વીક એન્ડ

જોગ સંજોગ

ટૂંકી વાર્તા -ડૉ. નવીન વિભાકર

અફાટ ઉદધિમાં ઊઠતા તરંગોને લીના બાલ્કનીમાં ઊભી ઊભી જોઈ રહી, પણ મનમાં ઊઠતા તરંગોને કોણ જુએ? ભરી દુનિયામાં આજે તો સાવ એકલીઅટૂલી હતી. જીવનની મધ્ય સંધ્યાએ, અસહાય, પીડિત મનથી ભરતીને લીધે આવી રહેલાં ઊછળતાં મોજાંઓનો શાંત નિનાદ તેના મનને ખળભળાવી રહ્યો હતો. ક્યાં ઠાલવવો આ ખળભળાટ?

જીવન! કેવું વીત્યું…?

ત્રણ મહિનામાં યુગાન્ડા છોડી જવાનો આદેશ ત્યાંના સરમુખત્યાર ઈદી અમીને આપ્યો. બધા જ એશિયનો હેરત પામી ગયા. જે લોકો દેશની આર્થિક કરોડરજ્જુ હતા તે જ તે ભાંગવા બેઠો. વાંદરાએ જાણે મદિરા પીધી. અભણ માણસના હાથમાં સત્તા ને દોલત આવે તો બીજું શું પરિણામ આવે?

મનસુખભાઈ કોટેચા વિમાસણમાં પડી ગયા. મ્બરારા જેવા નાના ગામમાં પરિવાર સાથે સુખેથી રહેતા હતા. ભારતથી આવી, ખૂબ સંઘર્ષ કરી, બીજા લોહાણા ને એશિયનોની જેમ દુકાન નાખી. આજે કાપડના રિટેઈલ ને હોલસેલ ધંધામાં અગ્રણી વ્યાપારી હતા. પત્ની સવિતા, પુત્ર રમેશ ને બહેન લીના, બસ. ભારતથી જેમ દોરીલોટો લઈને આવેલા તેમજ હવે જવાનું? આ ઉંમરે ઈંગ્લૅન્ડ જેવા દેશમાં સ્થિર થવાશે? જોકે, રમેશ ને લીનાએ તો હાઈસ્કૂલ પૂરી કરી હતી. બંને આમેય લંડન ભણવા તો જવાનાં જ હતાં.

‘બાપુજી! તમે ચિંતા ન કરો. લંડન જઈ કંઈ કામ કરીશું ને સાથે સાથે ભણતા પણ જશું. થોડો સંઘર્ષ પાછો વેઠવો પડશે અને બાપુજી, તમે તો એકાઉન્ટ્સ પણ સારું જાણો છો. ક્યાંક આછીપાતળી નોકરી નહીં મળી રહે?’ રમેશ બોલ્યો.

‘બાપુજી! મને લાગે છે કે આપણે ભારતની જૂની પેઢીના વિચારોથી, એ જ પ્રણાલિકાથી અહીં સંયુક્ત કુટુંબની ભાવના વિકસાવી રહ્યા. પણ હવે આ પ્રણાલિકાઓમાં થોડો ફેરફાર સંજોગો પ્રમાણે કરવો જ પડશે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીકરી કમાય તો તેના પૈસાને હાથ ન અડાડાય. એ શિરસ્તો બદલાવવો પડશે. હું પણ કુટુંબને યથાયોગ્ય મદદ કરવા માગું છું.’ લીનાના ચહેરા પર દૃઢ નિશ્ર્ચય કોતરાઈ ગયો. આત્મબળ જાણે ત્યાં છલકાતું લાગ્યું.

એક વખતનો લાખોપતિ, બંગલો, ચાર ચાર મોંઘી ગાડીઓ, નોકરચાકર, દુકાન, બધું મૂકી બીજા એશિયનોની જેમ યુગાન્ડા છોડી લંડન આવ્યો. રમેશ ને લીનાને આછીપાતળી નોકરી મળી ગઈ. સાંજના ક્લાસમાં બંને ભણવા જવા લાગ્યા. મનસુખભાઈને છ મહિના તો ઘરે બેસવું પડ્યું. નિરાશ્રિત તરીકે સરકાર તરફથી આછુંપાતળું વેતન મેળવતા દિલ પર કારી ઘા થતો, પણ શું થાય? સંજોગો સામે માથે છુકાવવું જ રહ્યું.

