વીક એન્ડ

મીડિયા – છાપાં ને છબરડાંયે તો આગુ સે ચલી આતી હૈ!

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

ગત સપ્તાહે પૂનમ પાંડે ગુજરી ગઈ અને બીજે દિવસે પાછી જીવતી થઇ ગઈ એમાં ગામ ગાંડું થયું. પોતે કરેલા વાહિયાત ગતકડાં બદલ ને ‘જીવિત હોવા બદલ’ ગાળો ખાવાનો રેકોર્ડ પૂનમના નામે નોંધાઈ ગયો. સાથે જ બિચારા મીડિયાવાળા અમથા વધેરાઈ ગયા. લોકો મીડિયાની વિશ્ર્વસનીયતાને લઈને પ્રશ્ર્નો ઉઠાવવા લાગ્યા, કેમ કે જરૂરી ખરાઈ કર્યા વિના બધાએ જ પૂનમના ફોટાને હાર’ ચડાવી દેવા જેવું કામ કરેલું. આ આખા ઘટનાક્રમમાં સામાન્ય જનતાને પહેલી નજરે મીડિયાનો વાંક દેખાય એ સ્વાભાવિક છે, પણ શું ખરેખર વાંક એકલા મીડિયાનો જ છે? સ્થિર મગજે વિચારશો તો સમજાશે કે ખરો વાંક પૂનમ પાંડેની પીઆર એજન્સીનો ગણાય.

રોજ-બરોજ હજારો ઘટનાઓ બનતી હોય ત્યારે મીડિયા દરેક સ્થળે જાતતપાસ માટે ન જ પહોંચી શકે. એવા સમયે પીઆર એજન્સીઝ જેવા સેક્ધડરી ન્યૂઝ સોર્સ પર આધાર રાખ્યા વિના છૂટકો જ નથી. ખરું પૂછો તો પીઆર એજન્સીઝનું કામ જ એ છે કે જે-તે સેલિબ્રિટીઝ કે કંપની વિશેના સમાચાર મીડિયાને પહોંચતા કરવા.. એટલે પૂનમ પાંડેના કેસમાં સોશિયલ
મીડિયા પ્લેટફોર્મ્સ પર લોકોએ મીડિયાની જે ખિલ્લી ઉડાવી એ સંપૂર્ણપણે વાજબી નથી.

અહીં મીડિયાની ચૂક પર ઢાંકપિછોડો કરવાનો હેતુ હરગિઝ નથી, બલકે આ લેખ મીડિયાએ મારેલા કેટલાક ‘લોચા’ વિષે જ છે. સૌથી પહેલા આપણા ફર્સ્ટ સુપર સ્ટાર રાજેશ ખન્નાથી શરૂઆત કરીએ. રાજેશ ખન્નાનું જીવન ભારે ઉતાર-ચઢાવવાળું રહ્યું.

ફિલ્મી કારકિર્દીની સાથે જ એમણે કોંગ્રેસ પક્ષ તરફથી રાજકારણમાં પણ ઝંપલાવેલું. ‘કાકા’ના હુલામણા નામે જાણીતા ખન્નાના મૃત્યુ વિષે બે-ત્રણ વખત અફવા પણ ઊડી ચૂકેલી. એક વાર તો અફવા એટલી સ્ટ્રોંગ હતી કે ક્યાંક એના ન્યૂઝ પણ છપાઈ ગયા અને સુરત કોંગ્રેસ એકમે તો બેસણાની જાહેરાત પણ કરી નાખેલી!

બીજી તરફ, પૂનમ પાંડેના મોતની ખબર જે રીતે જાણીજોઈને ફેલાવવામાં આવેલી એવું જ કંઈક ફિલ્મ ‘ક્રિમિનલ’ (નાગાર્જુન,- મનીષા કોઈરાલા) રીલિઝ થઇ, એ સમયે થયું. ફિલ્મનું હિન્દી વર્ઝન ૧૯૯૪માં રિલીઝ થયું એ સમયે ડિરેક્ટર મહેશ ભટ્ટે ફિલ્મની હીરોઈન મનીષા કોઈરાલાની હત્યા થઇ હોવાની અફવા વહેતી કરેલી. આ એ સમયગાળો હતો જ્યારે બોલીવૂડ અને અન્ડર વર્લ્ડના કનેક્શન્સ-સંબંધ પર છાને ખૂણે થતી ચર્ચાઓ જાહેરમાં થવા લાગી હતી એટલે મનીષાના મર્ડરની વાત તરત લોકોના ગળે ઊતરી ગઈ. પાછળથી ખબર પડી કે આ તો મહેશ ભટ્ટ દ્વારા ફિલ્મના પ્રચાર માટે કરવામાં આવેલું ગીમિક હતું…!

