વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

ક્લોઝ અપ: ‘ટનન …ટન’ના રૂપાની ઘંટડી જેવા રણકાર સાથે સરકતી કોલકાતાની ૧૫૧ વર્ષ જૂની ટ્રામ વિદાય લઈ રહી છે…

  • ભરત ઘેલાણી

…ત્યારે બંગાળી બાબુમોશાયોના ‘આપનજન’ જેવી આ ઐતિહાસિક વાહન સેવા સાથે સંકળાયેલાં અનેક સ્મરણો જાણવા-માણવા જેવા છે…

લાગે છે કે બાબુમોશાયોનાં લાડકાં એવાં મમતાદીદીના ગ્રહો આજકાલ કંઈક નબળા ચાલી રહ્યા છે. કોલકાતાની એક જાણીતી હૉસ્પિટલની યુવા લેડી ડૉકટર પર નિર્મમ બળાત્કાર પછી નિર્દયી હત્યાની ઘટનાએ દેશ આખાને હચમચાવી નાખ્યો… એના પગલે ત્યાંના તબીબોની હડતાળનું કોક્ડું આજે પણ બરાબરનું ગૂંચવાયું છે. આના કારણે વિચક્ષણ રાજકર્તા ગણાતાં મમતા દીદીની છબી પણ ઝંખવાણી છે.

આ બધા વચ્ચે મહાનગર કોલકાતાની અમૂલ્ય વારસા સમી ઐતિહાસિક ટ્રામ પર પણ એક ‘આફત’ ઊતરી છે. છેક ૧૮૭૩થી હજુ સુધી અવિરત ચાલતી ટ્રામ સર્વિસ બંધ કરવાનો અણગમતો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રામ સર્વિસને લઈને અહીંની હાઈ કોર્ટમાં ચાલી રહેલા એક કેસનો ચુકાદો આવ્યા પછી આ સૌથી જૂની- જાણીતી વાહન સેવા બંધ કરવાનો નિર્ણય મમતાદીદીની સરકારે ક-મને લેવો પડ્યો છે. એની પાછળના કારણો અનેક છે, પણ એમાં આપણે ન ઊતરીએ… ટૂંકમાં ૧૫૧ વર્ષ જૂની ટ્રામ સર્વિસનું ‘ડેથ વોરન્ટ’ લખાઈ ચૂક્યું છે-માત્ર એનો અમલ કયારે થાય એની જ રાહ છે.

કોલકાતાના લોકો-બાબુમોશાયો માટે ટ્રામ માત્ર એક પરિવહનનું સાધન નહીં, પણ બંગાળની સસ્કૃતિ સાથે સંકળાયેલું -એમની લાગણી સાથે જોડાયેલું એક આગવું પ્રતીક રહ્યું છે. એટલે માત્ર બંગાળી પ્રજા જ નહીં, કોલકાતામાં વર્ષોથી વસી ગયેલા લોકો આ પણ ‘ટ્રામ બંધ થી રહી છે’ એ સમાચારથી કોઈએ આપનજન-સ્વજન ગુમાવ્યું હોવાની ગ્લાનિ અનુભવે છે…

૨૦૨૩માં જે વાહનને ૧૫૦ વર્ષ પૂરા થયા એવી કોલકાતાની ટ્રામની છેક ૧૮૭૩માં પહેલીવાર આ મહાનગરમાં શરૂઆત થઈ ત્યારે તે ઇલેક્ટ્રિકથી નહીં, પણ કોઈ રાજવી બગીની જેમ ઘોડાથી ‘દોડતી’! શરૂઆતના એ જમાનામાં માત્ર શિયાલદહ સ્ટેશનથી હાવરા સ્ટેશના રૂટ પર જ ટ્રામ ચાલતી. કાળક્રમે ટ્રામ રૂટ વધ્યા. એ વર્ષોમાં રસ્તામાં વાહનો ઓછા રહેવાથી ટ્રામની સ્પીડ ખૂબ સારી રહેતી. ‘ટનન… ટન’ જેવી રૂપાની ઘંટડીના રણકાર સાથે ટ્રામ ત્યારે ફુલ સ્પીડમાં દોડતી! એ વર્ષોમાં હાવરા બ્રિજ પર પણ ટ્રામ ચાલતી ત્યારે ટ્રામની બારી પાસે બેઠાં બેઠાં દૂરથી ગંગાજીરૂપી હુબલી નદીનાં દર્શન કરીને લોકો ગદગદ થઇ જતાં.

