જસ્ટિસ ખન્નાની ટિપ્પણીથી ‘બૂથ કેપ્ચરિંગ’નું કાળું-ઐતિહાસિક પ્રકરણ ફરી ખૂલ્યું છે!
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
ભારતીય ન્યાયતંત્રમાં ક્યારેક એવું બને છે કે જજ પોતે કોઈક મામલે તીખી ટિપ્પણી કે પ્રતિક્રિયા આપે પછી એ મામલો તમને ભૂતકાળ સુધી દોરી જાય! હમણાં આવું જ કંઈક ઇવીએમ મામલે બન્યું. ભારતમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) વપરાતું થયું ત્યારથી જ એની સામે આક્ષેપો થયા કરે છે. તેમ છતાં દેશનું ચૂંટણી પંચ, ન્યાયતંત્ર અને મોટા ભાગના લોકો ઇવીએમની તરફેણમાં રહ્યા છે. શા માટે?
બીજી તરફ યુરોપના કેટલાક દેશોએ ઇવીએમને નકારી કાઢ્યા છે. અને બેલેટ પેપર દ્વારા થતી ચૂંટણીઓ તરફ પાછા વળ્યા છે, પણ ભારત ફરી બેલેટ પેપર દ્વારા થતી ચૂંટણી પદ્ધતિ અપનાવે એવા કોઈ આસાર નથી. સુપ્રીમના જજીસની હાલની ટિપ્પણી પણ એ જ ઇંગિત કરે છે.
વિપક્ષોનું કહેવું છે કે ભાજપવાળા રોયાવ કાયમ ઇવીએમ હેક કરીને ચૂંટણી જીતી જાય છે, બાકી એવડી એ પાર્ટીને આટલી બધી સીટ્સ મળે જ ક્યાંથી! કેટલાક વળી એવો ય આક્ષેપ મૂકે છે કે ભાજપવાળા સરકારી મશીનરીનો ઉપયોગ કરીને મતદાન બાદ સ્ટ્રોંગ રૂમમાં મુકાયેલા ઇવીએમ બદલી નાખે છે. મૂળ વાત એ છે કે આમાંનું કશું સાબિત થયું નથી. સાબિત તો જવા દો, પાકી શંકા પેદા થાય, એવો ય કોઈ મામલો સામે નથી આવ્યો. ચૂંટણી કમિશને તો ઇવીએમ હેક કરી બતાવવા માટે રીતસર ચેલેન્જ મૂકી છે, જે આજ સુધી કોઈ ઉપાડી નથી શક્યું. હા, ટેકનિકલ ફોલ્ટને કારણે અમુક ઇવીએમમાં એવું થાય છે કે ગમે તે બટન દબાવવા છતાં બધા મત કોઈ એક જ પક્ષને જતા હોય, પણ જ્યાં લાખોની સંખ્યામાં ઇવીએમ બનતા હોય ત્યાં અમુક ઇવીએમ ખામીગ્રસ્ત હોય એ બનવાજોગ છે.
ખેર, આ બધી ટેકનિકલ બાબત છે. મજાની વાત એ છે કે જ્યારે ભાજપ વિપક્ષે હતું, ત્યારે એના નેતાઓ પણ ઇવીએમ સામે આવી શંકા-કુશંકા દર્શાવી ચૂક્યા છે, પણ અહીં જજે જે ટિપ્પણી કરી, એની વાત છે. ‘એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (ADR) નામક એનજીઓ ઈચ્છે છે કે ચૂંટણી પંચ ભારતમાં ઇવીએમને બદલે ફરીથી બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવે. આ માટે આ સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં સંસ્થા તરફથી વકીલ તરીકે છે જૂના અને જાણીતા પ્રશાંત ભૂષણ. ગત અઠવાડિયે ‘વોટર વેરીફિકેશન સ્લિપ’ અંગેની સુનાવણી દરમિયાન વિદ્વાન વકીલ પ્રશાંત ભૂષણે યુરોપિયન દેશોનુ દ્રષ્ટાંત આપતા કહ્યું કે આ દેશો ઇવીએમને બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા તરફ પાછા ફર્યા છે…. જવાબમાં બેન્ચમાં સામેલ જસ્ટિસ સંજીવ ખન્નાએ રોકડું પરખાવ્યું, કે ‘અમે જીવનના છઠ્ઠા દાયકામાં છીએ. આપણે બધા જ જાણીએ છીએ કે બેલેટ પેપરથી મતદાન થતું, ત્યારે પરિસ્થિતિ કેવી હતી!’
