વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

મસ્તરામની મસ્તીઃ ઈલેક્ટ્રિક કાર લો ને કરો ગામના પૈસે લીલાલહેર!

  • મિલન ત્રિવેદી

લોકોમાં દેખાદેખી એટલી વધી ગઈ છે કે જે સાંકડી ગલીમાં ગાડી પ્રવેશી શકતી નથી તે લોકોએ જ નથી લીધી, બાકી હપ્તે હાથી બાંધતા લોકો સ્કૂટર પાર્ક કરવાની માંડ જગ્યા હોય તો પણ ગાડી લઈ લે છે.

આજકાલ નવીનવાઈના લોકો કાર લીધી એવી હોશિયારી કરે છે', બાકી ભૂતકાળમાં કાર લીધી હોય તોપણમોટર લીધી’ એમ જ કહેતા. અમારા ચૂનિયાના બાપુજીએ નીચેના ટાંકામાંથી પહેલા માળે અગાસીના ટાંકામાં પાણી ચડાવવા માટે મોટર લીધી હતી અને ગામ આખામાં ઢંઢેરો પીટ્યા પછી અઠવાડિયે ખબર પડી હતી કે કઈ મોટરની વાત થાય છે.

જોકે, તે પહેલાં તો ઘણા લોકોએ મોટરમાં વાર-તહેવારે બેસવા મળે તે આશામાં ને આશામાં બાપુજીને લાડુ-દાળ-ભાત-શાકનાં જમણ કરાવી દીધેલાં. મોટરના ખરચ કરતાં વધારે રૂપિયા ચૂનિયાના બાપા, નામે વાઘમશી પોતેએ વસૂલી લીધા હતા અને 12 ટંક બહાર ખવરાવનારા યજમાનોએ બાપાને પૂછ્યું કે, કઈ મોટર લીધી એ ફોડ પાડીને ન કહેવાય?' તો બાપા સામે ચોંટ્યા કેતમારે ફોડ પાડીને પૂછવું જોઈએ ને કે બાપા, કઈ મોટર?’ આ બધાં કારનામાંને કારણે જ હું ચૂનિયાનો વાંક નથી કાઢતો, કારણ કે કૂવામાં હોય એ જ અગાસીમાં ચડે.


Also read: લોકોને બદીઓથી બચાવવા થઈ અવનવી ‘મોજમજા’ની શોધ !


સરકારશ્રી તમને વૈકલ્પિક ફ્યુઅલ બાજુ ધક્કો મારી રહી છે એ સમજી લેવું જોઈએ. હાલ એલોપથી બ્રાન્ચ મોંઘી પડે છે એટલે લોકો આયુર્વેદિક, હોમિયોપેથિક, એક્યુપ્રેસર, યોગના શરણે જવા લાગ્યા છે. ચમનલાલને છાતીનો દુખાવો થયો તાત્કાલિક અસરથી એંજીયોગ્રાફી કરાવી તો નળી બ્લોક આવી.

જોકે આજકાલ ગુજરાતમાં તો નળીઓના બહુ બ્લોક આવે છે તેને માટે ડૉક્ટરો ગાંઠિયાનો વાંક કાઢે છે, પરંતુ હકીકતમાં તે મૅડિકલ ગઠિયાઓનો વાંક છે. બ્લોક આવે તો ઘરે લીક થતો પાણીનો વાલ નવો નથી નાખી શકતો એવો ચમન હાર્ટમાં નવો વાલ ક્યાં નખાવે? એટલે ચૂનિયાની સલાહ મુજબ એક્યુપ્રેસર દ્વારા બ્લોક ખોલાવવાની સલાહ માની એક નવા જ એકયુપ્રેસર થેરાપિસ્ટ પાસે પોઇન્ટ દબાવરાવ્યો. હવે છાતી કરતાં પોઇન્ટ વધારે દુ:ખે છે.


