લક્કડ સૂંઘવો-નિશિર ડાક ને શિકોલ બુરી… એ બધું શું છે?
ટૂંકમાં એ જ કે લોકોને ડર ગમે છે!
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
વાત ૨૦૧૫ની છે…
બિહારની વિધાનસભા ચૂંટણીઓનો પ્રચાર પૂરજોશમાં હતો. એકાદ સભામાં પ્રધાનમંત્રી મોદીજીએ પોતાની લાક્ષણિક શૈલીમાં લોકોને કહ્યું કે નીતીશ કુમાર દરેક ગામમાં વીજળી પહોંચાડવાના હતા,એનું શું થયું?
જવાબમાં નીતીશ કુમારે ચેલેન્જ ફેંકી કે મેં એક પણ સભામાં ગામેગામ વીજળી પહોંચાડવાનો વાયદો કર્યો હોય તો સાબિત કરી બતાવો! એમણે એ પણ ઉમેર્યું કે પહેલાં માત્ર લક્કડ સૂંઘવો’ ફરતો હતો, પણ હવે કન-ફૂંકવો’ – કાન ભંભેરણી કરનાર પણ ફરે છે, માટે સાચવજો!
કટ ટુ નવેમ્બર ૨૦૨૦. બિહારમાં ફરી ચૂંટણીનો માહોલ જામેલો. આ વખતે મોદીજીનો વારો હતો. એમણે લાલુ-રબડીના જૂના શાસન અને હિંસા-અરાજકતાને યાદ કરીને લક્કડ સૂંઘવા’ સાથે સરખાવ્યા હતા, કેમકે લાલુરાજમાં એવી ગુનાખોરીએ એવી માઝા મૂકેલી ઘર બહાર નીકળવામાં જોખમ રહેતું.
પ્રશ્ન એ છે કે આ લક્કડ સૂંઘવા’ આખરે છે કોણ?
યુપી- બિહારનો લક્કડ સૂંઘવા’:
ઉત્તર ભારતના પ્રદેશોમાં એવી વાયકા છે કે કિશોરવયના છોકરાઓ એકલા જતા હોય ત્યારે કોઈક અજાણ્યો આદમી આવીને એમને લલચાવે છે: હું તને એક અદભૂત ચીજ બતાવીશ, પણ પહેલા જરા લાકડાનો આ ટુકડો સૂંઘી લે!’
પેલો છોકરો કશુંક રસપ્રદ જોવાની લાલચમાં વગર વિચાર્યે લાકડાનો નાનો ટુકડો સૂંઘે એટલે વાત ખતમ! છોકરો જાણે પેલા લાકડું સુંઘાડનારા – લક્કડ સૂંઘવાથી વશીભૂત થઈને પેલા સામે ગુલામ જેવું વર્તન કરવા માંડે … એ પછી પેલો લક્કડ સૂંઘવો છોકરાને લઈને કોઈક અજાણ્યા પ્રદેશમાં જતો રહે છે!
એવું કહે છે કે ૮૦-૯૦નાં દાયકા દરમિયાન લોકો નાના બાળકો એકલા ઘરની બહાર ન જાય, એ માટે આવા લક્કડ સૂંઘવા’નો બહુ ડર બતાવતા. એ ડર એવો પ્રચલિત થઈ ગયો કે એકવાર તો એક નિર્દોષ સાધુને ગામલોકોએ લક્કડ સૂંઘવા’ સમજીને મારી નાખેલો!
ખેર, આવી વાત – લોકકથાઓ પ્રચલિત થતી રહે છે, એનું કારણ એ છે કે લોકોને ડર ગમે છે! જો એવું ન હોત તો આટલી બધી હોરર ફિલ્મો થોડી બની હોત! વિશ્ર્વની દરેક ભાષામાં ડરામણી ભૂતકથાઓ અને ભય જગાડતા કિસ્સાઓ મોજૂદ છે.
એક રસપ્રદ આડવાત.
શું તમને ખબર છે કે સૌથી ટૂંકી હોરર સ્ટોરી કઈ? ઇસ ૧૯૪૮માં ફ્રેડરિક બ્રાઉન નામના વ્યક્તિએ માત્ર બે લીટીની વાર્તા હતી:
The last man on Earth sat alone in a room. There was a knock at
the door…’
અર્થાત, પૃથ્વી પરનો છેલ્લો માણસ એક રૂમમાં એકલો બેઠો હતો. ત્યાં કોઈકે’ દરવાજો ખટખટાવ્યો..!
