જીના પડા ઉમ્મીદે -વફા પર તમામ ઉમ્ર, હાલાં કિ જાન દેને મેં કોઇ ઝિયા ન થા
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
ફારસી શાયર રૌદકીએ દસમી શતાબ્દીમાં સંગીતમય કાવ્ય શૈલીના રૂપમાં ગઝલનો સ્વીકાર કર્યો. અરબી કસીદાના પ્રારંભિક ભાગ ‘તશબીબ’ને ગઝલ માટે આધાર બનાવ્યો તેમાં શણગાર, સૌંદર્ય, સંયોગ, વિયોગ અને પ્રકૃતિ-ચિત્રનું આલેખન કરાયું રૌૈદકી પછી અમીર ખુસરો, સાદી, જમી, ફુગાની, ઊર્ફી, દકીકી, વાહિદી, નિઝામી, કમાલ, બે દિલ જેવા શાયરોએ ફારસીમાં ગઝલો લખી. તેમાં હાફિઝ શીરાઝી (૧૩૨૦-૧૩૮૯)નું યોગદાન મહત્ત્વનું રહ્યું. આ પછી ફારસીમાંથી ઉર્દૂમાં ગઝલનું અવતરણ થયું હતું. ઉર્દૂ ગઝલોએ તેમાં તાજગી અને ભાબભિવ્યક્તિનો સુંદર સમન્વય કર્યો.
પ્રેમનાં વિવિધ સ્વરૂપોને ગઝલમાં ઢાળવાના યજ્ઞમાં માતબર શાયરોએ આખી જિંદગી ખર્ચી નાખી તેના કેટલાય ઉદાહરણ આપણી પાસે મોજૂદ છે. આશિકની વફાદારી અને માશૂકના વિશ્ર્વાસને તેમ જ પ્યાર કરનારાઓના વિવિધ હાલાતોને વ્યક્ત કરતી કેટલીય દર્દીલી શાયરી ‘આસી’ ઉલ્દની પાસેથી મળી છે.
તેમનું મૂળ નામ મૌલવી અબ્દુલબારી હતું. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના ઉલ્દન નામના ગામમાં ૧૮૯૩ની સાલમાં તેમનો જન્મ થયો હતો. શાયરીનો શોખ તેમનેે વારસામાં મળ્યો હતો. અરબી-ફારસી ભાષા સાથે તેમણે ચિકિત્સાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેમણે કેટલોક વખત ફારસી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરાવ્યું હતું. તેમણે દિલ્હીના અખબાર ‘હમદર્દ’ના તંત્રી વિભાગમાંય કામ કર્યું હતું. છેલ્લે તેઓ લખનઊ ચાલ્યા ગયા હતા. જયાં ૧૯૪૬ની સાલમાં તેમનું અવસાન થયું હતું.
આ શાયર ‘નાતિક’ ગુલાવરીના શિષ્ય હતા. તેમણે ‘નાસિખ’ અને ‘હાલી’ના રંગમાં શાયરીનું સર્જન કર્યું હતું ‘દાગ’ની રંગીની અને ‘ગાલિબ’ના જીવન-વિષાદનો પ્રભાવ ઝીલનાર આ શાયરે તેમની શાયરીમાં પોતાની અલગ ઓળખ પણ સ્થાપી હતી.
‘આસી’ સાહેબે ગઝલ, નઝમ, રૂબાઇ, કસીદા અને મસનવીનું સર્જન કર્યું હતું. જોકે તેમની બહુધા રચનાઓ હજુ સુધી અપ્રકાશિત રહી છે. તે શાયરીના ઇતિહાસ માટે ખેદની વાત છે. જોકે તેમની ૬૦૦ રૂબાઇઓનું દમદાર પુસ્તક ‘રુબાઇયાતે આસી’ નામથી લખનઊના નવલ કિશોર પ્રેસે પ્રકાશિત કર્યું હતું.
મોહબ્બતના આ શાયરના કેટલાક શે’રનું રસદર્શન કરીએ.
- રુસ્વાઇયો કી અપને મુઝે કુછ હવસ નહીં
નાસેહ! મૈં કયા કરું કે મેરા દિલ પે બસ નહીં.
ઓ ઉપદેશક! મને મારી બદનામીઓની કોઇ લાલસા હોતી નથી, પરંતુ હું શું કરું. મારું દિલ હવે મારા હાથમાં નથી.
- રફતા-રફતા યે ઝમાને કા સિતમ હોતા હૈ,
એક દિન રોઝ મેરી ઉમ્ર સે કમ હોતા હૈ.
આ તો જમાનાનો ધીમી ગતિનો અત્યાચાર છે કે મારી વયમાંથી દરરોજ એક દિવસની બાદબાકી થતી જાય છે.
