લોકસભા ઉપાધ્યાક્ષપદ: ઇતના હંગામા ક્યૂં હૈ?
છેલ્લા ૫૦ વર્ષમાં લોકસભામાં પ્રથમવાર સ્પીકર અધ્યક્ષપદની ચૂંટણી થઇ. સત્તાધારી પક્ષ એન.ડી.એ તેમાં મેદાન મારી ગયો, હવે વિપક્ષોએ ડેપ્યુટી સ્પીકરપદ માટે હોબાળો મચાવ્યો છે ત્યારે શું છે આ ઉપાધ્યક્ષપદનું મહત્તવ એ સમજીએ
કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા
સામાન્ય રીતે લોકસભા કે વિધાનસભાની નિમણૂક થયા પછીના પહેલા અધિવેશનના ત્રીજે દિવસે અધ્યક્ષની નિમણૂક થાય છે. સાધારણત: સહુ પક્ષોની સહમતીથી આ નિમણૂક થતી હોય છે પરંતુ આ વખતે વિરોધ પક્ષોની બેઠકો વધી જવાથી વિપક્ષોએ ગેલમાં આવી જઇ પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો. જોકે, ધ્વનિ મતમાં જ નવી સરકારના ઉમેદવાર ઓમ બિરલાની જીત થઇ અને લોકસભામાં બીજી વાર અધ્યક્ષપદે આરૂઢ થયા. ઉપાધ્યક્ષની નિમણૂક પણ આવી જ રીતે થાય છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે આ નિમણૂક ક્યારે કરવી તેની બંધારણમાં કોઇ સ્પષ્ટતા જ નથી. આ કારણે જ સરકાર અને વિપક્ષો પોતપોતાની રૂએ ઉપાધ્યક્ષો ચૂંટતા રહ્યા છે. એટલે જ ઉપાધ્યક્ષ પદની હાલત પેલા હિન્દી ફિલ્મી ગીતના ‘ઘૂંઘરુ’ જેવી થઇ છે જે ક્યારેક આ પગમાં હોય તો ક્યારેક બીજા પગમાં.
સામાન્ય રીતે નવી લોકસભાના બીજા અધિવેશનમાં ઉપાધ્યક્ષપદની ચૂંટણી કરવી એવી જોગવાઇ છે. ક્યારેક પહેલાં અધિવેશનમાં પણ નિમણૂક થતી હોય છે. આ નિમણૂકની તારીખ અધ્યક્ષ દ્વારા નક્કી કરવામાં આવે છે.
લોકસભામાં અધ્યક્ષની અનુપસ્થિતિમાં ઉપાધ્યક્ષ સભાગૃહનું કામકાજ ચલાવે એવી બંધારણની કલમ અનુચ્છેદ ૧૫(૧) હેઠળ જોગવાઇ છે. આ વખતે તેને અધ્યક્ષ જેટલા જ અધિકાર મળે છે. આ જરૂરી પણ છે.
લોકસભાના પ્રથમ અઘ્યક્ષ ગણેશ વાસુદેવ માળવણકરનું નિધન થયા બાદ તત્કાલીન ઉપાધ્યક્ષ અય્યંગારે લગભગ એક વર્ષ સુધી આ પદ સંભાળ્યું હતું. ૨૦૦૨ની વાત કરીએ તો એ વખતના અધ્યક્ષ જી.એમ. બાલયોગીના આકસ્મિક નિધન બાદ ઉપાધ્યક્ષ પી.એમ.સઇદે મનોહર જોષીની અધ્યક્ષપદે નિમણૂક થઇ ત્યાં સુધી આ પદ સંભાળ્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ નાના પટોલેએ રાજીનામું આપ્યા બાદ અધ્યક્ષપદ લગભગ દોઢ વર્ષ સુધી ખાલી રહ્યું હતું. આ સમય દરમ્યાન નરહરી ઝિરવળે આ કાર્યભાર સંભાળ્યો હતો. ઉપાધ્યક્ષો અધ્યક્ષોના માત્ર અનુયાયી નથી હોતા. તેઓ અધ્યક્ષની ગેરહાજરીમાં પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લઇ શકે છે. આ નિર્ણય પ્રમાણે સંસદે વર્તવું પડે છે. ઉપાધ્યક્ષ સંસદીય સમિતિ (પાર્લામેન્ટરી કમિટિ)ના સભ્ય પણ હોય છે. એ રીતે પણ તેમનું મહત્ત્વ વધી જાય છે.