ઘણી વખત તો મીડિયાકર્મીઓ એવા લોચા મારી દેતા હોય છે કે આખું કરુણ-રમૂજી વાતાવરણ સર્જાઈ જાય. એક ગુજરાતી ન્યૂઝ પોર્ટલ પર હેલ્થ વિષયક સ્ટોરીઝ/આર્ટિકલ્સ લખતા વ્યક્તિએ પોતાના એક આર્ટિકલમાં લખ્યું કે ‘સ્ત્રીની આંગળી ખાવાથી પિત્ત થઇ શકે છે.’ બિચારો એડિટર તો આ હિંસક વાક્ય વાંચીને છક્કડ ખાઈ ગયો. પછી ખ્યાલ આવ્યો, કે પેલા ભાઈએ આખેઆખો આર્ટિકલ કોઈક અંગ્રેજી પોર્ટલ પરથી ઉઠાવી લીધેલો. ભીંડાને અંગ્રેજીમાં ‘લેડીઝ ફિંગર’ તરીકે કહે છે એટલે મૂળ અંગ્રેજી આર્ટિકલમાં જ્યાં ભીંડાનો ઉલ્લેખ હતો ત્યાં ‘ગૂગલ ટ્રાન્સલેટ’નાં ભરોસે બેઠેલા પેલા ભાઈએ સીધું ભાષાંતર ચીપકાવ્યું… નકલમાં અક્કલ નહીં તે આનું નામ!

હવે તમે જો એમ માનતા હો કે આપણા દેશી મીડિયાવાળા જ આવા છબરડા વાળે છે તો ખત્તા ખાવ છો. આ લેખની હાઈલાઈટ જેવા બે ઐતિહાસિક છબરડા વિદેશી મીડિયા અને છાપખાનાવાળાએ વાળેલા છે એના વિશે પણ અહીં જાણી લો…

આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ ૧૯૪૯માં ઇંગ્લેન્ડના આધિકારિક પ્રવાસે ગયા. પ્રસંગ હતો કોમનવેલ્થ દેશોના વડા પ્રધાનોની કોન્ફરન્સનો એટલે સ્વાભાવિક રીતે જ ભારતના વડા પ્રધાનને કેવું અને કેટલું મીડિયા કવરેજ મળે છે એ બહુ મહત્ત્વનું ગણાય. યાદ રહે, એ જમાનામાં ન્યૂઝનો સૌથી મહત્ત્વનો સોર્સ પ્રિન્ટ મીડિયા એટલે કે ન્યૂઝ પેપર્સ -છાપાં ગણાતા એટલે કોઈ પણ નેતાને છાપાઓ કઈ રીતે કવર કરે છે એના આધારે પ્રજામાનસમાં નેતાનું-દેશનું ઈમેજ બિલ્ડિંગ થતું. એ વખતે જાણીતા પત્રકાર-લેખક ખુશવંતસિંહ પણ ઇન્ડિયન ફોરેઇન સર્વિસમાં સેવા બજાવતા હતા. લંડન ખાતેના ભારતીય હાઈકમિશનમાં પીઆરઓ ઓફિસર હોવાને કારણે ભારતીય પ્રધાનમંત્રીને બ્રિટિશ મીડિયા કેવુંક કવરેજ આપે છે એનું ધ્યાન રાખવાની જવાબદારી ખુશવંતસિંહની હતી.

એ વખતે થયેલા ભયંકર છબરડા વિષે પોતાના પુસ્તક”Truth,Love and a Little Malice’’માં સરદાર ખુશવંતસિંહે વિગતે લખ્યું છે.