એ જમાનામાં ટ્રામમાં બે કલાસ રહેતા.

આગલો ડબો એટલે ૧ તિં ક્લાસ. તેનું ભાડું ૧૦ પૈસા હતું. આ ડબ્બાની સીટ ગાદીવાળી રહેતી. અને પાછળનો એટલે કે ૨ક્ષમ કલાસના ડબામાં લાકડાની સીટ રહેતી. તેનું ભાડું ૩/૪ પૈસા ઓછું રહેતું.

ત્યારે વાહન વ્યવહારનાં અન્ય સાધનોમાં સરકારી બસ-ટૅક્સી ને હાથરિક્ષા રહેતી. નગરની વસતિ પણ પાંખી હતી. લોકો માટે ટ્રામ સસ્તુ અને ‘ઝડપી’ વાહન હતું. એ વખતે ટ્રામ હંમેશ ભરચક રહેતી.

જોકે, વર્ષો વીતતા કાળક્રમે ખાનગી અને મિની બસ અને પછી ઓટોરિક્ષા પણ ચાલુ થઈ ગઈ પછી ટ્રામ તથા હાથરિક્ષાની સંખ્યા આસ્તે આસ્તે ઓછી થતી ગઈ. વધતા ટ્રાફિકને કારણે નડતર બનતાં ટ્રામનાં અનેક રૂટ પણ બંધ કરવા પડ્યા.

ટ્રામ આમજનતા માટે એવું કિફાયતી ને ઉપયોગી વાહન હતું કે એક વાર જ્યારે રાજ્ય સરકારે પ્રથમ ક્લાસનું ટિકિટ ભાડું ૭ પૈસામાંથી વધારીને ૧૦ પૈસા કર્યું તો રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ૬-૭ ટ્રામ સળગાવી મૂકીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો…!

આમ છતાં, બ્રિટિશકાળના જમાનાના એક અગત્યના વાહન-ટ્રામને તમે સ્મૃતિમાંથી કેમ કાઢી શકો?
સમાંતર પાટા પર આસ્તે આસ્તે સરકતી ટ્રામ એ વખતે હૈદરાબાદ- મુંબઈ અને કોલકાતામાં ખાસ જનપ્રિય હતી. એમાંય, એ સમયમાં કોલકાતા તો ગોરી બ્રિટિશ સલ્તનતનું પાટનગર એટલે ટ્રામનો અહીં ઠસ્સો ઘણો. કાળક્રમે હૈદરાબાદ- મુંબઈમાંથી ટ્રામે વિદાય લીધી અને માત્ર તસવીરોમાં સમેટાઈ ગઈ, પણ બાબુમોશાયના મહાનગર કોલકાતામાં આજની તારીખે પણ ગોકળગતિએ ચાલતી ટ્રામ એક અગત્યનું વાહન – સાધન બનીને કોલકાતાના જૂનાં રસ્તાઓ પર ઠાઠ્થી સરકે છે… આથી સહેજે છે કે બંગાળી ફિલ્મોમાં એની હાજરી વરતાતી રહે છે. એટલું જ નહીં, મુબઈની ફિલ્મોમાં પણ અવારનવાર ટ્રામ ડોકિયું કરી જાય છે.