રમેશ રિયલ એસ્ટેટનો નિષ્ણાત થઈ ગયો. લીના એકાઉન્ટન્ટ થઈ ગઈ. બંનેએ સાથે મળી ઓફિસ શરૂ કરી.

પગભર થાય ત્યાં તો મનસુખભાઈ, હૃદયમાં પડેલા ઘાને યુગાન્ડાને ભૂલી નહોતા શક્યા. ધીમે ધીમે તેમનો દેહ જર્જરિત થવા લાગ્યો. યુગાન્ડાવાસી નિરાશ્રિત મિત્રની દીકરી સાથે રમેશના લગ્ન તો થઈ ગયાં, પણ લીનાના હાથ પીળા કરે તે પહેલાં તો ભગ્નહૃદયે તે બધાને છોડી વિદાય લઈ ગયા.

રમેશની પત્ની શાલિની ઘરનું અને વૃદ્ધ સાસુનું ધ્યાન રાખતી. પાર્ટ ટઈમ નોકરી પણ કરતી. સવિતાબહેન તો શાલિનીના સારા સમાચાર સાંભળી ખુશીથી પુલકિત થઈ ગયા. એ જ વખતે બ્રહ્મકુમારીજીનું વ્યાખ્યાન લંડનમાં હતું. શાલિની ને સવિતાબહેન બંને સાંભળવા ગયાં. શાલિની તે વ્યાખ્યાન ને તેની ફિલોસોફીથી – જીવન કેમ જિવાય, શું કહેવાય તે સાંભળી પ્રભાવિત થઈ.
સાંજે ડિનર લેતા સવિતાબહેન બોલ્યાં, ‘લીના, તું રમેશ સાથે કામમાં ગળાડૂબ કામ કરે છે. આજે વ્યાખ્યાનમાં બ્રહ્મકુમારી બોલ્યાં કે કુટુંબની સાથે દરેક વ્યક્તિએ પોતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. લીના, તારે હવે એ બાબતમાં વિચાર કરવાનો રહેશે.’

‘બા! આપણે બધા સાથે છીએ. ઓફિસનું કામ પણ સારું ચાલે છે. શાલિનીભાભી હવે આપણને વારસ આપવાના છે. હવે આ સુખથી બીજી શું કામના કરવી?’

‘રમેશ! શાલિની! હવે લીના માટે કોઈ સારો મુરતિયો શોધો અથવા લીના તારા મનમાં કોઈ હોય તો…’

‘બા! હમણાં એ વાત છોડો. બધું થઈ રહેશે. તમને બીજા ખુશખબર આપું. કેન્સિન્ગટ જેવા પોશ એરિયામાં ભાઈએ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ખરીદ્યું છે ને માર્બલ આર્ચ પર એક ફલેટની વાટાઘાટ ચાલી રહી છે.’

‘બસ બેટા, ખૂબ ઉન્નતિ કરો ને જીવનમાં સુખી થાઓ. તારા પિતા આ બધું જોવા જીવતા ન રહ્યા.’ સવિતાબહેને આંખો લૂછી.

‘બા! એમ કેમ નથી માનતા કે પિતાજી પાછા શાલિનીભાભીને ખોળ અવતરવાના નહીં હોય?’

‘બેટા, તારા બાપુજી તો દેવતા હતા,’ સવિતાબહેન બોલ્યાં.

ઘણી વાર માનવી અનાયાસે પણ અંતરતલમાંથી કેવું સત્ય બોલી જાય છે!


લીનાએ પવનની લહેરખીથી ફરફરતી લટોને કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો, પણ મનને એ કાબૂમાં રાખી શકે? ‘આ ઈશ્ર્વરને અમારું સુખ કેમ દેખ્યું નથી જતું?’ એ વિચાર લીનાને આવ્યો.

શાલિનીભાભીને દીકરો જન્મ્યો. જોયો, દાદીમાએ છ મહિના રમાડ્યો ને સવિતાબહેન મનસુખભાઈને સાથ આપવા જતા રહ્યાં. ધંધો વિકસતો ગયો. પુત્ર મોટો થવા લાગ્યો. શાલિની બ્રહ્મકુમારી તરફ વળવા લાગી. ઘર તરફ, પરિવાર તરફ બેધ્યાન થવા લાગી. ઘરનો ભાર પણ લીના પર આવવા લાગ્યો.

ઓફિસ બંધ કરતાં રમેશે પૂછયું, ‘લીના! ચાલો ત્યારે!’

‘ભાઈ, સવારે વહેલા ઊઠી રસોઈ કરી લીધી છે. માઈક્રોવેવમાં ગરમ કરી લેશો?’

‘કેમ? તારી ભાભી ઘેર નથી?’

‘ભાઈ! ભાભીને બ્રહ્મકુમારીના સેન્ટરમાં જવાનું છે. દક્ષ પણ સાથે જવાનો છે?’

લીનાના મોં પર સુરખી ઢળી.

‘ઓહ! શેખર સાથે જવાની છે? બધું સ્ટેડી છેને? રમેશે સંતોષથી પૂછ્યું. આ વહાલસોય બહેને જીવનમાં કેવો સાથ આપ્યો! કુટુંબ, પરિવાર માટે જીવન ઓળઘોળ કરી નાખ્યું. આવો બહોળો વ્યાપાર ફેલાવ્યો હતો. તેને યાદ આવ્યું કે વકીલ પાસે જવાનું હતું. શાલિની તેનાથી દૂર જતી રહી છે તેથી તેને રંજ થયો. પણ પાશ્ર્ચાત્ય દેશોની સંસ્કૃતિ ને રહેણીકરણી, ત્યાં જ રહેતા હોવાથી ઘણાના જીવન બદલી નાખે છે.


‘લીના! કેમ ઉદાસ છે?’

અદ્યતન વેજિટેરિયન રેસ્ટોરામાં જમતા શેખરે પૂછ્યું.

‘શેખર! ભાભીનો આ બ્રહ્મકુમારીવાળો અભિગમ અકળ છે ને નાપસંદ પણ. શું કરવુ? સમજ્યાં સમજતા જ નથી.’

‘એટલે ઘરનો ભાર તારા પર આવે છે એમ જને?’

‘શું થાય?’

‘લીના! લંડનમાં આટલા વરસો રહ્યા પછી પણ તારા અધિકારોથી તું કેમ વંચિત છે?’

‘શેખર! જે કુટુંબ માટે પ્રાણ ન્યોછાવર થાય તેને કેમ મુકાય? એમાંય ભાઈએ જે સંઘર્ષ વેઠયો છે તે તને કેમ સમજાવું?’

‘જો લીના! ખરાબ નહીં લગાડતી! તેં પણ ઓછો સંઘર્ષ કર્યો છે. આજે તારા વ્યાપારમાંથી તારો પગાર લે છે? ના. તારી માલિકીની કોઈ ચીજ છે? એસ્ટેટ – ઈક્વિટી કે ઘરે?
ના! ક્યાં સુધી આમ રહીશ?’

‘શેખર! ભાઈએ મને ટ્રસ્ટી તો બનાવી છે. પછી શું જોઈએ?’

‘છતાંય, આ બાબતે તારે ધ્યાન તો આપવું જોઈશેને? અને હા, મારા માતાપિતાને તારા વિષે વાત કરી છે. ખુશ છેને?’
લીનાને ઘરે ઉતારી શેખર આનંદમાં ઘરે ગયો. પણ લીના માટે ઘરે ધડાકો હતો. રમેશ ઉદાસ નજરે, માથે હાથ દઈ બેઠો હતો. તેના હાથમાં પત્ર ફરફરી રહ્યો હતો. લીનાએ એ લીધો ને વાંચીને થીજી ગઈ.

‘રમેશ – લીનાબહેન!
રાજીખુશીથી સાઈન કરેલા ડાઈવોર્સના પેપર આપતી જાઉં છું. મેં ને દક્ષે બ્રહ્મકુમારીને જીવન સમર્પિત કરી દીધાં છે. રમેશ, તું આજથી આઝાદ છે.

  • શાલિની’
    લીનાનો સપનાનો મહેલ કડડડભૂસ કરતો તૂટી પડ્યો. હવે? શેખરને શું જવાબ આપવો? ભાઈને આમ મૂકીને કેમ પરણાય?

તે રમેશને હિંમત આપતી રહી. રમેશ અંદરથી તૂટવા લાગ્યો. લીનાએ વ્યાપાર, ઘર, રમેશ બધાને સંભાળી લીધાં. શેખર આ બધું જોઈ ઉદાસ થઈ ગયો. તેના માતાપિતા વધુ રાહ જોવા નો’તા માગતા. લીના ઉજ્જડ આંખે પોતાના વેરાન જીવનને ને શેખરને દૂર સરી જતો જોઈ રહી.


‘ન મિલતા ગમ તો બરબાદી કે અફસાને કહાં જાતે અગર દુનિયા ચમન હોતી તો વિરાને કહાં જાતે!’

હવે આ ગીત જ લીના માટે પસંદગી બની ગયું. તનમન તેણે કુટુંબ ને વ્યાપારમાં રત કરી દીધું અને રિયલ એસ્ટેટનો પત્ર હાથમાં લઈ એક દિવસ તે જોઈ રહી. રમેશની સાઈન કરવાની હતી. રમેશની ઓફિસમાં ગઈ તો રમેશ હસી હસીને ફોનમાં વાતો કરી રહ્યો હતો: ‘કલા! સાંજે મળે છેને?’લીનાને આવેલી જોઈ બોલ્યો, ‘તો સાંજે! ઓ.કે.!’

તેના ચહેરા પર ખુશી, આટલા વખત પછી જોઈ તે પણ આનંદ પામી.

‘લીના! વકીલને મળ્યો છું. બધાં પેપર્સ તૈયાર કરવા આપ્યા છે. વાંધો નથીને?’

‘ભાઈ! બધું જ આપણું છે. શા માટે માથાકૂટ કરે છે? હવે તો શેખર પણ જીવનમાંથી…’

‘એટલે જ લીના! તારા જીવનમાં કોઈ બીજું આવે કે ન આવે, ખ્યાલ તો મારે કરવો જ રહ્યોને?’

વાત બદલવા લીના બોલી, ‘કોનો ફોન હતો ભાઈ?’

‘કલાનો!’ કહેતાં તેના સ્વરમાં ખુશી ભળી.

‘ભાઈ! વિચાર થાય છે? શુભસ્ય શિઘ્રમ!’ શશિકલા અને રમેશના લગ્ન થયા. તે રમેશ-લીનાના નિવાસે આવી ગઈ, પણ લીનાને ખ્યાલ પણ નો’તો કે ભાભી ખરેખર ‘શશિકલા’ નીવડશે! ધીમે ધીમે તે વ્યાપારમાં માથું મારવા લાગી. એવું કરતી કે લીનાને ઘર સંભાળવું પડતું ને પોતે ઓફિસે વધુ રહેતી. ઘરમાં કંકાસ વધતો ગયો ને રમેશ વકીલો પાસે લીના માટે કંઈ વ્યવસ્થા કરીને જાય એ પહેલાં ઘરના હાલ જોઈને, વ્યથિત રમેશને તીવ્ર હાર્ટ એટેક આવ્યો ને લીનાને નોધારી છોડી જતો રહ્યો. શશિકલાએ વ્યાપાર હસ્તગત કરી લીધો. પત્ની હોવાથી બધું રમેશના નામનું હતું તે તેને ફાળે ગયું. જે ઘરમાં સાથે રહેતા હતાં તેમાં જ લીના જાણે અજાણી – પરાઈ બની રહી ગઈ. ઓફિસમાં હવે શશિકલા તેને આવવા જ નો’તી દેતી. પોતે માલિકણ ને લીના નોકરાણી હય તેવા સંજોગો તેણે ઊભા કરી દીધા. સાંજે આવે ને રસોઈ સરખી ન થઈ હોય તો ગુસ્સે થતી લીનાએ મક્કમ મન કરી બધું સહી લીધું. પણ ક્યાં સુધી?

છેવટે તેણે નિશ્ર્ચય કર્યો. એક સાંજે ભાભી ઘરે આવ્યા. જમતી વખતે હંમેશની રીત પ્રમાણે લીનાની રસોઈની ખામી કાઢવા બેઠી ત્યારે શાંત, સ્વસ્થ અવાજે લીના બોલી, ‘ભાભી! જુઓ, આ રોજની કટકટથી હું ત્રાસી ગઈ છું. મને લાગે છે કે આપણે છૂટા પડવાનો સમય આવી ગયો છે.’

ટાઢે પાણીએ ખસ જતી જોઈ શશિકલા બોલી, ‘સરસ, તમારે જ્યાં જવું હોય ને જ્યારે જવું હોય તમને છૂટ છે.’