ખુશવંત લખે છે કે એમણે અને એમના સાથીદાર જમાલ કિડવાઈએ ભારતીય સમાચારો કવર કરતું એક ખાસ વિકલી ટેબ્લોઈડ ‘ઇન્ડિયા ન્યૂઝ’ લંડનથી પ્રગટ કરવાનું નક્કી કર્યું. એના પ્રથમ અંકમાં જ ટેબ્લોઈડનું આખું પહેલુ પાનું પ્રધાનમંત્રી નહેરુની બ્રિટન વિઝીટ કવર કરવા માટે ફાળવાયું. આ પાનાને હેડિંગ અપાયું, “”Pandit Nehru in London”.હવે થયું એવું કે ટેબ્લોઈડ જ્યાં છાપવા મોકલ્યું ત્યાંના ટાઈપસેટર માટે “Pandit’ શબ્દ સાવ અજાણ્યો હતો.

વળી વૈશ્ર્વિક રાજકારણમાં એને બહુ રસ નહીં હોય. એટલે એણે માની લીધું કે “Pandit’માં લખનારની ભૂલ છે એટલે સાચો શબ્દ “”Bandit” હોવો જોઈએ! એણે કોઈની સલાહ લીધા વિના તરત ‘સુધારો’ કરી દીધો. આ બાજુ હોંશે હોંશે ‘ઇન્ડિયા ન્યૂઝ’ લોન્ચ કરવાની તૈયારી કરી રહેલા ખુશવંતસિંહ પ્રથમ પ્રૂફ જોઈને છળી મર્યા! ભારતીય હાઈકમિશનનું પ્રકાશન જ ભારતીય પ્રધાનમંત્રીનો ઉલ્લેખ બેન્ડીટ એટલે કે ‘ડાકુ’ તરીકે કરે?! એમણે તાબડતોબ પ્રેસના મેનેજરને ફોન જોડીને ખખડાવ્યો.. મેનેજરે બિચારાએ પોતાના ટાઈપ સેટર વતી તરત ક્ષમા માગી, અને પ્રૂફ સુધારીને મોકલી આપ્યું. ખુશવંતને સુધારેલું પ્રૂફ જોઈને સંતોષ થયો અને અંક પ્રિન્ટમાં ગયો.

હવે વિધિની વક્રતા જુઓ! જ્યારે ‘ઇન્ડિયા ન્યૂઝ’નો પ્રથમ ઈશ્યુ છપાવા ગયો, ત્યારે પેલા ટાઈપ સેટરની ડ્યુટી બદલાઈ ગયેલી. એના બદલે આવેલા બીજા ટાઈપ સેટરને લાગ્યું કે અંગ્રેજી ભાષામાં”Pandit’ જેવો તો કોઈ શબ્દ છે જ નથી માટે નક્કી લખનાર “Bandit’લખવા માગતો હશે, પણ ભૂલમાં “B’ને બદલે”P’ લખાઈ ગયો છે. પત્યું… ! એ દોઢ ડાહ્યાએ ફાઈનલ પ્રિન્ટમાં ‘સુધારો’ કર્યો અને ખુશવંતસિંહે ટેબ્લોઈડની પ્રથમ જ એડિશનને સ્ક્રેપ કરવી પડી-પ્રગટ કર્યા વગર રદ્દીમાં નાખવી પડે…આખરે ભારતીય એલચી કચેરીથી ખાસ માણસને પ્રેસ પર દોડાવીને એની હાજરીમાં ફાઈનલ પ્રિન્ટિંગ કરાવવામાં આવ્યું, ત્યારે બધું સીધું ઊતર્યું…

