વીક એન્ડ

ઇશ્વરને નામે પત્ર અને મની ઓર્ડર

ભગવાન માટેની શ્રદ્ધા-ભક્તિ માટે ઓનલાઇનનો ઉપયોગ વધ્યો

કવર સ્ટોરી -મનીષા પી. શાહ

ધર્મ, સત્ય અને પ્રામાણિક્તાના પ્રતીક ગણાતા ભગવા‘ અયપ્પાના ધર્મસ્થાનક સબરીમાલામાં આધુનિકતાએ રસપ્રદ અસર કરી છે. છતાં પરંપરાનો સદંતર છેદ ઊડી ગયો નથી. કેરળના પથનમથીટ્ટા જિલ્લામાં રાન્ની તાલુકાનું ગામ એ સબરીમાલાનું સરનામું. પણ બધાની ઓળખ થાય સબરીમાલા થકી.

૧૨૬૦ મીટરની ઊંચાઇએ અઢાર પર્વત વચ્ચે આવેલું આ ધર્મસ્થાનક ગાઢ જંગલથી ઘેરાયેલું છે અને પેરીયાર ટાઇગર રિઝર્વ નજીક છે. એક સમયે સબરીમાલાનો જે માહોલ હતો, એમાં ઇન્ટરનેટના આગમનથી ઘણો ફરક
પડ્યો છે.

આજે ભગવાન અયપ્પાને સંબોધીને સાદા પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર અને જાતજાતના કવર આવે છે. એના પર માત્ર આટલું જ એડ્રેસ હોય: સ્વામી અયપ્પા, સબરીમાલા પોસ્ટ ઑફિસ ૬૮૯૭૧૩.

રસપ્રદ બાબત એ છે કે ૧૯૬૩માં શરૂ કરાયેલી આ પોસ્ટ ઑફિસ માત્ર બે મહિના જેટલો સમય જ ખુલ્લી રહે છે. એક જમાનામાં અહીં ટપાલ અને મની ઓર્ડર ઢગલાબંધ આવતા હતા. રોજ હજારો પત્રો આવે અને નાની-મોટી રકમના સેંકડો મની-ઓર્ડર પણ.

આ પોસ્ટ ઑફિસના પોસ્ટ માસ્ટર અરુણ પી. ફરજ બજાવતા આ ભક્તિ-સાગરમાં -આકંઠ ભીંજાયા છે. તેમને કુતૂહલ થાય કે દેશભરમાંથી ભક્તો પ્રભુને શું લખતા હશે? કવર-આંતરદેશીય પત્રો તો ન ખોલાય. પણ પોસ્ટકાર્ડ પર નજર ફેરવવાની લાલચ ક્યારેક રોકી શકાતી નહોતી. કોઇક માંદગીમાંગી છુટકારો અપાવવા, આર્થિક સંકડામણ દૂર કરવા, પ્રિય- પાત્રના મેળાપ માટે, કાનૂની ખટલામાંથી બહાર કાઢવા માટે, કૌટુંબિક કંકાસના અંત માટે પ્રભુને વિનવણી કરતા હતા. કેટલાંક પત્રો સંતાનોના નામકરણ, લગ્ન, દુકાન-ઑફિસના ઉદ્ઘાટનમાં પ્રભુને આમંત્રણ આપવા પણ લખાયેલા હતા.

આ એક-એક પત્રો સૌ પ્રથમ ભગવાન અયપ્પાના ચરણોમાં મુકાતા. ત્યાર બાદ મંદિરની ઑફિસમાં જમા કરાવવાની પ્રથા હતી.
આ પૉસ્ટ ઑફિસ વિશિષ્ટ હતી એટલે એની વ્યવસ્થા પણ અલાયદી. આ પૉસ્ટ ઑફિસ માટે કાયમી સ્ટાફ નથી. મોટાભાગના ડેપ્યુટેશન પર આવે. જ્યારે અરુણભાઇ પૉસ્ટ માસ્ટર હતા. ત્યારે તેમની સાથે ત્રણ જણ હતા. એક પૉસ્ટ મેન અને બીજા બે જણ. આ ચારેય બે મહિના પૉસ્ટ ઑફિસને અડીને બનેલા એક રૂમમાં જ રહે. બે મહિનાની ભક્તિની મોસમ પતી ગયા બાદ જ ઘરે પાછા ફરે.

એક સમયે આ પૉસ્ટ ઑફિસમાં ઘણો ધમધમાટ રહેતો હતો. હવે ઘણાં કામ ઓનલાઇન થઇ જાય. પૂજાનું બુકિંગ, પ્રસાદ-ભોગ ધરાવવા અને મની ટ્રાન્સફર સહિતનું ઓનલાઇન પતી જાય. આમ છતાં આજે ય રોજ ૧૫૦ જેટલા પત્ર આવે ખરા.

એક સમયે મની ઓર્ડરથી રોજના હજારો રૂપિયા પ્રભુને ધરાવવા આવતા હતા. પણ હવે ગણતરીના મની ઓર્ડર જ આવે છે. હવે પ્રવાહ એકદમ બદલાઇ ગયો છે.આજકાલ અહીં વહાલા સંબંધીઓને પત્ર લખીને સબરીમાલાની પૉસ્ટ ઑફિસમાં આપી દે છે.

મોબાઇલ ફોન, વ્હોટસ અપ હોવા છતાં પત્ર કેમ મોકલતા હશે? એનું કારણ છે સબરીમાલા પૉસ્ટ ઑફિસનું વિશિષ્ટ સિલ અર્થાત્ સિક્કો ૧૯૭૪થી ઉપયોગ કરાતા આ સિલમાં અયપ્પાની મૂર્તિ ઉપરાંત મંદિરના ૧૮ દરવાજા એમ્બોસ કરેલા છે. ઘણાં આને ખૂબ શુભ અને પવિત્ર માને છે. એટલે સબરીમાલાથી પત્ર મોકલાય તો એના પર આ સિક્કો લાગી જાય. આવા પત્ર મેળવનાર ભક્તો એને ’વિત્ર સંભારણા તરીકે કાયમ સાચવી રાખે છે. ભક્તિની ૪૧ દિવસની મોસમ પૂરી થાય પછી આ સ્પેશ્યલ સિલને જતનપૂર્વક પોસ્ટ ઑફિસ સુપરિન્ટેન્ડન્ટના લોકરમાં મૂકી દેવાય છે.

ખરેખર, ધર્મસ્થાનક, ભક્તો, શ્રદ્ધા એ વિશ્ર્વાસની અનેક અનોખી દુનિયા છે ને?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