વીક એન્ડ

કોઈ સાસરિયાંવ ને આવતાં રોકો…

મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી

ચાલો મંગળવારે દુંદાળા દેવ આવશે. ત્યાં તો અંદરથી મારા એ ટહુક્યા, તમારાં સસરા માટે આવું બોલો તે સારું નહીં, સુધરો હવે. આતો મારા બાપા સારા છે કે તેને ખબર છે છતાં તમને કંઈ કહેતા નથી, પરંતુ સવાર સવારમાં તમારી સાથે કોણ મગજમારી કરે મજાકમાં પણ સારા સમાચાર તો આપ્યા.કોણે કીધું? મારા ભાઈનો ફોન હતો? મારા મમ્મી હારે આવવાના છે? મને પણ ધ્રાસકો પડ્યો હો. હું ગણપતિ દાદાની વાત કરું છું. અને આ એના ગોળમટોળ બાપાની વાત લઈને બેઠી છે.
મારા જેવી જ અનુભૂતિ મારા મિત્ર ચુનિયાને પણ થઈ હતી.તેનાં જ શબ્દોમાં કહું તો એક દિવસ અચાનક જ હું વિચારે ચડ્યો અને ભક્તિભાવમાં લીન બનીને બોલવા લાગ્યો કે ‘વાહ કેવું મોટું માથું, કેવી મોટી ફાંદ, કેવું મોટું નાક!’ આગળ બોલું એ પહેલા જ છૂટા વેલણનો ઘા આવ્યો અને તરત જ બોલ્યા કે

ખબરદાર હવે જો મારા પપ્પા વિષે વધુ એક પણ વાક્ય બોલ્યા છો તો ત્યારે મને ખબર પડી કે મારા ઘરમાં જે સ્થાપન થયું છે એ સસરાનું છે. અડધો દિવસ સમજાવવામાં ગયો કે હું ગણપતિ બાપાની વાત કરતો હતો, તારા બાપાની નહીં. મારી ભક્તિભાવ પ્રગટ કરતાં કહ્યું કે ‘આ વખતે આપણે ત્રણ દિવસ માટે ગણપતિ તેડાવવા છે’ એટલે તરત સણસણતો જવાબ આવ્યો

કેમ મારા બાપા વધુ રોકાય તો તમને ક્યાં નડે છે. આવે ત્યારે પહેલા દિવસથી જ શરૂ થઈ જાવ છો કે ક્યારે જવાના છો
મેં બહુ વિરોધ ન કર્યો પણ મનમાં બોલ્યો કે મારા ગણપતિ બાપ્પા અને તારા ગુંદરિયા બાપા વચ્ચે બહુ મોટો ફર્ક છે. ગણપતિને ૧૦ લાડુ ધરીએ તો ૧૦ માંથી ૧૦ પાછા આવે પણ તારા પપ્પા ‘નથી ભાવતા, નથી ભાવતા’ કરીને દશે દશ સબોડી જાય અને ત્રણ દિવસ સ્થાપન કરીએ તો તો ત્રણ જ દિવસ હોય, આ તો એકાદ બે દિવસ રોકાવું છે કહીને જે દિવસે પૂછીએ એ દિવસે કહે કે ‘બસ એકાદ બે દિવસ. છેલ્લે તો એક મહિને ગયા હતા’. મારા આ મનમાં બોલતી વખતની શાંતિ પણ એમનાથી સહન ન થઈ એટલે બોલ્યાં
અહિંયા મન લાગે છે ત્યારે રોકાય છે બાકી મારી બેનના ઘેર એક દિવસ પણ નથી રોકાતા હો.
મને સાચે જ પહેલીવાર મારા સાઢુની ઇર્ષા આવી કે હું એમના જેવો કેમ નથી, સાલુ સારું થવું પણ સજા અપાવે છે. જે હોય તે પણ જો સાસુ કે સસરામાંથી કોણ રોકાય એમ પૂછો તો મારી ચોઇસ સસરાની હોય પણ ચાદર ખેંચો એટલે ઓશિકું ભેગું જ આવે. ઘેર રોજ ઝગડા કરતા હોય પણ બે ચાર દિવસ થાય એટલે સાસુજી પધારી જાય અને કહે કે
તમારા વગર ઘર સુનું લાગે છે, જરા પણ નથી ગમતું.
અમને તમારું ‘આ ઘર સુનું લાગવું’ કેવું વસમું લાગે એનો વિચાર પણ ન કર્યો? દુ:ખી થઈ જાય છે બિચારો.

મેં તો મારા સાસરા જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે વિસર્જન કરવા માટે મેં જે જે ખેલ કર્યા છે એના પર તો એક એક લેખ લખી શકાય પણ હું મોટું મન રાખીને તમને બધાને અમારી સ્થિતિ નથી બતાવતો. ગમે તેમ કરીને મેં ગણપતિ બેસાડવા ઘરવાળીને રાજી તો કરી પણ પછીની હાલત ખૂબ ખરાબ થઈ. મેં માટીની મૂર્તિનો આગ્રહ રાખ્યો અને એમને પ્લાસ્ટર ઓફ પેરીસનો આગ્રહ રાખ્યો. મેં સમજાવ્યું કે માટીની મૂર્તિ લઈએ તો ઉત્થાપન પણ ન કરવું પડે. મૂર્તિને પાણીના ટબમાં મૂકી દઇએ એટલે ઓગળી જાય અને એ માટીનો ઉપયોગ તુલસી વાવવા કે ફૂલછોડના ક્યારામાં નાખી શકાય અને તેનું પવિત્ર પાણી ઘરમાં છાંટીને આખું વર્ષ રિદ્ધિ સિદ્ધિનો વાસ કરાવી શકાય પણ અમારા એમને કીટ્ટી પાર્ટીમાં શું કહેવું એની ચિંતામાં મારી સાથે સહમત થતા એક અઠવાડિયું કાઢ્યું!!!
ઘણા લોકો હોશે હોશે ઘેર ગણપતિની સ્થાપના તો કરે પણ પોતાની વ્યસ્ત જિંદગીમાંથી ગણપતિ પૂજા માટે અડધો કલાક પણ કાઢી ન શકતા હોય ત્યારે આપણને ખબર પડે કે બાજુવાળાએ ૩ દિવસનું સ્થાપન કર્યું છે તો આપણે પાંચ દિવસનું કરીએ. આ દેખાદેખીમાં સ્થપાયેલા ગણપતિ પણ ઉતાવળમાં હોય એવું તેમની મૂર્તિ પર જ દેખાય આવતું હોય! હમણાં એક ગણપતિ ઉત્સવના કાર્યક્રમમાં હું જતો હતો તો ઉતાવળે રેલવે સ્ટેશન તરફ જતા ગણપતિને જોયા. મેં ગાડી ઊભી રાખી પગે લાગીને પૂછ્યુ કે ‘આ બિઝી સિઝનમાં તમે એકલા કેમ? ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના?’ ગણપતિ બાપાએ જવાબ આપ્યો કે
જે પહેલી ટ્રેઇન મળે તેમાં ચડી જવું છે પણ અહિંયા નથી રહેવું. મારા બેટા વાજતે ગાજતે લઈ આવ્યા. ભભકો કરીને મારું સ્થાપન પણ કર્યું પણ પછી ગયા એ ગયા. બે ટાઇમની આરતી પણ નોકર કરતા. હું તો એમને પાંચ દિવસનું ફળ આપીને નીકળી ગયો છું. ક્યાંક શાંતિથી કોઈક ભજે ને એવા ઘેર જઈને બેસવું છે.

ગણપતિ ઉત્સવ ભલે મહારાષ્ટ્રથી શરૂ થયો હોય પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતે બહુ જ સહજ રીતે સ્વીકારી લીધો છે, આમ પણ ગુજરાતીઓ માટે કોઈ પણ તહેવાર જેટલો મહત્ત્વનો હોય છે એટલો કોઈ પણ માટે નથી હોતો. ગણપતિમાં અહીંયા પણ રોજ રાત્રે કાર્યક્રમ હોય. સામાન્ય રીતે ડાયરામાં શરૂઆત જ ગણપતિ સ્તુતિથી થાય જેને ગણપતિ બેસાડ્યા કહેવાય જે ફરજિયાત હોય પણ એક પ્રસંગે એવું બનેલું કે માત્ર હાસ્ય દરબાર એમાં આયોજકનો સવાલ આવ્યો કે ગણપતિ કોણ બેસાડશે? ગાવાનો મારો વિષય નહીં પણ ગુજરાતીઓમાં કોઠાસૂઝ તો ભારોભાર હોય એટલે થોડુંક વિચારીને મેં તરત પૂછ્યું કે ‘કાલ શેનો પ્રોગ્રામ હતો?’ મને ખબર પડી કે સંતવાણી હતી એટલે તરત જ મેં કહ્યું કે ‘કાલ ગણપતિ બેસાડ્યા જ હશે પછી કોઈએ ઉત્થાપન નહીં કર્યું હોય એટલે આજેય ગણપતિ હાજરાહજૂર છે એમ માનીએ છીએ. બેસાડેલાને ફરી થોડા બેસાડાય?’ જો કે મેં એમને એ પણ સમજાવ્યા કે મારી આ મોટી ફાંદ ક્યારેય ઘટાડવાનો વિચાર હું એટલે જ નથી કરતો કેમ કે હાસ્યના પ્રોગ્રમમાં સૌ પહેલા મને જ બેસાડે છે જે ગણપતિ સ્થાપન બરાબર જ ગણાય. મુંબઈમાં તો ઓડિયન્સ તરફથી પ્રોગ્રામ શરૂ થતા પહેલા મને લાડવા ધરવાના અનેક દાખલા બેઠાં છે.
મૂર્તિ બનાવતા આર્ટિસ્ટ્સ માટે ગણપતિ એટલાં બધાં ફેવરિટ છે કે ગમે તે વસ્તુ આપો તેમાંથી સૌથી સરળ રીતે જો કંઈ બને તો ગણપતિ. સૌથી વધારે જો કોઈ ભગવાનની મૂર્તિનો
ધંધો થતો હોય તો એ ગણપતિનો. આ એક દેવ છે જે કેટલાં બધાના પેટ ભરે છે. કારીગરોથી માંડીને કલાકારો સુધી ૧૦ દિવસ સુધી વ્યસ્ત રહીને કમાણી કરે છે. એવા કેટલાં બધા કલાકારો છે જે આખું વર્ષ મૂર્તિ બનાવે છે અને છેલ્લા મહિનામાં વેચે છે. મંડપ સર્વિસ, લાઇટ ડેકોરેટર્સ, મ્યૂઝિક બેન્ડ્સ, સાઉન્ડ સર્વિસ, ગાયકો, હાસ્ય કલાકારો જેવા અનેક લોકો માટે સાચે જ રિદ્ધિ સિદ્ધિ સ્વરૂપે આ ગણેશોત્સવ આવે છે. અરે ત્યાં સુધી કે સફેદ ઉંદરો પાળીને રાખવા વાળા લોકો પણ ઉંદર ભાડે આપીને કમાણી કરી લે છે. ગણપતિ બાપા જાણે ડાન્સના પ્રણેતા હોય એમ વિસર્જન વખતે સાંધા બદલાવવાની સલાહ દીધી હોય એવા લોકો પણ ઠેકડા મારીને નાચી લે છે.આ બેફામ નાચતા લોકોનો કોન્ફિડન્સ વધી જાય તો ઘરના પ્રસંગોમાં ઉદાહરણ આપીને કહે કે ‘વિસર્જનમાં હું કેટલો નાચ્યો હતો? બધા મારી સામે જ જોતા હતા’ પણ એમને કોણ સમજાવે કે લોકો શું કામ જોતા હતા. આ નચૈયાઓને એ પણ ખબર નથી કે ગણપતિનું વિસર્જન એ દુ:ખની વાત છે પણ નાચવામાં એટલે છેલ્લે એટલે જ કહેવું છે કે ગણપતિના મોટા કાન દરેક વાતો સાંભળીને વિશાળ પેટમાં સંઘરી રાખે છે. એ ક્યારેય ખટપટમાં નથી પડતાને એટલે પૂજાય છે.
વિચારવાયુ:

ગણપતિ બાપા પાસે ભાવવિભોર થઇ માગો તો એ આપે જ. મેં વિનંતી કરી અને કહ્યું કે, કંઈક આપો. આપ્યું પણ ખરું….પણ “ફાંદ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor…