માસપાલોમાસ – ડ્યુન્સથી લાઇટહાઉસ સુધી…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
વેકેશનની સવાર રોજિંદા જીવન કરતાં થોડી તો અલગ લાગે જ. તેમાંય સૂરજ ઊગતાની સાથે જ દરેક તરફ દરિયો દેખાવા માંડે એટલે વેકેશન પર જ છીએ તેનુું જાણે ક્નફર્મેશન મળી જાય. ગ્રાન કેનેરિયામાં ઇનલેન્ડ ગામડાંઓમાં ઘણા જલસા કર્યા પછી થયું કે હજી દરિયા કિનારે તો સમય વિતાવ્યો જ નથી. હવે અહીં બીચની તો કોઈ કમી ન હતી. દરેક વિસ્તારના પોતાના એક-બે બીચનો સેટ-અપ હતો જ. અમારા એપાર્ટમેન્ટ પાસેના બીચને તો અમે જાણે ઘરકી મુર્ગી સમજતાં હતાં. એવામાં અહીંના સૌથી ખ્યાતનામ બીચ માસપાલોમાસ એક વાર તો જવું જ એવું બ્રેકફાસ્ટ પર ચર્ચાયું. આજે જ ઊપડી જઈએ એમાં બધાં જ તૈયાર થઈ ગયાં. અમે બીચ માટે જરૂરી ચીજોની બેગ અને ટોવેલ્સ હંમેશાં કારમાં સાથે જ રાખતાં, એટલે જ્યારે પણ પાણીમાં પડવાનું મન થઈ આવે ત્યારે અમે સજ્જ હોઈએ.
માસપાલોમાસ ગ્રાન કનેરિયાનો એટલો ખ્યાતનામ વિસ્તાર છે કે ઘણાં લોકો જર્મનીમાં તો ટાપુના નામને બદલે સીધાં માસપાલોમાસ વેકેશન માટે જઈએ છીએ એવું જ કહે છે. માત્ર બીચ પર જ જવું હોય તો સીધું માસપાલોમાસના કોમર્શિયલ બીચ અને ખાણીપીણીના વિસ્તારમાં પહોંચી જવાય, પણ અમને સીધેસીધાં બીચ પર પહોંચવામાં થોડી મજા આવે. અમે પહેલાં તો માસપાલોમાસનાં ડ્યુન્સ પર પહોંચ્યાં. અહીંનો રણ વિસ્તાર ફુઅર્ટેવેન્ટુરા કરતાં સાવ અલગ જ છે. ખાસ તો એટલા માટે કે ત્યાં પહોંચવાનું સાવ સરળ છે. ડ્યુન્સનો વિસ્તાર પ્રમાણમાં થોડો નાનો પણ છે. જોકે તેનો ફાયદો એ છે કે ત્યાં ચાલીને લટાર મારવાનો એકદમ સરળ રસ્તો છે. મજાની વાત એ છે કે અહીંના રણની રેતી જાણે સીધી દરિયાને જઈને મળે છે.
ડ્યુન્સના એન્ટ્રી પોઇન્ટ પર એક કાફેની બહાર જીલાટો મળતો હતો. હજી બ્રેકફાસ્ટ કરીને જ નીકળેલાં, પણ તે જોઈને જરાય રહી શકાયું નહીં. ગરમી આમ પણ વધી રહી હતી, એવામાં આ રણ ખેડવાનું જ હોય તો થોડો જીલાટો પેટમાં પડી જાય એનાથી વધુ મોટિવેશન બીજું શું હોઈ શકે. રણમાં ચાલીને જવાની એક કેડી બનાવેલી હતી. તેમાં પ્રવેશતા પહેલાં એક પોડિયમ બનાવેલું હતું. જાણે ત્યાં પથ્થરના ચોક અને તેની પાળીઓ પર બેસીને કુદરતના વૈવિધ્યનો ડ્રામા જોવાનો હોય તેમ માળખું બંધાયેલું હતું. ત્યાં થોડાં બોર્ડ પર આ વિસ્તાર, તેનું ભૌગોલિક મહત્ત્વ બધું લખેલું હતું. અમે તો જીલાટો પતાવવામાં પડ્યાં હતાં. તે પછી સજ્જ થઈને રણમાં ઝંપલાવ્યું. પહેલાં બાંધેલા રસ્તા પર બધી તરફ રણ હતું જ, પણ પાછળ હોટલ, બીજી તરફ ધમધમતો વિસ્તાર, એ બધું જરાય એ નહોતું ભૂલવા દેતું કે આ ડ્યુન્સ જાણે એક એકસ્ટેન્ડેડ રેતીનો બીચ જ હોઈ શકે. જોકે થોડું આગળ ચાલ્યાં અને બધી તરફ રેતીની ટેકરીઓ અમને ઘેરી વળી. એક ટેકરી પર ચઢીને ત્યાંથી દરિયાનો વ્યુ પણ માણ્યો. રણમાં પહેલાં કદી આવા જલસા કરવા નથી મળ્યા.