ઉપાધ્યક્ષપદ વિપક્ષોને આપવાની પરંપરા
છે કે?
લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ આ વખતે વિપક્ષોએ સાથે મળીને ઉપાધ્યક્ષપદ તેમને મળે એવો આગ્રહ રાખ્યો હતો, પણ મોદી સરકાર એમને મચક આપે એવું હાલ તો લાગતું નથી. જોકે, વિપક્ષોને પહેલી વાર ઉપાધ્યક્ષપદ ૧૯૬૯માં મળ્યું હતું. ૧૯પ૦માં બંધારણ અમલમાં આવ્યા બાદ ૧૯૫૨થી ૧૯૬૯ સુધી સત્તાધારી પક્ષનો જ ઉપાધ્યક્ષ રહેતો. ૧૯૬૯થી ૧૯૭૧ સુધી આ પદ વિપક્ષો પાસે રહ્યું. ત્યાર બાદ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના શાસનકાળ દરમ્યાન આ પદ તેમના મિત્ર પક્ષોને આપવામાં આવ્યું હતું. ૧૯૯૦થી ૨૦૧૪ સુધી વળી પાછી વિરોધપક્ષોને આ પદ આપવાની પ્રથા પાળવામાં આવી. ૨૦૧૪થી વળી પાછી આ પરંપરા ખંડિત થઇ. ૨૦૧૪થી ૨૦૨૪ સુધીના મોદીકાળમાં ઉપાધ્યક્ષપદ વિપક્ષોને મળી શક્યું ન હોતું. મોદી સરકારે એ.આઇ.ડી.એમ.કે.ના થંબીદુરાઇને ઉપાધ્યક્ષપદે નિયુક્ત કર્યા હતા જે સત્તાધારી પક્ષ એન.ડી.એ.નો જ એક ઘટક પક્ષ હતો. એ વખતે કૉંગ્રેસ સહિત અન્ય વિપક્ષોને એટલી ઓછી બેઠકો મળી હતી કે અધિકૃત વિપક્ષનો દરજ્જો કોઇને મળે તેમ નહોતો. વિરોધી પક્ષના નેતા તરીકે પણ રાહુલ ગાંધીને સ્થાન મળ્યું ન હોતું. પણ આ વખતે વાત જુદી છે. ભાજપ સહિતની એન.ડી. એ. સરકાર સંપૂર્ણ બહુમતીમાં નથી. વિપક્ષોએ આ વખતે ચૂંટણીમાં સારું એવું કાઠું કાઢ્યું છે. રાહુલ ગાંધીને વિપક્ષી નેતા તરીકેનો અધિકૃત સંસદીય હોદ્દો મળી ચૂક્યો છે ત્યારે તેમની મંશા આ પદ મેળવવાની હોય એ સ્વાભાવિક છે. લોકશાહીની તંદુરસ્તી માટે પણ એ જરૂરી છે કે સત્તાધારી પક્ષને અધ્યક્ષપદ મળે તો વિપક્ષોને ઉપાધ્યક્ષપદ મળવું જોઇએ. જોકે, વિપક્ષોએ અધ્યક્ષની નિમણૂક થાય એ પહેલાં જ ઉપાધ્યક્ષપદ માટે માગણી કરી. અધ્યક્ષપદ માટે પણ ઉમેદવાર ઊભો રાખી બાજી બગાડી છે. હવે પરસ્પર સહમતીથી આ પદ વિપક્ષોને અપાય છે કે પછી ફરી વાર બેઉ પક્ષ ઉમેદવાર ઊભા રાખીને ચૂંટણી કરાવશે એ જોવાનું રસપ્રદ રહેશે. ઉપાધ્યક્ષપદના ચૂંટણી સમયની અવધિ માટે કોઇ જડબેસલાક જોગવાઇ ન હોવાથી આ ખેલ ક્યારે પાર પડશે એ કહેવાય નહીં. સાચે જ, ઘૂંઘરુંની જેમ આ પદ કોના પગે બંધાશે? સત્તાધારી પક્ષના કે વિપક્ષના? એ હાલ તો અટકળોનો જ વિષય છે.
લોકસભાના સ્પીકરની બાજુમાં જે માર્શલ ઊભા થાય છે, કેવી રીતે બની શકાય? કેટલો હોય છે પગાર?
સંસદમાં જ્યારે પણ સત્ર ચાલતું હોય છે ત્યારે આપણે બધાએ જોયું હશે કે સ્પીકરની બાજુમાં બે લોકો ઊભા હોય છે અને એ લોકો સ્પીકરને સંસદની કાર્યવાહી આગળ ધપાવવામાં મદદ કરતાં હોય છે. આ જ લોકો સમય સમય પર સ્પીકરને દસ્તાવેજો આપતા રહે છે. આ લોકોને માર્શલ તરીકે ઓળખવામાં આવે છે. પણ શું ખબર છે કે આ માર્શલની નિમણૂંક કેવી રીતે કરવામાં આવે છે? તેમને કેટલું વેતન આપવામાં આવે છે? ચાલો આજે તમને જણાવીએ સંસદના આ માર્શલ વિશે કે જેમનું સદનમાં ચાલતી કાર્યવાહીમાં મહત્ત્વનું યોગદાન હોય છે.
હવે વાત કરીએ કે આખરે માર્શલની નિયુક્તિ કેવી રીતે કરવામાં આવે છે એની. આમ માર્શલની નિયુક્તિ સીધી ભરતી કરીને નથી કરવામાં આવતી કે ન તો આ પદ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સંસદમાં કામ કરી રહેલાં અધિકારીઓને જ પ્રમોશન આપીને માર્શલ બનાવવામાં આવે છે. આ સુરક્ષા વિભાગના ઓફિસર હોય છે, જોઈન્ટ ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટરપદના ઓફિસર્સની આ પદ માટે નિયુક્તિ કરવામાં આવે છે. આ પદ માટે પહેલાં કામ કરવાનો મહાવરો હોવો આવશ્યક છે, ત્યાર બાદ જ નિયુક્તિ કરવામાં આવે છે.
આસિસ્ટન્ટ ડિરેક્ટર અને સિક્યોરિટી ઓફિસરના પદ પર ઓછામાં ઓછું પાંચ વર્ષનો અનુભવ થયા બાદ જ આ લોકોની નિયુક્તિ કરવામાં આવે છે. આ સિવાય સિનીયર સિક્યોરિટી ઓફિસરને પણ લાંબા અનુભવ બાદ આ પદ પર તેની નિયુક્તિ કરવામાં આવે છે. સ્પીકરના ડાબા હાથ પર જે વ્યક્તિ ઊભી હોય છે અને બીજી બાજુ ઉભેલી વ્યક્તિ ડેપ્યુટી માર્શલ હોય છે. બંનેના કામની વાત કરીએ તો એમનું કામ ખૂબ જ અઘરું ગણાય છે, કારણ કે જ્યારે પણ ગૃહમાં કામકાજ ચાલુ હોય ત્યારે તેઓ સ્પીકર સાથે જ રહે છેે. આ ઉપરાંત કેટલાક ખાસ પ્રસંગો પર તેઓ ગેસ્ટ ઓફ ઓનરને એસ્કોર્ટ કરવાનું કામ પણ કરશે. માર્શલ સિક્યોરિટી ફોર્સમાંથી આવે છે, આવી પરિસ્થિતિમાં સ્પીકરની સુરક્ષાની જવાબદારી પણ આ માર્શલની હોય છે.
માર્શલને દરેક સાંસદ વિશે જાણકારી હોય છે અને તેઓ સ્પીકરને એ વિશે માહિતી પણ આપતા રહે છે. સાથે સાથે જ પ્રશ્નકાલ દરમિયાન પણ તેઓ અનેક પ્રકારની જાણકારી સ્પીકરને આપે છે. વોટિંગ દરમિયાન પણ તેમનું કામ વધી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સદનમાં આ માર્શન સ્પીકરના આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે અને પૂરી રીતે મદદ કરે છે.
માર્શલ એ ગ્રેડ ઓફિસર્સ હોય છે અને તેમના લેવલ પ્રમાણે તેમનું પદ લેવલ ૧૧-૧૨ની વચ્ચે આવે છે. રાજ્યસભાના ઓફિશિયલ ડોક્યુમેન્ટના હિસાબે તેમનો પગાર ૧૫,૬૦૦-૩૯,૧૦૦+ ૫૪૦૦ લેવલ પે આધારિત હોય છે. સેલરી દરેક માર્શલના અનુભવ અને પ્રમોશનના હિસાબે અલગ અલગ હોઈ શકે છે.