વીક એન્ડ

કુછ કશિશ ને તેરી અસર ન કિયા,તુઝ કો ઐ ઇન્તેઝાર દેખ લિયા

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

નહીં શિકવા મુઝે કુછ બેવફાઇ કા તેરી હરગિઝ,
ગિલા તબ હો અગર તૂને કિસી સે ભી નિબાહી હો.


દુશ્વાર હોતી ઝાલિમ, તુમ કો ભી નીંદ આની,
લેકિન સુની ન તૂને ટૂંક ભી મરી કહાની


પૂછ મત કાફિલયે-ઇશ્ક કિધર જાતા હૈ,
રાહરવ આપ સે ઉસ રહ મેં ગુઝર જાતા હૈ.
-“દર્દ
સૈયદ ખ્વાજા મીર “દર્દનો જન્મ ઇ. સ. ૧૭૧૫મા દિલ્હીમાં થયો હતો. તેમના પૂર્વજો ઉઝબેકિસ્તાનના બુખારાથી દિલ્હીમાં આવી વસ્યા હતા. તેના પિતા ખ્વાજા મુહમ્મદ નાસિર ‘અન્દલીબ’ના તખલ્લુસથી શાયરીનું સર્જન કરતા હતા. તેમનો ગઝલ સંગ્રહ ‘નાલએ અન્દલીબ’ શિર્ષકથી પ્રગટ થયો હતો. દર્દના શાયર અને ગુરુનું નામ શાહ ગુલશન હતું.

દિલ્હીની બરબાદી-તબાહીનો આરંભ થયો ત્યારે મોટા મોટા અમીર-ઉમરાવો દિલ્હી છોડીને ભાગી રહ્યાં હતાં તો ઉર્દૂ શાયરોએ લખનઊ જવાનો રસ્તો પકડયો હતો. એ ખરાબ દિવસોમાં મીર દર્દે ખુદા પર ભરોસો રાખી દિલ્હીમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. ખુમારી ધરાવતા આ શાયરે જિંદગીમાં કોઇની નોકરી કરી નહોતી. પૂર્વજોના બાદશાહ દ્વારા મળેલી જાગીરને લીધે તેમના કુટુંબનું ગુજરાન થયા કરતું હતું. આ સૂફીવાદી શાયરોના સેંકડો શિષ્યો હતા.

સંગીત વિદ્યાના જાણકાર-અભ્યાસી આ શાયર દરેક માસના બીજા અને ચોથા અઠવાડિયે તેમના નિવાસસ્થાને કાવ્ય ગોષ્ઠી અને સંગીતના કાર્યક્રમોનું આયોજન પણ કરતા હતા. તો મોહરમના પવિત્ર દિવસોમાં આ શાયર મરશિયા-શોક કાવ્યો પઢવાવાળા ઝાકિરોને પણ ઇજન આપતા હતા.

દર્દની શાયરીની ભાષા મીર અને સૌદા જેવા શાયરોની ભાષા સાથે મળતી આવે છે. તેમણે ગૂઢ તત્ત્વોને સરળ ભાષામાં વ્યક્ત કર્યા છે. કોમળ ભાવ, પ્રેમનિવેદન, માધુર્ય અને સૌદર્ય તેમની શાયરીની મુખ્ય લાક્ષણિકતાઓ છે. ગઝલ માટે તેમણે ટૂંકી બહર (છંદ) પસંદ કરી હતી. તેમની ગઝલોમાં મોટે ભાગે ૭ અથવા ૯ શે’ર નજરે પડે છે. તેમની રચનાઓને સમાવતો તેમનો એક જ દીવાન પ્રકાશિત થયો છે. તો ફારસી ભાષામાં પણ તેમનો એક દીવાન પ્રગટ થયો છે. આહે-સર્દ, ઇસ્મુલ કિતાબ, નાલા-એ-દર્દ, શમા-એ-મહેફિલ, સરીફે-વારદાત, વાકયાતે-દર્દ, દુરમતે-ગિના તેમના અગત્યનાં પુસ્તકો છે.

શાંત અને સંતોષી સ્વભાવ ધરાવતા આ નીડર શાયર ૧૭૮૫ની સાલમાં દિલ્હીમાં અવસાન પામ્યા હતા.

તેમના ખૂબ જ જાણીતા શે’રથી તેમની શે’ર-શાયરીનું રસદર્શન કરીએ.

