વીક એન્ડ

મસ્તરામની મસ્તી: દોઢડાહ્યાની સલાહ ન માનવી..

  • મિલન ત્રિવેદી

બેરોજગારી એટલી બધી વધી ગઈ છે કે લોકો પાસે કામ જ નથી. સલાહ દેવાનું કામ બચ્યું છે.
મારું માનો તો… કહીને તમારી વાતમાં વચ્ચે આખલો અચાનક ઢીક મારે એમ ઘૂસે એ વણમાગ્યો સલાહવીર.
હમણાં મહારાષ્ટ્ર સરકારમાં પ્રચારકાર્ય જોરશોરમાં છે.


Also read: શરદ જોશી સ્પીકિંગ : છે પણ ને નથી પણ છતાંય છે તો ખરાં!


ચૂંટણી લડતા નેતા લોકોને જેટલી ચિંતા નથી તેટલી ચિંતા નવરી બજારમાં વ્યસ્ત લોકોને છે. હજી તો તમે વાતની શરૂઆત કરો કે મહારાષ્ટ્ર સરકાર… ત્યાં તો ગમે તેમ કરી અને વચ્ચે ઘૂસીને સલાહ દેવાનું શરૂ કરે : ‘ઉદ્ધવ ઠાકરએે હું કહું તે રીતે પગલાં લેવાં જોઈએ.બધું સમુંસૂતરું પાર પડી જાય’. પવાર સાહેબ મારું માને તો…’

અરે ભાઈ તારું તારા ઘરના માનતા નથી. તું ભીંડાના શાકની ડિમાન્ડ મૂકે છે અને દાધારિંગી બૈરી દૂધીનું બટકાવે છે. પવાર સાહેબ શું કામ તારું માને? અને ‘દેવેન્દ્ર ફડનવિસ હું કહું તે રીતે કરે તો કાલ સવારે મુખ્ય પ્રધાન તરીકે બેસી શકે’. તું તો તારા ઘરના સોફા ઉપર તારી ઘરવાળી કહે તો જ બેસી શકે છે. દેવેન્દ્રજી શું કામ તારી સલાહ માને?

ઘણા લોકો તો કાર્ય સંપન્ન થઈ ગયા પછી દાવો કરે કે મેં કહ્યું તેમ કર્યું તો બધું સારું થયું. અરે, તારા બોલ્યા પછી બળવાખોરો ઉમેદવારી પાછી ન ખેંચે, પરંતુ સાવ સુષુપ્ત થયેલો ખૂણાનો કાર્યકર પણ ચૂંટણી લડવા તૈયાર થઈ જાય. માત્ર સરકારની બાબતમાં નહીં, પણ કોઈ પણ વાત તમે ઉચ્ચારો અને ત્યાં થોડો પણ પ્રશ્ર્નાર્થ સંભળાય એટલે અંદરનો સલાહવીર જાગૃત થાય. અમે અમારા હાસ્યના કાર્યક્રમમાં હંમેશાં શરૂઆતમાં જ કહી દઈએ કે ‘એક હાસ્ય કલાકાર તરીકે અમારી વણમાગી સલાહ છે કે જે હસે નહીં એનો ભરોસો ન કરવો, એને વેવાઈ કે વેવાણ (એ તો હસમુખી જ જોઈએ!) પણ ન બનાવવાં (આટલું બોલો એટલે તરત જ લોકો હસવા માંડે)’.

પછી બીજી સલાહ આપું કે ‘પાછું બહુ હસે એનો પણ ભરોસો ન કરવો. ઉઠમણા કે બેસણા જેવા પ્રસંગે થોડું સોગિયું ડાચું પણ જરૂરી હોય છે. પ્રસન્ન વદને બાપુજીનો ખરખરો ન કરાય’ અને ત્રીજી અને છેલ્લી સલાહ કે ‘કોઈની સલાહ માનવી નહીં’.
ઘણા અભણ મંત્રીઓ શિક્ષણમંત્રી બની ગયા હોય અને પાછા પીએચ.ડી. થયેલાને સલાહ આપતા હોય. એ જ રીતે, નોન મેટ્રિકને આરોગ્ય વિભાગના મંત્રી બનતાં જોયાં છે. આવું થાય ત્યારે સમાજ આખો ડખ્ખે ચડે, પણ ત્યાં કોઈ સાલાહવીર નહીં પહોંચે.


Also read: સ્પોર્ટ્સ મૅન : ભારતનો ડી. ગુકેશ ચેસ જગતનો નવો સમ્રાટ બનશે?


મંજુ માથાફરેલને અમારાં ગામની એક દીકરીને સલાહ દેતી સાંભળી: ‘જો બાઈ, ધણી થોડો આકરો સારો, નમાલા ધણી નકામા, મારું માન તો માફી માંગી પાછી સાસરે વૈ જા’. મંજુ બે વરસથી રિસામણે બેઠેલી છે તે આવી સલાહ દે તો હસવું જ આવે ને? હમણાં અમારા એક લોકસાહિત્યના પ્રખર વક્તાને ગળામાં થોડી તકલીફ થઈ. હવે આજીવિકા જ અમારું ગળું છે. કોઈ રોગ કે વ્યક્તિ તમારું ગળું પકડી લે તો સ્વાભાવિક છે ચિંતા થાય જ અને હું થોડો મેડિકલ ફિલ્ડ સાથે ભૂતકાળમાં સંકળાયેલો એટલે મને ફોન આવ્યો કે શું કરવું જોઈએ? મારા મિત્ર સારા ઈ.એન.ટી. સર્જન એટલે મેં માગી એટલે સલાહ આપી. ‘અહીં આવી જાવ બધું સારું થઈ જશે’.

અમે ત્રણ-ચાર જણા સાથે ગયેલા એટલે પહેલી સલાહ મારી સાથે રહેલા ચૂનિયાએ આપી કે ‘ડૉક્ટરની ચેમ્બરમાં બે જણા જશે તમે બધા બહાર બેસજો’. અમે બહાર વેઇટિંગમાં બેઠા હતા ત્યાં જ ચૂનિયાએ પૂછ્યું કે ‘શું થયું છે?’ તો કલાકાર કહે ‘એક ડૉક્ટરને દેખાડ્યું તો એણે કહ્યું કે મસો થયો છે…’ તરત જ ચૂનિયાએ પૂછ્યા વગર એન્ટ્રી મારી. ‘ઘોડાનો વાળ બાંધો અહીંથી ઊભા થાવ… ખોટા ખર્ચામાં પડો નહીં.

મારા એક મિત્રને ત્યાં બે ઘોડા છે. અબઘડી ચાર-પાંચ વાળ એને ખબર ન પડે એમ લઈ આવું’. મેં કહ્યું: ‘મસો ગળાની અંદર છે તારા બાપુજીને ફોન કરીને પૂછ ગળામાં ઘોડાનો વાળ અંદર કઈ રીતે બંધાય?!’

સામાન્ય રીતે તમે કોઈ પણ દર્દની વાત કરો તો તેનાં જે સ્પેશિયાલિસ્ટ હોય તેની પાસે આપણે જવું જોઈએ, પરંતુ એક સામાન્ય માણસ તમામ પ્રકારની ડિગ્રી ધરાવતો ડૉક્ટર થઈ ગયો છે. તમે જે દર્દ બોલો તેની દવા એની પાસે હાજર જ હોય. મસા તો ઘણી જગ્યાએ થાય, પણ બહાર દેખાતા હોય ત્યાં તમે કદાચ આ ઘોડાવૈદું કરી શકો. અંદર મસા થાય ત્યાં ક્યાં દોરા બાંધવા જાવ? આમ છતાં પેલો અભણ ‘ભણેલો’ તો ધરાર દેવાનો તો શું કરવું?

એક બહુ જૂની વાત તમને યાદ દેવડાવવું : જગાનો બળદ માંદો પડ્યો એટલે તરત જ ગામઉતાર મનુ નડતર બીડીના ઠૂંઠા ને દોરા સુઘી ખેંચતા બોલ્યો: ‘ભગાકાકાના બળદને પણ ગળામાં આવો જ સોજો આવેલો. ડૉક્ટર ના પૈસા ન ખરચવા હોય તો ભગાકાકાને પૂછી આવ’. જગો દોડતો ભગાની ડેલીએ પહોંચ્યો તેને કહ્યું કે ‘મારા બળદને તારા બળદ જેવું જ દરદ છે. તારા બળદને શું ઈલાજ કરેલો’? એટલે ભગાએ કહ્યું કે ‘તેને મેં એક કિલો એરંડિયું પાયું હતું’.

જગો દોડતો દોડતો પોતાના બળદ પાસે જઈ અને બળદે ના પાડી છતાં બળપૂર્વક ૧ કિલો એરંડિયુ પાઈ દીધું. એકાદ કલાકમાં બળદ મરી ગયો. જગો દોડતો દોડતો ભગા પાસે ગયો અને કહ્યું કે ‘મારો બળદ તો તરફડીને મરી ગયો’. ભગો કહે ‘મારો પણ મરી ગયો હતો’. જગાએ રાડ પાડી કે ‘તો મને પહેલાં કહેવાય ને?’ ભગો કહે ‘તે મને ઈલાજ પૂછ્યો હતો પરિણામ પૂછ્યું હતું?’ એટલે અમુક લોકોને મોઢામાં આંગળાં નાખી બોલાવો તો જ બોલે.આવા લોકોથી પણ ચેતવું.


Also read: ફોકસ: શાર્પ શૂટર્સની દુનિયા ઉર્ફે ગભરાટની ડરામણી સ્ક્રિપ્ટ


વિચારવાયુ: સરકારે દેણામાંથી બહાર નીકળવું હોય તો સલાહ માથે ૨૫ ટકા જીએસટી નાખવો જોઈએ. બીજી બધી વસ્તુઓ ઉપરથી જીએસટી હટાવી લે તોપણ તિજોરી છલોછલ છલકાઈ જશે… પણ સરકાર મારી સલાહ માને તો ને!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button