માણસને નસીબ હોય, પણ શું એનાં અંગોને ય નસીબ હોય?!
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
કાળા માથાના માનવીને ભૂતકાળમાં જીવવું ગમે છે. કદાચ એટલે જ વિશ્ર્વની તમામ પ્રજા પોતાની સાંસ્કૃતિક
ધરોહરોને બરાબર જાળવી રાખવાની કોશિશો કરતી રહે છે. આ ધરોહરોમાં ઈમારતો, પુસ્તકો વગેરે સહિત મહાનુભાવોએ અંગત ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓનો પણ સંગ્રહ થતો હોય છે. આવી વસ્તુમાં કોઈક મહાન સેનાપતિએ વાપરેલી તલવારથી માંડીને ગાંધીજીના ચશ્મા સુધીની ચીજોનો સમાવેશ થઇ શકે છે. અહીં સુધી બધું બરાબર છે. પણ ધરોહર-વારસાને જાળવી રાખવાની આદત ત્યારે ‘ઘેલછા’ કે ‘પાગલપણું’ ગણાવા માંડે, જ્યારે લોકો મહાનુભાવોની ચીજ-વસ્તુઓને બદલે એમના અંગ-ઉપાંગોને પોતાની પાસે રાખી મૂકે! વાંચતા જ સૂગ ચડે એવી આ વાત છે, પણ વિશ્ર્વના અનેક મહાનુભાવોના વિવિધ અંગોને જુદા જુદા લોકો-સંસ્થાઓ દ્વારા જાળવવામાં આવ્યા છે. એટલું જ નહીં, પણ કેટલાકને તો રીતસર પ્રદર્શન માટે ગોઠવવામાં આવ્યા છે!
સૌથી જાણીતો કિસ્સો એટલે મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું મગજ. ૧૬૦ થી ૧૯૦ જેટલો ઊંચો
આઈક્યુ ધરાવનાર આઈન્સ્ટાઈનનું વજન સામાન્ય વ્યક્તિની સરખામણીએ વધુ કાર્યક્ષમ હોવાનું જ. આવા બ્રિલિયન્ટ બ્રેનમાં તજજ્ઞોને રસ પડે એ સહજ છે. આઈન્સ્ટાઈનના મૃત્યુ પછી ગણતરીના કલાકોમાં થોમસ હાર્વે નામના પેથોલોજીસ્ટે મહાન વિજ્ઞાનીનું મગજ સર્જરી દ્વારા કાઢી લીધું. એના જુદા જુદા હિસ્સા વિવિધ ન્યૂરો સર્જન્સને અભ્યાસના હેતુસર ફાળવવામાં આવ્યા, પરંતુ મગજનો મુખ્ય હિસ્સો તો હાર્વે પાસે જ રહ્યો. આલ્બર્ટ આઈન્સ્ટાઈનના મસ્તિષ્કે કેટલો પ્રવાસ કર્યો, એ વિશેનું ડોક્યુમેન્ટેશન કેટલાંક પુસ્તકો અને ડોક્યુમેન્ટરીઝમાં જોવા મળે છે.
માત્ર મગજ જ નહિ, આઈન્સ્ટાઈનની આંખોમાં પણ લોકોને રસ હતો! થોમસ હાર્વેએ મગજ કાઢતી વખતે વૈજ્ઞાનિકની આંખો પણ કાઢી લીધેલી! કોઈક મૃત વ્યક્તિની આંખો જાળવી રાખવા પાછળ શું લોજીક હોઈ શકે? કદાચ
હાર્વેને પોતાને ય એ વિષે કોઈ સ્પષ્ટતા નહિ હોય એટલે એણે આંખો એક બીજા ડોકટરને આપી દીધી. આ મૃત આંખો આજ દિન સુધી ન્યૂયોર્ક ખાતે એક સેફ ડિપોઝીટ બોક્સમાં સચવાયેલી હોવાનું કહે છે. જ્યારે આ આંખ સંગ્રાહક ડોકટરને મૃત આંખોના સંગ્રહ માટેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે એ સાહેબે તર્ક આપતા કહ્યું, આઈન્સ્ટાઈન સરની આંખો મારી સાથે છે એના કારણે મને એવી અનુભૂતિ થાય છે કે જાણે ખુદ આઈન્સ્ટાઈન મારી સાથે છે! અલ્યા પણ… કુછ ભી?!!
