વીક એન્ડ

મસ્તરામની મસ્તી : મોજાની ગંધ મચાવે હાહાકાર

  • મિલન ત્રિવેદી

ઉનાળો શરૂઆતથી જ ટવેન્ટી -20 રમે છે અને ચરમસીમાએ પહોંચ્યો છે. અત્તર તથા પરફ્યુમની ખરીદી વધી છે. દેખાદેખીના જમાનામાં ખાલી કપડાં જ ટનાટન પહેરીએ તે નહીં ચાલે. નીચે બૂટ પણ જોઇશે. હા જો કે અંદર પહેરેલા મોજાં કોઈ જોતું નથી. ભલેને બંને અંગુઠા મોજાની બહાર નીકળી અને જલસા કરતા હોય.મોજા ઉપર પટ્ટીમાં જ સારા દેખાતાં હોય છે. બાકી સસ્તા સેલમાંથી લીધેલા હોય એટલે જેવું ખેંચીને પહેરો કે તરત આગળથી અંગૂઠો અને પાછળથી એડી ડોકિયા કરવા માંડે. તળિયાએ જાણે પ્રતિજ્ઞા લીધી હોય કે ભલે મોજાં પહેરાવો,મારી પર આવરણ ઢાંકો પરંતુ હું તો બૂટની સગથળીને સ્પર્શ કરી જ એટલે તે પણ બે ચાર કાણા દ્વારા સગથળી સ્પર્શનો આનંદ માણે.

સવારના પોરમાં નીકળેલો માણસ રાત્રે ઘેંસ જેવો થઈ અને ઘરે જતો હોય છે.આ દરમિયાન માથાથી લઈ અને સમગ્ર શરીરના તમામ અંગનો પરસેવો છેલ્લે તળિયે જઈ અને અટકતો હોય છે. 500 ગ્રામ વજનના બૂટનું પરસેવો પી અને 200ગ્રામ વજન વધી ગયું હોય છે. રાત્રે જ્યારે બૂટ કાઢે ત્યારે તેમાથી મોજું પરસેવાથી રેબઝેબ થઈ બેભાન હાલતમાં મળી આવે. અને કોઈ પણને બેભાન કરવા માટે સક્ષમ પણ હોય. ઘણીવાર તો તે ઓળખ, સાબિતીનું કામ કરે છે.

આ પણ વાંચો: મસ્તરામની મસ્તી : હોય એટલું `બટર’ વાપરો… મહિલા દિવસે!

તમારા ઘરમાં તમે મોજાં કાઢો એટલે ત્રીજા ઘરમાં ખબર પડે. ભાભી તરત જ કહે કે `રમણીકભાઈ ઓફિસેથી ઘરે આવી ગયા છે. જાવ, તમે તમાં કામ પતાવી આવો’. જોકે ઘણા સમજુ લોકો મોજા કાઢતા પહેલા ઘરે સુગંધિત અગરબત્તી જરૂર કરે છે. આપણને એવું થાય કે રાત્રે 10 વાગ્યે પણ આ લોકો કેવા ભક્તિ ભાવથી પ્રભુને ભજે છે. હકીકતમાં તો એ આડોશપાડોશનો ખ્યાલ રાખી અને બે-ચાર અગરબત્તીનો ભોગ ધરાવે છે.

હમણાં એક મારા સબંધની ઓફિસે હું ગયો હતો તો બહાર હું શૂઝ કાઢવા ગયો તો મને કહ્યું કે ના, ના રહેવા દ્યો પહેરીને જાઓ'. પરંતુ મેં એમને કહ્યું કેઆ અગાઉ હું જ્યારે પહેરીને અંદર ગયો હતો ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે અમે બૂટ ચપ્પલ બહાર કાઢીએ છીએ. અંદર મંદિર છે એટલે આ વખતે કહેવાનો મોકો ન આપવો એમ સમજી અને હું બહાર કાઢું છું’.તો મને કહે:

`તમારી વાત સાચી, પરંતુ અમુક લોકો બૂટ બહાર કાઢે છે પછી મોજાં પહેરીને અંદર જતા આખો દિવસ પોતાની હાજરી મોજાંની દુર્ગંધ દ્વારા છોડતા જાય છે. અંદર મંદિર હતું તે પણ બહાર લઈ લીધું, કારણ કે મોજાંની દુર્ગંધથી ભગવાન ત્રાહિમામ પોકારી જાય અને આડો અવળો શ્રાપ આપી દે. કોકના પાપે આપણે દંડાવવું પડે તેના કરતાં ભલે બૂટ પહેરીને અંદર આવે. અમે તો અમુક મહેમાનો પાછળ એક સ્ટાફ એપોઇન્ટ કર્યો છે. જે મહેમાનની સાથે જ રૂમ સ્પ્રે લઈ અને દર બે મિનિટે સ્પ્રે છાંટતો જાય. મહેમાન ને એમ થાય કે ભવ્ય સ્વાગત થયું અને આપણે બેભાન થતા બચી જઈએ.

