વીક એન્ડ

મસ્તરામની મસ્તી : આ ઠંડી ઓપિનિયન પોલ જેવી છે…

  • મિલન ત્રિવેદી

ચૂનિયાનો પરિવાર સનગ્લાસ, ટોપી, સ્વેટર, વાંદરા ટોપી વગેરે અલગ અલગ પથારા કરી અને હવામાન ખાતાની સાઈટ ખોલી અને બેઠો હતો. જો હવામાન ખાતું કહે કે હવે ઠંડી પડવાની ફલાણી તારીખથી શરૂઆત થશે તોપણ ગ્લાસ અને તડકાની ટોપી પહેરી બહાર નીકળવું અને જો અંબાલાલ કહે તો જ સ્વેટર સાલ કે વાંદરા ટોપી પહેરીને બહાર નીકળવું આવું પરિવાર તરફથી નક્કી થયું છે.

મતદાન પતી ગયા બાદ પરિણામ પાંચ દિવસ પછી હોય ત્યારે અપક્ષો જેને એમ હોય કે હું ચૂંટાઈ જઈશ તે ઓપિનિયન પોલ પ્રમાણે કયા પક્ષમાં જોડાઈએ તો કેટલો આર્થિક ફાયદો થઈ શકે તે માટે મનોમંથન કરે તેવું મનોમંથન હાલ ચૂનિયાનો પરિવાર કરી રહ્યો હતો.

ઑનલાઇન શોપિંગની મહારાણી વચલી દીકરી બોલી કે google દ્વારા ઠંડીનાં વસ્ત્રોની જાહેરાતનો મારો જોઈએ તેવો થયો નથી. હજુ સુધી સ્વેટર કે સાલ ઑનલાઈન જોઈએ તેવા પ્રમાણમાં વેચાવવા શરૂ થયાં નથી. એટલે મારા અભિપ્રાય મુજબ ઠંડીને હજુ અઠવાડિયું થશે. ચૂનિયા પરિવાર જે ગંભીરતાથી શિયાળો ક્યારે શરૂ થશે તેની ચર્ચામાં જોઈને તમને એવું લાગતું હશે કે આ પરિવારને ઠંડીનો ખોફ હશે, પરંતુ એવું નથી ઠંડીમાં ક્યાંથી શું જુગાડ કરવો અને તેની શરૂઆત ક્યારે કરવી તે સંદર્ભે આ પરિવાર વધારે ગંભીર હોય છે.


Also read: ખ્યાતિ કાંડમાં વધુ એક ખુલાસો, ડૉ. ચિરાગ ડૉકટરોને સાચવવા આપતો હતો મોંઘી ગિફ્ટ


ઘરનો મોભી ચૂનિયો શિયાળાનાં વ્યંજનો જેવાં કે ચીકી, કચરિયું, જુદાજુદા પાક ઉપરાંત રોજબરોજનાં લીલાં શાકભાજી સવારના પોરમાં પીવાતાં હળદર, આમળા, લીંબુ વગેરેનાં જ્યુસ તે બાબત ગંભીરતાથી વિચારતા હોય છે. આમાંનું કાંઈ વેચાતું લેવાનું હોય તો કોઈ ચિંતા જ ન હોય, પણ આ બધા માટે કોનો ગાળિયો કરવો તે બાબત મુખ્ય હોઈ ગંભીર વિચારણા થતી હોય છે.

એમની ચર્ચા એટલી હદે ઉગ્ર થાય કે લોહી ગરમ થઈ જાય. બસ, આ ગરમ લોહી શરીરમાં ફરતું થાય એટલે સ્વેટર-કોટની જરૂર ના પડે આ સિદ્ધાંત પર આખો પરિવાર ચાલે. ચૂનિયો આ વખતે મિટિંગમાં મને લઈ ગયો હતો એટલે મને ખબર પડી.

બીજા કોઈ વિભાગમાં કોઈ ટાંગ અડાડે કે ના અડાડે પણ ખાવાપીવાની વાતમાં આખું કુટુંબ ઢીંચાક પૂજા જેવું છે એટલે ઘરમાં શું બનાવી શકાય તે વિષય પર ચર્ચા શરૂ થઈ. શરૂઆત હંમેશાં ચૂનિયાથી થાય અને આમ પણ જેને રાંધતાં ના આવડતું હોય એ સજેશન કરવામાં પાવરધો હોય.