જસ્ટિસ ખન્નાની આ ટિપ્પણી ભારતીય ચૂંટણીઓના ઇતિહાસનું કાળું ધબ્બ પ્રકરણ ઉઘાડી આપે છે. જેમણે ૨૦૧૦ પછી મતાધિકાર પ્રાપ્ત થયો હોય, એ પેઢીને માટે ‘બૂથ કેપ્ચરિંગ’ શબ્દ કદાચ અજાણ્યો હશે, પણ એંસી-નેવુંના દશકો (અને કેટલાંક સ્થળોએ તો આઝાદી પછી તરતના દશકમાં જ) દરમિયાન ભારતમાં અનેક ચુનાવક્ષેત્રો એવાં હતાં, જ્યાં બૂથ કેપ્ચરિંગના બ્રહ્માસ્ત્ર સિવાય ચૂંટણી લડવી જ શક્ય નહોતી. જે બૂથ કેપ્ચરિંગ કરી શકે એ જ ચૂંટણી લડી અને જીતી શકે!
બાવડાના બળે આખું મતદાન મથક જ કબજે કરીને પોતાની તરફેણમાં બોગસ વોટિંગ કરાવી લેવાની ઘટના એટલે બૂથ કેપ્ચરિંગ…! બૂથ કેપ્ચરિંગની સૌથી પહેલી ઘટના ઠેઠ ૧૯૫૭માં ઘટી હોવાનું જાણવા મળે છે. એ વખતની, ચૂંટણીમાં બિહારના બેગુસરાઈ બેઠક પર કૉંગ્રેસ અને સામ્યવાદી પક્ષ વચ્ચે કાંટાની ટક્કર હતી. કૉંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે સરયુગસિંહ નામનો બાહુબલી હતો, જ્યારે કમ્યુનિસ્ટ પાર્ટી તરફથી ચંદ્રશેખર સિંહે ઉમેદવારી નોંધાવેલી. આ ચંદ્રશેખર પણ ગાંજ્યો જાય એવો નહોતો, આગળની ચૂંટણીમાં એ બેગુસરાઈ બેઠક જીતી ચૂકેલો અને સીટિંગ એમએલએ તરીકે ચૂંટણી લડતો હતો. બેઉ બળિયાઓ વચ્ચે રાજકીય માહોલ અત્યંત ગરમ હતો. મતદાનને દિવસે બેગુસરાઈથી છ-આઠ કિલોમીટર દૂર આવેલા રચિયાહી ગામે ભારતીય ચૂંટણીઓના ઇતિહાસમાં બૂથ કેપ્ચરિંગની પ્રથમ ઘટના બની. થયું એવું કે રચિયાહી ગામ ખાતે આવેલા મતદાન મથકે આસપાસનાં ગામોમાં વસતા કેટલાક લોકો મતદાન કરવા જઈ રહ્યા હતા. આ બધા કમ્યુનિસ્ટ પાર્ટીના મતદારો હોવાનું મનાતું હતું. આથી સરયુગસિંહના ટેકેદારો વિફર્યા. એમણે મતદાન કરવા જઈ રહેલા લોકોને અધવચ્ચે જ આંતર્યા, અને પછી તો કૉંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટીના ટેકેદારો વચ્ચે ભારે બઘડાટી બોલી ગઈ. ચંદ્રશેખરને વોટ આપવા આવેલા અનેક ઘવાઈને હોસ્પિટલ પહોંચ્યા. બીજી તરફ સરયુગસિંહના ટેકેદારોએ રચિયાહી મતદાન મથક કબજે કરીને મોટે પાયે બોગસ વોટિંગ કર્યું. કેટલાક લોકોનું એવું ય કહેવું છે કે મતદાન મથક કબજે નહોતું કરાયું, પણ બે પક્ષના ટેકેદારો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ તો અચૂક થયેલો. હિંસાનો સહારો લઈને એક પક્ષને મત આપતા અટકાવાયો, એ હકીકત હતી.
