કર્ણાટકનું ચેન્નાકેશવ મંદિર અલંકૃતતાની ચરમ સીમા!

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
સન 1117માં તે વખતની હોયસાલા સામ્રાજ્યની રાજધાની બેલુરમાં બનાવાયેલ આ `રૂપાળા કેશવ’નું મંદિર એટલું અલંકૃત અને વિસ્તૃત છે કે તેને બનાવતાં 100 કરતાં વધુ વર્ષ લાગ્યાં હતાં. હોયસાલા શૈલીનું આ મહત્ત્વનું સીમાચિહ્ન સમાન મંદિર આશરે 132 મી. પહોળા અને 120 મી. લંબાઈવાળા વિસ્તારમાં બનાવાયું છે. તેની સાથે અહીં અનેક નાનાંમોટાં મંદિરો, વિવિધ મંડપ, ગોપુરમ ઇત્યાદિ તો ખરાં જ. દક્ષિણ ભારતનાં મંદિરોની પરંપરા પ્રમાણે અહીં અલાયદા મંડપોની રચના પણ રસપ્રદ છે.
ગોપુરમની પૂર્વ તરફ આશરે 2300 ચો.મી. વિસ્તારમાં 1 મીટર ઊંચા મંચ પર બનાવાયેલ ચેન્નાકેશવનું મુખ્ય મંદિર વિષ્ણુને સમર્પિત છે. આ મંદિર આ સંકુલનું મુખ્ય સ્થાન છે. અહીંના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ આશરે એક મીટર ઊંચા મંચ પર સ્થાપિત કરાઈ છે. આ મંદિરમાં આજે પણ પૂજા-અર્ચન થાય છે. આ ઉપરાંત અહીં ચેન્નાગરાઈ, વેણુગોપાલ, વીર નારાયણ, લક્ષ્મીદેવી તથા અન્ય દેવતાઓનાં પણ મંદિર છે. આ સમગ્ર સંકુલ એક અનેરી શ્રદ્ધા જન્માવે છે. અહીંનું વાતાવરણ આધ્યાત્મિકતા જાગૃત કરવા અને તેને ચોક્કસ સ્તરે લઈ જવા સક્ષમ છે.
દક્ષિણ ભારતના મંદિર સ્થાપત્યમાં જે અલંકૃતતા જોવા મળે છે તેની સમૃદ્ધિ અહીં પ્રત્યેક સ્થાને જોવા મળે છે અને તે સૌ જાણે કળાનાં ઉચ્ચ શિખરો આંબે છે. આ મંદિરની ખાસિયતોમાં તેના નવરંગ મંડપમાં ગ્રેનાઇટમાંથી ઘડી કઢાયેલા અડતાળીસ સ્તંભ છે. આ પ્રત્યેક સ્તંભ એકબીજાથી કોઈક રીતે અલગ પડતા હોવા છતાં આવા અલગાવ સાથે તેમાં જે સામૂહિક સંવાદિતતા ઊભરે છે તે ઉલ્લેખનીય છે. આમાં પણ નરસિંહ સ્તંભ અને મોહિની સ્તંભ સાથે કેટલીક સ્થાનિક કથાઓ પણ જોડાયેલી છે. એમ કહેવાય છે કે મોહિની સ્તંભ એક સમયે ગોળ ફેરવી શકાતો હતો, છતાં તેની ભારવહન ક્ષમતા ઓછી નહોતી થતી. આ સાથે અહીંનાં કેટલાંક શિલ્પમાં તે શિલ્પ દ્વારા ધારણ કરાયેલ અલંકારોને પણ ખસેડી શકાય છે – ફેરવી શકાય છે.