Also read: અરાઉન્ડ ધ વર્લ્ડ : એડિનબરા ફ્રિન્જ – દુનિયાના સૌથી મોટા કોમેડી ફેસ્ટિવલમાં…


હું મુદ્દાથી ભટક્યો નથી ફ્યુઅલનો વિકલ્પ સરકાર આપે છે તે બેટરીથી ચાલતી કાર. ભાવ પ્રમાણે 12-15 લાખની બેટરીથી ચાલતી કાર લો પછી ચાર્જ કરી મંડો દોડાવા..20-25 પૈસે કિલોમિટર પડે. દર 300 કિલોમિટર પછી ચાર્જ કરવાની એય ને જમાવટ.
ગલગલિયા થાય એવું ગણિત છે. હવે ગણતરી મૂકો કે પેટ્રોલ નાની કાર 5-6 લાખની એટલે જો બેટરી સંચાલિત ન લ્યો તો કેટલા બચે અને એ બૅન્કમાં મૂકો તો વ્યાજમાંથી પેટ્રોલ પુરાવી શકાય, દર 300 કિલોમિટરમાં જો ચાર્જિંગ માટે કંઈ ન મળે તો?
જોકે એના માટે ચૂનિયાએ માસ્ટર પ્લાન કરી રાખ્યો છે, કહે: `મિલનભાઈ, મેં ગાડી લેવાનું નક્કી કર્યું છે અને તે પણ ઇલેક્ટ્રૉનિક ચાર્જ થઈ શકે એવી કાર સૌથી પહેલાં તો હું કાર સાથે આવેલો ચાર્જિંગ વાયર સો મીટર લાંબો કરાવીશ ત્યાર પછી આજુબાજુવાળા પાડોશીઓ જયારે સૂઈ જાય ત્યારે તેના ફળિયામાં બહાર જે પ્લગ હોય તેમાં ચાર્જિંગનો વાયર ભરાવી અને ગાડી ચાર્જ કરી લઈશ.
દર વખતે કોઈ એક જ ઘરે ચાર્જ કરવું આપણા સંસ્કારમાં નથી. બિચારો બિલ ભરીને થાકી જાય એટલે સોસાયટીમાં અલગ-અલગ ઘરે રાત્રે વાયર ભરાવવાનો! બહાર નીકળીશ ત્યારે 200 કિલોમિટરથી વધારે મુસાફરી નહીં કરવાની એટલે જ્યાં પહોંચવાનું હોય ત્યાં તેના ઘરે આપણો પગ પડે તે પહેલાં એના પ્લગમાં આપણો વાયર પડે. ચા-પાણી-નાસ્તો કરીએ ત્યાં ગાડી ચાર્જ થઈ જાય.

સરકારે બહુ સારી વાત કરી છે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તો ફરી લોકો બેટરીવાળી કાર વાપરવામાંથી વિચલિત થઈ જાય. જ્યાં હાઇ-વે પર પેટ્રોલ-ડીઝલ પુરાવા ઊભા રહો ત્યાં ચા-નાસ્તો કરો એટલે એ પણ ખર્ચ થાય. સરવાળે તમારો પ્રવાસ કેટલો મોંઘો પડે? તેના કરતાં સગાંવહાલાઓને ચાર્જિંગનો લાભ મળે અને આપણે પણ ચા-નાસ્તો-જમવા સાથે ચાર્જ થઈ જઈએ વિધાઉટ ચાર્જ.

ચૂનિયો આ કરી શકે, કારણ મોબાઈલ પણ બીજાના ઘરે ચાર્જ કરતો હોય તો કારનો તો સવાલ જ નથી. મેં ચૂનિયાને પૂછ્યું કે `માની લે હાઈ-વે પર જતો હોય અને અચાનક બેટરી લો થઈ જાય તો તું શું કરે?’ હાજર જવાબી ચૂનિયાએ તરત જ જવાબ આપ્યો કે બેટરીમાંથી બેટરી ચાર્જ થઈ શકે તેવો વાયર પણ હું સાથે રાખવાનો છું એટલે રસ્તામાં કોઈ બીજી ગાડી નીકળે તો ઊભી રખાવી મફતમાં ચાર્જ કરી લઈશ… બાકી તમે ચિંતા કરો મા અને જૂની ચાલુ ગાડી પાછળ દોરડું બાંધી ખેંચવાની ટેક્નૉલૉજી હજી અમલમાં છે જ! બેટરી સંચાલિત કાર લો ત્યારે ચૂનિયાની ટેકનિક ધ્યાનમાં રાખજો.

બાળોતિયાના બળેલ હોય તે પેટ્રોલ-ડીઝલના ભાવથી ભાગી બેટરી સંચાલિત કાર લે અને અચાનક વીજળીના યુનિટનો ભાવવધારો થાય. ખાટલામાં ગમ્મે તે બાજુ માથું રાખીને સૂવો, કેડ તો વચ્ચે જ આવે.

વિચાર વાયુ: એક તાજા સંશોધન મુજબ: 3 કિલોમિટર મોર્નિંગ વૉક કરી અને પછી 100 ગ્રામ ગાંઠિયા ખાવાથી શરીર સમતોલ રહે છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button