  • જિંદગી! તૂ હમેં કહાં લાઇ?
    ઇક મોહબ્બત, હઝાર રુસ્વાઇ !
    એ જિંદગી! તું મને કયાંથી કયાં લઇ ગઇ? પ્રેમ કેવળ એક છે અને બદનામી હજાર છે.
  • જિન કે સબબ સે દૈર કો તૂને કિય ખરાબ,
    એ શૈખ! ઉન બુતોં ને મેરે દિલ મેં ઘર કિયા.
    ઓ શેખ! જેના કારણે તે મંદિરને ખરાબ કર્યું એ જ મૂર્તિઓએ મારા હૃદયમાં ઘર કરી લીધું.
  • એક ઉનવાન હૈ તબસ્સુમ ભી,
    ઝીસ્ત કે દુ:ખભરે રૂસાને કા.
    આ સ્મિત એ બીજું કંઇ નથી, પરંતુ મારા જીવનની દુ:ખસભર વાર્તા (હકીકત)નું શીર્ષક માત્ર છે.
  • કિધર બેહદી ફિરતી હૈ ઐ બેકસી તૂ,
    તેરી જિન્સ કા યાં ખરીદાર મૈં હૂં.
    ઓ મજબૂરી! તું છકી જઇને કયાં આમતેમ ફર્યા કરે છે! તું અહીં આવ, હું તો તારા માલનો ખરીદનાર છું.
  • કુછ કશિશ ને તેરી અસર ન કિયા,
    તુઝ કો ઐ ઇન્તેઝાર દેખ લિયા.
    તારા આકર્ષણે તો (મારા પર) કોઇ અસર કરી નહીં. એ પ્રતીક્ષા, મેં તને સારી રીતે જોઇ લીધી.
  • અપને બન્દે પે જો કુછ ચાહો સો બેદાદ કરો,
    યે ન આ જાવે કહીં જી મે કે આઝાદ કરો.
    તું તારા બંદા (ભક્ત) પર ઇચ્છે તેટલો જુલમ ગુઝાર પણ મને મુક્ત કરવાનો વિચાર તું ક્યારેય કરીશ નહી.
  • આતી હૈ દિલ મેં ઔર હી સૂરત નઝર મુઝે,
    શાયદ યહ આઇના ભી કિસી કે હુજૂર હૈ.
    આ અરીસો પણ કોઇની સેવા-ચાકરી કરી રહ્યો લાગે છે.
    કેમ કે હૃદયમાં કોઇ બીજો જ ચહેરો નજરે ચઢે છે
  • આગે હી બિન કહે તુ કહે હૈ “નહીં, નહીં.
    તુઝ સે અભી તો હમને વો બાતે કહી નહીં.
    હજુ તો મેં તને એ વાતો કહી નથી ત્યાં જ તું તો અગાઉથી ‘ના,ના’ કર્યા કરે છે! (તે વાતનું મને અચરજ છે.)
  • તિશ્નગી ઔર ભી ભડકતી ગઇ,
    જૂં-જૂં મેં આંસુઓં કો અપને પિયા.
    આ તો વળી કેવું ! હું જેમ જેમ મારાં આંસુઓ પીતો ગયો તેમ તેમ મારી તરસ વધુને વધુ ભડકવા લાગી.
  • તૂ હોવે જહાં મુઝ કો ભી હોના વહી લાઝિમ,
    તૂ ગુલ હૈ મેરી જાન, તો મૈં ખાર હૂં તેરા.
    અરે ઓ મારી જાન (પ્રાણ)! તું જયાં હોય ત્યાં મારુ હોવું પણ
    જરૂરી છે. જો તું ફૂલ છે તો હું તારો કંટક છું.
  • આગે જો બલા આઇ થી સો દિલ પે ટલી થી,
    અબ કી તો મેરી જાન હી પે આન બની હૈ.
    આ પૂર્વે જ આપત્તિ આવી હતી તે તો હૃદય પર ટળી ગઇ.
    પરંતુ આ વખતે તો બધું મારા પ્રાણ પર આવી પડયું છે તેનું શું?
  • ઝાહિદ કિયા કરે હૈ વઝૂ ગો કિ રોઝો-શબ,
    ચાહે કે દિલ સે ધોએ કુદૂરત સો ધો ચુકા.
    અરે ઓ ઝાહિદ (તપસ્વી)! હૃદયનો મેલ ધોવા તું રાત-દિવસ વજૂ કર્યા કરે છે, પરંતુ આ મેલ ક્યારેય ધોવાતો નથી, ચોખ્ખો થતો નથી. તેની તને ખબર છે?