યુરોપિયન સંસ્કૃતિમાં મિડલ ફિંગર’ એક અશિષ્ટ બાબત સાથે સંકળાયેલ ચેષ્ટા છે, પણ ગેલીલિયોની મિડલ ફિંગર બીજા જ કારણોસર જાણીતી છે. ગેલીલિયો વિના આધુનિક ખગોળશાસ્ત્ર અધૂરું ગણાય. પૃથ્વી ગોળ છે અને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, એ સત્ય આજે સ્કુલમાં ભણતું બચ્ચું પણ જાણે છે. પણ ગેલીલિયોએ પ્રથમ વખત આ સત્ય રજૂ કર્યું ત્યારે ચર્ચે એ સ્વીકારવાનો ઇનકાર કરી દીધેલો. એટલું જ નહિ, પણ આવી વાત કહેવા બદલ ગેલીલિયોને નજરકેદ રખાયા. મૃત્યુ બાદ મહાન ખગોળશાસ્ત્રીને એક સાધારણ કબરમાં દફનાવી દેવામાં આવ્યો.કાળક્રમે ગેલીલિયોની શોધ સાચી ઠરી પછી તો અનેક લોકો એના ચાહકો પણ બન્યા. ગેલીલિયોની કબરને એક મ્યુઝિયમમાં ખસેડવામાં આવી. આ દરમિયાન ગેલીલિયોના એક ચાહકે ‘યાદગીરી’ તરીકે ખગોળશાસ્ત્રીના જમણા હાથની વચલી આંગળી કાપીને પોતાની પાસે રાખી લીધી! હાલમાં આ આંગળી ફ્લોરેન્સમાં આવેલા ગેલીલિયોના નામથી જ ઓળખાતા મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.
અંગોના આ લિસ્ટમાં માત્ર વૈજ્ઞાનિકો જ સામેલ હોય એવું નથી. રાજકારણીઓ અને ધર્મગુરુઓ પણ એમાં છે. વિશ્ર્વના સૌથી ઇજજતદાર રાજકારણીઓમાં જેની ગણના થાય છે, એવા ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ અબ્રાહમ લિંકનની હત્યા કરવામાં આવેલી. લિંકન એક થિયેટરમાં શો જોવા ગયા, જ્યાં હત્યારાએ ગોળી મારીને લિંકનની ખોપરી વીંધી નાખી. લિંકન તો ગુજરી ગયા, પણ એમની અંત્યેષ્ઠી પહેલા પેલી બુલેટ તો ખોપરીમાંથી બહાર કાઢવી પડે ને! આ માટેના ઓપરેશન દરમિયાન બુલેટ બહાર કાઢવાના ચક્કરમાં તૂટેલી ખોપરીની કેટલીક કરચો પણ બુલેટ સાથે બહાર આવી ગઈ.
અંત્યેષ્ઠી માટે લિંકનનું શરીર ઓથોરિટીઝને સોંપવામાં આવ્યું, ત્યારે ખોપરીની આ કરચો નહોતી સોંપાઈ. પાછળથી લિંકનનો જીવ લેનારી પેલી બુલેટની સાથે અમેરિકાના સૌથી લોકપ્રિય – સૌથી મહાન પ્રમુખની ખોપરીની કરચો પણ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.
ફ્રાન્સના રાજા હેન્રી ચોથાની વાત જરા જુદી છે. બર્બોન વંશના સ્થાપક તરીકે જાણીતા હેન્રી ચોથાની ગણના એક સારા રાજવી તરીકે થાય છે. પણ ફ્રેંચ ક્રાંતિ દરમિયાન બનેલી હિંસક ઘટનાઓએ ઘણીવાર સારાસારનો વિવેક વિસારે પાડી દીધેલો. હેન્રી ચોથાને મૃત્યુ બાદ દફન કરાયો, એની બે સદી પશ્ચાત ફ્રેંચ ક્રાંતિ થઇ. અને કેટલાક ક્રાંતિકારીઓએ કારણ વગર હેન્રી ચોથાની કબર ખોદી કાઢી! એટલું જ નહિ, પણ એના મૃત શરીરથી માથું અલગ કરી દેવામાં આવ્યું! બસો વર્ષ પહેલા મરી ગયેલા આ માણસનો વાંક કદાચ એટલો જ હતો કે એ રાજવંશી હતો, પણ આ રીતે એની લાશનું માથું કાપનારને કઈ જાતનો સંતોષ મળ્યો હશે, એ તો રામ જાણે!
એ હિચકારી ઘટના પછી હેન્રીનું માથું (હકીકતે ખોપરી) જુદા જુદા ‘કલેક્ટર્સ’ (સંગ્રાહકો) પાસે ફરતું રહ્યું. ઠેઠ ૨૦૧૦માં આ ખોપરી વૈજ્ઞાનિકો પાસે પહોંચી, ત્યાં સુધીમાં તો એની ઓળખ ભૂંસાઈ ગયેલી. કેટલાક સાંયોગિક પુરાવાઓને આધારે સંશોધકોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે ખોપરી સાથેનું ડેથ માસ્ક હેન્રી ચોથાનું તસ્વીર સાથે મેળ ખાતુ હતું. આખરે ઓળખ પાકી થયા બાદ ફરી એક વાર હેન્રીની કબર ખોદવામાં આવી, અને માથાને યોગ્ય સ્થાને ગોઠવીને બાકીના શરીર સાથે વધુ એક વાર દફન કરવામાં આવ્યું.
ભારતમાં પણ ધર્મગુરુઓના અવશેષો જાળવી રાખવાની ઘટનાઓ બની છે. ગોવા ખાતે ખ્રિસ્તી ધર્મના પ્રચારક ફ્રાન્સિસ ઝેવિયરનું પાર્થિવ શરીર હજી સાચવી રાખવામાં આવ્યું છે. કાશ્મીરમાં હઝરતબલ દરગાહ ખાતે ઇસ્લામના નબી મોહમ્મદ પયગમ્બરની દાઢીનો એક વાળ સાચવી રખાયો હોવાનું કહે છે. ભારતમાં ઉદય પામીને બૌદ્ધ ધર્મ અનેક દેશોમાં ફેલાયો. ગૌતમ બુદ્ધના મૃત્યુ પછી એમના પાર્થિવ શરીરને અગ્નિસંસ્કાર અપાયા, એમાં શરીર તો રાખ થઇ ગયું પણ એક દાંત બચી ગયો. ભાવકોએ આજદિન સુધી આ દાંતને શ્રીલંકાના કેન્ડી ખાતે સોનાના કવરમાં જાળવી રાખ્યો છે.
…અને સમ્રાટ નેપોલિયન તથા રશિયાનો રાસ્પુટિન! આ બંનેએ પોતાના જીવનકાળ દરમિયાન મોટી સંખ્યામાં ચાહકો અને એટલી જ મોટી સંખ્યામાં દુશ્મનો પેદા કરી નાખ્યા હતા. આખા યુરોપને જીતવાની ખેવના રાખનાર નેપોલિયન જીવનનાં અંતિમ વર્ષો દરમિયાન નજરકેદમાં રહ્યો. નેપોલિયનને અનેક શારીરિક સમસ્યાઓ હતી એટલે મર્યા બાદ એના મૃત્યુનું કારણ શું, એ જાણવા ઓટોપ્સી કરવામાં આવી. હૃદય અને પેટના અવયવો તપાસાર્થે શરીરની બહાર કાઢયા, પણ સૌથી ઘૃણાસ્પદ બાબત એ હતી કે ઓટોપ્સીને બહાને મૃત નેપોલિયનની જનનેન્દ્રિય પણ વાઢી લેવામાં આવી, જે ક્યારેય અંતિમ સંસ્કાર નહિ પામી! એટલું જ નહિ, વખતોવખત એનું વરવું પ્રદર્શન કરવામાં આવતું .નેપોલિયનની હાઈટ પ્રમાણમાં ઓછી હતી. કહેવાય છે કે નેપોલિયનના શિશ્નને ગફાજ્ઞહયજ્ઞક્ષ’ત ગફાજ્ઞહયજ્ઞક્ષ જેવું અપમાનજનક નામ આપવામાં આવેલું.
જો કે આ બધી વાતને કોઈ અધિકૃત પુષ્ટિ મળી નથી, પણ અનેક લોકો પાસે નેપોલિયનનો અવશેષ ફરતો રહ્યો, અંતે ૧૯૭૭માં યુરોલોજીસ્ટ, સંશોધક અને કલાત્મક વસ્તુઓના સંગ્રાહક એવા જ્હોન લેટિમરે નેપોલિયનનો એ અવશેષ ખરીદી લીધો. આજે જ્હોનના વારસદારો પાસે એ છે.
રાસ્પુટિનનું શિશ્ન પણ મૃત્યુ પશ્ર્ચાત વાધી લેવાયેલું, જે હાલમાં સેન્ટ પીટર્સબર્ગના ઈરોટિકા મ્યુઝિયમ ખાતે જોવા મળે છે. રાસ્પુટિન રશિયાઓ અત્યંત વિવાદાસ્પદ અધ્યાત્મિક ગુરુ હતો. કહેવાય છે કે અધ્યાત્મના નામે એણે રશિયાના ઝારની રાણી સહિત અનેક ઉમરાવોના ઘરની સ્ત્રીઓને પોતાની દીવાની બનાવી મૂકેલી. અનેક સ્ત્રીઓ સાથેના પ્રણયફાગને પ્રતાપે રશિયન ‘કાસાનોવા’ તરીકે પ્રખ્યાત (કે કુખ્યાત) રાસ્પુટિનની હત્યા કરી નાખવામાં આવી. એ પછી
એના નિશ્ર્ચેત શરીરમાંથી શિશ્ન વાઢી લેવાયું, જે આજે મ્યુઝિયમમાં જોવા મળે છે.
જીવતા માણસને નસીબ હોય એ તો સમજ્યા, પણ લોકોની ઘેલછા જોઈને લાગે છે કે મૃત માનવીના અંગોને ય નસીબ જેવું કશુંક હોતું હશે!