લે, ગમ્મે ત્યાં હસાય?
અંતિમ યાત્રાનાં અર્ધ- સત્ય!
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
સફેદ કપડાં પહેરીને ચાલતું ટોળું હંમેશાં સ્મશાન યાત્રા નથી હોતું તેવું હમણાં જ એક પક્ષની પ્રચારયાત્રાને જોયા પછી મનમાં ગોખી
લીધું છે.
અત્યારના સમયમાં બધું મોડર્ન થતું જાય છે બાપુજી કે બા કઈ રીતે જીવી ગયાં , પાછળ બજેટ કેટલું મુકતા ગયા છે, ગામમાં હાહાકાર કેવો મચાવ્યો છે એટલે કે સંબંધો કેવા રાખ્યા છે, વિગેરે વિગેરે ચર્ચા કરી તે પ્રમાણે અંતિમયાત્રા કઈ રીતે નીકળશે તેનું પ્લાનિંગ થાય છે.
હમણાં કોઈ એક જુવાન બહેન ગુજરી ગયા એમની અંતિમયાત્રા નીકળેલી એમાં પેલી સ્વર્ગસ્થ બહેનનો પતિ ખૂબ રડતો હતો. ગામમાંથી સ્મશાન યાત્રા પસાર થઈ રહી હતી, પરંતુ જુવાનને રડતો જોઈને એક સ્વરૂપવાન યુવતીએ એની બહેનપણીને કીધું : ‘આ રડે છે ઘરનું સરનામું મને ખબર હોત તો હું રૂબરૂ જઈ અને એને સાંત્વના આપી આવત’ તરત જ પેલા પુરુષે રડતા રડતા કહ્યું કે ‘આરાધના સોસાયટી- બ્લોક નંબર :૨૦ …મહાદેવ કરિયાણાની દુકાન સામે ડંકીવાળા મકાનમાં… તું મને એકલો મૂકીને કેમ ચાલી ગઈ ?! ’ ખરેખર યાત્રાનું આ અંતિમ સત્ય હતું.
હમણાં એક ડીજે સાથે સ્મશાનયાત્રા નીકળેલી. મને આશ્ર્ચર્ય થયું તો અમારો ચુનિયા કહે : મરી ગયા એને હું ઓળખું છું… ગમે તેના લગ્ન હોય… ડીજેમાં સૌથી આગળ નાચવાવાળો આ જ રહેતો… એટલે છોકરાઓએ નક્કી કર્યું કે એ ગુજરી જાય તો ડીજે સાથે રવાના કરવા…
આમ તો હું તો ક્યાંય સ્મશાનયાત્રામાં જતો જ નથી. હમણાં એક સ્મશાનયાત્રામાં ધરાર જ્વું પડ્યું. ઘરે આવ્યો તે પહેલા મારી “ખ્યાતિ ઘરે પહોંચી ગઈ હતી. ઘરવાળીએ જોરદાર ઘઘલાવ્યો. : ‘ખબરદાર છે આજ પછી કોઈની સ્મશાનયાત્રામાં ગયા છો તો….ખબર જ ના પડે ત્યાં હાહાહીહી ના કરાય. એકલા હસતા હોત તો કદાચ ગાંડો ગણી અને જવા પણ દે. આ તો તમે હસો સાથે ૧૦ બીજા હસે.લોકોને સ્મશાનયાત્રા નહિ પણ હાસ્યયાત્રા લાગે…. જોયો નહીં, આગળ દોણી લઇને જાતો તો એ તમારી સામે કેવા ડોળા કાઢતો હતો?’
ખરેખર મારે મારા ઘરવાળાને કહેવું હતું કે દોણીવાળો એટલે ડોળા કાઢતો હતો કે એ અમારી સાથે હસી નહોતો શકતો. આમ તો નનામીમાં બાંધેલી વ્યક્તિને પણ હસવું હોય, પરંતુ શું છે કે સમાજની દ્રષ્ટિએ સારું ન લાગે એટલે બિચારા એમને એમ પડ્યા રહે અને અમુક વ્યક્તિ ન હસે તેમાં અમને કશું અજુગતું ન લાગે, કારણ કે અમારા હાસ્યદરબારમાં પણ અમુક લોકો આમ નનામીમાં બાંધેલા હોય તેમ જ છેક સુધી બેસી રહે. માનવીના જીવનમાં સ્મશાનયાત્રા- અંતિમ યાત્રા બહુ જ અગત્યની હોય છે, કારણ કે એ જેવું જીવે છે તેવી એની સ્મશાનયાત્રા નીકળે છે. આખી જિંદગી પરોપકારમાં જ કાઢી હોય એની સ્મશાનયાત્રામાં માણસો પણ ખૂબ જ હોય, પરંતુ જે આખી જિંદગી નડ્યા જ હોય એની સ્મશાનયાત્રામાં કોઈ કાંધ દેવા રાજી ના હોય.
