લા પાલ્મા-નાના ટાપુનું મોટું શહેર…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
લા પાલ્મા જાઓ અને માત્ર એક્વેરિયમ જોઈને પાછાં ચાલ્યા જાઓ એવું તો થઈ જ ન શકે ને. અમે એક્વેરિયમમાં વિતાવેલો દિવસ થોડા જ કલાકોમાં અત્યંત રસપ્રદ શહેરમાં વિતાવેલા દિવસમાં પલટાઈ ગયો હતો. પહેલાં તો અમારે પેટપૂજા કરવી હતી. સ્પેનિશ રેસ્ટોરાંમાં મોટાભાગે અમે વેજિટેરિયન વાનગીઓમાં ખાસ ઠરતાં નહીં. એવામાં કુમારે નજીકમાં જ એક લોકપ્રિય વિગન રેસ્ટોરાં શોધી રાખેલું. ત્યાં પહોંચતાં પહેલાં એક ફૂડ માર્કેટ રસ્તામાં આવતી હતી. ત્યાં પહોંચવા માટે અમારે એક મોટો બ્રિજ ક્રોસ કરીને જવાનું હતું. થોડું આગળ જતાં જ સમજાઈ ગયું હતું કે ન તો માર્કેટ નજીક હતી, ન રેસ્ટોરાં. જોકે શહેરની ગલીઓ એટલી મજાની હતી કે રસ્તો ક્યાં કપાઈ ગયો ખબર પણ ન પડી. પહેલાં તો આવી માર્કેટ.
મર્કાડો ડેલ પુએર્ટો બહારથી જ ડાર્ક ગ્રીન રંગે રંગાયેલા રોટ-આયર્નની બનેલી આ નાનકડી સ્ક્વેર માર્કેટની ચોરસ ઇમારત કંઇક ખાસ લાગી હતી. પાછળથી ખબર પડી કે અહીંનાં આર્કિટેક્ટ પણ ગુસ્તાવ એફિલની કંપનીના જ છે. એફિલ ટાવર બનાવીને આરામથી જલસામાં તેમણે જે ડિઝાઇનો બનાવી, તેમાંની એક આ માર્કેટ પણ હતી. અહીં બધું જ એકદમ સિમેટ્રિકલ અને સુંદર લાગતુું હતું. આમ તો બહાર ગરમી અને ચળકતા સૂરજમાં ક્રિસમસ ડેકોરેશન્સ થોડાં આઉટઓફ પ્લેસ લાગતાં હતાં પણ અંદર મોલ જેવા ડાર્ક માહોલમાં ક્રિસમસ ડેકોરેશન પણ જામતાં હતાં. સ્પેનની મર્કાડો અને ઇટાલીની ફોરમ જ આજના જમાનાના મોલ્સનાં પૂર્વજો રહૃાાં હોય તેવું લાગતું હતું.
અંદર માર્કેટમાં ખાણી-પીણી અને શાકભાજીની ખરીદી ઉપરાંત થોડી ક્રિયેટિવ અને ચમકતી ચીજોની દુકાનો પણ હતી. જોકે બરાબર લંચ આસપાસના સમયે ત્યાં અડધાથી વધુ દુકાનો તો બંધ મળી. અમને મજા આવે તેવા થોડા ફૂડ સ્ટોલ્સ ખુલ્લા હતા અને હજી પેલું વિગન રેસ્ટોરાં પણ બાકી હતું. એવામાં અમે ત્યાં એક ઇટાલિયન સ્ટોલથી ઠંડી વ્હાઇટ વાઇન, વેજિટેબલ કીશ, પિત્ઝા સ્લાઇસની મજા માણી. એટલું પૂરતું ન હોય તેમ ત્યાં એક સ્ટોલ પર શેરડીનો રસ મળતો હતો. તેનું મશીન પણ બરાબર ભારતમાં મળે છે તેવું જ હતું. પ્લાસ્ટિકના એક ગ્લાસ શેરડીના રસના મોંઘા કોકટેલ જેવો ભાવ આપીને અમે મર્કાડોના ઊંચા ટેબલ પર ગોઠવાયાં. એક વાત નક્કી હતી, આ શહેરને ખાવાનું પીરસતાં અને મુલાકાતીઓને જલસા કરાવતાં જરૂર આવડતું હતું. મર્કાડોમાં મજા હતી, પણ અંધાં પણ હતું. બહાર નીકળતાં તડકાએ આંખો આંજી દીધી.
હવે અમે રેસ્ટોરાં તરફ આગળ વધ્યાં. ત્યાં મજાથી રાઇસ, કરી, સ્મૂધી અને વિગન બ્રાઉની ખાઈને વધુ ઉત્સાહમાં આવી ગયાં. હવે જ્યાં પણ વિગન ફૂડ હોય ત્યાં ભારતને સંબંધિત કોઇ રેફરન્સ તો મળી જ જાય. તે રેસ્ટોરાં આમ તો એક ગરાજમાં ચાલતું હતું. ત્યાં સતત ડિલિવરી માટે ઓર્ડર ચાલુ હતા. ત્યાં બધું એન્વાયરમેન્ટ ફ્રેંડલી હતું. પ્લેટ્સ પણ એકસરખી ન હતી અને પાણી પણ ખાલી થયેલી બરણીઓમાં આપવામાં આવેલું. જોકે ભાવ બિલકુલ કોઈ કોર્પોરેટ રેસ્ટોરાં જેવા જ હતા. પર્યાવરણ બચાવવાનું પણ મોંઘું તો પડે જ.
