વિક એન્ડ

કેરોલિના રીપર – પ્રકરણ-૮

પ્રફુલ શાહ

ધગધગતા આંસુ વીથ ઓન ધ રૉક્સ સ્કૉચ

મોના પર બળાત્કાર અને પછી હત્યા થયાની શક્યતાના વિચારોએ પણ

વિકાસને એકદમ હચમચાવી નાખ્યો

‘વાઈ, હાઉ બ્યુટીફુલ. પહેલીવાર મોના દીદીએ જ આ જગ્યા બતાવી હતી. ત્યારે તો હું દશ વર્ષનો હતો પણ એ બ્યુટીફુલ પ્લેસના પ્રેમમાં પડી ગયો. પછી તો ન જાણે કેટલીવાર જઈ આવ્યો કેટલીવાર દીદીને રિક્વેસ્ટ કરી કે ચાલ ફરી વાઈ જઈએ પણ…’ ભીંતને શોભાવતી વાઈની સુંદરતાની મોટી ફ્રેમ સામે જોતા વિકાસના વિચારો રોકાઈ ગયા અને આંખ ભીની થઈ ગઈ.
“મોના દીદી છે ખૂબ સ્માર્ટ. કોઈ એને ભોળવીને લઈ જાય એ વાતમાં માલ નહીં. કિડનેપિંગ થયું હશે! પણ શા માટે? એવું હોય તો રેન્સમ મની માગવા જીજાજીને કે કદાચ મને ય ફોન તો આવ્યો હોત. બે-ચાર જણા બળજબરીથી ઉપાડી ગયા હોય અને પછી… ના, ના. મારી દીદી સાથે એવું ન થાય. ક્યારેય નહીં.


મોના પર બળાત્કાર અને પછી હત્યાની શક્યતાના વિચારોએ પણ વિકાસને હચમચાવી મૂક્યો. એ દર બે-ચાર કલાકે ગૌરવ પુરોહિત અને પોલીસ સ્ટેશને ફોન કરતો હતો કે મોનાના કંઈ સગડ મળ્યા? જીજાજીના નનૈયામાં હતાશા ઘેરી થતી જતી હતી. તો ખાર પોલીસ સ્ટેશનવાળા હવે કંટાળ્યા હોય એવું લાગતું હતું. બિચારા જીજાજીની કેવી કફોડી હાલત થઈ ગઈ?
એને ગૌરવ પુરોહિત સાથેની મીટિંગ યાદ આવી ગઈ. ફ્રન્ટ પેજ સ્કુપની બાયલાઈનવાળી સ્ટૉરીના સેલિબ્રેશન માટે મળ્યા હતા બન્ને. એટલીસ્ટ વિકાસને તો એવું જ લાગ્યું હતું. જીજાજી કેવા મનથી તૂટી ગયા હોય એવું લાગ્યું. હજી ય એમના શબ્દો વિકાસના કાનમાં પડઘાતા હતા. ‘… તારી બહેન મોના શાંતિથી જીવવા દેતી નથી…’


પછી મોનાની વર અને ઘર મેટ બેરૂખીનું વર્ણન શરૂ થયું: ન એને ઘરમાં રસ, ન મારામાં. આ લવ-મેરેજ તેણે સ્વેચ્છાએ કર્યા હતા મારી કોઈ બળજબરી નહોતી. તેને ફુલ ફ્રિડમ જોઈતી હતી. અમે આપીય ખરી. પણ મારી મમ્મી ફિકર કરે કે બેટા જમાનો ખરાબ છે તો રાતે બહુ મોડી એકલી ન આવ.. આ ખાઈ લે તો સારું… પણ એને આ બધું બંધન લાગ્યું ગૂંગળામણ થવા માંડી એક મહિનામાં તો તેણે અલ્ટીમેટ આપી દીધું કે કાં ઘરમાં મમ્મી રહેશે કાં હું. અમારા બન્નેના સુખ અને શાંતિ માટે મમ્મી એકલી અલગ રહેવા ગઈ. એ પ્રેગ્નન્ટ થઈ બચ્ચી આવી એટલે મને થયું કે હવે સ્થિતિ સુધરશે. પણ એ માસૂમ માટે ય એના મનમાં જરાય પ્રેમ, લાગણી કે વાત્સલ્ય નહીં. ના છૂટકે મારે એને મમ્મી પાસે મૂકવી પડી છતે મા-બાપે એ ઢીંગલી એકલી રહેવા માંડી. હમણા થોડા સમયથી મોના એકદમ વધુ બેફામ થઈ ગઈ હતી. ક્યારેક રાતે ન આવે, ક્યારેક બે દિવસ બહાર રહે. મારા ફોન ન ઉપાડે. હું પૂછું તો કહી દે કે પ્રોફેશનલ વર્ક માટે જવું પડે. મારી ફિકર કરવાની જરૂર નથી. હું કંઈ નાની કીકલી નથી. અમે મળતા એ પણ નામ પૂરતું. કડવાશ-અંતર વધતા જતા હતા. મને ડર લાગતો હતો કે હું એને ગુમાવી રહ્યો છું. એ ભયંકર સેલ્ફ-સેન્ટર્ડ બની ગઈ હતી…