- અબ કોન હૈ રમૂઝે-મોહબ્બત કા રાઝદા,
ઇક હમ રહે હૈ, હમ કો કોઇ પૂછતા નહીં.
પ્રેમનાં રહસ્યોનો જાણભેદું હવે કોણ બાકી રહ્યો છે, હવે તો માત્ર હું બચ્યો છું. છતાં આ વિશે મને કેમ કોઇ પૂછતું નથી!
- ઉનકો યે ગુસ્સા કે મૈં ઉન કી ગલી મેં કયૂં ગયા?
મુઝ કો યે હૈરત હે કયૂં કર શકલ પેહચાની મેરી?
હું એમની ગલીમાં શા માટે ગયો એ બાબતનો એમને ગુસ્સો હતો. જયારે મને તો એ વાતનું અચરજ હતું કે એમણે મારો ચ્હેરો કેવી રીતે ઓળખી લીધો?
- ઉસી મહેફિલ સે મૈં રોતા હુવા આયા હૂં ઐ ‘આસી’!
ઇશારોં મે જહાં લાખો મુકદ્ર બદલે જાતે હૈ
અરે ‘આસી’! જયાં ઇશારો કરવા
માત્રથી લાખો નસીબ બદલાઇ જતાં હોય છે તે મહેફિલમાંથી હું રડતો રડતો પાછો
આવ્યો છું. - અગર દિલ સલામત રહેગા તો ‘આસી,’
બહોત મિલ રહેંગે દગા દેનેવાલે.
‘આસી’! જો હૃદય સલામત રહેશે તો દગો કરનારા તો ઘણાં મળી રહેશે.
- એક હાલત પર ન રહને પાયેં દિલ કી હસરતેં,
તુમને જબ દેખા નયે અંદાજ સે દેખા મુઝે.
હૃદયના ઉમંગો કાંઇ એક જ સ્થિતિ પર રહી શકે નહીં. જયારે પણ તેં મારા તરફ જોયું ત્યારે કંઇક નવા અંદાજ (શૈલી)થી જોયું.
- કોઇ નાસેહ હૈ, કોઇ દોસ્તા હૈ, કોઇ ગમખ્વાર,
સબને મિલ કે મુઝે દીવાના બના રખ્ખા હૈ.
કોઇ ઉપદેશક છે, કોઇ મિત્ર તો વળી કોઇ તો દુ:ખમાં સાંત્વન આપનારા છે. પરંતુ, આ સૌએ ભેગા મળીને મને તો પાગલ બનાવી દીધો છે.
- કિસી કી તો ઝાહિદ કો હોતી મોહબ્બત,
બુતોં કી ન હોતી, ખુદા કી તો હોતી.
આ ધર્મોપદેશકને કોઇકની સાથે પ્રેમ તો હોવો જ જોઇએ. તેને કદાચ સુંદરીઓ સાથે પ્રેમ ભલે ના હોય, પણ ખુદા સાથે તો પ્રેમ હશે કે નહીં?
- અબ તક તો મોહબ્બત મેં વો સાઅત નહીં આઈ,
જિસ રોઝ વો રોને પે મેરે હંસ ન દિયા હો.
હજુ સુધી તો પ્રેમમાં એ ક્ષણ આવી નથી કે જ્યારે પણ મારા રડવા પર એમણે હસી કાઢ્યું ન હોય!
- કહીં સે ઢૂંઢ કે લા દે હમેં ભી ઐ ગુલે-તર,
વો ઝિન્દગી, જો ગુઝર જાયે મુસ્કુરાને મેં.
ઓ તાજા ફૂલ! તું મને ક્યાંકથી શોધીને એવી જિંદગી લાવી આપ જે તારી જેમ હસતાં હસતાં પસાર થઈ જાય.
- ગુલશન બહાર પર હૈ, હંસો ઐ ગુલો હંસો,
જબ તક ખબર ન હો તુમ્હેં અપને મઆલ કી.
બગીચામાં વસંત છવાઈ ગઈ છે માટે ઓ ફૂલો! તમારે જેટલું હસવું હોય તેટલું હસી લ્યો. તમને તમારા ભવિષ્યની જાણ ન થાય ત્યાં સુધી બસ હસ્યાં કરો.
- જો ફૂલ આતા હૈ ગુલશન મેં ગરેબાં ચાક આતા હૈ,
બહારે-રંગોબૂ મેં ખૂન દીવાનોં કા શામિલ હૈ.
બગીચામાં ખીલતાં ફૂલો ચીંથરેહાલ હાલતમાં જ ખીલે છે. કેમ કે વસંતના રંગ-સુગંધમાં પાગલોનું રક્ત ભળેલું હોય છે.
- યકીન રખ કિ યહાં હર યકીન મેં હૈ ફરેબ,
બકા તો ક્યા હૈ, ફના કા ભી ઐતેબાર ન કર.