અહીં કોઈક’ એટલે એવા પરાભૌતિક વાત , જેને આપણે ભૂત’ કહીએ છીએ. દુનિયાનો કોઈ સમાજ એવો નથી, જેને પોતીકી ભૂતકથા ન હોય! તમે ભૂતનાં અસ્તિત્વમાં માનતા હો કે ન માનતા હો, પણ એટલુ તો માનવું જ પડે કે મોટાભાગની ભૂતકથા અત્યંત રસપ્રદ હોય છે. કેટલીક વાર તો એ ડિટેક્ટિવ સ્ટોરી કરતાં પણ વધુ રહસ્યમય હોય છે. ઉદાહરણ તરીકે.
લોકપ્રિય નવલકથાકાર સ્વ. અશ્ર્વિની ભટ્ટની નવલકથા આયનો’… અને એટલે જ મારું દ્રઢપણે માનવું છે કે તર્કશક્તિ પાસે ઓવરટાઈમ કરાવવાને બદલે ભૂતકથાને સાહિત્યના એક પ્રકારગણીને એની મોજ માણવી જોઈએ..
શરૂઆતમાં જેની વાત કરી એ લક્કડ સૂંઘવા’નાં પાત્રને પણ કેટલાક લોકો ગેબી શક્તિ’ માને છે.
આજે આપણે અહીં એવી કેટલીક કથા-કિસ્સાઓની વાત કરવી છે, જે ભારતના વિવિધ ભાગોમાં પ્રચલિત છે.
આપણા દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ. તમારા પરિવારના કોઈક વડવા સાથે આવી એક ઘટના મોટે ભાગે જરુર બની હશે. જ્યારે એ વગડામાં થઈને કે પછી એવા નિર્જન માર્ગેથી કોઈક ચોક્કસ સમય-તિથીએ પસાર થયા હશે ત્યારે એ સમયે કોઈક વિચિત્ર વ્યક્તિએ (મોટે ભાગે ડોસો અથવા ડોસી) એમની પાસે બીડી માંગી હશે! અહીં એવા ય કિસ્સા જાણવા મળશે કે બીડી દેવા માટે લંબાવેલો હાથ પેલા’એ પકડી લીધો અને જે-તે વ્યક્તિ જરુર વળગાડનો ભોગ બની હશે…!
કેટલીક વાર બળદગાડામાં મુસાફરી કરનારને પણ બીડીનો આવો કોઈ શોખીન’ જરુર ભટકાઈ ગયો હશે..! આવે વખતે જો કોઈ આવું’ નજીક આવીને તમારી પાસે બીડી માંગે તો ગમે એવા સંજોગોમાં ગાલ્લા (એટલેકે બળદગાડા)ની નીચે ઉતરવાની ભૂલ કયારેય કરતાં નહીં. જો નીચે ઉતર્યા તો મર્યા સમજો…. ઘણા એવું માને છે કે બળદગાડું પવિત્ર વાહન હોવાથી કોઈ મેલી શક્તિ એમાં ચડી શકતી નથી!
ભોજન વિષે પણ આવા કિસ્સા પ્રચલિત છે. એક વડીલ મિત્રના કહેવા મુજબ , વર્ષો પહેલા એમના દાદા (ઇ.સ.૧૯૫૦ પૂર્વે) દિવાળીની વાનગીઓ લઈને મારી ફોઈના ગામ આપવા જતા હતા. વગડા જેવા વિસ્તારમાંથી એ દાદા પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક બળદો ઉભા રહી ગયા. દાદાએ જોયું કે નજીકના ઝાડ નીચે બેઠેલી ડોશી એમની સામે લાલચભરી નજરે જોઈને મલકાઈ રહી છે. ડોશીનું ધ્યાન વાનગીઓ બાંધેલી જુદી જુદી પોટલીઓ પર હતું. દાદા કશું બોલે એ પહેલાં પેલા ડોશીમા બોલી ઊઠયાં : મને મઠિયા બૌ ભાવે. તારી પાંહે બાંધેલા છે, એમાંથી થોડા આપતો જા!..!’
સાવ ખખડી ગયેલાં ડોશીનો અવાજ રણકદાર હતો. દાદા પણ સમજી ગયા કે પેલી સાથે બહુ વાતો કરવામાં કે
ઉભા રહેવામાં સાર નથી… અને એ પોતાનો ભાગ લીધા વિન જવા પણ નહીં દે એટલે વાનગીઓમાંથી એક પોટલું ઉઠાવીને ડોશી તરફ ફેંકતા કહ્યુ : આ લે.. મને જવા દે. દીકરીને સાસરે પહેલી દિવાળી છે.’ આટલું બોલીને દાદાએ ગાડું હાંકી મૂક્યું. અચાનક ઉભા રહી ગયેલાં બળદ પણ ગાડાનો ભાર જાણે સાવ હળવો થઇ ગયો હોય એમ પૂરપાટ ભાગ્યાં.. પછી તો દીકરીને ત્યાં જઈને દાદાએ જોયું કે પોતે જે પોટલું અનાયાસે ફેંકેલું એ મઠીયાનું જ હતું!
