વીક એન્ડ

આકાશમાં તેર મિનિટની મોત સાથે મુલાકાત

કવર સ્ટોરી -મનીષા પી. શાહ

૨૪ હજાર ફૂટ એટલે કે ૭૩૦૦ મીટરની ઊંચાઈએ ઊડતાં બોઇંગ વિમાનમાં ૯૦ પ્રવાસી ને પાંચ જણનો ફલાઈટ સ્ટાફ હતો. ‘ક્વીન લીલુકાલાની’ નામનું અલોહા-એરલાઈન્સના આ વિમાને હિલો ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યું હતું અને એની મંઝિલ હતી. ન્યુ ડેનિયલ કે. ઈનોયે ઈન્ટરનેશનલ એરપોર્ટ (ત્યારનું નામ હોનોલુલુ ઈન્ટરનેશનલ-ઈન્ટરનેશનલ એરપોર્ટ.)

આ બોઇંગ ૭૩૭-૨૦૦ના કેપ્ટન હતા ૪૪ વર્ષના રોબર્ટ સ્કોર્નસ્થેમર. એમનો અનુભવ કુલ ૮૫૦૦ કલાકના ઉડ્ડયનનો, જેમાંથી ૬૭૦૦ કલાક તો માત્ર બોઇંગ ૭૩૭ જ ઉડાડ્યું હતું. એમની સાથેની ફર્સ્ટ ઓફિસર મેડેલીન ‘મિમિ’ ટૉમ્પકીન ભલે ૩૬ વર્ષની હતી, પણ એના ભાથામાંય બોઇંગના ૩૫૦૦ સહિત કુલ ૮૦૦૦ કલાકનો ઉડ્ડયનનો અનુભવ હતો. આવું જાણીતું વિમાન અને પાછું અનુભવી ચાલકોના હાથમાં હતું. એટલે પ્રવાસીઓને કોઈ ચિંતા નહોતી. સૌએ સિટ-બેલ્ટ બાંધેલા રાખીને મનગમતી પ્રકૃત્તિમાં મસ્ત હતા. કોઈક ગપસપ કરતું હતું, કોઈ મ્યુઝિક સાંભળતું હતું, કોઈ પ્રિયજનોને યાદ કરતું હતું, કોઈ લેન્ડિંગ બાદના પ્લાન વિચારતું હતું તો કોઈક ભવિષ્યની યોજનાની વિગતોની ગણતરીમાં હતા.

કોઈ પ્રકારની અડચણ કે વિલંબ વગર આ વિમાન હોનોલુલુથી બપોરે ૧.૨૫ કલાકે ઉપડ્યું હતું. આગલા દિવસે જ આ વિમાને હોનોલુલુથી હિલો, મોઈ અને કાઉની ત્રણ રાઉન્ડ ટ્રીપ પૂરી કરી હતી. હવામાન ખાતાની આગાહી પણ એકદમ સામાન્ય હતી. ટૂંકમાં કોઈ દેખીતી મુશ્કેલી, અડચણ, વિઘ્ન નહોતા કે જેની ચિંતા કરવી પડે.

પરંતુ ૧૯૮૮ની ૨૮મી એપ્રિલ અને ગુરુવારે એવું થયું કે અચાનક સૌ સુખ-શાંતિના આગોશમાંથી મોતના જડબા સુધી પહોંચી ગયા. બપોરે ૧.૪૮ કલાકે વિમાન સાથે ન થવાનું ન થયું. અગાઉ કોઈ આટલી ઊંચાઈ પર ઉડતી ફલાઈટ સાથે થયું નહોતું ને ભવિષ્યમાંય થવાનું નહોતું એવું કંઈક બની ગયું.

ઘડિયાળનો કાંટો બરાબર ૧.૪૮ કલાકે પહોંચ્યો, ત્યાં જોરદાર અવાજે સાથે વિમાનની છતનો ટુકડો હવામાં ઊડી ગયો. પેસેન્જર્સને તો થયું કે હવે મર્યા જ સમજો. કોઈને અનુભવ્યું કે વિમાન ડાબે-જમણે હાલકડોલક થાય છે અને પોતે ક્ધટ્રોલ ગુમાવી દીધો. કોકપીટનો દરવાજો તૂટી ગયો હતો. કેપ્ટન પોતાની કેબિનમાંથી ઉપર દેખાતા. વાદળી વાદળો જોઈ શકતા હતા. એ જગ્યા બહાર ફર્સ્ટ કલાસ ઉપરની છત હતી. આરામદાયક મુસાફરી માટે તોતિંગ રકમ ચુકવનારા બદનસીબોને માથેથી જ છત ઊડી ગઈ હતી. કહી શકાય કે લગભગ અડધા વિમાનની છત ન જાણે કયાંની કયાં ફંગોળાઈ ગઈ હતી.