આ શિયાળામાં બજારમાં મળતી તલસાંકળી, કચરિયું, શીંગપાક ચીકી ઉપરાંત અડદિયા, ગુંદરપાક, વસાણાથી ભરપૂર જુદાં જુદાં વ્યંજનોની ફરમાશ થવા માંડી. બધા પોતપોતાના તરફથી એક એક વાનગી બોલ્યા તો ચૂનિયાએ એકસામટી ૪-૫ વાનગીનાં નામ ઝીંકી દીધા. કઈ વસ્તુ પહેલાં બનશે, કોણ બનાવશે તેની ચર્ચાઓ શરૂ થઈ. વાતાવરણમાં ગરમી ફેલાવવાની શરૂઆત થઈ ગઈ હતી. તરત જ ચૂનિયાનાં ઘરવાળાંએ કહ્યું કે ‘આટલાં બધાં સજેશન કરો છો તો આ વખતે તમે બનાવો એટલે ખબર પડે કે ખાવી કેટલી સહેલી છે અને બનાવવી કેટલી અઘરી છે.’

સામાન્ય રીતે ચૂનિયો ક્યારેય ઉશ્કેરાટમાં આવીને ભૂલ ના કરે, પરંતુ અચાનક થતા હુમલાઓ સારા સારા યોદ્ધાઓને પણ વિચલિત કરી દેતા હોય છે. તેવું જ ચૂનિયાનું થયું. ભાભીના આ એટેક સામે ઉગ્ર થઈને ચૂનિયાએ ચૅલેન્જ સ્વીકારી લીધી. બોલતાં બોલાઈ ગયું પછી મારી સામે જોયું. બુઠ્ઠી તલવાર સાથે અદ્યતન શસ્ત્રોથી સજ્જ સૈન્ય સામે લડવાનો વખત આવી ગયો છે એનું ભાન થતાં મારું બાવડું ઝાલી ને મને બહાર લઈ ગયો ને માંડ્યો ખખડાવવા: ‘મિલનભાઈ, તમે તો કેવા માણસ છો, તમારે મને રોકી લેવો જોઈએ ને, હા શું કામ પાડવા દીધી?’ હવે ઉંદર પાંજરામાં આવી ગયો હતો બીજું કંઈ થઈ શકે તેમ ન હતું.

સવારના પહોરમાં google દેવતાને નમસ્કાર કરી એ રસોડામાં ઘૂસી ગયો. કોઈને આવવાની મનાઈ છે સરકારનું કોઈ સિક્રેટ મિશન ચાલુ હોય તેવો માહોલ ચૂનિયાએ ઊભો કર્યો છે. તાવડો મંડાયો તલ શેકાયા, ગોળ ગરમ થયો, બધી જ વિધિ પૂરી થઈ. લગભગ બે કલાકની કસરત પછી તલના લાડુ અને તલની ચીકી લોકો સમક્ષ પ્રસ્તુત થયાં. ઘરના તમામ લોકોએ ફોટોસેશન પૂરું કર્યું કોઈએ facebook, whatsapp કે instagram પર સ્લોગન લખી લખી ને ફોટા અપલોડ કર્યા.

ચૂનિયાએ શિયાળામાં તલ ખાવાથી થતા ફાયદાઓ વિશે એક કલાક સુધી પરિવારને સમજાવ્યું. પરિવારવાળા તલની ચીકી અને લાડુ ખાવા તલપાપડ એટલે કે ઉતાવળા થયા હતા, પરંતુ હજુ ગઢના દરવાજા બંધ હતા. નકૂચા રૂપી ચૂનિયો હટવાનું નામ લેતો ન હતો. પરિવારે તાત્કાલિક ફોન કરી અને મને બોલાવ્યો.

મેં ગઢના દરવાજા ખોલવા માટે જેમ ઊંટિયાઓને પહેલી હરોળમાં દરવાજા આડે રાખી હાથી માથું મારે અને ભલે ઊંટિયો મરી જાય, પણ દરવાજો ખૂલી જાય અને હાથીને નુકસાન ન થાય આ થિયરી પ્રમાણે ચૂનિયાને મારે બહાર બોલાવી લેવાનો હતો, ત્યાર બાદ પરિવાર તલની ચીકી અને લાડુ પર તૂટી પડે આવું આયોજન હતું. મારી યોજના મુજબ ચૂનિયાને મેં બહાર બોલાવી લીધો પછી ભાવવિભોર પરિવાર મનોમન મારો આભાર માની તલના લાડુ પર તૂટી પડ્યો. ચૂનિયાને આખી વાતની ખબર પડી ગઈ અને મારી સાથે ધોખો કરવા લાગ્યો: ‘ભલા માણસ તમે મારા મિત્ર થઈને મારી સાથે રમત રમી ગયા. આપણે જે વસ્તુ બનાવી હોય તેનું મહત્ત્વ શું છે તે પૂરું સમજાવવા પણ ન દીધું. લોકોને આપણી વસ્તુની કદર થાય તેવો માહોલ આપણે ઊભો કરવો જ જોઈએ.’