આ ઘટના પછી દાદા બે-ત્રણ દિવસ તાવમાં તરફડતા રહ્યાં.. બિચારાને બે દિવસે તાવ ઉતરેલો!
જો કે એ પછી આવા બીજા પણ ઘણા કિસ્સા જાણવા મળ્યા, જેમાં કેટલાક ખાઉધરા તત્વો’એ નિર્જન રસ્તે પસાર થનારા લોકો પાસે રીતસરનું દાપુ’ ઉઘરાવ્યું હોય!
‘નિશિર ડાક’ ને ‘શિકોલ બુરી’: બુલાતી હૈ મગર જાને કા નહિ!
અહીં દાદાએ મઠિયા આપવા પડ્યા, ને પછી તાવમાં શેકાવું પડયું એ તો બહુ સસ્તામાં પત્યું ગણાય. બાકી મઠિયાની શોખીન પેલી ડોશી જો બંગાળી હોત તો દાદા બિચારા ક્યાંક ખોવાઈ’ ગયા હોત!
બંગાળીમાં એક શબ્દ પ્રચલિત છે નિશિર ડાક ’ અર્થાત, અંધકારનો કોલ-બોલાવો’ બંગાળમાં એવી માન્યતા છે કે જો અંધકારભર્યા રસ્તે કોઈક તમને બોલાવે તો એ તરફ બિલકુલ ધ્યાન આપવું નહીં-એને હોંકારો’ સુદ્ધાં ન અપાય.. આ એક કપટી-દુષ્ટ આત્માએ સર્જેલી ભ્રમણાનો ખેલ હોય છે. તમને થાય કે કોઈક મિત્રનો અવાજ છે અને તમે જવાબ આપવાની કોશિશ કરો એટલે ગયા કામથી! પેલી દુષ્ટ આત્મા તમને એવા અજાણ્યા પ્રદેશમાં ખેંચી જાય, જહાં સે આજ તક કોઈ વાપસ નહીં આ શકા!
હા,જો અંધકારભર્યા રસ્તે ખરેખર કોઈક ઓળખીતું હોય તો અને એ તમને બોલાવતું હોય તો એ તમને સતત ત્રણ વાર સાદ પાડે તો જ ધ્યાન આપવું, કેમકે માન્યતા એવી છે કે ભ્રમિત કરનારો દુષ્ટ આત્મા તમને બે થી વધુ વખત બોલાવી શકતો નથી!
થેન્ક ગોડ કે દુષ્ટ આત્માની દુનિયામાં આવા કડક કાયદા છે,નહીંતર અત્યાર સુધીમાં દુનિયાની અડધી વસતિને બંગાળી દુષ્ટાત્માઓ બ્લેક હોલમાં તાણી ગઈ હોત!
અહીં બંગાળી ભૂતોની વાત નીકળી છે તો શિકોલ બુરી ’ને કેમ ભૂલાય?!
તમે જોજો, કૂવા ને તળાવોને પણ પોતીકો ઇતિહાસ હોય છે. અનેક ગામોમાં એવા કૂવા-તળાવ મળી આવશે, જેની સાથે સદીઓ જૂની વાયકાઓ અને પરાભૌતિક વાત સંકળાયેલી જાણવા મળશે. છે. એનું એક કારણ કદાચ એ છે કે આણે ત્યાં સદીઓથી આવાં સ્થળ આત્મહત્યા કરનારાઓ માટે માનીતું સ્થળ’ ગણાય છે. પહેલાના જમાનામાં નદી પર બ્રિજ તો હતા નહીં એટલે લોકો કૂવા કે તળાવમાં પડતું મૂકતા.
આવી જ કોઈ સ્કુલમાં ભણતી- કોઈ તરુણ ક્ધયાએ કોઈક કારણોસર તળાવમાં પડતું મૂક્યું હશે, જેનું પ્રેત શિકોલ બુરી’ (સ્કુલમાં ભણતી ક્ધયા) તરીકે ઓળખાય છે.
બંગાળમાં એવી વાયકા છે કે ભીના વાળવાળી યુવતી પોતાના યુવા પ્રેમીની રાહ જોતી તળાવને કિનારે કોઈ વૃક્ષ નીચે બેસી રહેતી હોય છે. યુવાનોને એ પોતાની સુંદરતાથી લલચાવે છે. અને જેવો પેલો લટુડાપટુડા કરતા નજીક જાય કે તરત પેલી એને પોતાને ઘર’ એટલે કે તળાવને તળિયે દોરી જાય ..કાયમ માટે! ( સંપૂર્ણ )