ગૌરવ પુરોહિત વ્હીસ્કી પીતા-પીતા ઘણું બોલ્યો અને રડ્યો. ન જાણે વ્હીસ્કીમાં આંસુ ભળવાથી સ્વાદ કેવો લાગતો હશે. ધગધગતા આંસુ વીથ ઑન ધ રોક્સ સ્કૉચ વ્હીસ્કી! વિકાસે માથાને જોરથી આંચકો આપ્યો. તેણે એક ઝાટકા સાથે લેપટોપ ખોલીને ઓન કર્યું. “પોલીસે જ્યારે જે કરવું હોય એ કરે. હવે હું, મોનાનો ભાઈ મારી રીતે તપાસ કરીશ. મારું આઈટીમાં હોવું અને એથિકલ હેકર હોવું ક્યારે કામ આવશે. દીદી, નાનપણમાં જુહુની રેતીમાં હું મારે પગલે-પગલે ચાલતો હતો. હવે જો હું કેવું પગેરું પકડીને તારા સુધી પહોંચી જાઉં છું.


વાઈ. મહારાષ્ટ્રનું લીલુછમ્મ સ્વર્ગ. સાતારા જિલ્લામાં આવેલું આ સ્થળ જેટલું કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ એટલો જ ભવ્ય ઈતિહાસ. હાલ માંડ ૪૦-૪૫ હજારની વસતિ ધરાવતા વાઈએ ભારતીય ઈતિહાસને બે નોંધપાત્ર વ્યક્તિત્વ આપ્યા છે: ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને નાનાસાહેબ પેશવા. રાનડે, ફડણવીસ અને રાસ્તે જેવા આગેવાન પરિવારોએ સ્થાપત્યની દ્રષ્ટીએ નોંધપાત્ર ગણાય એવાં અનેક મંદિર વાઈ અને આસપાસ બાંધ્યાં છે.


અચાનક વાઈમાં એક ગાડીમાંથી છ જણાની ટુકડી ઊતરી આવી. ફેન્સી પોશાક, ગોગલ્સ, માથા પર હેટ. કોઈ શોર્ટસમાં અને કોઈક લેટેસ્ટ જીન્સમાં. અત્યાર સુધી વાઈએ ૩૦૦ હિન્દી-મરાઠી ફિલ્મના શૂટિંગ થતા જોયા છે. વાઈમાંની વસતિમાંથી ઘણાં આ શૂટિંગ જોઈ-જોઈને જ અડધા એક્ટર થઈ ચુક્યા છે.


ગામવાળાને લાગ્યું કે નવું યુનિટ આવ્યું છે, તો ફટાફટ મદદ કરવા નજીક પહોંચી જઈએ. આગંતુક મદદ માગે એ અગાઉ દસ-પંદર જણાએ એમને ઘેરી લીધા. ‘વેલકમ વેલકમ સર’થી અભિવાદન થયું: મહેમાનોમાંથી આગેવાન જેવા લાગતો યુવાને બે યુવાનને બાજુમાં લઈ ગયો.


“મૈં ક્રિએટીવ ડાયરેક્ટર રોહિત થોડા હેલ્પ માંગતા, તુમ લોગ કરેગા?
“હા, હા સાહેબ. બોલો શું કામ છે? પણ અમને રોલ મળશે ને?
“હમણાં તો રિસર્ચ માટે આવ્યા છીએ. પણ સ્ક્રીપ્ટ બન્યા બાદ શૂટિંગ માટે આવીશું ત્યારે સૌથી પહેલો નંબર તમારો લાગશે. ઓકે?
બન્ને યુવાનો પહેલા થોડા ઠંડા પડી ગયા. છતાં એક બોલ્યો, પણ મદદ શું જોઈએ છે?
“અમે એક માણસ પર બાયોપિક ફિલ્મ બનાવીએ છીએ. એ વ્યક્તિ અહીં આવતી હતી પણ એની માહિતી નથી. જુઓ એ માણસ છે એને જોયો છે તમે? એમ કહીને તેને એક સ્કેચ બતાવ્યો પણ બન્નેએ નિરાશ થઈને માથું હલાવીને નનૈયો ભણ્યો.
‘ક્રિએટીવ ડાયરેક્ટર રોહિત’ સાથે આવેલા અન્ય પાંચમાંથી કોઈ પ્રોડ્યુસર, કોઈ ડાયરેક્ટર, કોઈ રાઈટર, કોઈ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને કોઈ કેમેરામેન બનીને બધા સાથે આ જ પ્રકારની વાત કરીને ફોટો બતાવતા હતા. વધુ ચાર જણને નિષ્ફળતા મળી.