  • આઇને કી તરહ ગાફિલ! ખોલ છાતી કે કિવાડ; દેખ તો હૈ કૌન બારે તેરે કાશાને કે બીચ. અરે ઓ ગાફેલ!
    અરીસો કેવું ચોખ્ખું બતાવે છે. માટે તું પણ તારા હૃદયના દ્વાર ખોલી નાખી. તું જરા જો તો ખરો કે બહાર તારા સજાવેલા કાચના મનમંદિરની વચ્ચે કોણ ઊભું છે.
  • કભૂ રોના, કભૂ હંસના, કભૂ હૈરાન હો રેહના,
    મોહબ્બત કયા ભલે -અંગે કો દીવાના બનાતી હૈ.
    ક્યારેક રડવું, કયારેક હસવું તો વળી કયારેક હેરાન થઇને પડયા રહેવું. આ પ્રેમ પણ ભલભલા સમજદારને કેવો પાગલ બનાવી નાખે છે.
  • ઉઠતી નહીં હૈ ખાનયે-જંજીર સે સદા,
    દેખો તો કયા સભી યહ ગિરફતાર સો ગયે
    બેડીઓની કડીઓનો (ખખડવાનો) અવાજ કેમ આવતો નથી?
    બધા કેદીઓ ઊંઘી ગયા છે કે શું એ તો જરા જુઓ.
  • આહ! પરદા તો કોઇ માનએ-દીદાર નહીં,
    અપની ગફલત કે સિવા કુછ દરો-દીવાર નહીં
    અરે! કશું જોવું હોય તો પરદો કાંઇ નડતરરૂપ થતો નથી. આમ તો દરવાજા કે દીવાલ જેવું કશું જ હોતું નથી. તેમાં માત્ર આપણી બેકાળજી હોય છે.
  • ગુલ અબ તો મિલે હૈં હંસી કે લેકિન,
    બુલબુલ! યહ ચુભેંગે ખાર જી મેં
    ઓ બુલબુલ! આજ તો તેં હંસીને ફૂલો મેળવી લીધા છે, પરંતુ આ કાંટા તો કલેજામાં ભોંકાયા વિનાના રહેશે નહીં.
  • તુઝ સે કુછ દેખા ન હમને જુઝ જફા,
    પર વો કયા કુછ હૈ! કિ જી કો ભા ગયા.
    મને તારી પાસેથી અત્યાચાર સિવાય કશું જ જોવા મળ્યું નહીં, પરંતુ એ તો જે હોય તે, પણ એ બધું મને ગમી ગયું.
    *‘દર્દ’ અપને હાલ સે તુઝે આગાહ કયા કરે?
    જો સાંસ ભી ન લે શકે, વોહ આહ કયા કરે?
    ઓ ‘દર્દ’! હું મારી સ્થિતિ વિશે તને કંઇ રીતે વાકેફ કરું?
    અહીં તો શ્ર્વાસ લેવાના ય ફાંફાં છે તો પછી આહ ભરવી એ તો મુશ્કેલ કામ છે.
  • અંદાઝ વો હી સમજે મેરે દિલ કી આહ કા,
    ઝખ્મી જો હો ચુકા હો કિસી કી નિગાહ કા.
    જેને કોઇની નજરનો જખમ ખાધો હોય તેને જ મારા હૃદયની આહનો અંદાજ આવી શકે. (અન્ય કોઇને નહીં)
  • અશ્ક સે મેરે ફકત દામને-સેહરા નહીં તર,
    કોહ ભી સબ હૈ ખડે તા-બ-કમર પાની મેં
    મારા આંસુઓથી માત્ર રણનો પાલવ જ પલળ્યો નથી.
    પણ પર્વત પણ કમર સુધીના પાણીમાં ઊભા છે.
  • અફસોસ અહલે-દીદ કો ગુલશન મેં જા નહીં,
    નર્ગિસ કી આંખ હૈં પર સૂઝતા નહીં
    જેઓ જોઇ શકે છે તેઓને માટે બગીચામાં જગ્યા નથી
    તે વાતનો અફસોસ છે. નરગિસને આંખ છે પણ તેને કશું દેખાતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button