અહીં તો બધા વિશ્ર્વાસમાં દગો હોય છે તે વાતનો તું ભરોસો રાખ. અમરતા તો ઠીક પણ અહીં તો મૃત્યુનો ય ભરોસો નથી.
- કહતે હૈં કિ ઉમ્મીદ પે જિતા હૈ જમાના,
વહ ક્યા કરે જિસ કો કોઈ ઉમ્મીદ નહીં હૈ.
સમસ્ત દુનિયા આશાના તંતુ પર જીવે છે એવું કહેવાય છે, પરંતુ જેને કોઈ આશા જ ન હોય તે બિચારો શું કરે?
- ઐ દુશ્મને-મુરવ્વત! કુછ હક ભી હૈ હમારા,
બરસોં તેરે લિયે હમ અહબાબ સે લડે હૈં.
ઓ પ્રેમના દુશ્મન! તેમાં કંઈક અમારો ય અધિકાર છે. તારા વાસ્તે તો અમે મિત્રો સાથે કેટલાય વરસ સુધી લડતા રહ્યા છીએ.
- અદબ આમોઝ હૈ મયખાને કા ઝર્રા ઝર્રા,
સૈંકડો તરહ સે આ જાતા હૈ સજદા કરના.
સુરાલયનો અણુ અણુ વિનય-વિવેકના
પાઠ ભણાવે છે. આમ, સુરાલયમાં સેંકડો
રીતે સજદો (નમન) કરવાનું આવડી જતું
હોય છે.
- જીના પડા ઉમ્મીદે-વશ પર તમામ ઉમ્ર,
હાલાં કિ જાન દેને મેં કોઈ ઝિયા ન થા.
વફાદારીની આશા પર તો આખું જીવન જીવવું પડ્યું. જો કે પ્રાણની આહુતિ આપવામાં મારે કોઈ નુકસાન વેઠવાનું ન્હોતું.
- ઝિન્દગાની કા આસરા હૈ યહીં,
દર્દ મિટ જાયેગા તો ક્યા હોગા.
આ વેદના તો મારા જીવનનો સહારો છે. તે જો ખતમ થઈ જશે તો પછી મારા જીવનમાં શું બાકી રહેશે?
- બુઝા દે ઐ હવાએ-તુન્દ! મદફન કે ચરાગોં કો,
સિયહવખ્તી મેં યે ઈક બદનુમા ધબ્બા લગાતે હૈં.
એ તેજ રફતાર પવન! તું કબર પરના દીપકોને બુઝાવી નાખ. આ બદનસીબીમાં તે એક ખરાબ ડાઘ પાડી દે છે.
- મૈં ચુપ બેઠા હૂં ઔર મુઝ કો યે મા’લૂમ હોતા હૈ,
કિ જૈસે ઈક ઝમાના કેહ રહા હૈ દાસ્તાં મેરી.
હું તો શાંતચિત્તે બેઠો છું. પરંતુ જમાનો મારી જ વાર્તા મને કહી રહ્યો હોય એવું મને લાગ્યા કરે છે.
- આલમે-ઝિન્દગી કી હકીકત ન પૂછિયે,
લાખોં તો ઐસે હૈં જો મુઝે યાદ ભી નહીં.
જીવનના હાલહવાલની હકીકત વિશે મને કશું પૂછશો નહીં. કેમ કે તેમાંની લાખો તો એવી છે જે મને યાદ સુધ્ધાં નથી.
- એહસાસ અબ નહીં હૈં, મગર ઈતના યાદ હૈ,
શકલેં જુદા જુદા થીં, ઉરૂઝો-જવાલ કી.
હવે તો મને એ વાતનું ધ્યાન પણ નથી. પરંતુ હા, મને એટલું ચોક્કસ યાદ છે કે ચડતી પડતીના ચ્હેરાઓ જુદા જુદા હતા.
- ધોકા ન ખાઓ ચારાગરો વાકેઆત સે,
પહલૂ મેં દિલ નહીં હૈ તો ક્યા દર્દ ભી નહીં?
ઓ તબીબો! તમે પરિસ્થિતિને લીધે ભૂલ થાપ ન ખાઈ જતા. પાંસળીમાં હૃદય નથી તેથી અમને કશી વેદના થતી નથી એવું સમજશો નહીં.
- ઈબ્તિદા વો થી કે દુનિયા થી મલામતગાર મેરી,
ઈન્તિહા યે હૈ કિ કોઈ કુછ નહીં કેહતા મુઝે.
આરંભમાં તો આ જગત મારી ખોડખાંપણ કાઢવા તત્પર હતું. હવે તેનો અંત એવો છે કે મને કોઈ કશું જ કહેતું પણ નથી.