બેગુસરાઈ બેઠક અંતે કોણ જીત્યું, એ મહત્ત્વનું નથી, પણ આ ઘટનાએ સ્વાર્થી નેતાઓને એક નવો ‘વિચાર’ આપ્યો. ગમે એ ભોગે ચૂંટણી જીતવા માગતા અનેક નેતાઓ ગુંડાઓને જોરે બૂથ કેપ્ચરિંગ તરફ વળ્યા. ચૂંટણીને દિવસે નેતાઓ પોતે ઉછેરેલા ગુંડાઓને છૂટા મૂકી દેતા. આ ગુંડાઓ પોતાની સશસ્ત્ર ટુકડીઓ લઈને મતદાન મથકે પહોંચી જતા. ગુંડાટોળીના ૩-૪ સભ્યો જાતે જ બધા બેલેટ પેપર્સ પર સિક્કા મારી મારીને પોતાના પાલક નેતાને પક્ષે મતદાન કરતા. બિચારા સાચા મતદાતાને તો જાણ સુધ્ધાં ન હોય અને એનો વોટ પેલી ગુંડા ટોળીએ પોતાના પાલક નેતાના પક્ષે નાખી દીધો હોય! એ સમયગાળામાં ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્ય તો બૂથ કેપ્ચરિંગ માટે કુખ્યાત થઇ ગયેલા. રાજકારણમાં ગુંડાઓનો પગપેસારો થયો, એના મૂળમાં પણ ક્યાંક આ બૂથ કેપ્ચરિંગવાળી ઘટનાઓનો મોટો ફાળો છે. જે ગુંડા સરદારો જરા લાંબું વિચારી શકતા હતા, એમને થયું કે જો નેતાઓ એમના (એટલે કે ગુંડા સરદારોના) બાવડાને બળે નેતાઓ ચૂંટણી જીતી શકતા હોય અને રાજ ચલાવી શકતા હોય, તો પોતે જ પોતાના બાવડાને બળે નેતા કેમ ન બની શકે?! એ પછીનો પોલિટિકલ સિનારિયો તો આપણે જાણીએ જ છીએ.
પ્રશાંત ભૂષણે કોર્ટ સમક્ષ દલીલ કરતા જર્મનીનો દાખલો આપ્યો. જર્મની ઇવીએમ છોડીને બેલેટ તરફ પાછું વળ્યું છે. આના જવાબમાં બેન્ચના બીજા જસ્ટિસ દિપાંકર દત્તાએ કહ્યું કે ‘જર્મનીની વસતિ છ કરોડ છે, જ્યારે ભારતમાં નોંધાયેલા મતદારો જ સત્તાણુ કરોડ છે! આવડી જંગી વસતિમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન છોડીને બેલેટ પેપર તરફ વળવું અશક્ય છે.’
…અને જજે જે નથી કહ્યું એ મુજબ દરેક બાબતમાં યુરોપ-અમેરિકા સાચું જ કરતા હોય એ જરૂરી નથી.
અમેરિકાની ગઈ ચૂંટણી વખતે ટ્રમ્પ-બાઈડનના પક્ષો વચ્ચે પડેલી મડાગાંઠ કે પછી બ્રિટનમાં થોડા સમય પહેલા ઊભી થયેલી બંધારણીય મડાગાંઠના દાખલા મોજૂદ છે.. દરેક દેશે પોતપોતાની પરિસ્થિતિ મુજબ ઉકેલ શોધવાનો હોય છે. એમાં એક દેશનો નિયમ બીજાને લાગૂ પાડવામાં અનેક ભયસ્થાનો છે. યુરોપ-અમેરિકામાં આપણા ‘લેવલનું’ બૂથ કેપ્ચરિંગ નહિ થયું હોય એટલે એમને બેલેટ પેપર પોસાય! હા, લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી હોવી જ જોઈએ.
જો વીવીપેટ (વોટર વેરિફાઈડ પેપર ટ્રેલ) વિશે કોઈ ગરબડ થવાની શક્યતા હોય તો ચૂંટણી પંચે એનું નિવારણ કરવું જ રહ્યું. બાકી ઇવીએમ છોડીને ફરી બેલેટ વાપરવા, અને એના પગલે ફરી એક વાર બૂથ કેપ્ચરિંગના અંધારયુગમાં ધકેલાવું હવે પોસાય એમ નથી.