પરંતુ પ્રોડ્યુસર મનમોહન સાથેના બે જણાની આંખમાં સ્કેચને જોઈને ચમક આવી ગઈ બન્નેના મોઢામાંથી તરત નીકળી ગયું, ‘આને તો જોયો છે… પણ ક્યાં જોયો છે? એ સાલું યાદ આવતું નથી.’ મનમોહન તરત એને નજીકની રેસ્ટોરાંમાં લઈ ગયો ત્રણેય માટે ચા-નાસ્તો મંગાવ્યો. એક જણે ગરમાગરમ ચાનો ઘૂંટડો પીધો અને તળેલું લીલું મરચું સાથે વડાપાંઉનો ટુકડો મોઢામાં મૂક્યો, ત્યાં ઊભો થઈ ગયો.


“યાદ આ ગયા યે વો હી ચ હૈ મનમોહનજી.
“કોન હૈ યહ?
“નામ માલૂમ નહીં મગર…
“મગર ક્યાં….
“બહુ પૈસાવાળો લાગે છે. હો
“કેમ? એવું તે શું થયું?
“આ વાઈથી સોનગિરવાડી સાવ નજીક. અમે તો પગપાળા પહોંચી જઈએ બરાબરને પક્યા?
પક્યાએ ‘હા, સાહેબ, સાવ નજીક’નો સૂર પુરાવ્યો. પછી આ ફોટોને ઓળખી કાઢનારો નિરાંતે વડાપાંઉ ખાવામાં મશગૂલ થઈ ગયો. પ્રોડ્યુસર મનમોહન એને જોતો રહ્યો જાણે એને કાચેકાચો વગર ચટણી-મરચે ખાઈ જવા માગતો હોય. વડાપાંઉ પતાવીને પેલાએ ચા પૂરી કરી. ઉપર પાણીનો ગ્લાસ પીધો. હવે મનમોહનની ધીરજ ખૂટી.


તેણે પેલાનો હાથ પકડી લીધો. “જલ્દી બોલ, આ માણસ અને સોનગિરવાડી વિશે શું કહેતો હતો તું?
“કંઈ ખાસ નહીં. એકવાર રાતે દશ વાગ્યે એસ.ટી.સ્ટેન્ડ આવીને મને કહે કે સોનગિરવાડી છોડી દે. મેં કંઈ જવાબ જ ન આપ્યો. તેણે મારી સામે ૫૦૦ રૂપિયાની નોટ ધરી. “આ રાખી લે પહોંચીને, બીજી નોટ આપીશ.
“માંડ ૨૦-૨૫ રૂપિયા થાય ત્યાં એક હજાર મળતા હતા. એટલે મેં એને સોનગિરવાડી છોડી દીધો.
“સોનગિરવાડીમાં કોને ઘરે ગયો?
“એ તો ખબર નથી. તેણે કીધું ત્યાં ઉતારી દીધો.
“ફરી ક્યારેય જોયો એને?
“હા, બીજીવાર મળ્યો પણ… જવા દો એ વાત.
“અરે બોલ તો ખરો?
“એ વખતે સાલાએ ફક્ત એક્સો રૂપિયા જ આપ્યા.


પ્રોડ્યુસર મનમોહન ઊભો થઈ ગયો. બિલ ચૂકવીને બન્ને સામે જોઈને બોલ્યો, “ઠીક છે. કાલે મળીએ. એ ઝડપભેર બહાર નીકળી ગયો. થોડે દૂર એના પાંચ સાથી ઊભા હતા. બધા એની જ રાહ જોતા હતા. સૌની આંખમાં કુતૂહલ હતું. તેણે મોઢા પર આંગળી મૂકી. ગજવામાંથી મોબાઈલ ફોન કાઢ્યો, ને એક નંબર ડાયલ કર્યો. “હલ્લો, હવાલદાર ભંડારકર રિપોટિંગ સર… વાઈમાં એક રિક્ષા ડ્રાઈવરે એનડીને ઓળખી લીધો. તેણે બે વાર એનડીને બાજુના સોનગિરવાડીમાં છોડ્યો હતો… થેન્ક યુ સર… ઓકે… ઓકે… જયહિન્દ.