આ બધી ચર્ચા થતી હતી ત્યાં ઘરમાંથી રાડારાડ સંભળાઈ. ચૂનિયાની બૈરી દોડાદોડ બહાર આવી હાથમાં સાણસી હતી. મને અને ચૂનિયાને અંદર ગયા પછી ખબર પડી કે નાનકાએ નાનકડો લાડુ મોઢામાં મૂકી અને બટકું ભરવાનો પ્રયત્ન કર્યો તો બંને દાંત વચ્ચે નાનકડી દડી જેવડો લાડુ ચોંટી ગયો હતો.

ગઢની રાંગ પર જેમ ચંદન ઘો ચોંટે પછી ઉખાડવાના પ્રયત્નમાં મરી જાય ત્યારે જ તે શક્ય બને તેવો ઘાટ ઘડાયો હતો. અમારે હવે એ પ્રયત્ન કરવાનો હતો કે બંને બાજુની દાઢ અને દાંત સચવાઈ રહે અને તલના લાડુનો ભોગ લેવાઈ જાય તો ઘીના ઠામમાં ઘી પડે. પાના, પક્કડ, સાણસી, સ્ક્રૂ ડ્રાઈવર સહિતની આખી કીટ થકી પ્રયત્ન કર્યો. છેવટે મેં એક સુઝાવ આપ્યો કે સતત પાણીનો છંટકાવ તે લાડુ પર કરીએ અને ગોળ થોડોક ઢીલો પડે પછી બે દાઢ વડે ફરી પ્રયત્ન કરવો. ચૂંટણીનાં પ્રારંભિક પરિણામોનાં રૂઝાન આવતાં હોય તે રીતે આ તો હજી પહેલો આઘાત હતો.

પાડોશમાંથી તલની ચીકી લઈ ગયા હતા એણે ફરિયાદ કરી કે જીભ પરથી ઉઘડતી નથી, અમારી બાજુમાં રહેતા બાપુએ ચાર-પાંચ નાની સાઈઝની લાડુડી માગી. મેં એમની હિંમતને દાદ આપી તો એ કહે : ‘આમ તો ચોકઠું આવી ગયું છે, પરંતુ હમણાં મારી 12 bore rifle માં કારતૂસ ખાલી થઈ ગયાં છે, લાડુડી હાથમાં લેતાં જ મને ખબર પડી ગઈ કે નાના-મોટા શિકાર તો રાઈફલમાં લાડુડી ભરાવી અને ફોડીશ તોપણ ચાલશે. દીવાલમાં કાણું પડી ગયું છે!’ પાડોશીના દીકરાએ તો મોટો લાડુ લઈ અને ક્રિકેટની પ્રૅક્ટિસ પણ શરૂ કરી દીધી.


Also read: ગુજરાતમાં હિસ્ટ્રીશીટરોના ઘરે વહેલી સવારે પોલીસ ત્રાટકી, રાજ્યભરમાં 350 સ્થળોએ દરોડા


આવી પરિસ્થિતિ પામીને હું ત્યાંથી સરકવાની તૈયારી કરતો હતો ત્યાં જ ભાભીએ મને કહ્યું કે ‘આ તમારા ઘર માટે તલના લાડુ અને ચીકી લેતા જાવ.’ જેમ ઘરમાં વિસ્ફોટક પદાર્થો પડ્યા હોય અને ખબર પડે કે પોલીસની રેડ પડવાની છે અને માલ સગેવગે કરવાનો હોય એમ ભાભીએ બે-ત્રણ પેકેટ ભરી રાખેલાં અને ભલામણ પણ કરી કે આ બીજા તમારા મિત્રોને આપજો!

વિચારવાયુ:

શાલ એક જ એવું શિયાળુ વસ્ત્ર છે જે તમારા દર શિયાળે ફુલાતા શરીરને સાંત્વના આપી કહે છે: કંઈ નથી વધ્યું શરીર, જા એકાદ અડદિયો ખાઈ લે હું છુંને!’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button