‘ભાભી! તમે સમજ્યાં નહીં. આપણે કેન્સિન્ગ્ટનું મકાન વેચવા કાઢ્યું છેને? એમાંથી પહેલાં બે ભાગ, મારો ને તમારો કરવાનો હતો ને? આજે રમેશભાઈ ને શાલિનીભાભીના દીકરા દક્ષનો ફોન હતો. તે હવે એકવીસ વર્ષનો થઈ ગયો છે તે પણ તેમાં હક્ક માગે છે તેથી ત્રણ ભાગ કરવાના રહેશે.’ શશિકલાના હાથમાંથી કોળિયો પડી ગયો.

‘અને તમારે જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ છે. માર્બલ આર્ચ પર રમેશભાઈનો ફલેટ રમેશભાઈના નામ પર હતો, તેમાં રહેવા તમે જઈ શકશો. તમે મારું ઓફિસે આવવાનું બંધ કરી દીધું, પણ સેફમાં પડેલા કાગળિયાં – આ ઘરનું ‘ટાઈટલ’ વાંચ્યું લાગતું નથી. આ ઘર મારા બાપુજીના નામ પર છે ને મને તેની ટ્રસ્ટી બનાવી છે. આ ઘર તથા રમેશભાઈએ પણ તેમના વ્યાપાર ને મકાનોની ટ્રસ્ટી મને બનાવી છે. જે કંઈ વેચાણ હોય ને ભાગ પાડવાના હોય, તે ટ્રસ્ટીની રજા વગર થઈ શકે નહીં. ફક્ત માર્બલ આર્ચનો ફલેશ રમેશભાઈના નામનો છે. તેનો હક્ક તમને મળે.

શશિકલા ઘૂંઘવાઈ ગઈ. કાગળિયા તપાસતા હતાશાથી તે ક્રોધની મારી કાંપી ઊઠી. બીજે જ દિવસે તે માર્બલ આર્ચનો ફલેટમાં ખસી ગઈ.

લીના ફરી ઓફિસે આવી. રમેશ ને પિતાજીના ફોટા જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી રહી. સ્વસ્થ થતાં, તેણે બધું સંભાળ્યું, પણ એક ગમગીની, હતાશા તેને ઘેરી વળી હતી. ત્યાં તો કેન્સિન્ગટવાળા ફલેટની ઓફર આવી. શશિકલાએ બધી મિલકત મેળવવા વકીલ રાખ્યા હતા. નછૂટકે સામનો કરવા લીનાને પણ વકીલ રાખવા પડ્યા. ઓફર આવતા તે ખુશ થઈ. બધું પતે તે પહેલાં જ ઓફર આવી તેનાથી એક જ પાઉન્ડની વધુ ઓફર આવી. લીના વિચારમાં પડી ગઈ. મકાન વેચાતા એક ભાગ તો શશિકલાને મળવાનો હતો. તો શા માટે આવા અસીલો ઊભા કરી વેચવામાં અડચણ ઊભી કરતી હશે?
ભારે હૈયે તેણે ઓફરના પત્રો વાંચવા બંધ કર્યા. ઓફિસના હૈયે તેણે ઓફરના પત્રો વાંચવા બંધ કર્યા. ઓફિસનો કારભાર શશિકલાની અણઆવડતને લીધે વેરવિખેર થઈ ગયો હતો. એ સમેટતા આ ઉંમરે હવે કેટલી વાર લાગશે એ વિચારે લીના નિરાશ થઈ ગઈ. વકીલોને ટ્રસ્ટમાંથી ફી અપાતી હતી તેથી લીના માટે તો કશું બચતું નહોતું. રમેશના નામની રોકડ ને બેન્કના એકાઉન્ટસમાં સારા પૈસા હોવાથી શશિકલાને પત્નીના હિસાબે એ બધું મળતું, તેને તો લીલાલહેર હતી. લીના વિચારી રહી કે હવે આગળ શું કરવું?

એકાએક શેખર યાદ આવી ગયો. આટલાં વર્ષોમાં તેણે ભાળ પણ નહોતી કાઢી કે તેનું શું થયું?

‘ક્યાં હશે?’ તે વિચારી રહી. ત્યાં તેની ખાસ સખી, યુગાન્ડામાં સાથે ભણતી કલ્પનાનો અમેરિકાથી ફોન આવ્યો. લીના વિષે કલ્પનાને ત્રુટક ત્રુટક સમાચાર મળતા તેણે કહ્યું, ‘લીના!’ કેમ આમ ગંભીર છે?’

કલ્પના, જીવનમાં એકલીઅટૂલી છું. ભર્યુંભાદર્યું ઘર – કુટુંબ, બધું વીખરાઈ ગયું!’ તેનાથી ડૂસકું ભરાઈ ગયું.