પહેલાના સમયમાં અંતિમયાત્રા નીકળતી અને અત્યારે અંતિમયાત્રા નીકળે છે તેમાં બહુ મોટો ફરક છે. પહેલા ઘરેથી લઇ અને સ્મશાન સુધી ખભા ઉપર ઉપાડી નનામી લઇ જવી પડતી હતી, પરંતુ હવે તો અંદરના રૂમથી ફળિયાના છેડા સુધી માંડ કાંધ દે છે અને ત્યાર પછી સીધી જ ગાડીમાં સવારી કરાવી દે … ગુજરી ગયાના સમાચાર આવે એટલે સ્મશાનયાત્રામાં અમુક લોકોને તો ખાસ બોલાવવા જ પડે, જેમ કે વિધિના જાણકાર,મૃતદેહ નનામી પર બાંધનાર, વાતે વાતે વાંકું પાડતા ઘરના બે-ચાર નડતર વડીલ કે જેથી કરી અને અમને ન બોલાવ્યા અમને પહેલા ન કીધું …તેવા ધોખા ન કરે.
હવે તો ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં જ વિધિ કરવામાં આવે છે.પહેલાં માત્ર લાકડામાં જ અંતિમ સંસ્કાર કરાતા ત્યારે તો ખાસ એવી વ્યક્તિને પણ હાજર રાખવામાં આવતી, જે મૃતદેહને લાકડા પર ગોઠવી અને લાકડા કઈ રીતે ગોઠવવા તેના જાણકાર હોય. આડા દિવસે કોઈ એનો ભાવ નો પૂછતું હોય અને આ વાત તે વ્યક્તિ બરાબર જાણતી હોય એટલે તે દિવસે એ જમાદારની જેમ સાવ અમસ્તો બધાને ખખડાવતો હોય. લોકો પણ ત્યારે એ વ્યક્તિને કશું કહે નહીં. એકાદ એવા વડીલ જે માત્ર જાણકાર હોવાનો સિક્કો મરાવવા માગતા હોય તે મરેલ વ્યક્તિનું કઈ દિશામાં મોઢું રાખવું કઈ દિશામાં પગ રાખવા? તેની સૂચના માટે ઘરનાને એમ કહે કે ‘પૂર્વમાં માથું રહેશે અને પશ્ર્ચિમમાં પગ.’ અરે ભાઈ પૂર્વમાં માથું હોય તો પગ આપોઆપ પશ્ર્ચિમમાં જ આવેને.?! ભલે, આખી જિંદગી સીધો ન રહ્યો, પરંતુ અત્યારે તો સાવ સીધો સપાટ સૂતો છે. મરનાર વ્યક્તિનું વજન વધારે હોય એટલે કે શરીર ભારે હોય તો જેવી નનામી બંધાઈ જાય અને એમ કહે કે ચાલો, હવે ચાર જણા આવી અને કાંધ આપો એટલે તરત જ સાવ નવરા બેઠેલી વ્યક્તિઓ પણ કામમાં વ્યસ્ત હોય તે રીતે ફૂલના હાર ક્યાં છે?દોણીવાળો ક્યાં છે? ગાડીવાળો આવી ગયો કે નહીં? આવાં કામ વિચારી વિચારીને બહાર ભાગવા માંડે.નનામી છેક ગાડી સુધી પહોંચે એટલે દોડી આવીને ખભો ખાલી અડાડી દે, જેથી કરી અને ખભો દીધાનું પ્રૂફ રહે.
હવે તો સ્મશાન પણ એવા સરસ થઈ ગયા છે લોકો ખરેખર જોવા જાય છે. અમારો ચુનિયો તો વેકેશનમાં મહેમાન આવ્યા હોય અને કોઇ ઓછું ઓળખીતું ગુજરી ગયું હોય તો પણ સગા- વહાલાઓને લઈને સ્મશાનયાત્રામાં જાય છે. મૃતદેહની ગાડીમાં જ બધા ને બેસાડી દે અને મૃત વ્યક્તિની અંતિમ વિધિ ચાલે ત્યાં સુધીમાં સગાવહાલાઓને આખું સ્મશાન ફેરવી દે પછી જે ગુજરી ગયા હોય તેના સંબંધીઓએ ઘરે પાછા પહોંચવા માટે વાહનની વ્યવસ્થા કરી હોય તે એકાદ વાહનમાં બધા સગાવહાલાને ચડાવી વાહનને સીધા પોતાને ઘેર હંકારી લેવાનું કહે.
મહેમાનને બારમાના જમણમાં બારોબાર મીઠાઈ ખવડાવી દક્ષિણાના પૈસે ફીલમ દેખાડે એ અમારો ચુનિયો…!
મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે એ હસતા હસતા સ્વીકારવું જોઈએ. એટલે જ અમારા કોઈ હાસ્ય કલાકાર ગુજરી જાય તો ક્યારેય શ્રદ્ધાંજલિ નથી હોતી -હાસ્યાંજલિ હોય છે.
વિચારવાયુ
છાજિયા બે પ્રકાર :
એક, કોઈ ગુજરી જાય ત્યારે રડતાં રડતાં છાતી કૂટે તે અને બીજો : કોઈ નેતા વચન ભૂલી બેફામ બને ત્યારે પ્રજા કૂટે તે….!