આ દિવસે એક્વેરિયમમાં ઘણા જળચર જીવ જોઈ લીધેલા, પણ હજી તે દિવસે ધરાઇને દરિયો જોવા નહોતો મળ્યો. દરિયે જવાની ઇચ્છા દસ મિનિટમાં જ પૂરી થઈ ગઈ. પ્લાઝા પુએબ્લો પર દરિયે જવા માટે ઘણાં પગથિયા ચઢવા પડ્યાં. અંતે ત્યાં દરિયાકિનારે વાદળો સાથે સૂરજ તડકા-છાંયાની રમત રમી રહૃાો હતો. સાથે ત્યાં મોજાંઓ વચ્ચે લોકો સર્ફિંગ કરી રહૃાાં હતાં. સર્ફિંગ જોવા માટે ત્યાં ઘણાં કલાકો બેસી શકાય તેમ હતું. ખાસ તો દરેક મોજા સાથે ત્યાં પ્રયત્નમાં લાગેલાં લોકોની ધીરજને દાદ દેવી પડે તેવું હતું. થોડાં તો સાવ નવશીખિયાં હતાં. તેમને પાણીમાં ઘણી વાર ધબાય થવું પડે તેવું હતું. જેને પણ ફાવટ હતી તેને મોજા પર સરકતાં જોવાનું ઘણું થ્રિલિંગ લાગતું હતું.
બીચ પર એક તરફ મેટલનાં બે સ્ટેચ્યૂઝ લાગેલાં હતાં. બંને અહીંની ફિશિંગ કોમ્યુનિટી સંબંધિત હતાં. અહીંથી પ્રોમોનાડ પર જમણી તરફ લાંબી હાઇક પર નીકળી શકાય તેમ છે. અમે લોકો સાંજનો સનસેટ તો એપાર્ટમેન્ટની બાલ્કનીથી જોવાનું પહેલેથી જ બુક કરી ચૂક્યાં હતાં. હવે ત્યાં પહોંચવું હોય તો બીજો નવો પ્રોગ્રામ તો કરવાનું શક્ય ન હતું. સાથે અમે સવારથી ચાલતાં રહૃાાં હતાં. હવે વધુ લાંબી હાઇક તો નહોતી જ થવાની. ફરી ક્યારેક આ તરફ આવીને લા પાલ્મા સાઇડ રહીને એ તરફ હાઇક કરવા નીકળી પડીશું એ વિચારીને અમે કાર તરફ પાછું જવાનું વિચાર્યું, પછી જ ત્યાંથી આગળ વધી શકાયું.
પાર્કિંગ તરફ પહોંચતા પહેલાં શહેર તરફનું પ્રોમોનાડ આવ્યું. તેનો મોટો હિસ્સો દુકાનોથી ભરેલો હતો. એક પછી એક સુવિનિયર સ્ટોર્સ અને બીચ ફેસિંગ કાફેઝની લાઇન લાગી હતી. તે હારમાળામાં સૌથી ક્રિયેટિવ લાગતા સ્ટોર પરથી સ્થાનિક લાકડાની જ્વેલરી અને ડેકોરેટિવ ચીજો ખરીદી. સાથે અહીંની રેતી અને લાવાથી જડીને બનાવેલી બીજી પણ ઘણી ચીજો હતી. આયકાલ ચાઇનીઝ ન હોય તેવાં સુવિનિયર શોધવાનું પણ અઘં પડી જાય છે. વચ્ચે એક દુકાન ગુજરાતીઓની પણ આવી જ ગઈ. ત્યાં બે બહેનો ગુજરાતીમાં જ ભારતના કોઈ હેલ્થ ઇન્શ્યોરન્સ માટે આધાર કાર્ડ જરૂરી હોવાની વાતો કરી રહી હતી તે દૂરથી સાંભળવા મળી ગયું. થોડું આગળ જતાં એક રેતીનાં શિલ્પોનું એક્ઝિબિશન લાગેલું હતું. ત્યાં ક્રિસમસ સંબંધિત લોકવાયકાઓના સીન રેતીનાં શિલ્પોથી કંડારેલાં હતાં. ત્યાં આ શિલ્પો બનાવવાની સ્પર્ધા જ હતી. કોઇએ શહેરનાં દૃશ્યો, કોઈએ દંતકથાઓ તો કોઈએ સેલિબ્રિટીઝને રેતીમાં કંડારેલાં હતાં.
જોકે આ આર્ટને પણ એમ જ દરિયાકિનારે રેતી અને પાણીથી કિલ્લો બનાવી લીધો એવું નથી હોતું. તેના માટે પ્રોપર સ્પ્રે, કેમિકલ, કોતરણીનાં સાધનોની કિટ અને બીજી ઘણી સામગ્રી જોઈએ. અમે એક દિવસમાં લા પાલ્મા શહેરનો માત્ર એક ખૂણો જોયો હતો, પણ ત્યાં અનુભવોનું વૈવિધ્ય અલગ સ્તરનું હતું.