વીક એન્ડ

પંખીડાના માનવવેડા… વહુઘેલો!

નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી

વર્ષો પહેલા કિશોરાવસ્થામાં મોસાળમાં અભ્યાસના એક વર્ષ દરમિયાન એક દૂરના મામા લગ્ન કરીને સજોડે વડીલોના ચરણસ્પર્શ કરવા આવેલા. મામો તો ઘરનો જ હોય એટલે એને મન બધું જાણીતું હતું, પરંતુ નવી નવી પરણીને આવેલી એ રૂમઝૂમ મામી મૂંગા મંતર. અમે સૌ ટાબરિયાઓ ગોળની પાછળ કીડીઓની માફક મુગ્ધાવસ્થામાં નવી મામીની પાછળને પાછળ ફર્યા કરતાં. પરંતુ અમને અચરજ એ હતું કે અમારો મામો’ય અમારી જેમ જ મામીની આગળ પાછળ ચક્કર માર્યા કરતો હતો! જૂની ફિલ્મોનો હીરો નવીસવી માની ગયેલી હિરોઈન પાછળ જેમ લટકા મટકા અને લાડ કરે એમ જ અમારો એ મામો પણ લાડ કર્યા કરતો. અમને એ જોઈને થોડી અજુગતિ લાગણી થઈ આવેલી. આ મામાને તેની અર્ધાંગિની પાછળ લટ્ટુ થતો જોઈને નાનીમા ધીમેથી ગણગણેલા “વહુઘેલો…”

ત્યારે અમને પ્રથમવાર સમજાયેલું કે વહુઘેલો કેવો હોય . . . અને અમને એમ પણ લાગેલું કે આમ વહુઘેલા થવામાં જરૂર કંઈક જલસો હોવો જોઈએ . . . ખેર એ જલસાની વાતો નથી કરવાની આજે. આજે આપણે વાત માંડવાની છે કુદરતના એક વહુઘેલાની. ઓ તેરી . . . પ્રકૃતિમાં’ય વહુઘેલા? હાસ્તો મિત્રો સૌથી મોટું ઉદાહરણ આપણો મોર નથી? ઢેલરાણીને રીઝવવા કળા કરતો આપણે સૌએ જોયો જ છે અને આજની પેઢીએ મોરની એ કળા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ રિલ્સ અને યુટ્યૂબની શોર્ટ્સમાં જોયો જ હશે . . . પુઅર કિડ્સ . . . આ સિવાય આપણી આસપાસ વસતા પ્રાકૃતિક તત્ત્વો પર નજર નાખશો તો અનેક ઉદાહરણો જોવા મળશે, જેમ કે કબૂતરીની પાંખોનો માર ખાઈને પણ કબૂતરો ઈંડા સેવતી કબૂતરી માટે ચણ વેંઢારી નથી લાવતો? પણ આવા જોરુ-કા-ગુલામોની વાત નથી કરવી આજે, પરંતુ એક એવા પંખીની વાત કરવાની છે, જેના વર્તનોના કારણે પક્ષીપ્રેમીઓ તેને લાડમાં વહુઘેલો કહીને બોલાવે છે . . . છે ને મજેદાર વાત?

જે લોકો પંખીલોકના જાણભેદુઓ છે તેઓ સમજી ગયાં છે કે હું કોની કથા માંડવાનો છું. એક અજાયબ દેખાવનું પંખી છે “ચિલોત્રો” ઉર્ફ હોર્નબિલ'. તેની ચાંચનો આકાર પ્રાણીના શિંગડા જેવો હોવાથી અંગ્રેજ પક્ષીવિદોએ તેનું નામકરણ હોર્નબિલ પાડ્યું છે. તો ગુજરાતી પક્ષીવિદોએ તેમનું નામ મારા મામાની હરકતોને જોઈને પાડ્યું હોય એવું લાગે છે! તો ચાલો આજે વાત માંડીએ હોર્નબિલ ઉર્ફ ચિલોત્રો ઉર્ફ વહુઘેલાની. વિશ્વમાં હોર્નબિલની કુલ મળીને 62 પ્રજાતિઓ છે, જેમાંની 32 એશિયા ખંડમાં અને 30 આફ્રિકામાં વસે છે. ગ્રેટ હોર્નબિલ, મલબાર પાઈડ હોર્નબિલ અને રૂફસ-નેક્ડ હોર્નબિલ સહિત નવ ચિલોત્રાઓએ ભારતને પોતાનું ઘર બનાવ્યું છે. સમગ્ર એશિયામાં અરુણાચલ પ્રદેશનો નામદાફા નેશનલ પાર્ક હોર્નબિલ્સની સૌથી વધુ વસતી ધરાવે છે. આ પંખીઓનું મુખ્ય કાર્ય છે ફળાહાર કરીને તેના બીજ ચારેકોર ફેલાવવાનું. ચિલોત્રા દરરોજ અગિયાર હજાર બીજ એક કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાવે છે અને પ્રાકૃતિક વૃક્ષારોપણના માધ્યમ બને છે! કુલ નવ ચિલોત્રાની પ્રજાતિઓમાંથી ચારનું ઘર એકલા પશ્ચિમ ઘાટમાં જ છે, જેમાંથીગ્રેટ હોર્નબિલ’ સૌથી મહત્ત્વનો છે. ગ્રેટ હોર્નબિલ અથવા ગ્રેટ પાઈડ હોર્નબિલ અથવા ગ્રેટ ઈન્ડિયન હોર્નબિલ ભારતમાં જોવા મળતા હોર્નબિલ્સમાં સૌથી મોટું છે. તેઓ મુખ્યત્વે ફ્રુગીવોર્સ એટલે કે ફળાહારી છે, જો કે તક મળે નાના સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને નાના કદના સાપને પણ ખાઈ લે છે. નર ચિલોત્રાને તેની ચાંચની ઉપર એક મોટી હેલમેટ જેવા આકારની નક્કર રચના હોય છે જેને કાસ્ક કહેવાય છે. ચિલોત્રો અન્ય નરને પોતાના વિસ્તારમાં ઘૂસતો અથવા પોતાની માદા ઉપર ડોરા ડાલતો જોવા મળે ત્યારે તેને પોતાની ચાંચ પરના કાસકથી ઢીંક મારે છે.

