વીક એન્ડ

કાલિનાગો: ‘મેન ઈટર્સ’ તરીકે ઓળખાતા યોદ્ધાઓ ખુદ વિલુપ્તિના આરે!

કોલમ્બસે માનવ શરીરના અવશેષો લટકતા જોયા, અને…

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

તમારું ભવિષ્ય તમારી પીઠ પાછળ છે અને તમારો ભૂતકાળ તમારી સામે છે. આવું જો કોઈ કહે તો આપણને બોલનારની માનસિક પરિસ્થિતિ વિષે શંકા જાગે. કેમકે સામાન્ય સમજ એવી છે કે ભવિષ્ય એ આગળની, હવે પછી થનારી બાબત છે. જ્યારે ભૂતકાળ એ વીતી ચૂકેલી-પીઠ પાછળ રહી ગયેલી વાત છે. પરંતુ દક્ષિણ અમેરિકાના એન્ડિસ અને અલ્ટીપ્લાનો વિસ્તારમાં વસતી આયમારા નામની આદિવાસી પ્રજાતિ દ્રઢપણે માને છે કે ભવિષ્ય આપણી પાછળ રહેલું છે. આ માટે એમનો તર્ક બહુ સજ્જડ છે. ભૂતકાળ આપણે જાણીએ છીએ, એની ઘટનાઓ નજર સમક્ષ તરતી રહે છે. માટે ભૂતકાળ આપણી સામે છે. બીજી તરફ, ભવિષ્યમાં શું થશે એ આપણને ખબર નથી. ભવિષ્યમાં જે કોઈ ઘટનાઓ આકાર લેશે, એની સ્ક્રિપ્ટ હાલમાં આપણી પીઠ પાછળ લખાઈ રહી છે, જેથી આપણે એ વિષે જોઈ-જાણી શકતા નથી. બોલો, હવે આયમારા આદિવાસી પ્રજાએ આપેલો આ તર્ક તમને પણ સાચો લાગે છે ને?

વિશ્ર્વની કુલ ૬% વસતી એવી છે, જે આજના યુગમાં પણ કુદરતને ખોળે રહીને આદિવાસી જીવન પસાર કરે છે. આ જાતિઓ ૯૦ જેટલા દેશોમાં ફેલાયેલી છે અને ૪,૦૦૦ જેટલી વિવિધ બોલીઓ બોલે છે. વિશ્ર્વના આ પૌરાણિક આદિવાસી સમાજોમાં એવી ઘણી બાબતો અને માન્યતાઓ પ્રચલિત છે, જે તમને આજના આધુનિક યુગમાં પણ સાચી લાગશે. ખાસ કરીને પ્રકૃતિ વિશેના એમના ખ્યાલો અને વિચારો. દુનિયાની દરેક આદિવાસી કોમ પ્રકૃતિમાં પોતાના ઈશ્ર્વર જુએ છે. દાખલા તરીકે, બકા નામની જાતિના લોકો માને છે કે જંગલમાંથી હાથી પસાર થાય, ત્યારે એમના મૃત પૂર્વજો પણ હાથીની સાથે હોય છે. (ટૂંકમાં હાથીનો શિકાર કરવો નહિ) અરહુઆકો જાતિના લોકો માને છે કે પૃથ્વીની સંભાળ રાખવાની તેમની જવાબદારી છે અને દુકાળ અને દુષ્કાળ એ પૃથ્વી ગ્રહને સંતુલિત રાખવામાં માનવને મળેલી નિષ્ફળતાના પરિણામ છે! કુદરત સાથે કેવું યથાર્થ ભાવનાત્મક જોડાણ! આ તરફ આપણો કહેવાતો આધુનિક સમાજ પર્યાવરણ અંગેના બણગા તો બહુ ફૂંકશે, પણ આપણી લાઈફ સ્ટાઈલ પર્યાવરણનું સદંતર નિકંદન કાઢે એવી જ રહી છે. અહીં તકલીફ એ છે કે આપણે પર્યાવરણ અને સજીવ સૃષ્ટિનું જે નિકંદન કાઢી રહ્યા છે, એનો ભોગ કેટલીક નિર્દોષ આદિજાતિઓ પણ બની રહી છે.

આવી જ એક આદિજાતિ છે કાલિનાગો (ઊંફહશક્ષફલજ્ઞ). એમની વસતી મુખ્યત્વે કેરેબિયન ટાપુઓમાં જોવા મળે. આ ટાપુઓનું ઝૂમખું ‘એન્ટિલીઝ’ તરીકે ઓળખાય છે. મોટા કદના ટાપુઓનું ઝૂમખું ‘ગ્રેટર એન્ટિલીઝ’, જયારે નાના ટાપુઓ ‘લેસર એન્ટિલીઝ’ તરીકે ઓળખાય. કાલિનાગો લોકોની વસતી મુખ્યત્વે લેસર એન્ટિલીઝમાં વસવાટ કરે છે. ઉપરાંત ડોમિનિકા, સાઉથ અમેરિકા, બાર્બાડોસ, ત્રિનિદાદ અને ટોબેગોમાં પણ કાલિનાગો વસતી જોવા મળે. કહેવાય છે કે કાલિનાગો પહેલા બીજે ક્યાંક રહેતા હતા, પણ યુરોપિયન પ્રજાના સંસર્ગમાં આવતા પહેલા કાલિનાગો જાતિ આસપાસના બીજા ટાપુઓ પર આક્રમણ કરીને એના પર કબજો જમાવતી થઇ. કાળક્રમે તેઓ આ કબજે કરેલા ટાપુઓ પર જ વસી ગયા.

ક્રિસ્ટોફર કોલમ્બસ સાથેનો કાલિનાગો લોકોનો કિસ્સો રસપ્રદ છે. આ કિસ્સાને લીધે કાલિનાગો લોકો ‘કેન્નિબાલ’ (ભફક્ષક્ષશબફહ) એટલે કે માણસખાઉ તરીકે કુખ્યાત થઇ ગયા હોવાનું કહેવાય છે. આ કેન્નિબાલ્સ પાછા ‘કેરિબ’ના ટૂંકા નામે પણ ઓળખાતા થયા. થયું એવું કે સાહસિક પ્રવાસી ક્રિસ્ટોફર કોલમ્બસ જ્યારે કેરેબિયન સીની મુસાફરીએ હતો, ત્યારે ત્યાંના ટાપુઓ પર વસતી કાલિનાગો વસ્તીના સંપર્કમાં આવ્યો. હવે કાલિનાગો જાતિમાં એક બહુ વિચિત્ર – ઊબકા આવે એવી પ્રથા હતી. આ લોકો પોતાના મૃત્યુ પામેલાં સ્વજનોના વિવિધ અંગો પોતાના ઘરના એક હિસ્સામાં ટીંગાડી રાખતા. કાલિનાગોની માન્યતા એવી હતી કે આ રીતે મૃત સ્વજનોની ‘હાજરી’ પરિવાર માટે ‘ગુડ લક’ સાબિત થાય છે. આ માન્યતાના મૂળ ક્યાં હતા, એ જાણવા નથી મળતું, પણ કોલમ્બસે જ્યારે કાલિનાગો લોકોનાં ઘરોમાં આ રીતે માનવ શરીરના લટકતા અંગો જોયા, ત્યારે એ રીતસરનો હેબતાઈ ગયો! એ જુગુપ્સાપ્રેરક દ્રશ્યો જોઈને કોલમ્બસે માની લીધું કે કાલિનાગો જાતિના આદિવાસીઓ માનવભક્ષી છે. એ પછી એ લોકો ‘કેરિબ’ તરીકે ઓળખાવા માંડ્યા હોવાનું મનાય છે.

બીજી એક માન્યતા એવી પણ છે કે કાલિનાગો આદિવાસીઓ પોતે જ આદમખોર હોવાની અફવા ફેલાવતા હતા. જેથી આજુબાજુ વસતી બીજી પ્રજાતિઓ – ખાસ કરીને આરવાક જાતિ એમનાથી ડરીને રહે. એ જમાનામાં આવા આઈડિયા બહુ અસરકારક નીવડતા હશે, એ સમજી શકાય એવું છે. કાલિનાગો પાછા બહુદેવવાદીઓ પણ ખરા અને શામનિઝમમાં (જવફળફક્ષશતળ) ય માને! શામનિઝમ એટલે એવી પ્રથા, જેમાં વ્યક્તિ ટ્રાન્સમાં જઈને આત્માઓ સાથે વાર્તાલાપ કરી શકે! લગભગ દરેક આદિજાતિ સંસ્કૃતિઓમાં આ બંને બાબતો જોવા મળે છે. જો કે આજે તો ત્રણેક હજારથી થોડાક વધુ કાલિનાગો જ જીવિત છે. જે પૈકીના મોટા ભાગના ખ્રિસ્તી અને બાકીના ઇસ્લામ અંગીકાર કરી ચૂક્યા છે. તેમ છતાં એમણે પોતાની મૂળ પ્રથાઓ અને સંસ્કૃતિ જાળવી રાખ્યા છે.
કાલિનાગો પાસે વનસ્પતિજન્ય તેમજ પ્રાણીજન્ય દવાઓની પણ આખી શ્રેણી હતી. પણ આધુનિક સમાજ સાથે ભળ્યા બાદ એ લોકો પણ એલોપથીનો
આશરો લેતા થયા છે. નવી પેઢી કદાચ એ દેશી ઓસડિયા ભૂલી ગઈ હોય એમ પણ બને.

કાલિનાગો લોકોએ બીજી પ્રજાઓ અને કુદરતમાં આવતા બદલાવ સામે પણ ખાસ્સું લડવું પડ્યું. કેરેબિયન ટાપુઓ પર કબજા માટે બ્રિટિશરોએ લશ્કરી હુમલાઓ કર્યા, જે કેરિબ પ્રજા સાથેના યુદ્ધો તરફ દોરી ગયા. ૧૭૬૯-૧૭૭૩ દરમિયાન થયેલા આ સંઘર્ષો ‘ફર્સ્ટ કેરિબ વોર’ તરીકે, જ્યારે ૧૭૯૫-૧૭૯૭માં થયેલા સંઘર્ષો ‘સેક્ધડ કેરિબ વોર’ તરીકે ઓળખાયા. પરિણામે ઘણા કેરિબ્સ મર્યા, ઘણાનું સ્થળાંતર થયું. વીસમી સદીની શરૂઆતમાં સેન્ટ વિન્સેન્ટ ટાપુ પરનો જ્વાળામુખી ફાટ્યો, એણે ય ઘણી તબાહી મચાવી. છેલ્લે ૨૦૧૭માં મારિયા નામક વાવાઝોડાએ કેરેબિયન ટાપુઓ પર ખાસ્સો વિનાશ વેર્યો.

ડોમિનિકાના વિસ્તારોમાં આટલું ખતરનાક વાવાઝોડું અગાઉ ક્યારેય નહોતું ત્રાટક્યું. એ પછી ક્લાયમેટ ચેન્જની બીજી અસરો પણ વધુ તીવ્રતાથી વર્તાવા માંડી છે. પરિસ્થિતિ એ હદે વણસી છે કે કેટલાક તજજ્ઞો કાલિનાગોને લુપ્ત થવાને આરે ઊભેલી
પ્રજાતિ ગણવા માંડ્યા છે. એક સમયે જે લોકો કુદરતને પૂજનારા બહાદુર યોદ્ધા અને ખતરનાક ‘માણસખાઉ’ તરીકે છાપ ધરાવતા હોય, એ જ આજે લુપ્ત થવાને આરે ઊભા હોય, એ પણ એક રીતે કુદરતની કરામત જ ગણાય ને!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