તેણે ફરી વૉચમેન પાટિલના વર્ણન પરથી બનેલા એનડીના સ્કેચ સામે જોયું. પછી ફોન હળવેકથી ગજવામાં મૂકીને એ વિજેતાની અદાથી બોલ્યો. “પરમવીરસરનો આદેશ છેકે આગલું આક્રમણ સોનગિરવાડી પર કરવાનું છે. લેટ્સ ગો.


એટીએસના પરમવીર બત્રાની ઑફિસમાં મુરુડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલે બેઠા હતા.
“સર, હમણાં મહારાષ્ટ્રભરમાંથી છેલ્લે અઠવાડિયે લાપતા થયેલા યુવાન-યુવતીઓની વિગતો મંગાવી છે. એક કપલ પુણેનું છે, એક છોકરો ઈચલકરંજીનો છે, એક છોકરી દેવલાલીની છે. નાંદેડ, ભુસાવળ અને અહમદનગરના એક-એક છોકરા છે. મુંબઈમાં પણ ત્રણ મિસિંગ છે. એની વિગતો આવી રહી છે.
“ગુડ, ગોડબોલેજી. આપણા મહારાષ્ટ્રમાં તો ૩૭૮ નાનાં-મોટાં શહેર અને ૪૧ હજાર ગામ છે. આ બધાના મિસિંગ કેસની છણાવટ લાંબી પ્રોસેસ બની જાય. બરાબર હય જી.


“યસ સર, અમુક લાપતા લોકોએ પોતે ક્યાં જાય છે એ ઘર-પરિવાર કે દોસ્તોને કીધું હોય તો એ લોકો નીકળી જાય. આપણે માથાકૂટ તો કરવી જ પડશે. લાપતાની પૂરી યાદી અને ફોટા આવી જાય પછી આપણને માત્ર વૉચમેન પાટિલનો આશરો છે. એ ઓળખ કરી આપે એટલે બ્લાસ્ટ્સમાં મરનારાઓની નામ-ઠામ મળશે. એમાંથી ધડાકા કરવા-કરાવવાનું કારણ મળી શકે.
“યુ આર રાઈટ કાશ હોટેલકા કોમ્પ્યુટર યા લેપટોપ મિલ જાતે તો…
“સર, આઈટીવાળા કહે છે કે કંઈ જ બચ્યું નથી બ્લાસ્ટ્સમાં છતાં એ લોકો ફાંફા મારે છે.
એ જ સમયે કોન્સ્ટેબલ આવીને હળવેથી બત્રાના કાનમાં ફૂંક મારે છે. ચહેરા પર ચમક સાથે તેઓ આદેશ આપે છે. ” મોકલો બન્નેને અંદર કોન્સ્ટેબલના ગયા બાદ બત્રા સ્મિત સાથે ગોડબોલે કહે છે, “પટેલ શેઠ ઔર ઉસ કા કોઈ બંદા આયા હય જી.
પટેલ શેઠ અને બાદશાહ અંદર આવે છે. પહેલા બત્રા એને પોંખે છે. “બહોત દેર કરી દી મહેરબાં આતે આતે… બેઠીએ જી.
બાદશાહ ટાપસી પુરાવે છે કે શેઠની તબિયત થોડી નરમગરમ રહે છે. બત્રાએ દયામણું મોઢું કર્યું. “આપ કે શેઠજી બચપન સે હી નહીં બોલ પોતે હય યા કોઈ હાદસા હુઆ થા જી?


બાદશાહને બદલે પટેલ શેઠનું મોટું ખુલ્યું, “એવું કંઈ નથી પણ હું થોડું ઓછું બોલવાનું પસંદ કરું છું.
“અચ્છા હય. વૉઈસ પોલ્યુશન નહીં બઢતા હય. મગર યહાઁ બોલના પડેગા. બહોત બોલના પડેગા, પૂરેપૂરા બોલના પડેગા. સમજ ગયે જી? ઔર બાદશાહ, તું ધ્યાન સે સુન લે. યહાં ગુલામ કી તરહ ચુપ બૈઠના. તુઝે ભી બોલને કા મૌકા મિલેગા, જરૂર મિલેગા. ફ્રિડમ ઓફ સ્પીચ જૈસી ચીજ ભી હોતી હય કિ નહિ જી?
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button