આ રણ જ્યાં દરિયાને જઈને મળતું હતું ત્યાં બેસીને આખો દિવસ વિતાવી શકાય તેમ હતું, પણ અમે રણમાં જ ત્રણ-ચાર કિલોમીટર ચાલીને એવાં ઠૂસ થઈ ગયેલાં કે ન દરિયામાં જવાની ઇચ્છા હતી ન પાછાં ચાલીને ગાડી સુધી જવાની કેપેસિટી. એવામાં ડ્યુન્સ પાછળ રહી ગયાં અને અમે કોમર્શિયલ સેન્ટર તરફ આવી ગયેલાં. અહીં દુકાનો અને રેસ્ટોરાં વચ્ચે ઘણી ધમાધમી હતી. દુકાનો ખાસ અહીં ઓછા ટેક્સના કારણે સસ્તામાં મળતાં કોસ્મેટિક્સ માટે જાણીતી છે. અમે એ પ્રકારનાં શોપર્સ નથી પણ જેમને શોપિંગમાં મજા આવતી હોય એમને માસપાલોમાસના બીચ પર એની પણ મજા આવી જાય. એક પ્રકારનો બીચ મોલ જ સમજો ને. અંદરની તરફ રેસ્ટોરાંની પણ કોઈ કમી ન હતી. અમે પહેલાં ત્યાં આંટો માર્યો અને જોયું કે લોકો ક્યાં વધુ છે અને તેમની પ્લેટ પર સી-ફૂડ સિવાય કંઈ વેજિટેરિયન પણ દેખાય છે કે નહીં તે ખાતરી કરી જોઈ.
અંતે એક ઇટાલિયન, મોરોક્કન, સ્પેનિશ રેસ્ટોરાંમાં એક બહેનની પ્લેટ પર ગ્રિલ્ડ રીંગણ જોઈને લાગ્યું કે ત્યાં વેજિટેરિયન ટાપાસ મળવા જ જોઈએ, અને અમને મળી જ ગયા. ગ્રિલ્ડ રીંગણ, ઝુકિની, પટાટા બ્રાવાસ, ઓલિવની વાડકી, મોહો રોહો અને આયોલીનાં ડિપ્સ અને મજેદાર કરકરી બગેટ બ્રેડ સાથે થાક ક્યાંય ભુલાઈ ગયો. અહીંથી આફ્રિકા કેટલું નજીક છે તેની ચર્ચા થઈ. ખાસ તો એટલા માટે કે આ રણની ધૂળ આફ્રિકાથી ઊડીને આવતી હોય તેવું પણ જાણવા મળી રહૃુાં હતું. ગરમીમાં પણ લંચના જલસા થઈ ગયા. હવે કુમારને ઉત્સાહ આવી ગયો હતો કે તે દોડીને રણના રસ્તે પાછો જશે અને રણની બીજી તરફ પડેલી કારને આ છેડે અમારાથી નજીક લઈ આવશે. અમે ત્યાં સુધી લાઇટ હાઉસ એક્સપ્લોર કરવામાં લાગી ગયાં. આ અત્યાર સુધીનો સૌથી વ્યસ્ત બીચ લાગતો હતો. અમે થોડી વાર લાઇટહાઉસની પાછળનાં પગથિયાં પર બેસીને ટીટોડીઓ તથા તેનાં બચ્ચાંઓને પાણીથી બચીને કિનારા પર દોડાદોડી કરતાં જોયાં. ત્યાં ત્રણ સો વર્ષ જૂનાં લાઇટહાઉસ નીચે મમ્મી-પપ્પા સાથે ગપ્પાં મારવામાં અને દરિયો જોવામાં સમય જાણે વધુ પડતો ફાસ્ટ જતો હતો અને રોકાઇ પણ ગયો હતો. વેકેશનની એ પણ મજા છે, સમય ક્યાં જતો રહે તે ખબર જ નથી પડતી.
કુમાર પાછળની ગલી પરના સર્કલ અને પાર્કિંગ તરફ આવીને ફોન કરવાનો હતો. અમે એ તરફ ગયાં તો વધુ થોડાં સ્કલ્પચર દેખાઈ ગયાં. આ જ રસ્તા પર એક સમયે 1500ની સદીમાં ક્રિસ્ટોફર કોલમ્બસ રોકાયો હતો. માસપાલોમાસમાં હજી જોવાનું તો બીજું ઘણું હતું પણ અમે અહીંનાં રણ અને દરિયા સામે પૂરતો સમય વિતાવી ચૂકેલાં. હવે એપાર્ટમેન્ટની બાલ્કનીથી સનસેટ જોવા માટે અને રિલેક્સ થવા માટે અમે મન બનાવી લીધું હતું.