વીક એન્ડ

કવિતા, ભજિયાં ને પેગ આ ત્રણેય તત્ત્વ છે વરસાદમાં મહત્ત્વના!

મસ્ત રામની મસ્તી – મિલન ત્રિવેદી

સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદ થોડો ખેંચાયો છે એટલે કે મોડો પડ્યો છે. તેનો કોઈ ભૌગોલિક કારણ નથી, પરંતુ વારંવાર સોશિયલ મીડિયા પર કવિઓની થતી ટીકા કારણભૂત છે. વાદળા એકાદ બે દેખાયા ન દેખાયા હોય ત્યાં તો કવિઓ હાઇકુથી માંડી અને અછાંદસ મહાકાવ્ય સુધી વરસાદનું વર્ણન કરી નાખે. અમુક ધરાહાર કવિઓને કારણે સાચા કવિઓ બિચારા સોશિયલ મીડિયામાં ઝપટે ચડી જાય. એમને બિચારાને લાગી બહુ આવે. જ્યાં સુધી મોરલાનો બેકાટ ન થાય ત્યાં સુધી વાદળાઓને પણ ઘનઘોર થવાની મજા નથી આવતી. મને તો ઘણીવાર એવું થાય છે કે પેલા હવામાનનો વર્તારો કરનારા અંબાલાલની આગાહી કરતાં કવિઓની કવિતા વરસાદ આવવા ન આવવામાં કારણભૂત હોય છે.

અત્યારના સંજોગોમાં ફેસબૂકનો અને વોટ્સએપનો એક આભાર છે કે શેરીએ શેરીએ ઢગલાબંધ કવિઓ પેદા કરી દીધાં છે. જેટલા છાંટા ન પડ્યા હોય એટલી તો કવિતાઓ માર્કેટમાં ફરવા લાગે. મને તો એમ થાય કે ચોમાસું બેઠું એ ખબર જો આ કવિઓ ન આપતા હોત તો બિચારો વરસાદ શું કરત?

વરસાદ અને પ્રેમને આમ કોઈ સ્નાનસૂતકનો સંબંધ ભલે ન હોય પણ આ કવિઓએ સાબિત કરી દીધું કે વરસાદ આવે તો જ પ્રેમ થાય. આ વર્ષો જૂનો રિવાજ આજની તારીખ સુધી અકબંધ સચવાયેલો છે. ‘મને વરસાદમાં નહાવું બહુ ગમે.’ કહીને પોતાની પ્રેમિકા સાથે નહાવા નીકળી જાય અને પછી બીજી જ સવારે છીંકો ખાતો ડોક્ટરની ચેમ્બરમાં મળે, પણ પોતાના પ્રેમ સાથે નહાવા ન નીકળ્યો હોય તો સમાજ શું વાતો કરે? પહેલા વરસાદમાં નીકળ્યા હોય ત્યારે જે ગારો થયો હોય અને એમાં આવા કેટલાં પ્રેમીઓએ હાથ-પગ ભાંગ્યા હશે એનો હિસાબ ન કરો, બસ, તમારે તો વરસાદ, પહેલો પ્રેમ, સાથે ભીંજાવાની મઝા આવું બધું જ યાદ રાખવું!

વોટ્સએપ-ફેસબૂકમાં જેમ વરસાદની ખબર પાડે છે એમ વરસાદની મઝા બગાડી પણ નાખે. અમે બે- ચાર મિત્રો હજુ બે-ચાર છાંટાઓ પડ્યા ત્યાં જ ભજિયા ગોતવા નીકળી પડ્યા. અમુક ઉંમર થયા પછી પ્રેમિકાને યાદ કરતાં પહેલા વરસાદમાં ભજિયા યાદ આવવા માંડે છે. અમે તો જઈને મોજથી ભજિયા આરોગ્યા અને એ પણ ભરપેટ. ઘેર પહોંચ્યો ત્યાં મોબાઇલમાં મિત્રોની ફેસબૂક પરથી સેલ્ફી ડાઉનલોડ કરીને મારા પત્નીશ્રી ઊભાં જ હતાં. જો કે વાંક વગર પણ ગુનો સ્વીકારતા હોઇએ તો અહીંયા તો સીધું જ પ્રૂફ હતું. સજાના ભાગરૂપે મારે ચાલીને ઘર માટે ભજિયા લેવા જવાના હતાં. ઘર પાસેથી ગારો ખૂંદતા અને વરસાદમાં પલળતા હું નીકળ્યો ત્યારે મને ખબર પડી કે આ વરસાદની વાતો ફેસબૂક પર જ સારી લાગે. નવે નવા સ્લીપરની પટ્ટી તૂટી ગઈ, પણ હિંમત રાખીને ભજિયાની દુકાને પહોંચ્યો અને ઓર્ડર કર્યો ત્યાં તો રેનકોટમાં સજજ એક મહાકાયા બાજુમાં આવીને ઊભી રહી. મને ક્યાંક જોયેલા લાગ્યા એટલે આંખમાંથી છાંટાઓ સાફ કરીને જોયું તો પત્નીશ્રી હાજર હતાં. મારો પ્રશ્ર્ન વાજબી હતો કે જો એમણે જ લેવા આવવાનું હતું તો મને આટલો હેરાન શું કામ કર્યો પણ મને જવાબ આપ્યો ત્યારે વરસાદ પરનો ગુસ્સો ઓર વધી ગયો.

