મસ્તરામની મસ્તી: પૂલનું પાણીદાર માર્કેટિંગ…
- મિલન ત્રિવેદી
એય ને… મારો ધુબાકા! સ્વિમિંગ પૂલ શબ્દ કાને પડતા જ આ વાક્ય સાંભળવા મળે , પણ અમુક સ્વિમિંગ પૂલ પણ બાળોતિયાના બળેલા હોય. ગમે તેટલું આકર્ષણ ગોઠવો ભોજીયો ભા પણ ભીનો થાવા ન આવે. સ્વિમિંગ પૂલની હિસ્ટ્રી મજા આવે એવી છે. પહેલાના જમાનામાં તો માલેતુજાર લોકો જાહેરમાં નાહવા માટે ખાનગી વ્યવસ્થા કરતા એટલે પાણીનો હોજ ભરી ઘરમાં જ ધુબાકા મારતા અને જેટલી પત્નીઓ હોય તે બધી વારાફરતી નહાવાનો શોખ પૂરો કરતી. ભૂલે ચૂકે પણ બે ભેગી ન થવી જોઈએ બાકી મોજમાં હાથ પછાડી પછાડી અને અડધો હોજ રોજ ખાલી કરી નાખે. હવે તો વ્યવસાયિક સ્વિમિંગ પૂલ પણ એટલા થઈ ગયા છે.
બબ્બે માથોડા કર્જામાં ડૂબેલા પણ તરવા માટે જાય છે. હવે લોકો ફ્લેટ લેવા માટે કે બંગ્લોઝ લેવા માટે પહેલા એ જોવે છે કે એમીનિટીઝ શું છે અને એમાં સ્વિમિંગ પૂલ છે કે નહીં? ભલે કાંઠે ડોલ અને ડબલા લઈ અને નાહવું પડે, પરંતુ સ્વિમિંગ પૂલની વ્યવસ્થા તો જોઈએ જ. હમણાં એક પાગલખાનામાં પાગલો માટે સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો. હું તે ગામ બાજુ કાર્યક્રમમાં જતો હતો તો મને એમ થયું કે ટ્રસ્ટી ઓળખે છે તો ચાલો, આંટો મારી આવીએ. બહુ બધી વ્યવસ્થાઓ દેખાડ્યા પછી ઉપરના માળેથી મને સ્વિમિંગ પૂલ દેખાડ્યો. બે ચાર ગાંડા નાહતા પણ હતા. એમની મોજ જોઈ અને મને પણ મજા આવી. સરખે સરખા ભેગા થઈએ તો મજા આવે જ….એવું તમે વિચારતા હશો. ઉપરથી સ્વિમિંગ પૂલ દેખાડતા ટ્રસ્ટીએ કહ્યું કે જોયું, ગાંડાઓ માટે સ્વિમિંગ પૂલ બનાવ્યો છે.
મેં પણ સૂરમાં સૂર પુરાવ્યો કે હા, જુઓને આ ચાર પાંચ તો કેવા મોજ કરે છે, કેવા ધુબાકા મારે છે. ટ્ર્સ્ટી મને કહે : ‘હજી પાણી ભરાવા દયો પછી જુઓ આ બધાની મજા….! ખાલી સ્વિમિંગ પૂલમાં પણ મગજ વગરના આ લોકો મોજ કરી લે.! ’ અમારા ગામમાં કાયમ તળાવમાં કે કૂવામાં કલકલિયા મારવાવાળો વર્ગ છે. છોકરો ચાલતા પછી શીખે તરતા પહેલા શીખે, કારણ કે ખાલી કોકને નાહતા જોવા માટે પણ જો કિનારે જાવ તો પાછળથી કોક ધક્કો મારી એટલે હાથ- પગ હલાવી અને તરતા તો આવડી જ જાય. પણ અમારા મનુ મારવાડીને શું કબુદ્ધિ સુજી કે વ્યવસાયિક સ્વિમિંગ પૂલ બનાવ્યો. ઉદ્ઘાટનમાં ગામ આખું આ સ્વિમિંગ પૂલ જોવા માટે આવ્યું. મનુને તો એમ થઈ ગયું કે મહિનાના હજાર રૂપિયા રાખીશ તો પણ મારે ના પાડવી પડશે, પરંતુ લોકો તો આ ચોખ્ખું પાણી અને નીચે સ્કાઈ બ્લુ કલરની ટાઇલ્સની ડિઝાઇન જોવા માટે ભેગા થયા હતા. પહેલો દિવસ મફત નાહવાનું હતું તો લાઈનમાં બે બે કલાક ઊભા રહી અને લોકો બે બે મિનિટ નાહ્યા.
આ બાજુથી સ્વિમિંગ પૂલમાં પડતું મૂકે એટલે પાછળ પડવાળો એને ધક્કો મારી આગળ ધકેલે આમને આમ પહેલા પડેલો ત્રીજી મિનિટે તો સામે છેડે બહાર નીકળી જાય. આખો દિવસ આ બે બે મિનિટની રિલે સ્વિમિંગ પ્રક્રિયા ચાલી. મનુને તો એમ જ થયું કે આ બધા જ કાલ સવારે આવી અને મેમ્બરશિપ લઈ લેશે, પરંતુ બીજે દિવસે સવારથી જ કોરોનામાં જેમ મોદીસાહેબના એક જ રેડિયો સંદેશથી જનવ્યવહાર થંભી ગયો હતો તેમ સ્વિમિંગ પૂલ બાજુનો હલનચલનનો પણ વ્યવહાર અટકી ગયો. બે મહિના સુધી મનુએ રાહ જોઈ પછી ચુનિયાની શરણમાં ગયો. અમસ્તો ચુનિયો દિવસમાં દસ વાર મનુને મળતો હશે અને મનુની દરેક વાત માનતો, પરંતુ એને ખબર પડી કે મનુને મારી જરૂર છે એટલે ખોટે ખોટો ભાવ ખાવા માંડ્યો. આડા દિવસે સોસાયટીના નાકે આવેલી ચાની ટપરી પર અડધી ચા માટે વલખા મારતો અને મનુ આવે પછી ચા પીતો ચુનિયો તે દિવસે મનુને શહેરની સારામાં સારી કાફેમાં મીટિંગ માટે મળવા રાજી થયો. ચુનિયાના ખુરાફાતી દિમાગ પર મનુને પૂરો ભરોસો હતો અને કાફેમાં બંને કાશ્મીર ઇસ્યુ જેવી ગંભીર બાબત હોય તેમ બેઠા.
ચુનિયાએ મનુને બે કોફી મંગાવવા કહ્યું. મનુ કાંઈ બોલવા ગયો તો તરત જ નાક પર આંગળી મૂકી અને પાછી મોદીસાહેબની મુદ્રામાં દાઢી પર આંગળીઓ ટેકવી વિચારશીલ સમાધિ અવસ્થામાં ગરકાવ થયો. આમને આમ બે ત્રણ કોફી અને ભરપેટ નાસ્તો કર્યા પછી ઘરેથી જે વિચારીને આવ્યો હતો તે વાત મનુ પાસે રજૂ કરી. વાત રજૂ કરતા ચુનિયાએ જણાવ્યું કે પહેલા તો તમારો ભાવ વધારે છે. ઘટાડવો પડશે. બીજું છૂટક છૂટક નહાવા આવે તેના કરતાં ટોળું નાહવા આવે તેવી વ્યવસ્થા આપણે કરીએ તો ટોળાના પૈસા છૂટક જેટલા થાય. પાણી તો હોજમાં છે એટલું જ વપરાવાનું. બધા એક સાથે નાહવા પડે તો આપણને શું વાંધો છે.
ચુનિયાનું આ સૂચન માન્યા સિવાય મનુ પાસે બીજો કોઈ રસ્તો ન હતો. ધીરજનો બંધ તૂટતા જ મનુએ અડધી પીધેલી કોફીનો કપ ચુનિયાના હાથમાંથી ખેંચ્યો…. ચુનિયાને મનુનું આ પરિવર્તન સમજાઈ ગયું અને તરત જ કહ્યું કે આપણે ગામના સ્મશાન સાથે સ્વિમિંગ પૂલને ટાય અપ કરીએ. આમ પણ સ્મશાનમાં પાણીની વ્યવસ્થા નથી અને ત્યાં નાહવા ન મળતા ઢોરના અવેડામાં ડાઘુઓ નાહવા જાય છે. આપણે એવું કરીએ કે સ્મશાનમાં જે કોઈ જાય તે અહીં આવી અને ખભે નાખેલું ફાળિયું દેખાડે તો ૨૦ રૂપિયામાં નાહવા દેવા.
ડાઘુઓની સંખ્યા આપણે કોઈપણ ગુજરી ગયું હોય કોઈ દિવસ સોથી ઓછી હોતી નથી. અમુક નાહવાના ચોર બાદ કરતાં બાકીના અહીં નાહવા આવશે. મનુને આમ તો આ વાત બહુ ખરાબ લાગી, પરંતુ ગમે તેમ કરી અને સ્વિમિંગ પૂલનો ખર્ચો કાઢવાનો હતો. એટલે મને ક મને વાતનો સ્વીકાર કર્યો. આ જગતનો પહેલો સ્વિમિંગ પૂલ હતો જે સ્મશાન સાથે કોલોબ્રેશનમાં ચાલતો હતો. આજની તારીખમાં મનુનો સ્વિમિંગ પૂલ આ જ કારણોથી ચાલે છે, પરંતુ ઘણાને ડોલ અને ડબલા પણ દેવા પડે છે, જેથી કરી અને સ્વિમિંગ પૂલની પાળીએ બેસી મંત્રોચ્ચાર કરતાં કરતાં નાહી શકે.
જોકે ગામમાં કોઈ ન ગુજરી ગયું હોય છતાં ફાળિયા લઈને પહોંચવાવાળા પણ અહીં આવી પહોંચે છે. મનુને એનો વાંધો નથી. ૨૦ રૂ.ની પહોંચ દરવાજે જ ફાટી જાય છે. તમારા શહેરમાં પણ ક્યાંક સ્વિમિંગ પૂલ બન્યો હોય અને જો ચાલતો ન હોય તો ચુનિયાને કહેજો. — વિચારવાયુ: સ્વિમિંગ પૂલમાં નાહવા જાય અને વોશરૂમ જવા બહાર નીકળે તેની સાથે કોઈ પણ નાણાકીય વ્યવહાર કરાય, કારણ કે એને તમે જગતનો સૌથી મોટો પ્રમાણિક માણસ ગણી શકો