   સૌથી મોટો ચિલોત્રો ધ ગ્રેટ ઈન્ડિયન હોર્નબિલ છે જેનું કદ આશરે સાડા ચાર ફૂટ જેટલું હોઈ શકે છે. ભારત અને અન્ય સર્વે જગ્યાએ વસતા ચિલોત્રાની જાતિઓ ખતરામાં આવવાનું સૌથી મોટું કારણ હેબિટાટ લોસ છે. મતલબ કે તેના પ્રાકૃતિક ઘરને લોકો છિન્નભિન્ન કરી રહ્યા હોવાથી ચિલોત્રા ખતરાના આરે આવીને ઊભા છે. પણ "બીડુ વ્હોટ મેઇક્સ અ ચિલોત્રા ધ વહુઘેલા?” ચિલોત્રા વિષેની અન્ય વાતોમાં આપણને મજા પડે એવી સહુથી મજાની વાત જ આ છે. કારણ કે માનો કી ના માનો . . . સૌની અંદર એક વહુઘેલો કે વરઘેલી વસતી જ હોય છે . . . તેનું આ નામ પડ્યું છે તેની બ્રીડિગની એક વિશિષ્ટ બાબતના કારણે. આપણાં ચિલોત્રા ભાઈ જ્યારે ઘર માંડે અને નવી રૂમઝૂમ મામી... સોરી... નવી ચિલોત્રી લાવે પછી જે ઘટના બને છે તે મજાની છે.

હનીમૂન પત્યા પછી જ્યારે ઈંડા મૂકવાનો સમય આવે ત્યારે કોઈ ઊંચા વૃક્ષમાં રહેલી પ્રાકૃતિક બખોલમાં ઈંડા સેવવા જરૂરી મટિરિયલથી બન્ને આશિયાના સજાવે. એકવાર ઈંડા મૂકવાનો સમય થાય ત્યારે ચિલોત્રી ભીની માટીથી બખોલનું મોં બંધ કરી દે અને માત્ર પોતાની ચાંચ બહાર નીકળે અથવા નરની ચાંચ અંદર આવે એટલી જ જગ્યા ખુલ્લી રાખે. પછી ચાલુ થાય આપણાં ચિલોત્રાનો સેવાકાળ. વહુ શયનખંડમાં ઈંડા સેવતી સેવતી પોતાની ભાષામાં કહે નાસ્તો . . . અને ઘેલો દોડાદોડ અળસિયું, કે ઉંદર કે નાનો સાપ લઈ આવે. પછી વહુ કહે ડેઝર્ટ અને આપણો ઘેલો ઊડતો ઊડતો જઈને ક્યાંકથી કોઈ વૃક્ષનું પાકેલું ફળ લઈ આવે . . . આમ કોપભાવનમાં બેઠેલી રાણીને રીઝવવા માટે રાજા બનતું બધું કરી છૂટે તેમ મેરે હોને વાલે બચ્ચો કી મા માટે આપણો વહુનો ઘેલો વહુઘેલો મામો તનતોડ મહેનત કરતો જાય. પોતે ખાધું ન ખાધું કરીને પણ પોતાની પટરાણીને ચિલોત્રો તાજી માજી રાખે છે.

જુગજુગની જોડીઓ તો અલગ હોય છે, પરંતુ આપણાં વહુઘેલા અને વરઘેલીઓની ખાસિયત એ છે કે તેઓ પ્રથમવાર જ્યાં માળો બનાવે, ઈંડા મૂકે અને સેવે તે જ જગ્યા પર દરેક વર્ષે માળો બનાવે છે. અને આ જ કારણસર પક્ષીવિદો તેમને રેગ્યુલર નીરખી શકે છે અને શિકારીઓને પણ તેમનો શિકાર કરવો સહેલો પડે છે. કિશોરાવસ્થાની શેતાનીના કેફમાં અમે અમારા ગ્રૂપનો કોઈ મિત્ર કોઈ છોકરી પાછળ પાગલ હોય તો સાંકેતિક રીતે તેને ચિલોત્રો કહીને બોલાવતા . . . મજા એ વાતની હતી કે જાણકાર હોય તેઓ હસી પડતાં અને વહુઘેલાને ખબર પણ ન પડતી . . . એ ચાલો ચાલો . . . મારે શાકભાજી લઈને ઘેર જવાનો સમય થઈ ગયો છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button