જોકે હવે પુરાતત્ત્વ ખાતાએ આ પ્રકારની `રમત’ પર પાબંદી લગાવી દીધી છે. બેલુરના આ મંદિરની એક અન્ય ખાસિયત અહીંના સ્તંભના શીર્ષ પર કંડારાયેલ મદનિકાઓની છે. તે ઉપરાંત પણ અહીંનાં શિલ્પ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ વિષ્ણુ સમર્પિત મંદિર સંકુલ હોવાથી સ્વાભાવિક છે કે અહીં વિષ્ણુના દસ-અવતારનું આલેખન શિલ્પમાં કરાયું હોય. આ ઉપરાંત વિષ્ણુના મોહિની સ્વરૂપનું પણ લાલિત્યભરેલ શિલ્પ જોવા મળે છે. આ મંદિરમાં વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે અન્ય દેવતાઓ સાથે જે તે દિશાના અધિષ્ઠાતા, મંદિરના દ્વારપાલ, રામાયણના પ્રસંગો, અપ્સરા તથા નૃત્યાંગનાઓના શિલ્પ પણ શાસ્ત્રીય રીતે ગોઠવાયા છે. મંદિરના જગતિ પર પણ હારબંધ પરસ્પર સંકળાયેલાં નાનાં નાનાં શિલ્પ જોવા મળે છે. એક રીતે જોતાં અહીંનું પ્રત્યેક મંદિર એક વિશાળ શિલ્પ સમાન છે.
દક્ષિણ ભારતનાં મંદિરોની પરંપરા પ્રમાણે અહીં ગોપુરમ પ્રકારનું પ્રવેશદ્વાર પણ છે. મંદિર સંકુલમાં જ વરસાદનાં પાણીને સંગ્રહ થવા માટે કુંડ પણ બનાવ્યો છે. ગોપુરમની ડાબી તરફ સામાજિક, સાંસ્કૃતિક તેમ જ ધાર્મિક પ્રવૃત્તિઓ માટે કલ્યાણ મંડપનો સમૂહ પણ ઊભો કરાયો છે. મંદિરમાં એક ધાન રાખવાનું ભંડાર પણ છે. ચેન્નાકેશવ સંકુલ, એક રીતે જોતાં, બધી જ ધાર્મિક જરૂરિયાત એક સ્થાને પૂરી થઈ શકે તેવી સ્થાપત્યકીય ઘટના છે. અલંકૃતતાની દૃષ્ટિએ તો અહીં ઉચ્ચ શિખરો સિદ્ધ કરાયાં જ છે, પણ સાથે સાથે ઉપયોગિતાની દૃષ્ટિએ પણ અહીં દરેક બાબતનો ઝીણવટપૂર્વક ખ્યાલ રખાયો છે. આ એક સંપૂર્ણ રચના છે.
ઇતિહાસમાં એક સમયે આ મંદિર ઉપર ભૂમિજા શૈલીનો ઘુમ્મટ હતો. કોઈ કારણોસર એક ક્ષતિગ્રસ્ત થતાં તે ઉતારી લેવામાં આવ્યો. 1000 વર્ષ કરતાં પુરાણા આ મંદિર પર સમય તથા વિધર્મીઓની થાપટ તો લાગી જ હોય તે સ્વાભાવિક છે. છતાં પણ જે નિશ્ચયથી, જે અચલિતતાથી, જે ગૌરવથી આ મંદિર ઊભું રહ્યું છે તે હૃદયને સ્પર્શી જાય તેવી બાબત છે.
સામાન્ય રજૂઆત અને અલંકૃત રજૂઆતમાં જે ફેર હોય તે આ મંદિરમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. મંદિર તો પરંપરાગત શૈલીનું જ છે, પરંતુ તેની અલંકૃતતા એક જુદા જ સ્તરની છે. આ અલંકૃતતાથી હળવાશ, નરમાશ, લાલિત્ય, સુસંગતતા, એકરાગતા તથા પ્રેમ ઊભરાતો હોય તેમ જણાય છે. અલંકૃતતા અને આયોજનનો સમન્વય, બાંધકામ તથા ખુલ્લી જગ્યા વચ્ચેનો અર્થપૂર્ણ સંવાદ, ભારવાહક ગણાતા સ્તંભ જેવા અંગને ગ્રેનાઇટમાંથી બનાવાયા પછી પણ અપાયેલી મૃદુતા, માનવીય પ્રમાણમાપ અનુરૂપ સમગ્ર રચના, મંદિર બાંધકામની શાસ્ત્રીય પરંપરાઓ સાથે જરા પણ બાંધછોડ કર્યા વગર રચાયેલ સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે બેલુરનું ચેન્નાકેશવ મંદિર.