મને કહે ‘આ તો તમે ત્યાં પહોંચો ત્યાં સુધીમાં ભજિયા ઠંડા થઈ જાય તો ન ભાવે એટલે લેવા આવી છું. તમે તમારે શાંતિથી આવો કેમ કે આ સ્કૂટીમાં તો હું એક જ સમાઇ શકું એમ છું.’

બોલો, આ દુ:ખ કુંવારાઓ ક્યાંથી સમજી શકે? એમની તો હજુ પણ એ માન્યતા છે કે સવારના પહોરમાં ભીના વાળથી પાણીના છાંટા ઉડાડીને જાનુ, બકા, બબુ જેવા શબ્દો સાથે જગાડતી હોય છે. પરણેલાને જ ખબર હોય કે કેવી રીતે ‘નવરા’, ‘નકામા’, ‘નિંભર’ જેવા વિશેષણો સાથે ગોદડું ખેંચીને જગાડવામાં આવે! આપણને એમ થાય કે આ સવાર જ કેમ પડી.

અમારો ચૂનિયો તો વરસાદ આવે એટલે કાળા કલરની થેલી લઈને ઘેર કહી દે કે ‘હમણા તમારા બધાં માટે ભજિયા લઈને આવું.’ હકીકતમાં પોતાના માટે નંગ ગોતવા નીકળ્યો હોય. ઘેર જઈને કહેવાનું જ હોય કે ‘બધે એટલી ગરદી કે વારો જ ના અવ્યો. તારા હાથ જેવા ભજિયા કોઈ ન બનાવે તું ઘેર જ બનાવી નાખ.’ પણ હમણા પરમિટના ભાવ વધ્યા પછી ગુજરાતમાં માલમાં વાટકી વહેવાર બંધ થઇ ગયો છે, પણ ચૂનિયાને ક્યારેય આવા નાના- મોટા પ્રશ્ર્નો ડગાવી નથી શકતા. બે- ચાર પરમિટ હોલ્ડર પાસે જઈ અને તબિયતથી નાખણી કરે ‘મેં તો મૂકી દીધું છે પણ મોટા દીકરાને એવી શરદી થઈ છે કે દવાથી ફેર નથી પડતો. ૧૦ ૧૫ એમ એલ બ્રાન્ડી પીવડાવવી છે અને બાકી આખા શરીરે ચોંપડવી છે એટલે જો બ્રાન્ડી પડી હોય તો એકાદ કવાટરિયું આપશો?’

હિન્દુસ્તાનમાં હજુ તબિયતના નામે દ્રવી ઉઠતા હૃદયો ધડકે છે. ચૂનિયો ૪ માંથી ૨ ને તો પાડી જ દે. વરસાદ આવે એટલે ચૂનિયો વરસાદી માહોલ જોતો જોતો ઘરના ભજિયાના બાઇટિંગ સાથે બ્રાન્ડી પીતો મેં પોતે જોયો છે ત્યારે મને ફરી વરસાદ પર માન થઈ આવે કે આનો સદઉપયોગ પણ થઈ શકે.

આ તો બહુ મોટા થયા પછી અમને પહેલા વરસાદના ઉપયોગની ખબર પડી બાકી નાના હતા ત્યારે અમને પહેલા વરસાદમાં અળાઇ મટાડવા માટે નવડાવવામાં આવતા
વરસાદની જે મઝા હોય એ પણ જો એકવાર બાળપણમાં ખોવાઇને જોજો કે ભીની થઈ ગયેલી માટીમાં સૂયા ખૂંચામણીનો કેવો આનંદ હતો, માંડવીને ગોળ ખાઇને જે આનંદ મળતો એ કદાચ હવે ભજિયામાં નથી મળતો. વરસાદમાં દારૂ પી ને મઝા કરવી એના કરતા હાથ પહોળા કરીને વરસાદી બૂંદોને સીધી મોઢામાં ઝીલવાનો નશો કંઈક ઓર જ હતો. ખાબોચિયામાં ઠેકડો મારીને મિત્રોને ભીંજવવાથી જે હાસ્ય મળતું અને પછી તમને પાણી ઉડાડવા પાછળ ફરતા, દોડાદોડી કરતાં મિત્રોને જોઈને જાણે જિંદગી વસૂલ થઈ જતી. ‘આવરે વરસાદ..ઢેબરિયો પરસાદ’ આજે પણ ગાઈ જોજો અને પછી જે ખુશી મળે અનુભૂતિ કરજો. આ આનંદ સેલ્ફીમાં નહીં જ મળે, આ આનંદ ફેસબૂક પર સ્ટેટસ અપડેટ કરીને નહીં જ મળે કે નહીં મળે વોટ્સએપ પર બે -ચાર ફોટા મૂકીને. આપણે પચાસે પહોંચ્યા હોઈએ અને ભૂતકાળમાં વરસાદમાં કોલેજના મિત્રો સાથે પલળ્યા હોઈએ એ યાદ કરીએ તો પણ રોમાંચિત થઈ હવે એ જ કોલેજના મિત્રો મોટા પરિઘમાં પલળતા હશે પહેલા પલળતા તો કવિતા સુજતી હવે કલ્પના કરીએ તો એકાદ હાઇકુ માંડ સૂઝે, પણ તોયે જૂનું તે સોનું

વિચારવાયુ:

સ્થૂલકાય હોવાનો મોટો ફાયદો એ કે તમે વરસાદની મજા વધારે માણી શકો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…