બહુ જૂનાં ઉદાહરણોને ન વાગોળીએ તો તાજેતરના ભૂતકાળમાં તમને પણ યાદ જ હશે કે ‘પીક્કુ ફિલ્મનો ભાસ્કર અર્થાત્ આપણા ‘બાબુમોશાય’ અમિતાભ આ શહેરની પોતાની જૂની યાદોને તાજી કરવા સાઈકલ સવારી કરી કોલકાતાની ટ્રામની આસપાસ કેવા ફરતા રહે છે…!

એ જ રીતે, વિદ્યા સિન્હા પણ એની બહુચર્ચિત ફિલ્મ ‘કહાની’માં ટ્રામ-પ્રવાસ કરે છે. અમિતાભ-વિદ્યાનાં દ્રશ્યોમાં માત્ર ટ્રામ જ નજરે ચઢી, પણ સૈફઅલી ખાન અને સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘બુલેટ રાજા’નું ખાસ્સુ શૂટિંગ મમતાદીદીનાં મહાનગરમાં થયું ત્યારે કોલકાતાનાં વિશેષ અલગ તરી આવે એવાં કેટલાંક વાહનો, જેમકે ઘોડાગાડી-હાથરિક્ષા અને ટ્રામ સુધ્ધાંમાં હીરો-હીરોઈનને ફરતાં દર્શાવ્યાં છે !

અહીં એક આડ વાત, પણ મજાની વાત જાણી લઈએ કે મોટાભાગની હિન્દી ફિલ્મોમાં ટ્રામનાં શૂટિંગ અહીં ચોરંગી વિસ્તારના ધર્મતલ્લા-ખિદરપુરના ટ્રામ રૂટ થર્ટી સિક્સ (૩૬) પર જ થાય છે, કારણ કે ત્યાંના લીલાછમ્મ મેદાન વચ્ચેથી ધીમી ગતિએ પસાર થતી બે ડબ્બાની ટ્રામ એક આહ્લાદક દ્રશ્ય સર્જે છે…

‘બાંગ્લા ટુરિઝમ’ના પ્રચાર માટેની ફિલ્મના બ્રાંડ ઍમ્બેસડર તરીકે શાહરુખ ખાને પણ આ ફેમશ ટ્રામ રૂટ -૩૬ પર જ એનાં પરાકાષ્ઠાનાં દ્રશ્યો શૂટ કરાવ્યાં હતાં!

વિશ્ર્વવિખ્યાત ફિલ્મસર્જક સત્યજિત રાયની અનેક ફિલ્મોમાં કોલકાતાના હાથરિક્ષા અને ટ્રામની આવન-જાવન સહજ રહેતી. સત્યજીતબાબુએ ‘મહાનગરમાં’ અને અન્ય જાણીતા દિગ્દર્શક મૃણાલ સેને પણ એમની ‘ઇન્ટરવ્યુ’ ફિલ્મમાં ટ્રામનો એક પાત્ર તરીકે બખૂબી ઉપયોગ કર્યો છે…
આમ તો કોલકાતાની ટ્રામ સાથે એક ગ્રંથ લખાય એટલાં સ્મરણો છે, પણ એ વિશે ફરી કયારેક…

અત્યારે તો આ મહાનગરના બંગાળી ભદ્રલોક તથા અન્ય નાગરિકોની એક જ ઈચ્છા છે કે કોલકાતાની આ ટ્રામ સેવા કયારેય બંધ ન થાય અને એની ‘ટનન…ટન ’ જેવી રૂપાની ઘંટડી જેવો અવાજ પેઢી દર પેઢી રણકતો રહે..!

આજે પણ કોઈ ટ્રામ-પ્રવાસી જ્યારે પોતાના સ્ટોપ પર ઊતરે ત્યારે પાછું વળીને ટ્રામ તરફ મમતાભરી આંખે જોઈને હોઠ ફફડાવી મનોમન અચૂક બોલે છે :
આબાર દેખા હોબે… ફરી મળીશું!’
પૂરક માહિતી: હરસુખ રાયવડેરા

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker