ભાત ભાત કે લોગ: કામિકાઝે હુમલાઓ શૌર્યનું પ્રતીક હતા કે મૂર્ખતાનું?

- જ્વલંત નાયક
યુદ્ધમાં જ્યારે ખરાખરીનો ખેલ હોય અને મામલો જાનફેસાની સુધી પહોંચે ત્યારે શૌર્ય અને મૂર્ખતા વચ્ચે બહુ ઓછું અંતર રહી જાય છે. યુદ્ધનીતિ મુજબ ખરું યુદ્ધ શસ્ત્રો વડે નહિં પણ જ્ઞાનતંતુઓ વડે લડાય છે. તમે જેને શૌર્ય સમજીને મરણિયા કરી નાખો એ આખરે મૂર્ખતા પણ સાબિત થાય.
બીજી તરફ, ગણતરીપૂર્વક આચરેલી મૂર્ખતા’ દુશ્મનના મનમાં એવો ભય પેદા કરી નાખે કે યુદ્ધના આખરી પરિણામ પર એની મોટી અસર પડે. યુદ્ધકથાઓના ઈતિહાસની વાત નીકળે તો એમાં બીજા વિશ્વયુદ્ધ વખતે સામી છાતીએ મોતને ભેટેલા જાપાની પાઈલટ્સનો ઉલ્લેખ અવશ્ય કરવો પડે. આ પાઈલટ્સે જે કર્યું એ શૌર્ય ગણાય કે મૂર્ખતા, એ તમારે જાતે નક્કી કરવાનું છે. ભારતે આતંકવાદીઓ સામે અમલમાં મૂકેલાઓપરેશન સિંદૂર 2.0’માં એક વિશિષ્ટ પ્રકારના કામિકાઝે ડ્રોન્સનો છૂટથી ઉપયોગ કર્યો. આ ડ્રોન્સનું કામ હતું દુશ્મન વિસ્તારોમાં જઈને તૂટી પડવાનું! જેવું ડ્રોન તૂટીને જમીન પર પડે એટલે એની સાથેનો બાંધેલો બૉમ્બ ફાટે. સ્વાભાવિક છે કે આવા ડ્રોન્સ માત્ર એક જ વખત બહુ ચોક્કસ આયોજન કરીને ઉપયોગમાં લઇ શકાય.
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ: સારકોઝી તથા ગદ્દાફી આ બન્નેનો દાખલો ગાંઠે બાંધવા જેવો છે
આ ડ્રોન્સને `કામિકાઝે’ જેવું જાપાનીઝ નામ કેમ અપાયું? આ જાણવા માટે…
7 ડિસેમ્બર, 1941. જાપાની એરફોર્સે પર્લ હાર્બર બંદરે અમેરિકન નૌકા કાફલા પર ભયંકર હુમલો કરી દીધો. સાડા ત્રણસો બૉમ્બર્સે કરેલા હુમલામાં લગભગ અઢી હજાર અમેરિક્નસ મર્યા અને હજારેક ઘાયલ થયા. પર્લ હાર્બર એટેક દરમિયાન ફૂસાટા લીડા નામના એક જાપાની પાઈલટના એરક્રાફ્ટમાંથી ફ્યુઅલ લીક થવા માંડ્યું. ફૂસાટાને સમજાઈ ગયું કે હવે પાછા ભાગી શકાય એમ નથી. ફ્યુઅલ પૂરું થતા કે અમેરિકન શિપ પરથી થતા વળતા હુમલામાં પ્લેન તૂટી પડશે અને સાથે પોતાને ય જળસમાધિ લેવી પડશે. જો મૃત્યુ નક્કી જ હોય તો દુશ્મનને વધુમાં વધુ નુકસાન પહોંચાડીને જ મરવુ જોઈએ.
બસ, પછી તો ફૂસાટાએ પોતાનું ફાઈટર પ્લેન એક અમેરિકન શિપ સાથે અથડાવી માર્યું. પોતે મર્યો પણ શિપને ય મોટું નુકસાન થયું. ફેબ્રુઆરી, 1942માં પણ આવી જ રીતે બીજા એક પાઈલટે `હ્યુમન બૉમ્બ’ બનીને પોતાનું વિમાન અમેરિકન એરક્રાફ્ટ કેરિયર સાથે અથડાવ્યું અને કેરિયરનો ઘાણ નીકળી ગયો. એ પછી સાન ફ્રાન્સિસ્કો નામનું યુએસ ફ્લેગશિપ પણ આ જ રીતે જાપાની પાઈલટના મરણિયા હુમલાનો શિકાર થયું. જાપાની પાઈલટ્સને આ સ્ટે્રટેજી બરાબર મગજમાં બેસી ગઈ. જો મોત નક્કી જ હોય તો દુશ્મનને બને એટલું વધારે નુકસાન પહોંચાડીને મરવું. આપણે ત્યાં જેને કેસરિયા કહેવાય, એવી જ હારાકીરી પ્રથા આમેય જાપાની યોદ્ધાઓમાં પહેલેથી જ પ્રચલિત. જો હાર નક્કી હોય તો નાલેશીમાં જીવવા કરતાં મોત પસંદ કરવું, પણ દુશ્મનને તાબે હરગીઝ ન થવું!
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ : વધુ સુખી કોણ? આફ્રિકન આદિવાસી કે મુંબઈગરો?
1944નું વર્ષ આવતા સુધીમાં બીજા વિશ્વયુદ્ધનું આખું ચિત્ર બદલાઈ ગયું. જર્મની-ઇટલીએ હાર સ્વીકારી, એ પછી મિત્રદેશોની સેના સામે જાપાન એકલું રહી ગયું. જાપાની સમ્રાટ હિરોહિતો અને એની પ્રજાને ડર પેઠો કે આમ ને આમ અમેરિકા આગળ વધતું રહેશે તો એક દિવસ અમેરિકન નૌકાદળ જાપાનના કાંઠે આવી પહોંચશે. એ સંજોગોમાં જાપાને અમેરિકાની ગુલામી વેઠવાનો વારો આવી જાય. જાપાની પ્રજા ગુલામી તો કોઈ કાળે ન સ્વીકારે. પોતાની સ્વતંત્રતા અને સમ્રાટ પ્રત્યેની વફાદારી ખાતર આ પ્રજા ગમે તે હદે જવા તૈયાર હતી. અમેરિકાને હરાવી શકાય એમ નહોતું, પણ જો અમેરિકન નૌકાદળના મનમાં જાપાનનો ડર બેસી જાય તો કદાચ એ લોકો ડરીને જાપાન પર કબજો જમાવવાનું માંડી વાળે…
આ માટે સમ્રાટ હિરોહિતોના હવાઈદળના કેટલાક ઓફિસર્સે મોટા પાયે હ્યુમન બૉમ્બિંગ અમલમાં મૂકવાનું વિચાર્યું. સો-બસો કિલો વિસ્ફોટકો લાદેલા વિમાનો અમેરિકન વોર શિપ્સ પર જાણી જોઈને અથડાવી દેવાના, જેથી વોર શિપ કે એરક્રાફ્ટ કેરિયરના ફૂરચા ઊડી જાય. બહુ ખતરનાક પ્લાન હતો આ.
આ પણ વાંચો: ભાત ભાત કે લોગઃ ટેરિફ વોરથી વર્લ્ડ વોર: અમેરિકા ખરેખર કેટલું પાણીમાં છે?
જાપાની ભાષામાં દૈવી પવનો માટે `કામિકાઝે’ શબ્દ છે. આત્મઘાતી મિશન પર નીકળેલા પ્લેન્સના પાઈલટ્સ માટે પણ કામિકાઝે શબ્દ પ્રચલિત થઇ ગયો. યુદ્ધ દરમિયાન જાપાની હવાઈદળના ઘણા વિમાનો તૂટી પડેલા. તાલીમ પામેલા સેંકડો પાઈલટ્સ પણ જાપાને ગુમાવેલા. હવે અમેરિકન નૌકાદળનો સામનો કરવા માટે અત્યંત ટૂંકા ગાળામાં નવા વિમાનો ક્યાંથી કાઢવા? સંખ્યાબંધ નવા પાઈલટ્સને ટે્રનિંગ આપવા ય સમય અને સંસાધનો કયાંથી લાવવા? જાપાન પાસે આ બન્નેમાંથી કશું ન હતું. યુધ્ધમાં જ્યારે કશું ન હોય, ત્યારે ઝનૂન બહુ કામ આવે છે. જાપાને આવા જ કેટલાક મરણિયા યુવાનોને તૈયાર કર્યા, જે જાપાન અને સમ્રાટ હિરોહિતો માટે જાનફેસાની કરવા તૈયાર હોય.
એવું કહેવાય છે કે અમુક યુવાનો તો માત્ર 18 કે 20 વર્ષના જ હતા. જાપાની હવાઈદળે એમને બહુ કામચલાઉ ટે્રનિંગ આપી, કેમકે આ યુવાનો આમેય પોતાની પહેલી જ ફ્લાઈટમાં મરી જવાના હતા! ટે્રનર્સ અને યુવાનો સહિત બધાને આ ખબર હતી. કદાચ જેને આધુનિક દુનિયાનું સૌથી મોટું આત્મઘાતી મિશન કહી શકાય એની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ.
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ: એક તસવીર જ્યારે લોહી સૂકવી નાખે છે
આખરે 1944ના મધ્યમાં કામિકાઝે હુમલાઓ શરૂ થયા. અમેરિકન એરક્રાફ્ટ કેરિયર, ફ્લેગશિપ સહિતનો નૌકા કાફલા પર હુમલો કરવા માટે અચાનક ગણતરીના જાપાનીઝ વિમાનો ચઢી આવતા. અને કોઈ મહત્ત્વનું જહાજ પસંદ કરીને એના ઉપર ધડાધડ ખાબકતા. વિસ્ફોટકો સહિતના વિમાનો ભારે વેગ સાથે ગમે એવા મજબૂત જહાજ સાથે અથડાય એટલે એ જહાજને ડુબાડે અથવા બિનકાર્યક્ષમ બનાવી નાખે. કામિકાઝે હુમલાઓ માટે જાપાને જૂના પુરાણા વિમાનો પસંદ કરેલા. વધુ વિસ્ફોટકો ભરવા મળે એ માટે જાપાની એરફોર્સે ઘણા પ્લેનના લેન્ડિંગ ગીયર્સ પણ કાઢી નાખેલા. વિમાન એક વાર ઊડ્યા પછી લેન્ડ થવાનું જ ન હોય તો લેન્ડિંગ ગિયરનું શું કામ? 2,800 જેટલા કામિકાઝે એટેક્સ દ્વારા જાપાને મિત્રદેશોના 34 નેવી શિપ્સ ડુબાડ્યા અને 368ને ગંભીર નુકસાન પહોંચાડ્યું. પાંચેક હજારને માર્યા અને બીજા એટલા જ લોકોને ઘાયલ કર્યા.
જો કે આ હુમલાઓ દ્વારા જાપાનને ધારી સફળતા ન મળી. અમેરિકનો એન્ટિ એરક્રાફ્ટ ગન્સ વડે ઘણા વિમાનોને આકાશમાં જ તોડી પાડતા. અમુક યુવકોને દબાણ હેઠળ કામિકાઝે બનાવવામાં આવતા હોવાનો વિવાદ પણ ચગેલો તેમ છતાં જાપાનની આ સ્ટે્રટેજી સાવ નિષ્ફળ પણ નહોતી. જાપાનીઓ મરવાનું પસંદ કરશે, પણ શરણે તો નહિં જ થાય, એ સત્ય અમેરિક્નસને સમજાઈ ગયું.
આ પણ વાંચો: ભાત ભાત કે લોગ : જંગી માળખાંગત સુવિધા ભાંગી પડે ત્યારે કેવો વિનાશ સર્જાય?
આ સમજ વિકસવાથી વળી બે વિરોધાભાસી પરિણામ આવ્યા. જાપાનની કમ્મર તોડી નાખવા અમેરિકાએ અણુબૉમ્બ વાપરવાનો નિર્ણય લીધો એ સૌથી ભયાનક પરિણામ. બીજું પરિણામ એ આવ્યું કે અમેરિકાએ જાપાનની ભૂમિ પર કબજો કરવાનો પ્લાન માંડી વાળ્યો. અણુબૉમ્બનો માર ખાધા પછી હારેલા સમ્રાટ હિરોહિતોને સજા કરવાનું તો દૂર, પણ પદભ્રષ્ટ કરવા જેટલું જોખમ પણ અમેરિકાએ ન લીધું. સમ્રાટનું લશ્કર અને શક્તિઓ અત્યંત મર્યાદિત કરી નાખવામાં આવ્યા, પણ શાસન બરકરાર રહ્યું. અણુબૉમ્બનો ભોગ બન્યા પછીનાં વર્ષોમાં જાપાન આર્થિક મોરચે ઊલટાનું વધુ શક્તિશાળી બની ગયું. પ્રજા પણ વધુ શિસ્તબદ્ધ બની.
હવે કહો, કામિકાઝે હુમલાઓને શૌર્ય ગણવા કે મૂર્ખતા? યુદ્ધ, શૌર્ય, ઝનૂન અને જાનફેસાની એવા શબ્દો છે જેને માપવા માટે સીધાસાદા સરવાળા, બાદબાકી કામ નથી આવતા.