુઝરતે હૈં સૌ સૌ ખયાલ અપને દિલ મેં,
કિસીકા જો નકશે. કદમ દેખતે હૈ
અમને જો કોઇના પગલાંના નિશાન જોવા મળે છે ત્યારે (સારા-નરસા) સેંકડો વિચારો હૃદયમાંથી પસાર થઇ જાય છે.
બુતોં કી ગલી મેં શબો-રોઝ ‘આસફ’
તમાશા ખુદાઇ કા હમ દેખતે હૈં.

ઓ ‘આસફ’! સનમ-સજનીની ગલીમાં તો અમને રાત-દિવસ (તારી) દુનિયાનો તમાશો (સતત) જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button