આ પણ વાંચો: મસ્તરામની મસ્તી : ના, હું તો ગાઈશ જ…

અમારા એક ભાઈબંધને આવી બહુ ખરાબ ટેવ હતી. તે એક ને એક મોજાં ચાર-પાંચ દિવસ પહેરે અને બીજા દિવસથી તો આજુબાજુમાં કોઇ કૂતરું મરી ગયું હોય તેવી દુર્ગંધ ફેલાય. અમે તેને વારંવાર કહ્યું પરંતુ હઠીલી વહુ ની જેમ માને જ નહીં. અંતે અમે મિત્રોએ નક્કી કર્યું કે ફાળો કરીને પણ મિત્ર ને નવાં મોજાં અપાવીએ. ખરેખર અમે બધાએ એક સરસ મજાંની જોડી અપાવી બીજે દિવસે ચા-પાણી નાસ્તા માટે એક જગ્યાએ ભેગા થયા તો ફરી તે દુર્ગંધે અમને ઘેરી લીધા.

અમે એને કહ્યું કે `તને હવે નવા મોજાં અપાવ્યા પછી પણ તું જુના શું કામ પહેરે છે?’તો તરત જ એણે શૂઝ કાઢી અને નવાં મોજાં દેખાડ્યાં :

`મને ખબર જ હતી કે તમે નહીં માનો જુઓ નવા પહેર્યા છે અને સાબિતી રૂપે જુના હું આ ખિસ્સામાં સાથે લાવ્યો છું’.

અમે દિલથી માર્યો અને ત્યાં ને ત્યાં મોજાને ખાડો કરી અને દાટી દીધાં. આમ તો આવા કૃત્ય બદલ મિત્રને દાટી દેવાનું મન થાય, પરંતુ મોજાથી મન મનાવી લીધું.

હમણાં એક ડોક્ટરને ત્યાં ઓપરેશન થિયેટરમાં હજી તો દર્દીને લઇ ગયા અને સી સી સુંઘાડવાવાળા ડોકટર તૈયારી કરે તે પહેલા જ દર્દી બેભાન થઈ ગયો. બહુ છાનબીન પછી ખબર પડી કે ઓપરેશન થિયેટરમાં જે નર્સિંગ સ્ટાફ હતો એણે એના મોજાં દર્દીને સુંઘાડ્યા હતાં. ઓપરેશન પતી ગયું પછી દર્દી ચાર કલાકે ભાનમાં આવ્યો.

આ પણ વાંચો: મસ્તરામની મસ્તીઃ ઈલેક્ટ્રિક કાર લો ને કરો ગામના પૈસે લીલાલહેર!

હું તો કહું છું કે જો પરસેવો બહુ થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો એક સ્પ્રેની બોટલ ખીસ્સામાં રાખવી જોઈએ. દર બે કલાકે કાઢી અને મોજાં પર છંટકાવ કરવો. શરીર પર ના છાંટો તો ચાલશે, પરંતુ જ્યાં ત્યાં શૂઝ કાઢવાના હોય ત્યારે સમગ્ર વાતાવરણમાં હાહાકાર મચી જાય એના કરતાં મોજાં પર સ્પ્રે કરતો રહેવો. જોનાર લોકોને એમ થાય કે ધનવાન ખાનદાનનો જમાઇ લાગે છે. પગના તળિયે પણ સ્પ્રે કરે છે.

તમારાં માટે મોજાં ડંખ ન પડે તે માટે આશીર્વાદરૂપ હોઈ શકે,પરંતુ બીજાં લોકો તમારી હાજરીથી તમારાં આખા ખાનદાનને ખોટી રીતે યાદ ન કરે તે એટલું જ જરૂરી છે.

વિચારવાયુ:

પત્ની: (ઇન્સ્પેક્ટર સાહેબને) મારા પતિ ક્યારે મળશે.

ઇન્સ્પેક્ટર: એમનાં મોજાં મળ્યાં છે. પોલીસ ડોગ ને સૂંઘાડયા છે. કૂતરો બેભાન છે. ભાનમાં આવે એટલે તપાસ આગળ વધારીશું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button