જરા વિચારો, ખુશવંતસિંહનું ધ્યાન ન ગયું હોત અને ભારતીય હાઈ કમિશન તરફથી બ્રિટન ખાતે પબ્લિશ થયેલા ટેબ્લોઈડનું હેડિંગBandit Nehru in London છપાઈ ગયું હોત તો?!
રાજકારણીઓ અને મીડિયાના કિસ્સા હંમેશાં રસપ્રદ રહ્યા છે. ઇસ ૧૯૪૮ના અમેરિકન પ્રેસિડેન્શિયલ ઇલેક્શનના અંતે એક ઐતિહાસિક છબરડો વળી ગયો. થયું એવું કે એ સમયે ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખપદના ઉમેદવાર તરીકે હેરી ટ્રુમેને ઉમેદવારી નોંધાવી. ઇસ ૧૯૪૮માં અમેરિકાના લોકપ્રિય પ્રેસિડન્ટ ફ્રેન્કલિન રુઝવેલ્ટની પ્રમુખપદ તરીકેની બીજી ટર્મ પૂરી થઇ રહી હતી. એ સમયે હેરી ટ્રુમેન રૂઝવેલ્ટના ઉપપ્રમુખ તરીકે હતા, પરંતુ પ્રજા રુઝવેલ્ટનાં અનુગામી તરીકે ટ્રુમેનને પ્રમુખ તરીકે સ્વીકારે એવા કોઈ આસાર નહોતા એવું એ વખતે મીડિયાને તો એવું જ લાગતું હતું. મીડિયાએ માની લીધેલું કે ટ્રુમેન ચૂંટણી હારશે અને હરીફ રિપબ્લિક પાર્ટીનો ઉમેદવાર થોમસ ડેવી રમતા રમતા જીતી જશે. આવી માન્યતા પાછળ ચોક્કસ કારણ હતાં . ઇસ ૧૯૪૬ સુધીમાં અમેરિકન કોંગ્રેસમાં (દ્વિગૃહી વિધાનસભા – આપણી રાજ્યસભા જેવું) રિપબ્લિક્ધસની બહુમતી થઇ ગયેલી. વળી રશિયા અંગેના ટ્રુમેનના કઠોર વલણને કારણે ડેમોક્રેટિક પાર્ટીમાં પણ વિરોધનો સૂર વહેતો થયેલો. આવા વાતાવરણમાં એક જુદા જ ઘટનાક્રમે આકાર લીધો. ચૂંટણીનું રિઝલ્ટ આવે એના તરત બાદ પ્રિન્ટર્સ હડતાલ પાડવાના હતા. જો ન્યૂઝપેપર છાપવાનું બાકી હોય અને પ્રિન્ટર્સની હડતાલ શરૂ થઇ જાય તો તો છાપું પ્રગટ ન થઈ શકે… આવી પરિસ્થિતિમાં પોતાના
કાચા-પાકા આકલનો અને માન્યતાઓને લઈને અમેરિકાના લબ્ધપ્રતિષ્ઠિત અખબાર ‘શિકાગો ટ્રિબ્યુન’ના પત્રકારોએ ધારી જ લીધેલું કે ટ્રુમેન બૂરી રીતે હારશે! પ્રિન્ટર્સની હડતાલને કારણ છાપું અટકે નહીં એ માટે ચૂંટણીનાં પરિણામો આવે એ પહેલા જ શિકાગો ટ્રિબ્યુને મથાળું છાપી માર્યું, “Dewey Defeats Truman…ડેવીએ ટ્રુમેનને હરાવ્યા !’

હવે થયું એવું કે મીડિયાને ધરાર ખોટું પાડીને ટ્રુમેન જીતી ગયા એમાં બીજી તરફ ‘શિકાગો ટ્રિબ્યુન’ની ખોટા મથાળાવાળી હજારો કોપી લોકો સુધી પહોંચી ગઈ અને સાચી વાત બહાર આવતા છાપાની ભારે નાલેશી થઇ. બે દિવસ પછી નવા ચૂંટાયેલા પ્રમુખ હેરી ટ્રુમેન ટ્રેનમાં મુસાફરી કરતા હતા ત્યારે એમને જોવા માટે સ્ટેશન ઉપર ભેગી થયેલી ભીડ સામે એમણે -ઘા ઉપર મીઠું ભભરાવતા હોય એ રીતે – ‘શિકાગો ટ્રિબ્યુન’ની પેલી લોચાવાળી કોપી ભીડ સામે ધરીને મુક્ત હાસ્ય વેર્યું!

ટૂંકમાં જેમ ડોક્ટર્સ, વકીલ કે મોટા સરકારી અધિકારીઓથી ભૂલ થાય એમ મીડિયાવાળા ય ઘણી વાર છબરડા વાળી દે ત્યારે આપણે મન મોટું રાખવું.. બીજું શું !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button