બધા પેસેન્જર્સ સિટ-બેલ્ટમાં હતા એટલે જીવતા રહ્યા. અલબત્ત, ૬૫ જણાને ઈજા થઈ, જેમાંથી આઠની હાલત ગંભીર હતી. વિમાનમાં સવાર કુલ ૪૫ માણસોમાં એકનું જ આયખું ખૂટી ગયું. ૫૮ વર્ષની ફલાઈટ એટેનડન્ટ ચારાબેલે લાન્સિંગ પાંચમી હરોળની બેઠક પાસે ઊભાં હતાં. તેઓ બહાર ફેંકાઈ ગયાં અને તેમનો મૃતદેહ પણ ક્યારેય હાથ ન લાગ્યો.

અકસ્માતના સમયે વિમાન ઉડાડતા ફર્સ્ટ ઓફિસર ટોમ્પકીનસ સમજી ગયાં કે જોખમ ભયંકર છે અને સમય લગભગ નહીં બરાબર છે. કેપ્ટન સ્કોર્નસ્થેમરે ઈમર્જન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો. કર્મચારીઓએ વિમાનમાં કટોકટી જાહેર કરી. વિમાનને તાકીદના ઉતરાણ માટે કુહુલુઈ એરપોર્ટ ભણી લઈ જવાયું. આ દરમિયાન ડાબુ એન્જિન કામ કરતું બંધ થઈ ગયું. ઉતરાણ વખતે કેપ્ટન કે એમના સહાયકને જાણ નહોતી કે વિમાનનો આગલો ભાગ-નાક બરાબર નીચો થયો છે કે નહીં.

અકલ્પ્ય અકસ્માતની તેર મિનિટ બાદ કુલ્હુલુઈ એરપોર્ટના રનવે નંબર બે પર વિમાનનું સલામત ઉતરાણ થયું. તરત વિમાનની ઈમર્જન્સી ઈવેક્યુશન સ્લાઈડસ કામે લગાડાઈ અને પ્રવાસીઓને તાત્કાલિક બહાર કઢાયા.કમનસીબે, એ સમયે એરપોર્ટ પર આવા ઈમર્જન્સી લેન્ડિંગને પહોંચી વળવાની કોઈ સગવડ નહોતી. એમ્બ્યુલન્સની ગેરહાજરીમાં સ્થાનિક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની બસમાં પ્રવાસીઓને હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

ભયંકર હોબાળો મચી ગયા બાદ પોસ્ટમોર્ટમ શરૂ થયું. ઉડતા વિમાનની ૧૮ ફૂટ છત ઊડી કેવી રીતે ગઈ? કારણ બહાર આવ્યા: બેદરકારી, લાલચ અને માનવીય ભૂલ. આ ૧૯ વર્ષ જૂના, વિમાનનો અકસ્માત હવાઈ ઉડ્ડયનની સલામતી અને અન્ય પ્રક્રિયામાં પરિવર્તનનો વાહક બન્યો, આ અકસ્માત અગાઉ વિમાને ૩૫,૪૯૬ કલાકનું ઉડાણ કર્યું હતું. આમાં તેણે નેવું હજાર ફલાઈટ સાઈકલ (આવવું-જવું) મારી હતી, જે એની ડિઝાઈનની ક્ષમતાની બમણાથીય વધુ હતી! આને લીધે ‘મેટલ ફટીગ ને મેઈનટેનન્સ એરર’ જેવા ટેકનિકલ કારણો બહાર આવ્યા, જે એક્સપ્લોઝીવ ડિકમ્પ્રેશનમાં પરિણમ્યા હતા અને બધા લગભગ યમભવનના ડેલે હાથ દઈને પાછા ફર્યા હતા.

કલ્પના કરો કે ૧૯૮૮ની ૨૮મી એપ્રિલે વિમાનના પ્રવાસી-કર્મચારીઓએ પર એ તેર મિનિટમાં શું-શું વીત્યું હશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button