‘લીના! એક કામ કર! હું ને મિલન અહીં ફલોરિડાના પ્રખ્યાત ડેયટોના બીચ પર રિસોર્ટમાં વેકેશન માટે જઈએ છીએ. એક અઠવાડિયા માટે આવ.મજા પડશે.’ કલ્પનાને ખબર હતી કે કુટુંબને પગભર કરવા લીનાએ કેવો સંઘર્ષ કર્યો હતો, કેટલા બલિદાન આપ્યા હતા! અને સાથે સાથે બીજો વિચાર પણ ચમક્યો.


લીના વિચારી રહી હવે જીવનમાં બાકી શું રહ્યું છે? જઉં ચેન્જ મળતા ત્રસ્ત મનને કળ વળશે. આ રોજના વકીલોના ને શશિકલાના ત્રાસથી તો થોડો વખત બચાશે. અને આજે રિસોર્ટની બાલ્કનીમાં દરિયાના તરંગોને જોઈ, પાછી જીવન વિષે વિચારવા લાગી હતી.

‘અરે’! લીના! તૈયાર નથી થઈ? આપણે લાઈટહાઉસ રેસ્ટોરાંમાં જમવા જવાનું છે પ્લીઝ જલદી તૈયાર થઈ જા.’ જ્યારથી કલ્પનાએ લીનાની આપકહાણી સાંભળી, તેને એક અનુકંપા જાગી હતી. રેસ્ટોરાંમાં બેઠા હતા ને કલ્પનાને વારે વારે ઘડિયાળમાં જોતા જોઈ તેણે પૂછ્યું, ‘શું વાત છે કલ્પના? કોઈની રાહ જોઈ રહી છે.’ ત્યાં તો કલ્પનાના મોં પર સ્મિત રેલાયું. દૂરથી એક પચાસેક વરસના સશક્ત, સોહામણા પુરુષને આવતા લીનાએ જોયો. જેવો તે નજીક આવ્યો કે લીના ‘શેખર! તું?’ કહી નવાઈથી ઊભી થઈ ગઈ. શેખર પણ ‘લીના! તું?’ કહી સ્તબ્ધ થઈ ગયો.

શેખર ને લીના એકબીજાને જોઈ રહ્યાં, બંનેના ચહેરા પર મૂંઝવણ હતી. ‘તમે બંને એકબીજા સાથે વાતો કરો, હું ને મિલન જરા લાઉન્જમાં જઈ આવીએ.’ કલ્પનાએ જ્યારથી લીનાની આપવીતી સાંભળી હતી ત્યારથી તેમને બંનેને મેળવવા આ વેકેશનનો પ્લાન કરેલો.

‘લીના! તું અહીં? કેવો જોગાનુજોગ! ક્યાંય નહીં ને અમેરિકામાં આપણે ભેગાં થયાં?’
‘હા! શેખર! આજે તો બાલ્કનીમાંથી અગાધ સમુદ્રને જોઈને થતું હતું કે તેના તળિયે શું હશે? આ ત્રસ્ત જિંદગીથી બચવા આ સમુદ્રમાં સમાઈ જવું જોઈએ. ન દેખવું ન દાઝવું.’ અને તેની આપવીતી શેખરે સાંભળી.

‘પણ તું અમેરિકામાં? તારી પત્ની તારી સાથે નથી?’

‘ઉદાસ હસી કપાળ પરના જુલફા તેની લાક્ષણિક અદાથી દૂર કરી શેખર બોલ્યો, પાશ્ર્ચાત્ય દેશનો પરિતાપ લીના! તે ડાઈવોર્સ આપી જતી રહી.’

બંને એકમેકની સામે જોઈ રહ્યાં. અચાનક શેખર બોલ્યો, ‘લીના!’ પત્ની શબ્દ તો નહીં વાપરું, પણ મારી સહભાગી અર્ધાંગિની બનવાનું પસંદ કરીશ. પતિ ને પત્ની વચ્ચે જે શરીરોનું મિલન હોય તે કદાચ આપણે પાર કરી ચૂક્યાં છીએ, પણ આપણી વચ્ચે જે પ્રેમ હતો તે બે આત્માઓનું મિલન ન થઈ શકે?’ આ ઉંમરે પણ આ પ્રસ્તાવથી મુગ્ધાની જેમ લીના શરમાઈ ગઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button